વીરા ના છૂટકે, તૈયાર થઈને, હા, એજ ડ્રેસમાં તૈયાર થઈને મહેતા હાઉસ પહોંચી. શહેરના લગભગ બધા જાણીતા વ્યક્તિ અહીંયા હાજર હતા અને એટલે જ વીરાને કોઈ ઢીંગલીની જેમ સજાવામાં આવી હતી. વીરા આવતા જ સમય બધાનું ધ્યાન ખેંચવા, એની પાસે ગયો અને એને ભેટીને તેનું સ્વાગત કર્યું. તારા મોમ પાસે એને લઇ ગયો અને એના માટે ડ્રિન્ક લઈને આવ્યો. તારા મોમ પણ અહોભાવથી એને ભેટી પડ્યા. વીરાને આ પરિવાર માટે કોઈ નફરત ન હતી પણ હવે એનાથી પ્રેમનો દેખાડો થઇ શકતો ન હતો. પોતાની સાથે જે થઇ રહ્યું છે એ કેટલી હદ સુઘી થવા દેવું જોઈએ? અરે થવા દેવું પણ જોઈએ કે નહીં? આવાં સવાલો હવે એના મનમાં વારે વારે ઉભરાવા લાગ્યા હતા.
વીરા સિફતથી થોડી દૂર ખસી ગઈ અને ખૂણામાં જઈને ઉભી રહી ગઈ. બાજુમાં થાંભલો હોવાથી એ એક તરફથી ઢંકાઈ જતી હતી. થોડી દૂર ચાર પાંચ વ્યસ્ક સ્ત્રીનું ટોળું હતું, એમાંથી એક બોલ્યું 'સમય તો મહેતા પરિવારનો છેલ્લો વારિસ છે'. બાકીના બધા હસવા લાગ્યા. કોઈકે દોઢ ડાહ્યા થઈને પૂછ્યું 'કેમ એમ કહો છો?' બીજી સ્ત્રી બોલી, 'જોને સાત વર્ષ થઇ ગયા, સમય અને વીરાના લગ્નને, હજી સુધી એમનાં ઘરમાં બાળક નથી, તો ક્યાંથી વધશે મહેતા પરિવારનો વંશવેલો? આ સાંભળીને વીરા હચમચી ગઈ, આખરે સ્ત્રી કેટલીય બાહોશ હોય, બુદ્ધિશાળી હોય , સફળ હોય એ પોતાને સંપૂર્ણ ત્યારે જ માને છે જયારે એ માં હોય, વીરા પણ એમાંથી બાકાત ન હતી. એનાથી આ ન સંભળાયું. એ દોડીને ઘરમાં આવેલ લાઈબ્રેરીમાં જઈને રડી પડી.
ગિરીશ પપ્પા જે ખુરશીમાં બેસતા ત્યાં હજી પણ વીરા એમના સ્પંદન મહેસુસ કરી શકતી. ઘણીવાર વીરા, મનન હળવું કરવા આ લાઈબ્રેરીમાં આવતી. સંતાનનું સુખ તો એને પણ જોઈતું હતું. કદાચ બાળક હોત તો સમય સાથે રહેલી અપૂર્ણતા છતાં, પોતાના સંતાન સાથ ખુશ રહી શકાત. ખામી પણ, વીરામાં જ હતી. હા, સમય અને તારા મોમ બંને એ એમ જ કહ્યું હતું. હજી ગયા મહિને જ તો આ વાત ખબર પડી હતી. તારા મોમ, સમય અને વીરા ત્રણેય જોડે ડૉક્ટર પાસે ગયા હતા. અમુક ટેસ્ટ પછી પરિણામ આવવાનું હતું. ગાયનેક તારા મોમના મિત્ર હોવાથી પરિણામ લેવા પણ એ જ ગયા હતા. તારા મોમે , બાળક ન આપી શકવા માટે વીરાને સંભળાવવામાં કોઈ કસર રાખી ન હતી.
