LAHI LAGAN MOHE LAGAN NI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૧૭

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૧૭

 

           

લાગી લગન મોહે લગન ની.!

 

                       હમણાં હમણાં તો બજારમાં  ‘ડોટ કોમ’ જેવું હલેળું પણ નીકળ્યું છે.  તમને ઘર બેઠાં જ ‘સેટિંગ’ કરી આપે. જાણે કે આળસુઓનું હેલ્પ સેન્ટર..! હજ્જારો વર્ષ પછી લગનના મામલામાં આ 'લેટેસ્ટ વર્ઝન' આવ્યું છે. આવતીકાલે  કદાચ એવી પણ 'ડીઝાઈન' આવે કે, જાન લઈને કન્યા આવે, ને કન્યા જ વરરાજાને વિક્રમ-વૈતાળની માફક ઉઠાવી પિયર બાજુ ચાલતી પકડે. પેલો જમાઈની સાથે , ડબલ ગ્રેજયુંએટ થયો હોય એમ,  ઘરજમાઈ પણ બની જાય..! ફાસ્ટ ફૂડ અને સ્માર્ટ કલ્ચરનો આ યુગ છે, ‘અત્યાર સુધી તો  છોકરા-છોકરીઓ જ એક- બીજાનો ઇન્ટરવ્યુ લઈને ઠેકાણે પડતા. હવે પછી થનાર સાસુઓનો ઈન્ટરવ્યું લેવાની પ્રથા આવે તો સવાલ ચિહ્નન જેવું મોઢું નહિ નહિ કરવાનું.  ન કરે નારાયણ ને આવું થાય, તો  'થનાર સાસુનો ઈન્ટરવ્યું કેવી રીતે લેશો..?'  એના  ટ્યુશન ક્લાસ પણ શરુ થવા માંડે..! માણસે તો ધંધો જ કરવો છે ને..?  ધારો કે, આવું બને તો કલ્પના કરીએ કે, કેવાં પ્રશ્નો પુછાય..? આ તો એક કલ્પના કરીએ..!
 

                             "તમને કેવી હેર સ્ટાઈલ વધારે ફાવે વડીલ..? બટર ફ્લાય, ઓક્ટોપસ, એર બેન્ગ્સ, સાઈડ સ્વેપ્ટ પીક્ષી કે મોર્ડન પીક્ષી..! ( ભલે થનાર સાસુના માથે ચાંદીની ખાણ હોય..!) કઈ બ્રાન્ડના સાબુ-શેમ્પુ-મેક-અપનો સામાન તમે રાખો વડીલ ? કયા રંગની અને છાપવાળી સાડી તમને વધારે ગમે ? જીન્સ પહેરો છો ખરાં, પહેરતા હોય તો ફાટેલા જીન્સ પહેરવાના ફાવે ખરાં..? ક્યારેક શોર્ટ્સ પહેરો છો ખરાં..? જમ્યા પછી આઈસ્ક્રીમ કે  સિંગ-ચણા ખાવાની આદત ખરી..? ચાઇનીશ-પંજાબી-કાઠીયાવાડી-ગુજરાતી- મેક્સસિકન ફૂડ પૈકી તમને કયા પ્રકારની ડીશ વધારે ભાવે ? છેલ્લો સવાલ, ઘરમાં કામવાળી કયા કયા કામ માટેની આવે છે..? વગેરે વગેરે..! (ખીખીખીખી શું કરો છો..?  જનમ તારીખ પૂછીને સાસુની એક્ષ્પાયરી ડેઇટનો કદાચ અંદાજ પણ કાઢે..! માત્ર રશિયા જ તોફાને ચઢ્યું છે એવું નથી, આખો યુગ તોફાને ચઢ્યો છે..!

