Bhed Bharam part 22 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 22

The Author
Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

ભેદ ભરમ - ભાગ 22

ભેદભરમ

 

ભાગ-૨૨

ભાવ ભરવાડનો ખુલાસો એ કેસમાં નવો વળાંક

 

પ્રોફેસર સુનીતા ખત્રીની વાત સાંભળી હરમન ઊભો થયો હતો અને ધીરજભાઇના બેડરૂમમાં જઇ પંખાના હુકના ફોટા પાડ્યા હતાં.

હરમનની ઇચ્છા પ્રોફેસર રાકેશને થોડાં પ્રશ્નો પૂછવાની થઈ હતી. પરંતુ પોલીસની ઉપસ્થિતિ વગર એ સીધા જવાબ નહિ આપે એવી એને પહેલી મુલાકાતના કારણે એમના સ્વભાવની ખબર હતી અને એટલે જ એણે રાકેશભાઈને ઇન્સ્પેકટરની પરમારની હાજરીમાં પ્રશ્ન પૂછવાનું મનોમન નક્કી કરી એ પ્રેયસની રજા લઇ અને જમાલ સાથે બોપલ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો હતો.

બોપલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ત્યારે ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં ભુવન ભરવાડ બેઠો હતો. એ એના દીકરા મયંકના ખૂન વિશે પોલીસ શું તપાસ કરી રહી છે એ જાણવા આવ્યો હતો.

ઇન્સ્પેક્ટર પરમારે ઇશારો કરી હરમનને અંદર આવવા કહ્યું હતું. હરમન એકલો કેબીનમાં દાખલ થયો અને ઇન્સ્પેક્ટર પરમારની બાજુની ખુરશીમાં આવીને બેસી ગયો હતો.

ભુવન ભરવાડને ઇન્સ્પેક્ટર પરમારે હરમનની ઓળખાણ આપી હતી. ભુવન ભરવાડે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"હરમનભાઇ, મારા દીકરા મયંકને કોણે માર્યો હશે? તમને કોઇના ઉપર શંકા છે?" ભુવન ભરવાડે હરમનને પૂછ્યું હતું.

"જુઓ ભુવનભાઇ, અત્યારે મયંકને કોણે માર્યો હશે એ કહેવું ખરેખર અઘરું છે. પરંતુ મને ચોક્કસ વિશ્વાસ છે કે ધીરજભાઇનું ખૂન કરનાર વ્યક્તિ એજ મયંકનું ખૂન કર્યું છે. જો તમે મયંકનો ખૂની કોણ છે એ જાણવા માંગતા હોય તો તમારે મારા કેટલાંક સવાલોના સાચા જવાબ આપવા પડશે." હરમને ખૂબ ચાલાકીથી ભુવન ભરવાડને લાગણીના ઘેરામાં લેતા કહ્યું હતું.

"તમે જે કહેશો અને જેટલા પૈસા માંગશો એટલા હું આપવા તૈયાર છું. તમે કહેશો એ દરેક વાતનો સાચો જવાબ આપવા હું તૈયાર છું. પરંતુ તમે મારા દીકરાના ખૂનીને શોધી કાઢો. તમારે જે પૂછવું હોય એ મને પૂછી શકો છો." ભુવન ભરવાડે આંખમાં આવેલા આંસુ લૂછીને કહ્યું હતું.

હરમનની વાત તીરની જેમ સટીક રીતે ભુવન ભરવાડને વાગી હતી.

હરમને ઇન્સ્પેક્ટર પરમાર સામે જોયું હતું. ઇન્સ્પેક્ટર પરમારે ઇશારો કરી હરમનને પ્રશ્ન પૂછવાની હા પાડી હતી.

"તમારે અને ધીરજભાઇને કેવા સંબંધો હતાં અને ખાસ કરીને મયંક વારેઘડીએ એમના ઘર પાસે આવીને ગાળો કેમ બોલતો હતો?" હરમન મયંકની ગાળો બોલવાનું રહસ્ય જાણવા માંગતો હતો.

