sapna nu sapnu ... in Gujarati Short Stories by Tru... books and stories PDF | સપનાનું સપનું....

The Author
Featured Books
Categories
Share

સપનાનું સપનું....

મમ્મી આજે મને એવું સપનું આવ્યું કે આપણે આ સામે ના ઘરમાં રહવા જતાં રહ્યાં ઊંચે ઊંચે.પછી હું અગાસીમાં ગઈ સૌથી ઉપર ત્યાં તો ઘણા બધા વાદળો હતા અમે પકડદાવ રમ્યા.બવ મજા આવી હો....હૈ મમ્મી આપણે આ ઘરમાં ક્યારે રહેવા જવાનું...
મોટી 14 માળની બિલ્ડિંગમાં ચણતરકામ કરતા દંપતી રમણ અને ગંગા પોતાની સાત વર્ષની દીકરી સપનાનું સપનું સાંભળી થોડું મલક્યા.
"અરે ગાંડી,આપડે મકાન માં કડિયાકામ કરવાનું હોય,મકાન તૈયાર કરવાનું એમાં રહેવા ના જવાનું હોય.એ કંઈ તારા બાપાનું મકાન નથી હો....
ગંગા એ જવાબ આપ્યો.....
પણ મમ્મી મારા બાપા જ મકાન બનાવે છે.જોતો કેટલું મોટું છે.ઉપર જોવા કેટલું મોં ઉપર કરવું પડે એમાં રહેવાની કેવી મજા આવે?આપણે ત્યાં રહેવા જઈશું હો.સપનાએ થોડું જોહુકમી થી એની મમ્મીને કહ્યું.
અરે ગાંડી એ મકાન નઈ મોટો ફ્લેટ છે ફ્લેટ...એ લેવા તો ઘણા બધા રૂપિયા જોઈએ એ છે તારી પાસે?ગંગા એ પૂછ્યું...
સપના થોડીવાર ચૂપ રહી ને બોલી મારા બાપુ પાસે છે.હે ને બાપુ?
હવે રમણ નો વારો હતો સપના જોડે લપ કરવાનો,બેટા રૂપિયા તો છે પણ.......આ ફ્લેટ માં રહેવા જવાય એટલાં નથી.ખાલી તને મેળામાં લઈ જવાય એટલા છે.આપણે કામ પૂરું થાય એટલે મેળે જઈશું...
નથી જવું મારે,મેળામાં મારે તો આ ઘરમાં રહેવા જવું છે.કેટલું મોટું કેટલું ઊંચું કેવી મજા આવે. મારે આ નાનકડા ઘડીકમાં પડી જાય એવા ઘરમાં નથી રહેવું.સપના એ નારાજગી વ્યક્ત કરી.
અરે! તો આ પડી જાય એવું ઝૂંપડું ક્યાં આપણું ઘર છે.આપણું ઘર તો ગામડે છે મસ્ત ડેલા વાડું,મોટા ફળિયા વાળુ અહી તો આપણે કામ કરીએ ત્યાં સુધી જ રહવાનું ને સપના.રમણે સપનાને સમજવા પ્રયત્ન કર્યો.
બાપુ એતો ક્યાં આવડું ઊંચું છે. આતો આકાશને અડે છે.બાપુ અગાસી પર તો વાદળાં ને અડી જવાતું હસે ને?કેવી મજા પડે વાદળો જોડે રમવાનું....
સપના બોલતી હતી ત્યાંજ ગંગા એ એને ટોકી,"બાપ ને વેત્ નથી ને આ તમારી છોડી ને વાદળ જોડે રમવું છે.બેટા આ ફ્લેટ લેવામાં ઘણા રૂપિયા જોઈએ.આપણા સપનામાંય ના જોયા હોય ને એટલા બધા...