વીરા માં નહીં બની શકે એ જાણ્યા પછી સમયે, વીરાને ક્યારે એ મામલે કઈ જ કહ્યું ન હતું. એ ચાહત તો વીરાને છોડી શકયો હોત! વીરાના મનમાં જે દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં વીરા સમયની તરફથી લડી રહી હતી. વીરાને એ પણ ખબર છે કે , પોતે માં નહીં બની શકે એ વાત જાણ્યા પછી એમની વચ્ચે ક્યારેય............ખેર, આમ પણ, એ પહેલાં પણ, છેલ્લા કેટલાય વખતથી વીરાએ તો ક્યારેય પહેલ ન કરી હતી. સમયે, પ્રયત્ન કર્યો પણ હોય તો વીરાએ ટાળવાની જ કોશિશ કરી હતી, અથવા ના છૂટકે! વીરાને, એ દરેક વખતે એવું જ લાગતું કે એની સાથે બળજબરી થઇ છે! ખુશી તો પહેલા પણ ન થતી અને હવે તો બળજબરી જ હતી.
વીરા આ બધું જાણતી સમજતી હોવા છતાં, મહેતા પરિવારના ઉપકાર હેઠળ પોતાને જ દોષી માનતી હતી. સાહિલ સાથે મનથી બાંધેલા સંબંધ પછી દરેક વાર એને પોતાના કહેવાતા પતિ સમય સાથે કંઈક ખોટું કર્યાનો અહેસાસ થતો. વીરાની આ બધી જ સમસ્યા વિશે સાહિલ સભાન હતો પણ વીરાને થતી અસમંજસમાંથી તો એ એકલી જ પસાર થઇ રહી હતી. વીરા કાયમ વિચારતી કે સાહિલ છે મારી સાથે, મને સમજે છે પણ, એથી તો મેં સાહિલને પણ મારા દુઃખમાં ભાગીદાર બનાવી દીધો છે. હા, સાહિલ કુંવારો છે, એલિજિબલ છે અને છતાં મારી સાથે ભરાઈ પડ્યો છે. વિચારોનું વાવાઝોડું ફૂંકાય તો એમાં ઘણું બધું ધરાશાયી થઈ જાય. વીરા સાથે તો આ હવે કાયમનું થઇ ગયું હતું. પોતે જ્યાં હતી ત્યાં ખુશ ન હતી અને જ્યાં ખુશ થતી ત્યાં જઈ શક્તી ન હતી, પણ કેમ? શું એને ખુશ રહેવાનો અધિકાર નથી?
સમય અને સ્થળનું ભાન થતા, વીરા ત્યાંથી ઉભી થઇ અને કાંઈ ન બન્યું હોય એમ બહાર આવી અને ફરી એકવાર એક દંભી વ્યક્તિ બની ગઈ જેને દુનિયા, "વીરા સમય" ના નામથી ઓળખતી હતી. વીરા આવી અને સમયની જોડે જઈને ઉભી રહી, લિપ્સ્ટીકિયુ સ્મિત કરતી રહી અને ફરી એક વાર મનને મારતી રહી.
પાર્ટી પતતા, બન્ને ફ્લેટ પર જવા નીકળતા હતા ત્યારે તારા મોમ એ કીધું, આજ અહીંયા જ રહી જાઓ. સમય અને વીરાનું અહીંયા બીજું ઘર હતું, ના એમ કહોને પહેલું ઘર હતું. અહીંયા એમનો અલાયદો રૂમ તો હતો જ અને બંનેનો પોતાનો અલગ રૂમ પણ હતો. અહીંયા બાળપણની યાદો, ખાસ તો ગિરિશ પપ્પાની યાદો હતી .
