ડૉ. વિરેન મહેતા ગુસ્સે થતાં આન્યાને કહેવા લાગ્યા કે, " મારે તારી કોઈ વાત સાંભળવી નથી, ડૉક્ટર બનવું તે કોઈ બચ્ચાંના ખેલ નથી કે તું ધારે છે તેટલું ઈઝી પણ નથી કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં મને પૂછો તો ખરા..બસ માં દીકરી સાથે મળીને નક્કી કરી દો છો..."
આન્યા: પણ ડેડ તમે મારી વાત તો સાંભળો...
ડૉ. વિરેન મહેતા: મારે તારી કોઈ વાત સાંભળવી નથી એક વખત "ના" પાડી દીધી એટલે વાત પૂરી... પછી આગળ તે વાત રીપીટ નહીં કર્યા કરવાની ઓકે...??
હવે આન્યા તો ખૂબજ દુઃખી થઈ ગઈ તેનો તો મૂડ સાવ ઓફ થઈ ગયો... હવે શું કરવું ? ડેડીને કઈરીતે મનાવવા તે એક પ્રશ્ન છે ? મોનિકાબેન ડૉ. વિરેન મહેતાને સમજાવવાની કોશિશ કરતાં કહે છે કે, " સાંભળો છો તમે કોલેજના હિસાબે ના ના પાડો છો પણ કોલેજમાંથી તો તેણે તેનાં મેમને અને સરને મળીને બે ત્રણ દિવસની રજા લઈ લીધી છે પછીજ તેણે દિપેનભાઈને ત્યાં જવાનો પ્લાન બનાવ્યો છે હવે તમે તેને "ના" પાડી દેશો તો તેને ખૂબજ દુઃખ થશે અને પછી તે હઠે ભરાઈ જશે તો લગ્નમાં આવવા માટે જ તૈયાર નહીં થાય માટે તમે તેને આમ ના ન પાડશો.
મોનિકાબેને પોતાની વાત ખૂબજ શાંતિથી ડૉ. વિરેન મહેતાને સમજાવવાની કોશિશ કરી અને ત્યારે જઈને તેમનાં મનમાં આખીયે વાત ઉતરી અને તે બોલ્યા કે, " ઓકે ઓકે, કોલેજમાંથી રજા મળી હોય તો ઠીક વાત છે બાકી હવે પછી મને પૂછ્યા વગર માં દીકરી આ રીતે કોઈ પ્લાનિંગ કરી દેશો નહીં. "
મોનિકાબેને પણ થોડું મોં બગાડીને જ જવાબ આપ્યો કે, " સારું "
અને ક્યારની ચૂપચાપ બેસી રહેલી આન્યા બોલવા લાગી કે, " હવે મારે જ નથી જવું ક્યાંય " અને પોતાના રૂમનું બારણું જોરથી પછાડીને તેણે બંધ કર્યું અને પોતાના રૂમમાં ચાલી ગઈ પાછળ પાછળ મોનિકાબેન પણ ગયા અને, " અનુ બેટા..અનુ ખોલ બેટા બારણું " તેમ કરવા લાગ્યા... ડૉ. વિરેન મહેતા આજે થોડા વધારે પડતા જ ગુસ્સામાં હતાં તેથી મોનિકાબેનને કહેવા લાગ્યા કે, " બસ હવે આમ તેને પંપાળ પંપાળ ના કરીશ અને મોઢે પણ ના ચઢાવીશ એ તો હમણાં લાઈન ઉપર આવી જશે. "
પરંતુ ડૉ. વિરેન મહેતાનું આજનું આવું જડભર્યુ વર્તન મોનિકાબેનને બિલકુલ ગમ્યું નહોતું તે ડૉ. વિરેન મહેતાને સમજાવવાની કોશિશ કરતાં કહેવા લાગ્યા કે, " ટીન એજર્સના છોકરાઓ અને છોકરીઓ સાથે કઈરીતે વાત કરવી અને કઈરીતે બીહેવ કરવું તે તમારી સમજમાં નથી આવતું ? શું તમે પણ તેનાં જેટલા થાવ છો...તમારી ઉંમર અને તેની ઉંમર સરખી છે ? છોકરાઓ જ્યારે આ ઉંમરમાંથી પસાર થતાં હોય છે ત્યારે તેમની વિચારશક્તિ એટલી તીવ્ર નથી હોતી બસ મનમાં એક જ ભૂત સવાર હોય છે કે, જે મગજમાં આવે તે કરવાનું. આ ઉંમર ખૂબજ નાજુક ઉંમર છે તેમાંથી તેમને પસાર થવામાં આપણે તેમની મદદ કરવી જોઈએ અને જે વાત તેમની સમજમાં ન આવતી હોય તે તેમને શાંતિથી અને પ્રેમથી સમજાવવાની કોશિશ કરવી જોઈએ નહીં કે આ રીતે ગુસ્સો કરીને આ રીતે ગુસ્સો કરવાથી તો છોકરાઓ આપણી વિરુધ્ધમાં જઈને તેમનું ધાર્યું જ કરશે માટે જરા મગજથી વિચારો અને પછી તેની સાથે વાત કરો.
