Thherav - 2 in Gujarati Fiction Stories by CA Aanal Goswami Varma books and stories PDF | ઠહેરાવ - 2

Featured Books
Categories
Share

ઠહેરાવ - 2

પ્રથમ ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, વીરાના ગયા પછી, સાહિલ વીરાની સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળે છે. ચાલો વાંચીએ......

સાહિલને વીરા સાથે થયેલી પહેલી મુલાકાત આવી ગઈ. આ કાફે માટે જ એ વીરાને પહેલી વાર મળ્યો હતો. એને હજીય એ મુલાકાત એટલી જ બારીકાઈથી યાદ છે. જાણે બંને કાલે જ ના મળ્યા હોય! સાહિલ અમદાવાદમાં પોતાનો હોસ્પિટાલિટી બિઝનેઝ શરૂ કરવા માંગતો હતો, જેથી એણે સમય અને વીરાના ફર્મનો સંપર્ક કર્યો હતો. બે ત્રણ વાર સેક્રેટરી મારફતે વાત કર્યા પછી એ આજે સમયને અહીંયા મળવાનો હતો. છેલ્લી ક્ષણે ખૂબ અગત્યનું આવી જતાં સમયની જગ્યાએ વીરા આવી.


સાહિલ પહેલાં એ આવી ગઈ હતી અને એથી કાફેની બહાર આવેલ ગુલમોહરના ઝાડની નીચે ઉભી હતી. સંજોગોવશાત એની પીઠ જે તરફ હતી એ તરફથી સાહિલ આવ્યો. પગલાંના અવાજથી વીરા અવાજ તરફ ફરી અને એની અને સાહિલની નજર મળી, પહેલી વાર! બે ક્ષણ માટે જાણે પૃથ્વી પર બધુ જ અટકી ગયું, કદાચ વીરા અને સાહિલની આજુબાજુ ગોઠવાઈ ગયું અને એટલે જ બરાબર એજ વખતે ગુલમોહરના ફૂલો વીરા અને સાહિલ પર પડ્યા. બંનેના હોઠ પર સ્મિત આવી ગયું. વીરાનું એ સ્મિત સાહિલના મનને ઘાયલ કરી ગયું. સાહિલનું ચાલ્યું હોત તો એણે ત્યારે જ ઘુંટણીયે બેસીને વીરાને પોતાની જીવનસંગીની બનવા માટે પૂછી લીધું હોત.

સાહિલ કંસ્ટ્રકશનના બિઝનેસમાં હોવાથી ઘણાં ડિઝાઇનર સાથે એને મળવાનું થતું. સમય અને વીરાની ફર્મ ઘણી જાણીતી હોવાથી, એ વીરા અને સમયને સોશીયલ મીડિયા પર ફોલો કરતો હતો અને એથી જાણતો હતો કે વીરા અને સમય પતિ પત્ની છે. પોતે ચૂકી ગયાનો અહેસાસ એને હવે થયો! વીરા ફોટોમાં પણ સુંદર લાગતી પણ એની આંખો, એનું સ્મિત જે કામણ એની હાજરીમાં કરી જતું એની તો વાત જ અલગ હતી. સાહિલની એપોઇન્ટમેન્ટ સમય સાથે હતી, એટલે એણે સહજતાથી પૂછ્યું કે, મી સમય અંદર છે?


વીરાએ ખૂબ જ નિર્દોષ પણે પૂછ્યું કે હું નહીં ચાલુ? વીરાની આંખોમાં રહેલ નિર્દોષતા, એનાં અવાજમાં રહેલી કોમળતા સાહિલને સ્પર્શી ગયા. સાહિલ તરત બોલ્યો કે હવે તો તમે જ જોઈએ મને. સાહિલે જયારે આવું કહ્યું ત્યારે વીરા ક્ષણ બે ક્ષણ માટે સાહિલની સામે જ જોઈ રહી. જે રીતે સાહિલે આ વાકય કહ્યું એમાં કંઈક એવું હતું જે ખૂબ વિશેષ હતું, કંઈક મનને સ્પર્શી જાય એવું. વાત ભલે હોંઠોના માધ્યમથી કહેવાઈ હોય પણ કદાચ મને પોતાની વાત કહેવા માટે શબ્દોનો ઉપયોગ કર્યો હોય એટલી સચ્ચાઈ હતી એ શબ્દોમાં!