વીરા પોતાના રૂમ તરફ ગઈ અને સમય, તારા મોમ પાસે ગયો. વીરાએ સૌથી પહેલા, કપડાં બદલવા માટે કબાટ ખોલ્યું. કદાચ સાફ સફાઈ માટે, બંધ કબાટ ખસેડવામાં આવ્યું હશે એટલે જયારે વીરાએ કબાટ ખોલ્યું છેક ઉપરના ખાનામાં રહેલ દસ્તાવેજોમાંથી વિલના કાગળની નકલ પડી. પોતાના પિતા શિશિર જોશીનું નામ વાંચીને પણ વીરાને ગિરીશ પપ્પા જ યાદ આવ્યા. વાસુદેવ અને નંદમાં આ જ અંતર. વીરાને ફરીથી ગિરીશ પપ્પાનો લેટર વાંચવાનું મન થયું પણ એ પહેલાં એણે સાહિલ સાથે વાત કરવાનું નક્કી કર્યું. જે રીતે એ ત્યાંથી નીકળી આવી હતી એનાથી એને પોતાને પણ ચેન ન હતું. વીરાએ સાહિલને વિડિઓ કોલ કર્યો:
સાહિલ: બોલો જાન. (સાહિલ ક્યારેય, વીરાનો ફોન રિસીવ કરતાં હેલો ના બોલતો. એ કહેતો, હેલો તો દુનિયા માટે છે.)
વીરા: (કાન પકડતાં), સોરી સાહિલ. આજે ફરી એક વાર. મને નથી ખબર હું કેટલી વાર આમ તને સોરી કહીને ફરી એજ ભૂલ રિપિટ કરતી રહીશ. તને આમ વારે વારે છોડવાની ભૂલ!
સાહિલ: વીરા, પહેલા તો એમ કહે કે તને મૂકીને આવવાની ભૂલ, ના કે તને છોડવાની ભૂલ, કારણકે તું મને છોડી દઈશ તો હું જીવી નહિ શકું. રહી વાત તારી ભૂલની, મને એ તો ખબર નથી, પણ એ જરૂર ખબર છે કે હું હંમેશા તને એટલું જ કહીશ કે, " ઇટ્સ ઓકે વીરા. મને તારી ચિંતા થાય છે અને હું તને ફરી એક વાર કહી રહ્યો છું કે, હંમેશ માટે મારી પાસે આવતી રહે.". હવે તારે મને કહેવું જ પડશે કે તને શું રોકી રહ્યું છે. તું મને કાલે મળ. આપણે મારા ઘરે જવાનું છે. માં અને પપ્પા તને મળવા માંગે છે. ગુરુજીને પણ મળવાનું છે.
વીરા: સાહિલ, મને નથી ખબર કે હું શું કરું? મને નથી સમજાતું. તું શું કામ તારી જીંદગી મારા માટે ખરાબ કરે છે? પરણી જા ને?
સાહિલ: વીરા, તું મને એ જ ભૂલ કરવા માંગે છે જે તે કરી છે? વગર પ્રેમે પરણી જવાની! તું રહી શકીશ મારા વિના? જો, કહેતી હોય તો હું હમણાં જતો રહું તારી જીંદગીમાંથી પણ હું કોઈ બીજાને મારી જીંદગીમાં નહિ આવવા દઉં.
(વીરા અને સાહિલ બંને ચૂપ થઇ ગયા.)
સાહિલ: (વીરાને ફ્લાયિંગ કિસ આપતા) વીરા, ઇટ્સ ઓકે જાન. આપણે આમાંથી બહાર નીકળી જઈશું, જલ્દી નીકળી જઈશું. હવે તું ફ્રેશ થઈને સુઈ જા. તું તારા ફ્લેટ પર નથી લાગતી, મહેતા હાઉસમાં છે?
વીરા: હા, સાહિલ હું મહેતા હાઉસમાં છું અને અને .......
સાહિલ: વીરા, નોટ અગેઇન, વીરા તું ગિરીશ પપ્પાનો લેટર વાંચવાની છે? તને ખબર છે ને કે એ લેટર તને, તને એ વાત યાદ કરાવે છે જેણે તારી જિંદગી હંમેશ માટે બદલી નાખી. વીરા, પોતાની જાતને તકલીફ આપવાનું બંધ કર, તારા માટે નહિ તો મારા માટે.
વીરા: સાહિલ, મને તકલીફ આપવા માટે હું એકલી નથી, બીજા પણ ઘણા લોકો છે જેમને એવું કરવામાં આનંદ આવે છે.
