વારસદાર પ્રકરણ - 5
ચેતનામાં જમી લીધા પછી મંથને રીક્ષા કરી અને ઝાલા અંકલને એમની હોટલ ઉપર ઉતારી રીક્ષા દરીયાપુર વાડીગામ તરફ લેવાનું કહ્યું. પુનિત પોળ પાસે રીક્ષા ઉભી રાખીને એણે ભાડું ચૂકવી દીધું.
પોળમાં પ્રવેશ કર્યો તો એને પોળમાં ઘણી ચહલ-પહલ જોવા મળી.
" અલ્યા મંથન તું ક્યાં ગયો હતો અત્યારમાં ? જા જલ્દી તોરલના ઘરે જા. આઇસ્ક્રીમ ખલાસ થઈ જશે. એની સગાઈ નક્કી થઈ ગઈ છે. એના ઘરે મહેમાનો આવેલા છે. પૈસાદાર છોકરો મળ્યો છે." સવિતાબેન બોલ્યાં.
મંથનના માથે તો જાણે વીજળી પડી. તોરલની સગાઈ !! અને એ પણ આજે જ !! બે-ચાર દિવસ રાહ તો જોવી હતી ! પણ હવે શું ? સગાઇ પણ થઇ ગઇ હતી આઈસક્રીમ પણ ખવાતો હતો.
મંથન સડસડાટ પોતાના ઘરે ચાલ્યો ગયો. એ તોરલને ખૂબ જ ચાહતો હતો. તોરલ તો એની સાથે ભાગી જવા પણ તૈયાર હતી પણ પોતે જ ના પાડી હતી. જ્યારથી પચીસ કરોડ જેવી માતબર રકમનો પોતે માલિક બન્યો હતો ત્યારથી તો એ તોરલનાં જ સપનાં જોવા લાગ્યો હતો. ત્રણ ચાર દિવસમાં કાંતિલાલ પાસે જઈ વટથી તોરલનો હાથ માગવાનું એ વિચારતો હતો ત્યાં જ આજે આ સમાચાર મળ્યા !
મંથનનું મન ખાટું થઈ ગયું. પૈસા મળ્યા તો પદ્મિની હાથમાંથી ગઈ !! નસીબ હંમેશા બે ડગલાં આગળ ચાલતું હતું. તોરલના વેવિશાળનો આઈસ્ક્રીમ ખાવામાં એને કોઈ જ રસ ન હતો.
" મંથનભાઈ તમારા માટે આઇસક્રીમ લઈ આવ્યો છું. તોરલ બેનની સગાઈ થઈ ગઈ છે. " થોડીવાર પછી મનિયો ડીશમાં આઈસ્ક્રીમ લઈને મંથનને આપવા આવ્યો.
" તું જ ખાઈ લે. હું તો હમણાં જ જમીને આવું છું એટલે મારી ઈચ્છા નથી. " મંથન બોલ્યો.
મનિયો ખુશ થતો ચાલ્યો ગયો. મંથને ઉભા થઇને જાળી બંધ કરી. ભારે જમણ જમ્યો હતો એટલે આરામ કરવાની ઈચ્છા હતી. એ મેડી ઉપર જઈને સૂઈ ગયો.
એ જાગ્યો ત્યારે સાંજના ચાર વાગી ગયા હતા. ચા તો એણે જાતે બનાવી લીધી પરંતુ હવે સાંજનું જમવાનું બનાવવાની એની ઇચ્છા ન હતી. હવે તો પોતે શ્રીમંત બની ગયો છે. રસોઈ કરવાવાળી બાઈ પણ રાખી શકે છે.
પુનિતપોળથી થોડેક જ દૂર રૂપાપરી ની પોળમાં એક બેન ટિફિન સેવા આપતાં હતાં. રોજ બહારનું જમવું એના કરતાં ઘરની રસોઈ જમવી સારી. એ સાંજે જ બાજુની પોળમાં જઈને ટિફિનવાળાં ઊર્મિલાબેનને મળ્યો.
" મારે આજથી બે ટાઈમ તમારું ટિફિન બંધાવવું છે. " મંથન બોલ્યો.
" ક્યાંથી આવો છો ભાઇ ? " ઉર્મિલાબેન બોલ્યાં. એમની ઉંમર ૬૦ વર્ષ આસપાસ હશે.