                                    આ તો કોરોના કરંડિયામાં થોડો ફીટ થયો, એટલે મંગલ-મસ્તી કરી. જુઓ ને, ચારેય બાજુ મસ્ત મઝાનો કેવો લગનનો ઉઘાડ નીકળ્યો છે..? ચમનીયાને વાજાવાળા નહિ મળ્યા તો,  ચંપુના લગન વખતે ભજનીયા બેસાડવા પડ્યા..!  ગયે વરસે તો કોરોનાને કારણે લગનની બુમ પડી ગયેલી. છતી બહુમતીએ રાષ્ટ્રપતિ શાસન લાધેલું હોય, એવો માહોલ બની ગયેલો. લોકડાઉનમાં ઘરમાં જ પુરાતા, લગનની કુંડળી કેવી ખોટી કાઢી આપેલી એની અનુભૂતિ થયેલી. આ વરસે તો, રીઝર્વેશનની બારી ખૂલતાં જેવો  ધસારો થાય એવો ધસારો લગન માટે ફાટી નીકળ્યો. લગનઘેલાઓની આખી ફોજ એકશનમાં આવી ગઈ..! કન્ભુયાની પણ અછત અને ભુદેવની પણ અછત..!  ખાનગીમાં છોકરા-છોકરીએ ગમે એટલીવાર હાથ પકડ્યા હોય, પણ જ્યાં સુધી દેવ-ભુદેવની સાક્ષીમાં હાથ નહિ જોડાય,  ત્યાં સુધી લગનનું લાયસન્સ પાકું નહિ થાય.  જેની સામે આખી જિંદગી સ્વાહા કરવાની હોય, ત્યાં દેવ-ભૂદેવની સાક્ષી તો જોઈએ જ ને દાદૂ..? ન કરે નારાયણ ને લગન પછી કોઈ ભૂલ આવી તો, જાનૈયાઓ થોડાં જવાબદારી ઉપાડવાના..?  ભૂદેવ પણ હાથ ખંખેરી નાખે કે, ‘વર મરો કન્યા મરો,  આપણું તરભાણું ભરો..!’ લગનનો મામલો છે દાદૂ..!
                               એ તો સારું છે કે, દેવો મહોલ્લામાં રહેતા નથી. નહિ તો દેવોના ડોરબેલનું કચુંબર કરી નાંખે..! કોને ક્યારે ને કઈ ઘડીએ પૈણવાની ધુનકી ઉપડે ને કોનું ક્યારે એકબીજા સાથે બગડે એ નક્કી નહિ ને..? વિદેશી જેવું થોડું, કે ચટ મંગની પટ શાદી થઇ જાય ..! એ લોકો તો વાઈફ કરતાં વિઝાની લીમીટ વધારે સાચવે. , દેવોને પણ હાંસિયામાં મુકીને ‘સાવધાન’ વાળું પતાવી દે.! લગનનો આ જુગાડ આજનો નથી. પૃથ્વીની ઉત્પતિ થઇ તે આગળ થી ચાલી આવે. સાલું એક પણ વર્ષ લગન વગરનું કોરું નહિ જાય..!  જેમ મંકોડો ગોળનું માટલું રેઢુ નહિ મુકે, એમ જ્યાં ત્યાં લગનના માંડવા બંધાતા જ હોય..! બાપા ઉઠ્યા કે નહિ, એની ચિંતા કરવા કરતા, દેવ ઉઠ્યા કે નહિ એની જ ચિંતા વધારે કરે..! જેવાં દેવ ઉઠે એટલે ખાતરી થઇ જાય કે, આપણો લગનનો ખેલ હવે ચાલવાનો..! લગન પહેલાં ભલે સ્પાઈડરમેન જેવો હોય, વિવાહ થાય એટલે જેન્ટલમેન, લગન થાય એટલે સુપરમેન, બે છોકરાનો બાપ થાય એટલે વોચમેન ને છેલ્લે ડોબરમેનની જેમ હાઉઉહાઉઉ કરતો થઇ જાય..!  

                                 ઠેર ઠેર ‘સાવધાન’ના ગગનનાદ થાય ને આકાશી આતશબાજી થાય ત્યારે તો એમ જ લાગે કે, સ્વર્ગની શરૂઆત લગનના માંડવાથી જ થતી હોવી જોઈએ..!  દેવી-દેવતાઓ સાવધાન, ભૂદેવો સાવધાન, વાજા-વાજિંત્રો સાવધાન, વર-કન્યા સાવધાન, ફટાકડાવાળા સાવધાન, ફટાણાવાળા સાવધાન, ફટાકડાવાળા સાવધાન, કેટરર્સવાળા સાવધાન, વેપારીઓ સાવધાન, સાસુ-સસરા સાવધાન, લાઈટવાળા સાવધાન, ફોટોગ્રાફર્સ સાવધાન, શાલવાળા સાવધાન, નણંદ-નંદોઈ સાવધાન, વૃદ્ધાશ્રમો સાવધાન, મહોલ્લાવાળા સાવધાન, અક્ષર શૂન્ય ને સમય વરતે ગોર મહારાજ સાવધાન..! ( એમાં તમે શેની તાળી પાડો છો, આ તો ‘સાવધાન’ નું નવું વર્ઝન બતાવ્યું..!) સંતો છાશવારે કહે છે કે, ‘લગન એ જોડું કરતાં એક એવો જોડો છે, જે પહેર્યા પછી જ પગમાં ડંખે..! એનો અંદાજ ઉઘાડપગાને નહિ આવે..! કરોડો લોકો ધરતી ઉપર આવીને, મીંઢળ બાંધી ચાલી ગયાં હશે, છતાં મતદાર યાદી હજી ટૂંકી થઇ નથી..! લગન કરવામાં આલોમ-વિલોમ કે બાવડાં ફુલાવીને સુસકારા બોલાવવાના તો હોય નહિ..! એકવાર લગન કરવાની ઉપડવી જ જોઈએ, ટાલ ઉપર પણ બગીચો બનાવી નાંખે..! એમાં ભણેશરીઓએ તો એવી ખાંડ ખાવી જ નહિ કે, લગન માટે લોકો મારા ઘરના ડોરબેલ વગાડતા આવશે..! કેમ કે, ભરેલા ભીંડા કરતાં સાદા ભીંડાનું શાક  ક્યારેક ટેસ્ટી હોય છે..!  આ તો લગનની વાત નીકળી એટલે કહું કે, અમારા સમયમાં તો લખોટી રમતા રમતા જ લગનનું સેટિંગ થઇ જતું. કોણે કોના ઘરે પીઠી ચોળીને જવાનું છે, એ ફાઈનલ થઇ જતું. ને  પોતપોતાના ભાગ્ય પ્રમાણે બધાને મળી પણ રહેતું. લગભગ બધાની બાજીમાં ત્રણ એક્કા જ નીકળતા..! બાપાને  ગમ્યું તો વેલેન્ટાઈન, નહિ તો ક્વોરોન્ટાઈન..! ચાંદલા પણ એવાં ડાહ્યા થઈને કપાળે વળગી રહેતાં કે, લાંબો સમય  ખરતા જ નહિ..! આજના જેવું નહિ કે, સવારે વિવાહ, બપોરે લગન ને સાંજ પડે એટલે છૂટાછેડા..! 

