સ્કેમ….15
(ડૉકટર આશ્વીના ડર વિશે તેના મમ્મી પપ્પાને જણાવે છે. સીમા ડૉ.રામનો પ્રોબ્લેમ જાણવા મીરાંની મદદ લે છે. હવે આગળ...)
આકાશ અને સેજલને લઈને ઘરે પહોંચે છે, તો સાવન તેમની રાહ જોતો પગથિયાં પર બેસેલો જોઈને તેઓ ખુશ થઈ જાય છે અને આશ્વી તો સાવનને ગળે વળગી જ પડી અને રોવા લાગી,
"ભઈલું... ભઈલું... મને..."
"અરે, બસ... બસ રડ નહીં, તને મદદ કરવા જ તો હું 1 મહિનાની રજા લઈને આવ્યો છું. તારા બધા જ પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરી દઈશું, રાઈટ?"
"સાચે જ ભઈલું..."
"હા ભાઈ હા, ચાલ અંદર મને ખૂબ ભૂખ લાગી છે. મમ્મી મેગી બનાવને."
"બસ દો મિનિટ..."
અને સેજલ હસવા લાગી તો આકાશે ખુશ થઈને કહ્યું કે,
"તું મેગી બનાવ. હું હમણાં જ જઈને જલેબી સમોસા લઈને આવું."
આકાશે બહાર જવા પગ ઉપાડયા અને સેજલે ઘર ખોલીને કીચનમાં પહોંચ્યા. બંને ભાઈ બહેન એકલાં પડયાં એટલે હીંચકા પર બેસીને હિંચકા ખાવા લાગ્યા. ધીરેથી રહીને સાવને આશ્વીને કહ્યું કે,
"આશ્વી સાચું કહું તો હું તારા માટે નહીં, પણ જલેબી ખાવા આવ્યો છું."
"ભઈલું... તને મને ચીડવવાની મજા આવે છે ને હમમમ. અહીં મને રડવું આવે છે ને તને?"
"હમમ, તો પછી મને રોવડનારી આજે કેમ રડી રહી છે?"
"ભાઈ મને ડર લાગે છે કે હું તમારા જેવી બેસ્ટ ડૉકટર નહીં બની શકું તો?"
"પણ ડૉકટર બનવું જરૂરી કયાં છે? મને જયાં સુધીખબર છે તને તો કોમ્પ્યુટરમાં રસ છે."
"હા ભાઈ, પણ મમ્મી પપ્પા બંને મને ડૉકટર બનાવવા માંગે છે."
"ધેટસ નોટ ફેર, જવા દે બધી વાતો. મને તો છે ને... મને તો છે ને, તારી ચોટલી ખેંચવી છે."
કહીને તેની ચોટલી ખેંચી લીધી અને પછી તે દોડવા લાગ્યો. સાવન આગળ દોડે અને આશ્વી પાછળ... પાછળ. આમ ખાસી ધમાલ કર્યા પછી સાવને કહ્યું કે,
"બસ... બસ... ટાઈમ પ્લીઝ... મને થાક લાગ્યો અને મને ભૂખ પણ લાગી છે, તને?"
"મને પણ ભાઈ..."
"તો ચાલ પહેલાંની જેમ જ..."
બંને સાથે ડાઈનીંગ ટેબલ પર બેસીને થાળી પર ચમચી ખખડાવીને,
"મમ્મી.. મેગી... મમ્મી.. મેગી..."
સેજલ લાંબા સમય બાદ ઘરમાં ચહેકતા અવાજથી ખુશ થઈને બોલી,
"લાવી... લાવી..."
એટલા માં આકાશ પણ જલેબી અને સમોસા પેક કરીને લઈ આવ્યા. સેજલે તે નાસ્તા અને મેગી એક બાઉલમાં કાઢયા અને ચા પણ બનાવીને લઈ આવી. બધાએ મજાક મસ્તી કરતાં કરતાં નાસ્તો કર્યો. સેજલ કીચનમાં અને આશ્વી સૂવા ગઈ એટલે સાવને ડૉ.રામે જોડે શું વાત થઈ તે પૂછ્યું. આકાશે બધું કહ્યા બાદ સાવને કહ્યું કે,
"પપ્પા આ તો રોંગ વાત છે ને કે તમે આશ્વીને ડૉકટર બનવા પ્રેશરાઈઝ શું કામ કરો છો? તેને તો કોમ્યુટર એન્જીનીયર બનવું છે. જે વ્યક્તિને જે ગમતું હોય તે કરવા મળે તો જ તે ખુશી ખુશી એ કામ કરી શકે, નહીં તો નહીં. અને પપ્પા કયાં જરૂરી છે કે ભાઈના કદમ પર જ બહેનને ચાલવું પડે."
