એક અમસ્તો વિચાર!
******************
મગજમાં ઘણાં દિવસથી એક વિચાર ઘુમરાયા કરે છે.જેન્ડર ડિસ્ક્રિમિનેશન,છોકરો-છોકરી,સ્ત્રી- પુરુષ એ બધું ક્યારે અર્થવિહીન બની શકશે? છે જ પણ ક્યારે વિચારોમાં સ્વીકૃતિ પામી શકશે?એ માટે વિચારોનું યોગ્ય દિશામાં વળવું જરૂરી હોય છે.એ યોગ્ય દિશા વળી,દરેકની દ્રષ્ટિએ જુદી જુદી હોય શકે એટલે આ તકલીફ વર્ષોથી ચાલી આવે છે!કાયદાકીય રીતે સ્ત્રીઓનાં સમાન હક્ક સુધીની મંજુરી મળી ગઈ હોવા છતાં ક્યાંક ને ક્યાંક સ્ત્રી સમાનતાની વાતોને લઈને હોબાળો થતો જ રહેતો હોય છે. ખરેખર,જોવા જઈએ તો થોડાં ઘણાં પછાત ગામો સિવાય સ્ત્રીઓ પીડિતા તરીકે ઓછી જ જીવતી હોય છે.
હવે,હું જે વિચારો રજૂ કરવા માગું છું એ ઘણાં બધાંને અપાચ્ય જ રહેશે પણ મગજ એક ટકો પણ એ તરફ વળશે તો વિચાર ટકોરો મારી જશે!આ બધી સમસ્યાઓમાં ઘણી સમસ્યાઓ મનમાં ઉદ્દભવેલી અને અમુક જૂથો એ હવા આપી ચિંગારીને આગ બનાવેલી છે.
આ સમાનતાની વાતો જેટલી સરળતાથી કે પોઝિટિવ વે માં જોવાય એટલી જ મનની મગજની સ્વસ્થતા રાખી શકાય છે.ટશલ નિવારી શકાય છે.અને "હું મહાન કે તું મહાન"નાં કોચલામાંથી બહાર નીકળી શકાય છે.પહેલ ઉચ્ચ બુદ્ધિજીવીઓ અને શાંતિથી રહેવા માંગતા લોકો એ જ કરવી રહી.દ્રષ્ટિકોણ થોડો જૂનો લાગશે પણ હું બેઝિક એથિકસમાં માનું છું.એવા એથિકસ કે જે સકુન આપતાં હોય,જીવવાની સરળ રીતમાં ઉપયોગી બનતાં હોય.સ્ત્રી પુરુષ એકબીજાને પૂરક માને અને ઘરની દરેક સ્ત્રીઓ એ માન્ય રાખે એ જરૂરી!ક્યાંક હજી પણ સાંભળવા મળે છે કે,સ્ત્રીઓને ઘરમાં કરવાનું શું હોય? તો ક્યાંક એવું કે,પુરુષોને કમાવા સિવાય બીજી ચિંતા ન હોય ઘર તો સ્ત્રી જ સંભાળે ને! બહુ જ સામાન્ય મુદ્દો લાવી છું પણ મને લાગે છે ટુ બી હસબન્ડ વાઈફ માટે કદાચ ઉપયોગી સાબિત થશે.
સ્ત્રીઓની જવાબદારીઓ વધુ છે,ઘર,બાળક અને ઘરનાં લોકોને સંભાળવું એમ તો સહેલું નથી જ હોતું.સવારથી ઉઠીને મગજ શરૂ થાય"નાસ્તો શું બનાવું? કોને શું ભાવશે?" એ પૂરું તો પછી બીજું"શાક શું બનાવવું?દાળ બનાવું કે કઢી?કોને શું ફાવશે?" આવાં વાંચવામાં બાલિશ લાગતાં પ્રશ્નો ખરેખર બહુ વિચારવા લાયક હોય છે!ઝીણવટથી જોઈએ તો એમાં જબરદસ્ત સંવેદનો ગૂંથાયેલા હોય છે.સ્ત્રી પોતાની સાથે રહેતાં દરેકને ખુશ રાખવા માંગે છે, દરેકને સંતોષ આપવા માંગે છે. એને માટે પોતે બનતું બધું કરી છૂટવા પ્રયત્નશીલ હોય છે.
