Sharat - 6 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | શરત - 6

Featured Books
Categories
Share

શરત - 6

(બંને કુટુંબ ચર્ચા કરીને જવાબ આપીશું એમ કહી છૂટાં પડે છે.)
******************

"કેવી લાગી છોકરી?" મમતાબેને ઉતાવળે પૂછ્યું.

"સારી છે."

"તો હું તારી હા સમજું ને!"

"મારી શરત પરવડતી હોય તો હા."

"એટલે?"

"એટલે એ જ કે મેં સ્પષ્ટતા કરી દીધી છે. મારી શરત કહી દીધી છે."

"શું જરૂર હતી!" મમતાબેન ચિંતિત સ્વરે બોલ્યાં.

"જરૂર હતી મમ્મી. કોઈ પણ સંબંધમાં પારદર્શિતા ખૂબ જરૂરી છે. કાલ ઊઠીને છેતરપીંડી થઈ એવો આક્ષેપ ન થવો જોઈએ."

"પણ... આ રીતે તો.. કદાચ."

"જે થશે એ સારું થશે અને દુનિયા વિશ્વાસ પર ચાલે છે તો ચિંતા શાની?"

"પણ તારી હા છે ને?"

"હા મારી મા. જો એ લોકોને તકલીફ ન હોય તો."

"બસ, તો વાંધો નથી."
________________________________

આ તરફ સુમનબેનનો પરિવાર ચર્ચા કરે છે.

"મને તો માણસો સારાં લાગ્યાં. શું કહો છો મમ્મી?" નેહા બોલી.

"હા... છોકરો પણ ચોખ્ખા મનનો છે. હસમુખો છે."

"એમ તો સારો છે પણ મમ્મી... ભરોસો શું કે કાલે ઊઠીને કંઈ સમસ્યા ન સર્જાય! એક તો એ લોકો અજાણ્યા..."

"નેહા પણ તારી માટે અજાણી જ હતી ને. ચીભડુ થોડું છે કે ચાખીને લેવાય અને કોઈ જાણીતા સાથે સંબંધ બંધાયા પછી પણ શું સમસ્યા નથી ઉદભવતી? મને ગૌરી પર પૂરો ભરોસો છે." આનંદને અધવચ્ચે જ અટકાવતાં સુમનબેન બોલ્યાં.

"આટલાં સમજદાર લોકો બીજાં મળશે?" નેહા બોલી.

"હા પણ ખબર નહીં કેમ મન ખેંચતાણ અનુભવે છે."

"તમારી આ દશા છે તો બેનનો વિચાર કરો. તમે એમને વધારે ગૂંચવો છો."

ગૌરી એમની વાતો સાંભળી બહાર જતી રહે છે ને નાનકડાં ગાર્ડનના હીંચકે બેસી જાય છે.

"હું નાખું તને હીંચકો?" દિલિપભાઈએ પાછળથી હીંચકો પકડી હસતાં ચહેરે પૂછ્યું.

ગૌરીએ હકારમાં માથું હલાવ્યું એટલે દિલિપભાઈએ હળવેથી હીંચકાને ધક્કો માર્યો.

"તેં મને હીંચકાને ધક્કો મારવાની હા કેમ પાડી?"

"પપ્પા... તમે મારા પપ્પા છો."

"એટલે કે તને મારા પર ભરોસો છે?"

"હા"

"ધાર કે તારી શાળાનો એક બાળક કોઈ રમત રમતાં ડરે છે, એને પડી જવાની બીક લાગે છે તો તું શું કરીશ?"

"એને સમજાવીશ. એનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય એવું કંઈક કરીશ. પ્રોત્સાહિત કરીશ."

"એક્ઝેક્ટલી... હું પણ આ જ કરી રહ્યો છું."

"પપ્પા... આ બંને અલગ વસ્તુ છે."

"ના દિકરા. કંઈ અલગ નથી. જિંદગી રમત નથી માન્ય પણ રમતથી ઓછી પણ ક્યાં છે! આગળની ક્ષણે શું થવાનું છે એ તને ખબર છે?"