" જી માસી હું પુનિત પોળમાં રહું છું. " મંથને જવાબ આપ્યો.
" તમે તો બાજુમાં જ રહો છો. તો ભાઈ બે ટાઈમ અહીં જ આવીને જમી લેતા હો તો ? ગરમાગરમ રોટલી મળે ને ? અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં ગમે ત્યારે આવી શકો અને સાંજે સાત વાગ્યા પછી નવ વાગ્યા સુધીમાં. જ્યારે ટિફિન તમને ૧૨:૩૦ પહેલા ના મળે. " માસી બોલ્યાં.
" ઠીક છે માસી તો પછી એમ જ કરું. સવારે ૧૧:૩૦ વાગે આવી જઈશ અને સાંજે ૮ વાગે. " મંથન બોલ્યો.
" ભલે ભાઈ. થોડું મોડું વહેલું થાય તો પણ ચિંતા ના કરતા. " માસી બોલ્યાં.
ચાલો રસોઈ ની ચિંતા તો ટળી ગઈ. ચા પણ હવે જાતે મૂકવી નથી. ચા મૂકો એટલે વાસણ ધોવાની કડાકૂટ રહે. પોળની સામે જ અંબિકા હોટલ છે ત્યાં જઈને બે ટાઈમ ચા પી લેવાની. - મંથને નક્કી કર્યું.
મંથન ઘરે આવ્યો. મહેમાનો બધા જતા રહ્યા હતા એટલે પોળમાં શાંતિ હતી. તોરલના ઘરમાં ડોકિયું કરવાની ઈચ્છા હતી પરંતુ એ સાહસ એણે ના કર્યું.
હજુ તો એ ઘરમાં પગ મૂકે છે ત્યાં જ બાજુવાળાં અનિલાબેન આવ્યાં.
" મંથન આ ડબ્બો સાયકલ ઉપર જરા ઘંટીએ મૂકી આવીશ ? આ ઘૂંટણની બળી એવી તકલીફ છે કે ચલાતું જ નથી ! ડબ્બામાં એક નાનો ડબ્બો પણ છે. એને કહેજે કે નાના ડબ્બામાં જે ઘઉં છે એ જરા જાડું ભરડવાનું છે. તારા વગર કોઈના દિલમાં દયા નથી." અનિલાબેન બને એટલી જીભમાં મીઠાશ લાવી બોલ્યાં.
" ના માસી મારી સાયકલમાં પંચર છે." મંથન બોલ્યો.
" અરે પણ હમણા તો તું સાયકલ ઉપર જ આવ્યો !!" અનિલાબેન બોલ્યાં.
" હા માંડ માંડ આવ્યો. રસ્તામાં જ પડ્યું. " મંથન બોલ્યો.
બસ બહુ થયું. લોકોએ બહુ લાભ લીધો મારી ગરીબીનો. નોકરની જેમ પોળવાળા જ્યારે ને ત્યારે કામ સોંપી દે છે ! હવે નહીં. હવે ના પાડતાં શીખવું જ પડશે.
અનિલાબેન ડબ્બો લઈને પાછાં વળી ગયાં. હજુ સાંજના ૫:૩૦ વાગ્યા હતા. મંથને દરવાજો અંદરથી બંધ કર્યો અને કબાટમાંથી સોનાના દાગીના ભરેલી પ્લાસ્ટિકની વજનદાર બેગ બહાર કાઢી. લીસ્ટ પ્રમાણે તમામ દાગીના એણે ચેક કર્યા. રોકડ રકમ જે ઝાલા અંકલે લખાવી હતી તે પણ એણે ગણી લીધી. નોટો ગણવામાં અડધો કલાકનો સમય લાગ્યો.
આટલી બધી કેશ ઘરમાં રાખવી સલામત નથી. થોડા થોડા કરીને કાં તો બેન્કમાં ભરી દઉં અથવા તો બેંકમાં સેફ ડિપોઝીટ વોલ્ટ ખોલાવીને બધી રકમ લોકરમાં મૂકી દઉં. હા, એ જ રસ્તો બરાબર છે. કારણકે રોજે રોજ મોટી રકમ મારા ખાતામાં જમા કરાવું તો કાલ ઊઠીને ઇન્કમટેક્સની નોટિસ પણ આવી શકે.