" સ્પર્શી તો લાગણીનો હોય છે, શબ્દો તો ખાલી માધ્યમ માત્ર છે."

સાહિલે, પોતાનો હાથ આગળ ધરીને પોતાનો ઔપચારીક પરિચય આપતા કહ્યું કે સાહિલ, સાહિલ મહેરા. વીરાએ, પોતાનો હાથ આગળ કરીને, હાથ મિલાવતા વળતો જવાબ આપ્યો, વીરા, વીરા સમય. વીરાએ જે રીતે પોતાની ઓળખાણ સમયના નામ સાથે આપી એનાથી સાહિલને પોતાની અંદર કંઈક ખૂચ્યું હોય એમ લાગ્યું. અનાયાસે એનો હાથ પોતાન હૃદય તરફ કરતા એ બોલી ઉઠ્યો હાય! બંને ફરી હસી પડ્યા. વીરા હસી તો ખરી પણ મનમાં થોડી ઝંખવાઈ પણ ખરી. વીરાએ પોતાનો હાથ પાછો લેતાં કહ્યું, કામની વાત કરી લઈએ. આ આ કાફેનું નામ શું વિચાર્યું છે? સાહિલે એક લાંબો નિસાસો નાખ્યો અને કાફેની અંદર તરફ જવાનો ઈશારો કરતા, વીરાની આગળ ચાલતો, એને દોરવતા બોલ્યો કે હું હજુ પણ નામ વિચારી રહ્યો છું.


મારી દરેક વેન્ચરના નામ હું ત્યાંના સ્પંદન પરથી રાખું છું અને આ જગ્યા માટે હજી નામ મળ્યું નથી. મારી ઈચ્છા છે કે, અમદાવાદ, જ્યાં ચારે તરફ કોન્ક્રીટના જંગલ છે ત્યાં શહેરની વચ્ચોવચ એવી જ્ગ્યા બનાવું જયાં આવીને મનને શાંતિ મળે, જ્યાં ઘડીક રોકાવાનું મન થાય. બધી સમસ્યામાંથી વિરામ. જાણે કે બધું થોડા સમય માટે અટકી જાય. વીરા બોલી, "ઠહેરાવ, જાણે કે ઠહેરાવ આવી જાય. સાહિલ એકદમ ખુશીથી બોલ્યો, "ઠહેરાવ", હા ઠહેરાવ. કાફેનું નામકરણ થઇ ગયું. હવે હું કાફેનું નામ ઠહેરાવ જ રાખીશ. હવે આપણે કાફેની બદલે ઠહેરાવ બોલીને જ કાફે વિશે વાત કરીશું. વીરા તરત બોલી તો મને કાફેની કમાણીમાંથી ભાગ મળવો જોઈએ, નામકરણ કરવા માટે. સાહિલ બોલ્યો જાવ, ઠહેરાવમાં તમારી એક જગ્યા હમેંશા રિઝર્વ રહેશે અને તમારે ક્યારેય પૈસા નહીં ચૂકવવા પડે. આ વાયદો સાહિલે ત્યારથી આજ સુધી કાયમ પાળ્યો છે. વીરાએ ક્યારેય કાફેમાં કોઈ બિલ ચૂકવ્યું નથી. વીરા માટે, કાફેનું સૌથી સરસ ટેબલ કાયમ રિઝર્વ રહેતું. ગમે તેટલું વેઈટિંગ હોય, એ જ્ગ્યા પર બીજા કોઈને બેસવાની પરવાનગી ન હતી.આ હતી સાહિલ અને એની વીરાની પહેલી મુલાકાત.