"સમજી ગયો ભાઈ કે હું તેને પ્રેશરાઈઝ નહીં કરું અને ખાસ કરીને તો એ કે તું તારી બેનની વકલાત કરવા આવ્યો છે, તે પણ."
"ના પપ્પા, એવું કંઈ નથી."
"તો પછી અચાનક કેમ?"
"અરે આમ તો તે મને મહિના પછી થિયરીની પ્રિપેરશન માટે રજા આપવાના જ હતા એટલે મેં આશ્વી વિશે જણાવી અને મહિના પહેલાં માંગી લીધી. જે પ્રેક્ટિસ બાકી રહેશે તે મહિના પછી જઈને કરીશ.' એમ કહ્યું તો તે માની ગયા"
"હમમમ... સરસ..."
"અને હું મારી બેનનું મોરલ વધારવા આવવું જરૂરી હતું."
"બરાબર, તને કોઈ ના પહોંચે. સારું જા આરામ કર, થાકી ગયો હોઈશ."
"સારું... નેક્સ્ટ વીક એપોઇન્ટમેન્ટ છે ને, હું જોડે આવીશ."
"સારું..."
નઝીર આંતકી અચાનક જ ડૉકટર રામની હોસ્પિટલ પહોંચી ગયો અને સીધો તે કેબિનમાં ગયો. ડૉ.રામ પેશન્ટ સાથે બીઝી હતા એટલે તે સોફા પર બેસી ગયો. પેશન્ટ સાથે વાતચીત પૂરી કરીને પેશન્ટને રવાના કર્યો. પછી તેની સામે થોડું ગુસ્સો અને થોડા આશ્ચર્યથી જોયું અને કહ્યું કે,
"તમને ખબર છે કે નહીં, ડૉકટર અને પેશન્ટની વચ્ચે ના આવું અને મેં તમને કેટલી વાર કહ્યું છે કે ઓપીડીમાં અચાનક નહીં આવવાનું."
"એ બધા વેવલાવેડા માં મને ખબર નથી પડતી. હું કહું અને તે કામ ના થાય તો ત્યાં જ હું તેને ઠોકી દઉં. પણ શું કરૂં તું નામવાળો ડૉકટર અને પાછો કામનો એટલે તારી મનમાની હું ચલાવી લઉં છું, ખબર છે ને?"
"હા ખબર છે, પણ આ રીતે અહીં આવવાનું અને મને હેરાન કરવાનું કારણ?"
"હા, પેલો કયારે બકશે?"
"મેં તમને કહ્યું હતું ને કે એ સબકોન્શિયસ થાય તો જ બોલે, બાકી પોસિબલ નથી."
"ખબર છે એ તો મને, એમાં નવું કયાં કીધું. પણ આગળ કેવી રીતે બોલાવીશ, એ પૂછું છું?"
"હમમમ... આ વખતે હું મારી રીતે તેની સાથે વાત કરું તો."
"અમારી વાત, પૈસાની ઓફર પણ તેને ઠુકરાવી દીધી. પછી તારી વાત કેવી રીતે સાંભળશે?"
"સાંભળશે પણ જો તમે મને એકાંતમાં વાત કરવા દો તો..."
"અને ના બોલે તો?"
"તો તમારું કંઈ નહીં બગડે, આમ પણ તે તો તમારી કેદમાં જ છે. પછી તમારે શું કામ ચિંતા કરવી પડે? એ નહીં બોલે તો ફરીથી હિપ્નોટાઈઝ કરીને જાણવા પ્રયત્ન કરીશું."
નઝીરને વિચારમાં પડેલો જોઈને રામે કહ્યું કે,
"કદાચ કહી પણ દે અને ના પણ કહે, પણ જો એકવાર પ્રયત્ન કરવાથી કયાંક વાત બની જાય તો તમારા માથા પરથી આ ટેન્શન ઓછું થાય."
"હમમમ... વિચારીને કહું તને..."
"પણ જુઓ નઝીર ભાઈ કદાચ બોલે કે ના બોલે. પણ ના બોલે તો મારા માથે કંઈ નહીં. એ જો નહીં બોલે તો હું તમે કહેશો તેમ કરીશ."
નઝીર ચૂપચાપ આ સાંભળીને બહાર જતો રહ્યો અને તેની રૂમ પર જઈને પોતાના આકાને ફોન કર્યો.
(સાવન આશ્વીનું મોરલ વધારી શકશે? તે એકઝામ આપશે કે નહીં? ડૉ.રામને સાગર જોડે વાત કરવાની રજા તેનો આકા આપશે?"
જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....16)