હું પોતે કરોડપતિ બની ગયો છું એની જાણ પોળના રહીશોને થવી તો જોઈએ જ. અને તો જ મારું માન પોળમાં વધે. તોરલના પપ્પાને પણ ભાન થાય કે એમણે તોરલ માટે એક સરસ મુરતિયો ગુમાવ્યો. જો કે ૨૫ કરોડની વાત બધાંને કરવી યોગ્ય નથી. પરંતુ પોતે શ્રીમંત બની ગયો છે એ તો બધાને બતાવી આપવું પડશે જ !!
એના માટે નો શ્રેષ્ઠ રસ્તો એ હતો કે પોળમાં એક નવચંડી હવન કરાવીને પોળના તમામ રહીશો માટે ભોજન સમારંભ ગોઠવવો ! મંથને નિર્ણય લઈ લીધો. એ એક શાસ્ત્રીજીને ઓળખતો હતો. એકવાર એક નવચંડી હવનમાં પોતે વરૂણી તરીકે બેઠો હતો. એટલે એમને જ મળવાનું એણે નક્કી કર્યું.
સાંજે આઠ વાગે મંથન રૂપાપરીની પોળમાં ચાલતો જ જમવા ગયો. માસીએ જમવાનું ખૂબ જ સારું બનાવ્યું હતું. સાંજનો ટાઈમ હતો એટલે જમવામાં ભાખરી રીંગણ બટેટાનું શાક ગોળ ખીચડી અને દૂધ હતું મંથનને જમવાનો આજે સંતોષ થયો.
મંથને એક મહિનાનો જમવાનો ચાર્જ પૂછ્યો તો માસીએ ૪૦૦૦ હજાર કહ્યા. મંથને માસીને ૫૦૦૦ આપ્યા.
" માસી તમે રાખો. ૧૦૦૦ વધારે આપું છું. કોઇ ગરીબ વ્યક્તિ હોય તો એને મારા તરફથી જમાડી દેજો. " મંથન બોલ્યો. ઉર્મિલાબેન તો આ નવા આગંતુકને જોઈ જ રહ્યાં. પહેલીવાર એમને આટલો ઉદાર ગ્રાહક મળ્યો હતો.
બીજા દિવસે સવારે બ્રશ વગેરે પતાવીને મંથને નાહી લીધું અને ચા પીવા માટે પોળની સામે જ આવેલી અંબિકા હોટલ માં ગયો. હોટલના માલિક રસિકલાલનો દીકરો જયેશ એનો મિત્ર હતો.
" શું વાત છે મંથન આજે સવાર સવારમાં ચા પીવા મારી હોટલમાં ? " હોટલના ગલ્લા ઉપર બેઠેલો જયેશ બોલ્યો.
" હા જયેશ... હવે મારે તને કમાણી કરાવી આપવી પડશે. રોજ સવારે તારી હોટલમાં ચા પીવાની અને જો ઘરે હોઇશ તો સાંજે ૪ વાગ્યે પણ આવતો રહીશ. " મંથન બોલ્યો. બંને સરખી ઉંમરના જ હતા.
" વેલકમ વેલકમ. " જયેશ બોલ્યો અને એણે એના નોકરને મંથનને ચા આપવાનું કહ્યું.
" ચા સાથે કંઈ નાસ્તો કરવો છે ? ગરમાગરમ ફાફડા બની રહ્યા છે. " જયેશ બોલ્યો.
" ના દોસ્ત અત્યારે તો બસ ચા જ " મંથન બોલ્યો.
ચા પીને પૈસા ચૂકવી મંથન ઘરે ગયો. ગઇકાલનાં કપડાં ધોવાનાં બાકી હતાં.
રોજ તો એ પોતે જ ધોઈ નાખતો હતો. પણ હવે જીવનક્રમ બદલી નાખવાનો હતો.
પોળમાં એક બેન લોકોના ઘરે કચરા-પોતાં વાસણ અને કપડાં ધોવાનું કામ કરતાં હતાં. મંથન એમને સારી રીતે ઓળખતો હતો.
મંથન એમના ઘરે ગયો. એમનું નામ મંજુબેન હતું. મંથન બધાને માનથી જ બોલાવતો.
" મંજુ માસી મારે આજથી તમારું કામ બંધાવવું છે. રોજ સવારે તમારે મારા ઘરે કચરા-પોતાં કરી જવાનાં અને મારાં કપડાં ધોઈ નાખવાનાં. તમારું જે પણ થતું હશે એ તમને હું આખા મહિનાનું આજે જ આપી દઈશ. " મંથન બોલ્યો.