ઠહેરાવ, વીરા અને સાહિલ બંને માટે ખાસ હતું. આ પહેલાં અમદાવાદમાં આવું ઓપન કાફે ન હતું વળી સાહિલ માટે આ અમદાવાદ ખાતેનો પહેલો પ્રોજેક્ટ હતો. પૂરા દશ મહિના ડિઝાઇનગનું કામ ચાલ્યું જેમાં વીરાએ પોતાનું સર્વસ્વ આપી દીધું. સાહિલે પણ કોઈ વખત બજેટ માટે ફરિયાદ ન કરી, ઠહેરાવ એનું અમદાવાદનું પહેલું સાહસ હતું એટલે એના માટે ખાસ હતું.


સાહિલને ત્યાંનું વાતાવરણ અને શાંતિ એટલા સ્પર્શી ગયા કે એણે પોતાના માટે ત્યાંજ સ્ટુડિયો હાઉસ બનાવવાનું નક્કી કર્યું હતું જેનું કામ પણ વીરાએ જ કરવાનું હતું. વીરા, અને સાહિલ, ઠહેરાવ માટે કામ કરતા-કરતા ખૂબ નજીક આવી ગયા હતા. લગભગ આખો દિવસ કનેક્ટેડ રહેતા અને મી સાહિલ અને મિસ વીરા પરથી સાહિલ- તું અને વીરા- તું એવા સંબોધન પર આવી ગયા હતા. વીરાએ કેટલી વાર સાહિલને પોતાની તરફ જોતો, નોંધ્યો હતો. સાહિલ પણ જાણતો હતો કે વીરા એની સાથે કામ કરતી વખતે ખુશ હોય છે. બંને એક બીજાની પસંદ -નાપસંદ, શોમ, મુડ સુદ્ધાથી વાકેફ થવા લાગ્યા હતા. સાહિલ ઘણી વાર કહેતો કે ચાલ વીરા, મારી સાથે ભાગી જા. વીરા કહેતી, હું વીરા છું, સમયની વીરા, તારા હાથમાં નહીં આવું સાહિલ. આ સાંભળીને સાહિલને દરેક વખતે દુઃખ થતું જ્યારે વીરા હમેંશા બે હાથે કાન પકડીને, સાહિલને સોરી બોલતી પછી કહેતી, આવતા જન્મે ચોક્કસ. સાહિલે નોંધ્યું હતું કે છેલ્લા કેટલાંક વખતથી, વીરા આ કૉમેન્ટ પર ચૂપ રહે છે. હવે વીરા પણ ઘણી વાર સાહિલને ચોરી છુપીથી જોયા કરતી. સાહિલ જે રીતે એની કાળજી લેતો, એની ગરીમાંનું ધ્યાન રાખતો એ કદાચ જ સ્પર્શ્યા વગર રહે. પ્રેમથી બચવું ઘણું મુશ્કેલ છે.


સાહિલ જે અહોભાવથી વીરાને જોતો, એની સાથ વાત કરતો, હંમેશા એને આગળ રાખતો, એનાથી વીરાનું એના તરફ ના ઝૂકવું શક્ય ન હતું. બંને એકબીજા માટે જ સર્જાયા હતા અને હવે હવે બંનેને એમ લાગી રહ્યં હતું કે કાશ, કાશ વહેલા મળ્યા હોત . સાહિલ અને વીરા સાથે હોય ત્યારે બધું પરીઓની વાર્તાની જેમ સુંદર બની જતું. એક જાદુ હોય જાણે અમે સાહિલ અને વીરા એકબીજા સાથે ખુશ રહેતાં. સાહિલ વીરાના વિચારમાં જ હતો કે, વીરાનો મેસેજ આવ્યો કે, મારી ચિંતા ના કરીશ, હું ઘરે પહોંચી ગઈ છું. ઘરે, આ શબ્દ વાંચીને, સાહિલને હસવું આવું ગયું. તું ઘરે જ હતી વીરા, જે છોડીને તું જતી રહી................. ક્યાં સુધી આમ જ મને છોડીને જતી રહીશ?

✍️ ©CA આનલ ગોસ્વામી વર્મા

વધુ આવતા અંકે....

ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.