(આદિ પરિવાર સાથે મંદિરે પહોંચ્યો અને હવે આગળ...)
****************
મંદિરે દર્શન કરી બધાં પ્રાંગણમાં ગોઠવાયાં. આદિ મમતાબેનની બાજુમાં બેઠો અને કેતુલભાઈ પરી સાથે બીજાં બાંકડે. વારેવારે મંદિરનાં પ્રવેશદ્વાર તરફ જોતાં મમતાબેનને જોઈને આદિને મજાક સૂઝી,
"આટલી રાહ અત્યારે જોવડાવે છે તો પછી તો..."
હજું એનાં શબ્દો મોં માંથી બહાર નીકળ્યાં ન નીક્ળ્યા ત્યાં તો મમતાબેન બોલ્યાં,
"જો પેલી પીળાં ડ્રેસમાં છે ને તે ગૌરી. નાજુક નમણી સરસ છે ને!"
"હા... રાઈના છોડ જેવી."
"હે... આવી તો કોઈ ઉપમા આપે! મઘમઘતાં સુંદર ફૂલ જેવી છે એમ કહેવાય."
"દેખાઇ એવી કીધી ને રાઇના પણ ફૂલ હોય!!! કડવાં..."
"ચુપ કર... એ લોકો સામે જો આવો લવારો કર્યો તો ધોઈ નાંખીશ." મમતાબેને દૂરથી જ એ લોકોને સસ્મિત આવકારતાં આદિનાં કાનમાં કહ્યું.
બંને પરિવારો એકબીજાનું અભિવાદન કરે છે. થોડી ઔપચારિક વાતો પછી આદિ અને ગૌરીને મંદિરનાં પ્રાંગણમાં જ રહેલાં નાનાં ઉદ્યાનમાં મોકલવામાં આવે છે જેથી મોકળાશથી વાત કરી શકાય. બંને વચ્ચે થોડાં સમય માટે મૌન રહે છે પછી વાત તો કરવી જ પડશે એમ વિચારી આદિ વાતની શરૂઆત કરે છે.
"મમ્મી એ લગભગ તમને મારા અને પરિવાર વિશે જણાવી દીધું છે છતાં હું એક વાત કહેવા માગું છું. મારા જીવનમાં બે સ્ત્રીઓ ખૂબ મહત્વ ધરાવે છે એક મમ્મી અને બીજી પરી. હું આ બંનેને ક્યારેય ન પોતાનાથી દૂર કરી શકું કે ન એમની આંખોમાં આંસું જોઈ શકું. મારા માટે મારો પરિવાર જ સર્વસ્વ છે. ભવિષ્યમાં પણ કોઈ વાર પસંદગીની વાત આવી તો હું પરીને અને મમ્મીને જ પ્રાધાન્ય આપીશ માટે તમે જે નિર્ણય લો એ સમજી વિચારીને લેજો."
એટલામાં પરી ત્યાં દોડતી દોડતી આવે છે ને આદિને એક નાનકડું ફૂલ આપે છે ને હસે છે. આદિ વ્હાલથી એને ખોળામાં બેસાડી લે છે ને ગૌરી તરફ જોઈને કહે છે, "આ જીવ છે મારો."
ત્યાં જ પરી એનાં ખોળેથી ઊતરી ગૌરી પાસે જઈને "મમઆઆઆઆ... મમઆઆઆઆ..." એમ બોલતી બોલતી ગોળ ગોળ ફરે છે ને હસે છે.
એ નિર્દોષ સ્મિત સાથે બોલાયેલો શબ્દ ગૌરીના અંતર સુધી પહોંચી ઉત્પાત મચાવે છે. એને વિહ્વળ કરી દે છે, ગૌરીના મનમાં એટલું વ્હાલ ઉભરાય છે કે હમણાં ઊઠીને પરીને છાતીએ ચાંપી દે પણ એ રોકે છે પોતાને.
આ તરફ પરી મામા બોલી એમ સમજી આદિ એકદમ ખુશ થઇને પરીને ઉંચકી લે છે ને કહે છે, "ફરી બોલ દિકુ... ફરી મામા બોલ." પણ પરી ફરી ન બોલી.
ગૌરી અનહદ ખુશ આદિને જોઇ રહે છે ને એ વિચારે છે કે નાનું બાળક સૌથી પહેલાં મોટેભાગે 'મા' જ બોલે, જેને ઘણીવાર રિપીટ કરે છે. સાચું જ કહેવાય છે જેને પ્રેમ કરતા હોઇએ એની દરેક વાતમાં માણસ પોતાને જ શોધે છે. છતાં એ તર્ક કહેવો એને યોગ્ય ન લાગ્યો. ઉલ્ટાની આદિની ખુશી એનાં ચહેરા પર પણ પ્રતિબિંબિત થઈ.
"સાંભળ્યું તમે! મારી પરી આજે પહેલીવાર બોલી ને એણે મને બોલાવ્યો." પરીને વ્હાલ કરતો એ બોલ્યો.
"હા... ખૂબ ખૂબ અભિનંદન."
"થેન્ક્યુ." પરીને બાંકડે બેસાડતાં બોલ્યો. પણ પરી તો નીચે ઉતરી રમવામાં મશગુલ થઈ ગઈ.
"તમને તમારા મમ્મીએ મારા વિશે જણાવ્યું જ હશે. ખાસ તો મારી ખામી વિશે. સાચું કહું તો હું તૈયાર જ નહોતી લગ્ન માટે કારણકે હું કોઈની અપેક્ષાઓ એ ખરી નહીં ઊતરી શકું. મને જુઠ્ઠાણું પસંદ નથી એટલે સાચું જ કહીશ . હું માત્ર મારા પરિવારની ઈચ્છા હતી એટલે મળી છું." ગૌરીએ થોડી બેચેની સાથે વાતનો દોર સાધતાં કહ્યું.
"હું પણ માત્ર મમ્મીનાં કહેવાથી મળવાં આવ્યો છું. ભવિષ્યની મને ખબર નથી. મારે બસ પરી માટે જીવવું છે. કોઈ સાથ હોય તો હું અને પરી સુખરુપ જીવશું એવી મમ્મીની ભ્રમણા છે. કદાચ એ સાચાં પણ હોય પરંતુ મને એવું નથી લાગતું." આદિ રમતી પરી સામે જોઇ બોલ્યો.
હજું પણ બંને સંબંધ માટે અસમંજસમાં જ હતાં. પરી રમતાં રમતાં કિલકારી કરતી ક્યારેક આદિ પાસે આવતી તો ક્યારેક ગૌરી પાસે જઈને એની આંગળીઓ સાથે રમતી ને એકાદવાર તો એનાં ખોળામાં માથું મૂકી દીધું ત્યારે ગૌરીને કંઈ અલગ જ અનુભૂતિ થઈ ને અનાયાસે જ એનો હાથ પરીને માથે મૂકાઇ ગયો.
થોડીવાર પછી એ બંને પરીને લઇ ફરી પરિવાર પાસે આવ્યાં અને ચર્ચા કરી નિર્ણય જણાવીશું એમ કહી બંને પરિવારો છૂટાં પડ્યાં.
(ક્રમશઃ)