"જુઓ હરમનભાઇ, જ્યારથી મારા અને સુરેશ પ્રજાપતિના સંબંધો ઘનિષ્ઠ થયા ત્યારથી મારા અને ધીરજભાઇના સંબંધો ઓછા થઇ ગયા હતાં. પહેલા હું મારી જમીનો એમને વચ્ચે રાખી અને સુરેશ પ્રજાપતિ કે પછી બીજા કોઇ બિલ્ડરોને વેચતો હતો. પરંતુ મારા છોકરાઓ ધંધામાં મારી જોડે આવી ગયા પછી અમે ધીરજભાઇને બાજુમાં રાખીને બિલ્ડરો સાથે સીધા જ સોદા કરવા માંડ્યા હતાં. જેના કારણે ધીરજભાઇને જમીન વેચાણ કરાવવાના કારણે મળતું કમિશન બંધ થઇ ગયું હતું અને એના કારણે અમારા બંન્ને વચ્ચે સંબંધો ઓછા થયા હતાં, પરંતુ બગડ્યા ન હતાં. ધીરજભાઇએ એ જે સોસાયટીમાં રહે છે એ વીસ હજાર વાર જગ્યા મારી પાસેથી પાણીના ભાવે એ સમયે લીધી હતી. વાત એમ હતી કે એ સમયે હું જમીન બાબતે પોલીસ કેસમાં ફસાયો હતો અને એમાંથી બહાર કઢાવવાનાં બદલામાં એમણે એમની સોસાયટીની જમીન પાણીના ભાવે મારી પાસેથી લઇ લીધી હતી. જેની આજની કિંમત એંશી કરોડ રૂપિયા થાય છે. બસ, આ જ વાત મયંક નાનો હતો ત્યારથી એને ખબર હતી અને માનસિક રીતે અસ્વસ્થ થયો ત્યારે એને આ વાત યાદ રહી ગઇ હતી. એટલે જ્યારે એને માનસિક એટેક આવે ત્યારે એ સોસાયટીમાં જઇ એમના ઘર પાસે ઊભો રહી ધીરજભાઇ પાસે પૈસાની માંગણી કરે અને ગાળો બોલે. પરંતુ મારા દીકરા મયંકના સોગંદ ખાઇને હું કહું છું કે ધીરજભાઇને જમીન પાણીના ભાવે આપી એનો મને આજે કોઇ અફ્સોસ નથી. સ્વભાવે ધીરજભાઇ લાલચી ચોક્કસ હતાં, પરંતુ માણસ તરીકે એ સારા હતાં." ભુવન ભરવાડે પોતાની વાત પૂરી કરી હરમન સામે જોયું હતું.

"પ્રોફેસર સુનીતા ખત્રીના પિતા સૌરભભાઈના કાર અકસ્માત વિશે તમે શું જાણો છો?" હરમને અચાનક પૂછેલા સવાલથી ભુવન ભરવાડની આંખો પ્હોળી થઇ ગઇ હતી.

હરમનના સવાલને સાંભળીને જવાબ શું આપવો એ ભુવન ભરવાડ વિચારી રહ્યો હતો. એના ચહેરા પર ઉપસી આવેલા ભાવને હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્નેએ નોંધી લીધા હતાં.

"સૌરભભાઈ ખત્રી શરાફી રૂપિયા ઊંચા વ્યાજે આપતા હતાં. સુનીતાના પિતાએ મને એમના મૃત્યુના એક મહિના પહેલા એવું કહ્યું હતું કે બિલ્ડર સુરેશ પ્રજાપતિ પાસેથી એમને પાંચ કરોડ રૂપિયા લેવાના છે. જે રૂપિયા એમણે ત્રણ ટકાના ઊંચા વ્યાજે સુરેશ પ્રજાપતિને આપ્યા હતાં. એ પાંચ કરોડની રકમમાં એમના એક કરોડ રૂપિયા હતાં અને બાકીના ચાર કરોડ રૂપિયા ધીરજભાઇ અને એમના મિત્ર મહેશભાઇના હતાં એવું એમણે મને જણાવ્યું હતું. એ રૂપિયા સુરેશ પ્રજાપતિ એમને આપવામાં મોડું કરી રહ્યો હતો અને આ બાજુ ધીરજભાઇ અને મહેશભાઇ રૂપિયાનો સૌરભભાઈ પાસેથી પાછા માંગતા હતાં અને મહિના બાદ કાર અકસ્માતમાં એમનું મૃત્યુ થયું એવું મેં સાંભળ્યું હતું. કાર અકસ્માત કોઇએ કરાવ્યો કે પછી અકસ્માત જ હતો એ વિશે હું કશું જાણતો નથી, પરંતુ ધીરજભાઇએ અને મહેશભાઇએ વ્યાજ માફ કરી એમની ચાર કરોડની રકમ બિલ્ડર સુરેશ પ્રજાપતિ પાસેથી કઢાવી લીધી હતી. આ વાત મને ખુદ બિલ્ડર સુરેશ પ્રજાપતિએ કહી હતી." ભુવન ભરવાડે પોતે જાણતો હતો એટલી વાત હરમનને કહી દીધી હતી.