મંથનની વાત સાંભળીને મંજુબેન આશ્ચર્ય પામી ગયાં. કારણકે મંથન પોતાના ઘરનું કામ બંધાવે એ જ એમને મન બહુ મોટી વાત હતી !! અને પાછો આખા મહિનાના પૈસા એડવાન્સ આપવાની એ વાત કરતો હતો. જ્યારે ઘણા ઘરમાં તો બે-ત્રણ મહિને એમનો હિસાબ થતો. એ પણ બે-ત્રણ વાર માંગો ત્યારે મળે. મંથનની વાતથી એ ખુશ થઈ ગયાં.
" ભલે મંથનભાઈ તમારા ઘરથી જ હું આજે શરૂઆત કરું છું. કચરા પોતાના ૫૦૦ અને તમારાં ૩ ૪ કપડાંના ૩૦૦ ગણું તો મહિને ૮૦૦ થાય " મંજુબેન બોલ્યાં.
મંથને ખિસ્સામાંથી ૫૦૦ ૫૦૦ ની બે નોટ કાઢીને મંજુબેનના હાથમાં આપી.
" આ ૧૦૦૦ તમે રાખો. હું દર મહિને તમને આટલા જ આપીશ. " મંથન બોલ્યો અને ઘરની બહાર નીકળી ગયો.
મંજુમાસીએ મંથનના ઘરે જઈને સહુથી પહેલાં આખા ઘરમાં સાફ સફાઈ કરી અને કચરો વાળી નાખ્યો. એ પછી ઘસી ઘસીને પોતું કર્યું. ઘર એકદમ ચોખ્ખું થઈ ગયું. એ પછી દરેક વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી. એ બધું કામ પતાવીને બહાર ચોકડીમાં કપડાં ધોવા બેઠાં ત્યારે પડોશીઓની આંખો ચાર થઈ ગઈ.
" મંજુબેન મંથને તમારું કામ બંધાવ્યું? એને પોતાને તો નોકરીનું ઠેકાણું નથી !! " મંથન સાંભળે નહીં એ રીતે ધીમેથી બાજુના ઘરમાં રહેતાં અનિલાબેન બોલ્યાં.
" હા અનિલાબેન આજથી કામ બંધાવ્યું અને આખા મહિનાના પૈસા આજે જ મને રોકડા આપી દીધા. " મંજુબેન બોલ્યાં.
" હેં..!!! આખા મહિનાના પૈસા એડવાન્સ આપી દીધા ? " અનિલાબેન તો હબક ખાઈ ગયાં.
બસ પછી તો વાયુવેગે પોળમાં સમાચાર પહોંચી ગયા કે મંથને પોતાના ઘરે કામ બંધાવ્યું અને આખા મહિનાના પૈસા આપી દીધા.
મંજુબેન ગયા પછી મંથન જીતુભાઈ શાસ્ત્રીને મળવા માટે પાલડી જવા નીકળ્યો. આટલે લાંબે જવા માટે કાયમ એ બસનો જ ઉપયોગ કરતો પરંતુ આજે એણે વાડીગામથી રીક્ષા જ પકડી લીધી અને પાલડી તરફ લઈ લેવાનું રીક્ષાવાળાને કહ્યું.
સવારનો સમય હતો એટલે જીતુભાઈ ઘરે જ મળી ગયા.
" આવ મંથન. આજે સવાર સવારમાં ? " શાસ્ત્રીજી એ આશ્ચર્યથી પૂછ્યું.
" જીતુભાઈ મારે મારી પુનિતપોળમાં નવચંડી હવન કરાવવો છે. નજીકમાં જે પણ સારું મુહૂર્ત હોય એ તમે જોઈ લો. નવ બ્રાહ્મણો સાથે શાસ્ત્રોક્ત રીતે યજ્ઞ થવો જોઈએ. આખી પોળમાં જમણવાર પણ એ દિવસે મારા તરફથી છે. દક્ષિણા તમે જે કહેશો તે મળી જશે. " મંથન બોલ્યો.
" કેમ કોઈ લોટરી લાગી છે કે શું ? " જીતુભાઈ હસીને બોલ્યા.
" બસ એમ જ સમજો ને ! નજીકનું મુહૂર્ત જોઈ લો. " મંથન બોલ્યો.
" નજીકમાં તો સારો દિવસ હવે પંદર દિવસ પછી ફાગણ સુદ ત્રીજ આવશે." જીતુભાઈ બોલ્યા.
મંથને ખિસ્સામાંથી ૧૦૦૦૦ કાઢીને જીતુભાઈને આપ્યા.
" બાકીનો હિસાબ હવનના દિવસે કરી દઈશ. તમે ત્રીજના દિવસે સમયસર આવી જજો. ઘી સહિત તમામ માલસામાનની વ્યવસ્થા પણ તમારે જ કરવાની. મંડપ હું તૈયાર કરાવી દઈશ." મંથન બોલ્યો.
એ પછી ત્યાંથી નીકળીને મંથન સીધો જમવા માટે ગયો. રસોઈ તૈયાર જ હતી. ઉર્મિલા માસીએ આસન પાથરીને એને પ્રેમથી જમવા બેસાડ્યો.
" ભાઈ તમે એકલા જ છો ? ઘરમાં બીજું કોઈ નથી ? " માસી બોલ્યાં.
" ના માસી... મમ્મી હતી એ થોડા મહિના પહેલાં દેવલોક પામી. " મંથન બોલ્યો. બસ એ પછી બીજી કોઈ વાત ના થઇ.
જમીને પછી મંથને જેવો પોળમાં પ્રવેશ કર્યો કે તરત જ ઘરના ઓટલા ઉપર બેઠેલાં સવિતા માસીએ બૂમ પાડી.
" અલ્યા મંથન તને નોકરી મળી કે શું ? પોળમાં વાતો ચાલે છે કે મંથનને સારા પગારની નોકરી મળી." સવિતા માસી બોલ્યાં.
"હા માસી. બે લાખનો પગાર છે. અને ઘરે બેસીને જ મારા લેપટોપ ઉપર કામ કરવાનું. " મંથને જાણીજોઈને વાર્તા કરી નાખી. એને ખબર હતી કે આખી પોળમાં આ સમાચાર પહોંચી જશે.
" હેં ..!! બે લાખ રૂપિયા પગાર મહિનાનો ? " સવિતા માસીને જાણે ચક્કર આવી ગયા.
" હા માસી દર મહિને બે લાખ. અને ત્રણ મહિનાના છ લાખ રૂપિયા તો મને એડવાન્સમાં મળી ગયા. એની ખુશીમાં ૧૫ દિવસ પછી આપણી પોળમાં હું નવચંડી હવન કરાવવાનો છું અને આખી પોળને લાડવા ખવડાવવાનો છું." મંથન બોલ્યો અને ચાલવા લાગ્યો.
મંથને સવિતાબેનને જે વાત કરી એની એવી અસર થઈ કે પોળમાં જાણે સોપો પડી ગયો. દુનિયામાં પૈસાની કેટલી બોલબાલા છે એ સાંજ સુધીમાં મંથનને સમજાઈ ગયું.
મંથન સાંજે જમવા માટે ચાલતો ચાલતો બહાર નીકળ્યો ત્યારે જે લોકો પોળમાં ઘરની બહાર ઊભેલા હતા એ સૌ "કેમ છો મંથન ભાઈ " કહીને એની ખબર પૂછવા લાગ્યા.
પોળના નાકે ઉભેલા ચીમનકાકાએ તો હદ કરી નાખી.
" અલ્યા મંથન મેં તો સાંભળ્યું છે કે તને બે લાખ રૂપિયા પગારની નોકરી મળી. બહુ રાજી થયો ભાઈ. મારો જગદીશ પણ એક વરસથી નોકરી માટે ધક્કા ખાય છે તો એને પણ તારી જેમ ક્યાંક ગોઠવી દે ને ? એ પણ એન્જિનિયર થયો છે. વહીવટ કરવો પડે તો કરીશું. તને પણ હું રાજી કરીશ. લાખ રૂપિયા મળશે તો યે બહુ થઈ ગયા !! " ચીમનકાકા બોલ્યા.
" જરૂર કાકા... હું ધ્યાનમાં રાખીશ. " કહીને મંથન જમવા માટે પોળની બહાર નીકળી ગયો. ચીમનકાકાની વાત સાંભળીને એને મન માં ખૂબ જ હસવું આવ્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)