સ્ત્રીઓની જેમ જ પુરુષોની પણ ઘણી જવાબદારીઓ હોય જ છે.લાગણીનાં તાણા વાણાએ એ પણ વિટાયેલાં જ હોય છે.હા, વ્યક્તતા કદાચ સ્ત્રીઓ કરતાં ઓછી હોઈ શકે.મોટાં ભાગનાં પુરૂષો ઑફિસ કે વર્કપ્લેસ પર 100% હોતાં જ નથી!એમનું 40% મન મગજ ઘરની જવાબદારીઓથી ઘેરાયેલું હોય છે.ઘરનું વાતાવરણ જો કુનેહ ભર્યું ન મળે તો એમની કામ કરવાની ક્ષમતા પર અસર થતી હોય છે.એનો અર્થ એમ થાય છે કે પુરુષો પણ ખૂબ જ ઋજુ હૃદયી હોય છે.
હવે ફરી એ જ સવાલ આવ્યો કે બન્ને સરખી રીતે કુદરત તરફથી મેળવીને આવ્યાં જ છે છતાં શા માટે પરાણે એ બે માં વિખવાદ કરાવવો?પુરુષ જો પોતાની સફળતાનું શ્રેય સ્ત્રીને આપે અને સ્ત્રી એનાં બેઝિક એથિકસ(પાયાની નીતિમત્તા) પકડી ને ચાલે તો આ પ્રશ્નો લગભગ લગભગ ઉદ્દભવશે જ નહિ ને ઉદ્દભવે તો હલ સરળતાથી નીકળી જ જશે.
સ્ત્રીઓનાં બેઝિક એથિકસ એટલે ઘર સંસારમાં સૌને ખુશ રાખવા અને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું એ હોય છે.સૌની ખુશી સાથે પોતાની ખુશી આપોઆપ જોડાઈ જ જતી હોય છે.પણ દ્રષ્ટિકોણ સંપૂર્ણ પણે પોઝિટિવ રાખવો રહ્યો.આપણે સૌની ખુશીનું ધ્યાન રાખીશું તો સૌ આપણી ખુશીઓને નજર અંદાજ ન જ કરી શકે!ઘરમાં રખાયેલાં પોઝિટિવ વ્યૂસ દરેક જગ્યાએ ઘરનાં દરેક વ્યક્તિમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે અને જે તે સ્થળે એ વ્યક્તિ બમણી કાર્યક્ષમતા કેળવી સફળ થઈ શકે છે.આમાં જો" મારે કેટલું કરવાનું? હું કંઈ કામવાળી છું?તમે લોકો તો ઓર્ડર કર્યે રાખો,મારો તો કોઈ વિચાર નથી કરતું" વગેરે વગેરે જેવા વાક્યો બોલાયા કરે તો ઘરમાં એક બોજરૂપ વાતાવરણ બનશે જે દરેકને નુકસાન કર્તા બનશે.એટલે જ "સ્ત્રી ધારે એ કરી અને કરાવી જ શકે છે" એ ઉક્તિ સાર્થક જ છે.
પુરુષો માટેનાં બેઝિક એથિકસ એટલે ઘરનાં દરેક વ્યક્તિનું ભરણ પોષણ કરવું,આર્થિક, સામાજિક રીતે સધ્ધરતા અપાવવી અને એ માટે પૂર્ણપણે પ્રયત્નશીલ રહેવું.ઘરમાં શાંતિ બની રહે એ માટે સંપુર્ણપણે તટસ્થતા કેળવવી.સ્ત્રીઓ નું બાળકો સામે માન જાળવવું,બાળકોને તેમજ ઘરનાં ને હૂંફ આપવી.વખતો વખત પત્નીને એનાં યોગ્ય કામકાજ માટે લાગણીઓથી બિરદાવવી.
આજનાં યુગમાં પત્ની જો વર્કિંગ વુમન હોય તો બન્ને એ ઘરનું દરેક કામ મળી સમજીને કરી લેવું અને એકબીજાને હેલ્પફુલ થવું ખૂબ જરૂરી હોય છે."હું મહાન કે તું મહાન"નું મગજમાંથી નીકળે તો અહીં પણ સુમેળતા ભર્યા સંબંધો અવશ્ય સ્થપાશે.
જો આમ પરસ્પર સમજીને રહેવાય તો આ જેન્ડર ડિસ્ક્રિમિનેશનનાં પ્રશ્નોને લઈને થતાં હોબાળા ચોક્કસ થોડે ઘણે અંશે અટકી શકે અને જે તે લોકો પોતાની એ બુદ્ધિમત્તાનો ઉપયોગ બીજી યોગ્ય દિશાએ કરી શકે.
કુંતલ ભટ્ટ
સુરત.