ડૉ. વિરેન મહેતા પણ મોનિકાબેનની વાત સાંભળીને થોડા શાંત પડી ગયા અને તેમની સમજમાં આ વાત આવવા લાગી. તે તરત જ આન્યાના રૂમ તરફ ગયા ડોર નૉક કરવા લાગ્યા અને આન્યાને બૂમ પાડવા લાગ્યા, " માય ડિયર અનુ ઓપન ધ ડોર બેટા પ્લીઝ મારે તારું એક કામ છે જો તો આ મોબાઈલમાં શું થયું છે આ આપણાં ગોવાની ટ્રીપના બધાજ ફોટા ડિલીટ થઈ ગયા છે કે શું ? "
અને ફોટા ડિલીટની વાત સાંભળતાં જ આન્યાએ તરતજ જોરથી બારણું ખોલ્યું અને બોલી કે, " લાવો તો તમારો મોબાઇલ "
ડૉ. વિરેન મહેતાએ પોતાનો મોબાઈલ પોતાના પોકેટમાંથી કાઢીને આન્યાના હાથમાં આપ્યો અને તેના માથે પોતાનો હાથ પ્રેમથી ફેરવવા લાગ્યા અને તેને કહેવા લાગ્યા કે, " મને ખબર નહોતી બેટા કે, તે કોલેજમાંથી રજા માટેની પરમિશન લઈ લીધી છે માટે હું જરા ગુસ્સે થઈ ગયો હતો, તારે મને પહેલાં કહેવું હતું ને ? "
અને મોનિકાબેન વચ્ચે જ બોલ્યા, " તમે તેની વાત સાંભળવા તૈયાર હો તો ને ? "
ડૉ. વિરેન મહેતા : ઓકે બાબા સોરી બસ
આન્યા પોતાના ડેડનો આઈ ફોન તેમનાં હાથમાં પરત આપતાં બોલી કે, " આમાંથી તો કંઈ ડિલીટ નથી થયું ડેડ ? "
ડૉ. વિરેન મહેતા પણ હસતાં હસતાં બોલવા લાગ્યા કે, " અચ્છા એવું છે, તો નહીં થયું હોય એ તો હું તને આ રૂમમાંથી બહાર બોલાવવા માટે જરા તારી સાથે મજાક કરી રહ્યો હતો. "
આન્યા પણ પોતાના ડેડને પ્રેમથી વળગી પડી અને બોલી કે, " ઑહ નૉ ડેડ " અને મોનિકાબેન, આન્યા અને ડૉ. વિરેન મહેતા ત્રણેય પ્રેમથી એકબીજાને ભેટી પડ્યા અને વાતાવરણમાં જાણે ખુશી છવાઈ ગઈ.
ડૉ. વિરેન મહેતા: જા હવે તારું પેકિંગ પતાવી દે પછી હું રાજુને આપણી કાર લઇને તને દિપેનના ત્યાં મૂકવા માટે મોકલી દઉં.
આન્યા ખુશી ખુશી પોતાના રૂમમાં ગઈ અને પોતાના કપડા ગોઠવવા લાગી કે તેના મોબાઈલમાં એક સેકન્ડ માટે લાઈટ થઈ તેનું ધ્યાન મોબાઈલ તરફ ગયું. ત્યાં એક મેસેજ હતો કે, " હૅ વ્હેર આર યુ ? ક્યાં ખોવાઈ ગઈ છે ? નો મેસેજ ફ્રોમ યુ..." અને આ મેસેજ વાંચીને આન્યાના ચહેરા ઉપર એક અનેરું સ્મિત આવી ગયું.. જાણે તેનામાં કોઈ સ્પીરીટ આવી ગયું.. તેની કામ કરવાની ગતિને એક અનોખો વેગ મળી ગયો...કોનો મેસેજ હશે ?
એવું કોણ હશે કે જેના મેસેજથી આપ્યાના દિલોદિમાગ ઉપર ખુશી છવાઈ ગઈ.... જોઈએ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/7/22