"એટલાં બધાં રૂપિયા.....?તો હે બાપુ,આ બીજા બધા જોડે એટલા બધા રૂપિયા ક્યાંથી આવતા હશે.એમને રૂપિયાનું ખેતર હશે."
લો,આ તમારી છોડી હવે ખેતરે રૂપિયા ઉગાડવાનું કહેશે.ગંગા હસતા હસતા બોલી..
ના બેટા રૂપિયા તો પહેલા ખૂબ ભણવું પડે,મોટા થઈ મોટા પગાર વાડી નોકરી કરવી પડે, મોટા સાહેબ થવું પડે તો ઘણા બધા રૂપિયા મળે કદાચ આ ફ્લેટ લેવાય એટલા.આપણે તો મજૂર માણસ કહેવાય.આપણી જોડે ના હોય એટલા રૂપિયા......દરેક પિતા ની જેમ રમણે પણ સપના ને ભવિષ્ય દેખાડી સમજાવી...
તો બાપુ તમે ભણવા જાવ ને ઘણા બધા રૂપિયા લઈ આવો,....
આ સાંભળી રમણ અને ગંગા ખૂબ હસવા લાગ્યા...
અરે ગાંડી,તારા બાપા આઠ ચોપડી તો ભણેલા હો અને હવે એવા ઢાંઢા જેવા કઈ ભણવા જવાય..
તો તું જા...
આ સાંભળી ગંગા અને રમણ પાછા પેટ પકડી ને હસ્યા...
અમારી ભણવાની ઉંમર વઇ ગઈ હો છોરી,હવે તું ભણી ને સારી નોકરી કરી.ઘણા બધા રૂપિયા લાવે તો ફ્લેટમાં રહેવા જવાય...
સારું તો હું ભણવા જઈશ. હાલો નિશાળે.... પછી તરત આ ઊંચા ફ્લેટમાં રહેવા જઈએ.અહીંયા આ નાના ઘરમાં નથી રહેવું.સપના એ તો થોડી જીદ પકડી.
છોરી,એક દિવસમાં કઈ ભણી ના લેવાય બવ વખત લાગે અને બધા કામ કરતા લોકો અહીં રહે એટલે આપણે પણ અહી જ રહેવાય.ફ્લેટમાં રહેવા ના જવાય.ગંગા એ થોડું ગુસ્સામાં કહ્યું.અને સપના નારાજ થઈ બેસી ગઈ...
સપના ની જીદ જાણે અષાઢ નો મેહુલો સંભાળતો હોય એમ એતો એકદમ વંટોળ સાથે ઘૂમરી ખાતો,કાળા ડીબાંગ વાદળો ની ફોઝ લાવતો,બફારા ને હળવો કરતો અને પાણી ની બુંદો ની રમઝટ બોલાવતો આવી પહોંચ્યો.
બધા જ મજૂરોના ઝૂંપડા ભારે પવન ના કારણે અડધા બેસી ગયા.પુરુષો અને સ્ત્રીઓ જમવા બનાવવાની વસ્તુઓ અને થોડા વાસણો લઈ ને ફલેટ નીચે આવી ઊભા રહી ગયા.વરસાદ તો ખૂબ જામ્યો હમણાં બંધ થાય એવું નહોતું લાગતું એટલે ફલેટના માણસો એ બધા મજૂરો ને બંધાયેલા ઓરડાઓ માં ખાવા - પિવા અને સૂવાની સૂચના આપી.બધા મજૂરો પોતાના સમાન સાથે અલગ અલગ ઓરડામાં ગોઠવાઈ ગયા.
ગંગા અને રમણ પણ સપના સાથે એક ચોથા માળ ના એક ઓરડામાં ગોઠવાઈ ગયા.સપના ફલેટના ઓરડામાં એવી ને ખુશ હતી. કાચ વગરની બારી માંથી વરસાદને જોતી એ જેવુતેવું ગાતી અને વચ્ચે વચ્ચે નાચતી પણ હતી.પોતાની દીકરી નો આવો આનંદ જોઈ ને ગંગા અને રમણ પણ ખૂબ ખુશ થતા.
લો ....આવી ગયા ફ્લેટમાં રહેવા..જમવાનું પતાવી સપના ને પાસે સુવડવતા ગંગા બોલી.
હા હો કેટલી ખુશ થઈ ગઈ છોરી નઈ..?
હા હો ફ્લેટમાં રહેવાનો ભારે અભરખો હતો એને વરસાદના લીધે પૂરો થઈ ગયો.
પણ ગંગા આપણી છોરી એ જે સપનું જોયું એ પૂરું કરવા પ્રયત્ન તોં કરવો છે હો...
એટલે?
એને ભણવા તો બેસાડવી છે?
પણ આપણી જોડે એટલા રૂપિયા નહિ મળે,ગંગા એ ચિંતા વ્યક્ત કરી.
અરે ગંગુ આપણા ગામડે શાળા માં બધું મફત હોય છે ભણવાનું એવુ રમલો કહેતો હતો.ત્યાં સપના ને બેહાડશું.એમ પણ આપણી સપના હોશિયાર ખરી હો...ગામડે થી નજીકમાં કામ શોધશું.અને ત્યાં રહીશું.
અને આગળ.......ગંગા એ ફરી ચિંતા વ્યક્ત કરી.
આગળનું તો ઉપર વાળો જાણે હું તો બાપ તારીખે મારી સપનાનું સપનું ભુલાઈ ના જાય એવા પ્રયત્નો કરી શકું....
વિચાર તો ખરી ...સપના ભણી ને આગળ વધશે તો આપણે પણ ફ્લેટની અગાસીમાં ઊભા રહી વાદળ જોડે વાતો કરીશું ગંગા.
બંને બાપ દીકરી ઘેલા છો.સૂઈ જાવ હવે.
બંને એ સપના તરફ એક નજર કરી અને સપના માજ ખોવાઈ ગયા.