ૐ મહામંત્ર ની ઓળખ નો એક નાનો પ્રયત્ન
ૐ પોતે જ એક મહા મંત્ર છે
ૐ - થકી જીવન
ૐ - થકી બ્રહ્માંડ નુ સર્જન
ૐ - થકી બ્રહ્માંડ નુ વિલય..
ૐ - વગર મિથ્યા દુનિયા
ૐ – અનંતનો નાદ,
ૐ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર અને અર્ક
ૐ – માં અખિલ બ્રહ્માંડ સમાવિષ્ઠ છે.
ૐ – પરબ્રહ્મ પરમાત્માનું નામ
ૐ – પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે
ૐ – ના અ, ઉ અને મ માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.
ૐ એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે. એમ કહીશું તો અતિશયોકતી જરાય નહિ કહેવાય...
ૐ ને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ૐ કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે. જ્યારે ૐ ને કોઈ શબ્દ ગણી તેનો અર્થ ન સમજાય. ૐ એ એક અનુભૂતીનો વિષય છે. તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. તેમજ તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપની સમજવાની મર્યાદા છે. કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવા આવું કરવાની જરુરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ – ધવ્નિ છે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું. પ્રણવ નો અર્થ પ્રાર્થના થાય છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય. સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે, ૐ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – માં જ વિલીન થઈ જશે એવું માનવા મા આવે છે
ૐ -જાપ તો આપણા કંઠની ટકરાહટ છે, આપણા પોતાનામાં જ પેદા થયેલ ધ્વનિ છે. અન્ય મંત્રો છે, જ્યારે ઓમકાર મહામંત્ર છે, બીજ મંત્ર છે જેમાંથી બીજા બધા મંત્રોની ઉત્પતિ થઈ છે.
ૐ – આદિ મંત્ર છે એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો. આ ગેબી અવાજ ઓમકારનો હતો. એવું પણ કહેવાય છે કે આ ગેબી અવાજમાંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે.
ૐ અર્થાત 'ઓમકાર' સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર મંત્ર મનાય છે.
ૐ – એટલે એ શક્તિ જે સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને સર્વ શક્તિમાન છે.
ૐ- શબ્દ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. ૐ ને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે
ૐ એટલે ઓમકાર, નવકાર, પ્રણવ એમ જુદા જુદા હજાર મતલબ છે, વર્તમાનમાં પ્રાપ્ય દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ૠગ્વેદમાં ૐ નો પ્રયોગ અનેક ઠેકાણે કરાયેલો છે.
ૐ મંત્ર “અ”, “ઉ” અને “મ” બને છે, તેમજ તેના ચિહ્નમાં “ર” કાર અને તેના ઉપર બિંદુ છે.
"અ" નો સંદર્ભ સર્જક એટલે બ્રહ્મા,
"ઉ" નો સંદર્ભ પાલક એટલે કે વિષ્ણુ અને
"મ" નો સંદર્ભ સંહારક એટલે કે મહાદેવ છે.
આમ ૐ માં ત્રિમૂર્તિ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – સમાવિષ્ટ છે.
ૐ જે અ, ઉ અને મ તેમજ અર્ધ ચંદ્રાકાર અને તેના ઉપર બિન્દુથી બને છે, જ્યાં
“અ” જાગૃત અવસ્થાનો સંકેત કરે છે,
“ઉ” સ્વપ્ન અવસ્થાનો સંકેત કરે છે અને
“મ” સુષુપ્ત અવસ્થાનો સંકેત કરે છે.
“અ” ને વાણી,
“ઉ” ને મન અને
“મ” ને જીવનના ધબકારા- પ્રાણ – કહી શકાય.
અ, ઉ, મ્ ,ર કાર અને બિન્દુથી બનતા ૐ ના સ્વરુપને આત્મા-અંશી કહી શકાય, જે પરમ અંશ પરમાત્મા નો એક ભાગ છે.
ૐ નો આધ્યાત્મિક પરિચય....
ૐ ઓમને અનાહત નાદ કહે છે, જે પ્રત્યેક વ્યક્તિની ભીતર અને આ બ્રહ્માંડમાં સતત ગૂંજ્યા કરે છે. તે સતત ગૂંજ્યા કરે છે તેનું કોઈ કારણ નથી. સામાન્ય રીતે નિયમ છે કે ધ્વનિ કોઇક સાથેના ઘર્ષણથી કે કોઇકની સાથે અથડાવાથી ઉત્પન્ન થાય છે, પણ અનાહતને ઉત્પન્ન નથી કરી શકાતું.
ૐ - નાભિ, હૃદય અને આજ્ઞાચક્રને જગાડે છે. આને પ્રણવ સાધના પણ કહી શકાય છે. તેના અનેક ચમત્કારો છે.