"તમે શું માનો છો કે સૌરભ ખત્રીનું ખૂન થયું છે કે એ અકસ્માત છે? હું ખાલી તમારી માન્યતા જાણવા માંગું છું. તમારે જવાબ ના આપવો હોય તો તમે ના પાડી શકો છો." હરમને ધીમેથી બોલ ભુવન ભરવાડના પગ પાસે ફેંકતા કહ્યું હતું.

હવે ભુવન ભરવાડ કેચ આઉટ થાય છે કે સીક્સ મારે છે એ જોવા હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્ને આતુર થઇ ગયા હતાં. જો સવાલ છોડી દે તો સીક્સ મારી કહેવાય અને જો જવાબ આપે તો કેચ આઉટ થયો કહેવાય.

ભુવન ભરવાડે આંખો છત સામે કરી વિચારવા લાગ્યો હતો અને ઇન્સ્પેક્ટર પરમાર અને હરમનની આતુરતા વધતી જતી હતી.

"મારું માનવું છે કે સૌરભ ખત્રીનું ખૂન થયું છે, કારણકે જ્યાં એમનો અકસ્માત થયો એ જગ્યાએ હું એ વખતે ગયો હતો, પરંતુ રસ્તો જોતાં મને લાગ્યું નહિ કે આ રસ્તા પર અકસ્માત થઇ શકે છે. એ રસ્તા પર આજની તારીખમાં પણ ખટારા અવર-જવર કરતાં નથી. તો એ દિવસે ત્યાં ખટારો કઇ રીતે આવ્યો? કોઇ જાણભેદુએ એમના ખૂનનો અકસ્માત દ્વારા પ્લાન ઘડ્યો હોય અવું મારું માનવું છે." ભુવન ભરવાડ તો કેચ આઉટ થઇ ગયો પરંતુ વિકેટ હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્નેની પડી ગઇ, કારણકે કેસમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો.

"તમારે અને સુરેશ પ્રજાપતિને સંબંધો કેવા છે?" ઇન્સ્પેક્ટર પરમારે સવાલનો દોર ચાલુ કર્યો હતો.

"ઇન્સ્પેક્ટર સાહેબ, મારે અને સુરેશ પ્રજાપતિ જોડે રોજનો જમીનનો ધંધો છે. એટલે સંબંધોમાં ઉંચ-નીચ ચાલ્યા કરે છે. અમારે બંન્નેને એકબીજાની જરૂર છે. પરંતુ સુરેશ પ્રજાપતિ મારાથી ગભરાય એટલે મારી જોડે વધુ બગાડે નહિ." ભુવન ભરવાડે જવાબ આપતા કહ્યું હતું.

"સારું તો ભુવનભાઇ, તમે જે સહકાર આપ્યો એ બદલ ખૂબ આભાર. અમે ચોક્કસ તમારા દીકરાના ખૂનીને શોધી કાઢીશું." ઇન્સ્પેક્ટર પરમારે ભુવનભાઇ સાથે હાથ મીલાવતા કહ્યું હતું.

છ ફૂટનો ભુવન ભરવાડ ખુરશીમાંથી ઊભો થયો એ વખતે હરમને ભુવનભાઇને પૂછ્યું હતું.

"સુરેશ પ્રજાપતિની પત્ની જ્યોતિ વિશે તમારું શું માનવું છે? એમને માતાની શક્તિ આવે છે એ વાત સાચી છે?" હરમનનો સવાલ સાંભળી ભુવન ભરવાડ ખુરશીમાં બેસી ગયો હતો.

"જ્યોતિને માતાની શક્તિ આવે છે કે નહિ એ તો મને ખબર નથી. પરંતુ જ્યોતિ ખૂબ હોંશિયાર, લોભી અને લંપટ સ્ત્રી છે. પરંતુ સુરેશ પ્રજાપતિને પોતાની પત્ની પર આંધળો વિશ્વાસ છે અને એમની પત્ની ઉપર એ વિશ્વાસ રાખે એ એમની પર્સનલ બાબત છે. પરંતુ તમે પૂછેલા સવાલનો મેં જવાબ આપ્યો છે. પરંતુ આ વાત આપણા વચ્ચે જ રાખજો, કારણકે સુરેશ પ્રજાપતિ જોડે મારે રાત-દિવસનો ધંધો છે." આટલું બોલી ભુવન ભરવાડ ઊભો થયો અને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયો હતો.

 

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

 -      ૐ ગુરુ