"એ તો અનિશ્ચિત છે એ કેવી રીતે કહેવાય!"

"તો કાલની આટલી ચિંતા કૅમ? બધી છોડી દે ને એક વાત યાદ રાખજે તારો બાપ વૃદ્ધ થયો છે શક્તિહીન નહીં."

"હમમમ્... પ્રયત્ન કરીશ."

"શાબાશ! પ્રયત્ન જ સફળતાની સીડી છે."

"ગૌરી... જે મનમાં હોય તે કહી દે બેટા. મનમાં ન રાખતી. કંઈ કહેવું છે તારે?"

"ના પપ્પા. કંઈ નઈ." થોડું વિચારીને એ સ્મિત સાથે બોલી. આદિ સાથે થયેલી વાત એને જણાવવા જેવી ન લાગી. એને એક જ ચિંતા હતી કે એ ત્યાં કેવી રીતે સૅટ થશે.

"જો બેટા, અમે ક્યાં સુધી જીવવાનાં! તારું ઘર વસી જાય અને તું ખુશ રહે એમાં જ અમારી ખુશી."

"પપ્પા એક પ્રશ્ન પૂછું?"

"કેમ આજે પપ્પાને પ્રશ્ન પૂછવા પૂછવું પડ્યું?" દિલિપભાઈ મીઠા ઠપકાથી બોલ્યાં.

"એમ જ. શું લગ્ન જ જિંદગી છે?"

"ના... પણ જિંદગીનો ભાગ છે. એક તો સમાજ રચનાનો હિસ્સો છે પણ એથીયે વિશેષ જિંદગી નામક સફરને માણવા માટેનો એક સંબંધ છે."

"હમમમ્..."
_______________________________

બે દિવસમાં નક્કી થયેલ સંબંધનું આજે નામકરણ થયું. બે અસમંજસ અનુભવતાં હૈયાં, બે એકદમ અલગ જિંદગીઓ આજે દુનિયાની નજરે હમસફર બની. મંત્રોચ્ચાર સાથે વચને કેટલાં બંધાયા એ તો એ જ જાણે! પણ અલગ અલગ વ્યક્તિત્વ દંપતી તરીકે ઓળખાણ પામ્યાં.

બધું સમુસુતરું પાર ઉતર્યું એટલે બંને પરિવારો ખુશ તો હતાં જ ને ઓળખીતાઓ અચરજ, રિસામણા અને કંઈક અલગ જ અનુમાનો સાથે ગુસપુસ કરતાં હતાં.

ઘણીવાર જીવનમાં ન ધારેલી વસ્તુઓ થાય છે. અણધાર્યા પલટાઓ લઇ વહેતું જીવન કઈ દિશામાં આગળ વધશે એ કળી શકાતું નથી. મુંઝવણો પીછો નથી છોડતી. એવી જ એક મુંઝવણ ગૌરી અનુભવી રહી હતી પણ અહીં કહેવું કોને!

ગૃહપ્રવેશ વખતે ઉપસ્થિત ઘરની આસપાસના લોકો માટે એ કુતૂહલનો વિષય હતી ને એનાં માટે એક અકલ્પિત ઘટના જે એક અલગ જ ઘટમાળની શરૂઆત હતી.

મમતાબેને ભેગા થયેલા આડોશી - પાડોશીને કાલે આવજો એમ કહી વિદા કર્યા પણ ગૌરીએ શું કરવું એ ન સમજાતાં હજું સોફા પર જ બેસી રહી. એની મુંઝવણ સમજતાં મમતાબેને પરીને બૂમ પાડી, "પરી... મામીને મામાના રૂમમાં લઈ જા." ને સાથે સાથે ગૌરીને પણ ફ્રેશ થઈ આરામ કરવા કહ્યું.

ગૌરી પરીનો હાથ પકડી રૂમમાં પ્રવેશીને જોયું કે..

(ક્રમશઃ)