યોગ સાધનામાં ૐ નું વધારે મહત્વ છે. તેના સતત ઉચ્ચારણથી અનાહતને જગાડી શકાય છે. વ્યર્થ માનસિક દ્વંદ્વ, તણાવ અને નકારાત્મક વિચારો દૂર થાય ત્યારે મનની શક્તિમાં વધારો થાય છે. મનની શક્તિ વધવાથી સંકલ્પ અને આત્મવિશ્વાસ વધે છે. સંમોહન સાધકો માટે આના સતત જાપ લાભદાયક છે.
સંપૂર્ણ માનસિકતા અને બુદ્ધિજન્યતા, વિચારો અને શબ્દો બધું શમી જાય અને ઊંડી શાંતિ અનુભવ્યા બાદ જે અસામાન્ય સૂક્ષ્મ કંપન શેષ રહી જાય તેને ભારતે ૐ તરીકે ઓળખ્યો છે.
ટૂંક મા સત્યનું નામ એ જ ૐ - ઓમકાર છે. ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે.
ૐ કઈ રીતે બોલવો એની રીત અને ફાયદા ઓ જોઈએ...
ૐ બોલવા ની પદ્ધતિ...
યોગ્ય રીતે કરેલી ઓમકારની સાધના પરમ સાથે નાતો બંધાવવા સક્ષમ છે. ઓમકારની સાધના કરવા માટે સ્વસ્થ ચિત્તે શાન્ત ટટાર બેસી, હોઠ બંધ રાખી, જીભને તાળવા સાથે ચોંટાડી ઓમકારનો નાદ શરુ કરો. આ નાદના ગુંજારવને હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવો કે જેથી બહાર પણ સાંભળી શકાય. આમ સતત કરવા રહેવાથી સાધનામાં ક્રમશઃ પ્રગતિ થશે અને સાધનાની એક એવી સ્થિતિ આવશે જ્યારે સાધનાની સ્થિતિમાં મસ્ત બની જશો અને મન તેમજ શરીર સ્વસ્થ બની જશે. ઓમકારના ગુંજારવથી ભીતર અમૃત ઝરવાનો મીઠો અનુભવ થશે.
ૐ - ઓમકાર બોલવા ના ફાયદા...
1. ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.
2. કોઈપણ તણાવ દૂર કરે છે અને ચિંતામુક્ત બનાવે છે.
3. લાગણીઓને સંતુલિત કરવામાં અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવામાં મદદ કરે છે.
4. ઓમનો જાપ ધ્યાન કરવામાં મદદરૂપ છે.
5. યાદશક્તિ અને એકાગ્રતા શક્તિને વધારે છે.
6. સકારાત્મક ઉર્જા બનાવે છે અને આશાવાદી બનાવે છે.
7. ગુસ્સા જેવી નકારાત્મકતાથી દૂર રહેવામાં મદદ કરે છે.
8. જો પેટમાં દુખાવો થતો હોય તો ઓમનો જાપ તમારા માટે રામબાણ સાબિત થાય છે
9. ઓમનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે.
10. ૐ નો જાપ શરીરને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
ૐ - ના ધ્વનિની ખુબીથી સત્યના મિલનનો અનુભવ થાય છે તેમજ તેનાથી આપણામાં સંતોષ આવી જશે, મન સ્થિર થઈ જશે, પ્રાણ સ્થિર બનશે, મનની ચંચળતા આપ મેળે દૂર થઈ જશે, દુઃખોનો ભ્રમ ભાગી જશે અને જીવનની દોડાદોડી વિલીન થતાં આનંદ વર્ષા થશે.
ૐ ના નાદ થી દુષ્ટ વિચારો નાશ પામે છે
ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.
ૐ ઘ્વનિ અંત:કરણને શુદ્ધ કરે છે, યોગસાધનામાં આવતાં વિધ્નોને દૂર કરે છે અને કુશળતા અર્પે છે. આ ૐ કારની સિદ્ધિ એટલી પ્રબળ છે કે કોઇ ચીજ-વસ્તુ એનાથી દૂર રહેતી નથી, અર્થાત્ સર્વ મંગલકારી કાર્યોમાં એનો જયજયકાર થાય છે.
સુખમાં કે દુ:ખમાં ૐ કારનો સાથ અમૂલ્ય છે, નિર્જન સ્થાનમાં રાહબર સમાન છે. ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ, સ્થિરતા અને કાર્યકુશળતા આપે છે. ૐકારનો ઘ્વનિ જ સુખદાયક છે.
ૐ નો જાપ ક્યારે કરવો...
ૐ નો જાપ કરવાનો સારો સમય સવારે 6 વાગ્યા અને સાંજે 6 વાગ્યાનો છે. આ સમયને સંધ્યાકાળ અથવા શુભ સમય તરીકે ઓળખવામાં આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
હિરેન વોરા