                       એકવાત છે, સાસરું એક એવો સુંદર ધોબીઘાટ છે કે, મેલો-ઘેલો જમાઈ પણ લગન પછી ચોખ્ખો-ચટ થઇ જાય. ગામમાં ભલે મુરતિયાને ‘ગોટીયું’ થી ઓળખાતા હોય, પણ લગન થાય એટલે, એ ગોટિયું ‘ગોટાલાલ’ થઇ જાય..!  એક ખડ્ડૂસ સસરાને મેં પૂછ્યું કે, જમાઈઓને સાસરામાં વધારે માન કેમ આપવામાં આવે છે ..? તો કહે. ’જે બેંકમાં આપણી થાપણ પડી હોય, એ બેંક સાથે કંઈ આપણાથી બાંયો થોડી ચઢાવાય..? ને શહીદોની ઈજ્જત કરવાનો તો આપણે ત્યાં રીવાજ છે..!’  લગનનો ઉઘાડ નીકળે એટલે ભીન્નાઈ જ જવાનું. દુધમાં માખણ-પનીર કે ઘી દેખાતું નથી એમ, કોણે કોના ઘરની વહુ કે જમાઈ થવાનું છે, એ દેખાતું નથી. આળસાઈ નહિ કરવાની. ચાન્સ મળે એટલે વીંટો જ વાળી દેવાનો. આજકાલ ૧૦૦૦ છોકરાએ ૮૮૬ છોકરીનો જ સ્ટોક માર્કેટમાં છે. ઉતાવળ નહિ રાખીએ તો, બાકીના વાંઢેસે હરીધુન જ ગાવી પડે.! લક્ઝરીની લાળ તો પાડવી જ નહિ, મોડું થયા પછી,  છકડા પણ હાથમાં આવતા નથી. એક ચપટી સિંદુરકી કીમત બહુત ઉંચી હોતી હૈ બાબૂ..! 

                  એક વાત છે, છોકરા-છોકરીના જનમનો રેસીયો જોતાં, હવે ગામેગામ દીકરી કલ્યાણ યોજના કે, ‘જમાઈ મેળા’ નું આયોજન કરવાની નોબત આવી ગઈ છે. રતનજીનું તો એવું કહેવું છે કે, જમાઈ-મેળાનું ગામેગામ આયોજન કરવું જોઈએ, અને તેમાં શ્રેષ્ઠ જમાઈના એવોર્ડ આપવાની પ્રથા પણ રાખવી જોઈએ. કુંભમેળાની માફક આવાં 'જમાઈ-મેળા' ના અખતરા કરવા જેવાં ખરાં..!  ભારતની શાંતિ વખણાય, સંસ્કૃતિ વખણાય, અહિંસા વખણાય, સાંપ્રદાયિકતા વખણાય, એમ, ભારતના જમાઈ પણ વખણાય તો ખોટું શું..? વિદેશ જેવું થોડું છે કે, છોકરા-છોકરાએ ફાધર અલગ, ને ફાધરે ફાધરે વાઈફ અલગ..! કેલેન્ડરના પાનિયા બદલતા હોય, એમ સાસુ-સસરા પણ અલગ ને સગાવહાલાં પણ ચાર કાબરા ને ચાર ભુરીયા જેવાં નીકળે..! ત્યારે ભારત તો ભારત છે. એક જ વાઈફ સાથે છેલ્લા શ્વાસ સુધી મર્દાનગીથી અવતાર ખેંચી નાંખવો એ ભારતની શાન છે, આ કંઈ ઓછી દીવાનગી છે..? એટલે જ તો ભારતના જમાઈઓને હું ‘બ્રાન્ડેડ જમાઈ’ માનું છું. એક પત્નીવ્રતા..! 

 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )