Understanding about Prosperity and Aristocracy in Gujarati Motivational Stories by Dr. Bhairavsinh Raol books and stories PDF | સમૃદ્ધિ અને અમીરી વિષે સમજીએ

Featured Books
Categories
Share

સમૃદ્ધિ અને અમીરી વિષે સમજીએ

સમૃદ્ધિ (Prosperity)અને અમીરી (Aristocracy)વિષે સમજીએ:
‘ક્રેટા કાર ને પાંચ વર્ષ થઈ ગયા. ૬૦,૦૦૦ કિલોમીટર ચાલી. હવે નવી કાર ખરીદી લે ને. તને તો ડેપ્રીસીએશન પણ મળશે.’ થોડા સમય પહેલાં એક અંગત મિત્રએ સલાહ આપી. મેં કહ્યું, ‘ના યાર. હજુ તો બરાબર ચાલે છે. કારણ વગર નવી કાર શું કામ ખરીદવી જોઇએ ?’. તેણે દલીલ કરી, ‘પણ તને પરવડી શકે છે, તો કેમ નહીં ?’. મેં કહ્યું, ‘કારણકે મને સમૃદ્ધિ અને અમીરી વચ્ચેનો તફાવત ખબર છે.’ આ જવાબ સાંભળીને મારો મિત્ર ચૂપ થઈ ગયો.

મારા એ અંગત મિત્રનું નામ કહું ? એનું નામ અહંકાર(Egoism,Pride) છે. એ દર અઠવાડિયે મને કશુંક નવું લેવા, દેખાડો કરવા કે ભૌતિકતા પાછળ ભાગવા માટે ઉશ્કેરતો રહે છે અને દરેક વખતે હું બહુ જ શાંતિથી એને મનોમન સમજાવું અને મનાવું છું. કારણકે મને ખબર છે કે જે દિવસે હું મારા અહંકારની વાત માની લઈશ, એ જ દિવસથી મારી ‘બચત’(Savings) નામની ગર્લફ્રેન્ડ મારાથી દૂર થઈ જશે. મારા અને મારા અહંકાર વચ્ચે હું જેટલું વધારે અંતર રાખીશ, બચત એટલી જ વધારે મારી નજીક આવતી જશે. આપણા દરેકના જીવનમાં રહેલા આ પ્રણય ત્રિકોણનું સમીકરણ એક સરખું જ હોય છે. આવક અને અહંકાર વચ્ચેનું અંતર એટલે બચત.

આ ‘ફાઈનેન્શીઅલ સ્માર્ટનેસ (Financial smartness) મારામાં બાળપણથી નહોતી. ‘કાલ કોણે જોઈએ છે ?’ એવું વિચારીને હું પણ બિનજરૂરી ખર્ચાઓ કરવા, મોજ કરી લેવા, લક્ઝરી અનુભવી લેવા કે શોખ પૂરા કરી લેવા માટે પ્રેરાયો હોત, જો મેં એક અદભૂત પુસ્તક ‘ધ સાયકોલોજી ઓફ મની’ ન વાંચ્યું હોત. That brings me to the point, પુસ્તકો વાંચવાથી ફક્ત બૌદ્ધિક સમૃદ્ધિ જ નહીં, આર્થિક સમૃદ્ધિ પણ વધે છે. એની વે, મારે તમારી સાથે જે શેર કરવી છે, એ છે આ પુસ્તકમાં રહેલી એક અફલાતુન વાત. સમૃદ્ધિ એટલે શું ?

સમૃદ્ધિ એટલે આપણને સલામતી, રાહત કે સુખ આપનારું એવું કશુંક જે આપણી પાસે છે અને છતાં આપણે તેનો દેખાડો કરવા નથી માંગતા. આપણા ખરાબ સમયમાં એ આપણને સહારો આપી શકે માટે દુનિયાથી છુપાવી, સંતાડી, બચાવીને આપણે જેને કોઈ સુરક્ષિત જગ્યાએ સાચવવા માંગીએ, એ જ આપણી સમૃદ્ધિ. એ આર્થિક, પારિવારિક કે પછી બૌદ્ધિક હોય, ખરી સમૃદ્ધિ એ જ છે જે સતત આપણને ટેકો આપ્યા કરે અને છતાં અદ્રશ્ય હોય. સમૃદ્ધિ એટલે એક એવો ‘બેક-અપ પ્લાન’,(back-up plan) વિકલ્પ કે ઈમરજન્સી ઓપ્શન(emergency option) જે આપણી પાસે સ્પેરમાં પડેલો હોય.