સાહિલ: આજે ફરી વાર, કોઈએ બાળક માટે, પૂછ્યું?
(વીરાએ જવાબ ના આપ્યો પણ એની આંખોમાં આંસુ આવી ગયા)
સાહિલ: લુક વીરા, હવે આ બહુ થઇ રહ્યું છે. શું કામ તું આ બધું સહન કરી રહી છું. વીરા, મારાથી તારી આ સ્થિતિ નથી જોવાતી. મને નથી ખબર કે હું કેટલા વખત માટે ખુદને રોકી શકીશ? (સાહિલે દીવાર પર મુક્કો મારતાં કહ્યું.)
વીરા: સાહિલ, મને હવે તારા ગુસ્સાથી બીક લાગે છે. જો તું આવું કરીશ તો હું તને મારા મનની વાત નહિ કહું.
સાહિલ: હા, વીરા એક કામ કર. તું હવે મને કંઈ જ કહેતી. મનમાં ને મનમાં ઘૂંટાતી રહેજે અને મને પણ દુઃખી કરતી રહેજે. જો તું ખુશ નહિ હોય તો હું પણ ખુશ નહિ રહું. તારે આપણને બન્ને ને દુઃખી કરવા જ છે તો હવે એમ જ થશે.
વીરા: સાહિલ, આઈ એમ સોરી, મને માફ કરી દે.
( વીરા અને સાહિલ બન્નેની આંખમાં આંસુ છે)
સાહિલ: વીરા, આઈ લવ યુ યાર અને એટલે જ ફક્ત તારી ખુશીમાં જ નહિ પણ તારા દુઃખમાં, તારી ચિંતામાં અને તારી વ્યથામાં પણ મારો હક છે અને હું એ હક નહિ છોડું. તને ખબર છે ને વીરા, હું તારો હાથ અને તારો સાથ બંને નહિ છોડું.
બન્ને, ચૂપ થઇ જાય છે. આંખને જાણે ઠંડક મળતી હોય એમ એકબીજાની સામે બસ જોયા કરે છે. સાહિલને મેધા માંનો ફોન આવતાં, સાહિલ, વિરાને ગુડ નાઈટ વિશ કરે છે અને ફરી એક વાર ફ્લાયિંગ કિસ કરીને ને, કાલે મળવાના વાયદા સાથે ફોન કટ કરે છે. વીરા, સાહિલને, એની વાતોને મનમાં ફરી વાર વાગોળી લે છે.
સમય કદાચ, વાત કરવા માટે એની રાહ જોતો હશે! પોતે સમયનો વોઇસ મેસેજ પર સાંભળ્યા પછી જ તો પાર્ટીમા આવી હતી ને! વીરા અને સમય જ્યારે પણ મહેતા હાઉસમાં હોય, પોત પોતાના બાળપણથી રહેલાં રૂમમાં રહેવાનું પસંદ કરતા અને આ વાત ખુબ સામાન્ય હતી. વીરા, પોતાના રુમમાંથી બહાર આવીને, સમયના રૂમમાં જાય છે. સમય ઘસઘસાટ ઊંઘી ગયો હતો. વીરાને ફરી એક વાર પોતાનો ઉપયોગ થયાની લાગણી થઇ આવી. વીરાને અહીંયા બોલાવા માટે જ સમયે ખોટો દિલાસો આપ્યો હતો.
વીરા ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગઈ. બાથરૂમમાં જઈને ઠંડી પાણીથી શાવર લીધો જાણે એ મેલી થઇ ગઈ હોય. કપડાં બદલીને, પલંગ પર ઊંઘી પડી. સાહિલ સાથે વાત કર્યા પછી એને કદાચ ગિરીશ પપ્પાનો લેટર ન વાંચ્યો હોત, પણ કહેવાય છે ને માણસ ગુસ્સામાં પાગલ થઇ જાય છે. વીરાએ સાહિલ પપ્પાનો લેટર વાંચવાનો શરૂ કર્યો.
✍️CA આનલ ગોસ્વામી વર્મા
વધુ આવતા અંકે....
ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.