અમીરી એટલે શું?
અઢળક ખર્ચો કરીને દુનિયાને બતાવવા માટે જો કાંઈ ખરીદ્યુ હોય, બાંધ્યું હોય કે વસાવ્યું હોય, તો એ અવસ્થા એટલે અમીરી. ટૂંકમાં, આપણી પાસે રહેલા અઢળક નાણાં દુનિયા જોઈ શકે તેમ વાપરી નાંખીએ, તો એ અમીરી છે. અને દુનિયાથી સંતાડીને આપણા ભવિષ્ય માટે ક્યાંક સાચવીને મૂકી દઈએ, તો એ સમૃદ્ધિ છે. નાણાંનો ઉપયોગ જો પ્રદર્શન માટે થાય, તો એ અમીરી છે. જો પ્રયોજન કે પ્લાનિંગ માટે થાય, તો એ સમૃદ્ધિ છે. જો આપણા અહંકારને પોષવા માટે થાય, તો અમીરી છે. જો ભવિષ્ય સલામત કરવા માટે થાય, તો સમૃદ્ધિ છે. જો અન્યને ઈમ્પ્રેસ કરવા માટે થાય, તો અમીરી છે. જો જાતને કમ્ફોર્ટેબલ (comfortable)રાખવા માટે થાય, તો સમૃદ્ધિ છે.

સ્પેરમાં પડેલો અને વણવપરાયેલો રૂપિયો એટલે સમૃદ્ધિ. આ ઉપરાંત સમૃદ્ધિની હજુ એક અફલાતુન વ્યાખ્યા આ પુસ્તકમાં આપેલી છે, જે આપણને દરેકને પરફેક્ટલી લાગુ પડે છે. કોઈપણ જાતની ચિંતા, ઉદ્વેગ કે ભય વગર જો આપણે દરરોજ રાતે નિરાંતે ઊંઘી જઈ શકીએ, તો એ જ ખરી સમૃદ્ધિ. એનો અર્થ એ થયો કે જો આપણા પર કોઈ દેવુ નથી, કોઈનો ઉધાર ચૂકવવાનો બાકી નથી, કોઈ ગેરરીતિ કર્યાનો પસ્તાવો કે અપરાધભાવ નથી, આવકવેરા કે કાનુન દ્વારા પકડાઈ જવાનો ભય નથી, અને ‘મારી પાસે જેટલું છે એટલું પર્યાપ્ત છે’ એવા સંતોષ સાથે જો આપણે દરરોજ રાતે શાંતિથી ઊંઘી શક્તા હોઈએ, તો આપણે સૌથી સમૃદ્ધ છીએ. ભવિષ્યમાં આવનારા અણધાર્યા ખર્ચા, કપરા સંજોગો કે નાણાકીય કટોકટીને ધ્યાનમાં રાખી કેટલીક બિનજરૂરી વર્તમાન ઈચ્છાઓ કે માંગણીઓને મક્કમતાથી ફગાવી દેવાનું નામ અને કામ એટલે બચત. અને એ બચત એટલે સમૃદ્ધિ.

‘ધ સાયકોલોજી ઓફ મની’માંથી જે સૌથી મોટો પાઠ ભણવા મળે છે, એ છે – આપણા સમયની સંપૂર્ણ માલિકી એટલે સુખ. સમૃદ્ધિનો એક અર્થ એવો પણ થાય કે આપણા સમય પર આપણો સંપૂર્ણ કાબુ હોવો. ‘મારે શું કરવું જોઈએ ?’ એનો નિર્ણય કોઈ ખડૂસ બોસને બદલે જે ક્ષણથી હું કરવા લાગુ, એ ક્ષણ એટલે સ્વતંત્રતા. જે અવસ્થા કે મુકામ પર પહોંચ્યા પછી રૂપિયા રળવા માટે આપણે સમયનો ભોગ ન આપવો પડે, એ અવસ્થા એટલે સમૃદ્ધિ. આપણા બદલે આપણે રોકેલો, સાચવેલો કે કામે લગાડેલો રૂપિયો જ આપણને નવો રૂપિયો રળી આપે, એવી વ્યવસ્થા એટલે સમૃદ્ધિ. અને ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ બધા સમય અને અહંકારનો ભોગ આપવો પડે. આપણા સમય પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે પણ પુષ્કળ સમય ખર્ચવો પડે. જાતનો ભોગ આપવો પડે. અહંકાર બાજુ પર મૂકીને કામ કરવું પડે એટલું જ નહીં, ‘શો-ઓફ’,( Show- of) કરવાની માનવસહજ ઈચ્છાને દબાવીને બચત કરવી પડે. આવક અને અહંકાર વચ્ચેનું અંતર વધારવું પડે. આવક વધતી જાય કે સ્થાયી થઈ જાય, અને અહંકાર ઘટતો જાય એ અવસ્થા એટલે સમૃદ્ધિ.
લેખક:અનામી
ઉપરોક્ત લેખ વોટ્સએપ ગ્રૂપ માં સકર્યુલેશન માં છે.
પ્રસ્તુત કર્તા: ડો. ભૈરવસિંહ રાઓલ