(મમતાબેને આદિને ગૌરી વિશે વાત કરતાં એ મળવાની સ્પષ્ટ ના પાડી દે છે અને ચિંતિત મમતાબેનથી એક ડૂસકું લેવાઇ જાય છે.)
________________________________
આદિ મમતાબેનનું ડૂસકું સાંભળી દાદરેથી પાછો વળ્યો. એમ પણ દિકરાને મા સાથે વધું લગાવ હોય અને દીકરીના મૃત્યુ બાદ આદિએ એમને તૂટતાં જોયાં હતાં. એણે ત્યારે જ એક નિર્ણય લીધો હતો કે મમ્મીની આંખમાં આંસું નહીં આવવા દે. આદિ પીગળ્યો એણે મમતાબેનનો હાથ હાથમાં લઈ કહ્યું,
"મમ્મી હું જાણું છું કે તમે મારું સારું જ ઇચ્છો છો પણ દુનિયા તમે માનો છો એટલી સરળ નથી રહી એ તમે પણ જાણો છો. તમે હજી જેને એક જ વાર મળ્યા છો એ આ ઘરમાં આવ્યાં પછી પરીનો અસ્વીકાર કરશે તો! તમારી સાથે પણ અભદ્રતા, અણછાજતું વર્તન કરે તો! તમે કેટલીય જાણીતી નજીકની છોકરીઓ જોઈ. કોઈ સ્પષ્ટ હતી તો કોઈ પાછળથી પરીને દૂર કરી દેશે એવાં અંદેશાઓ તમને ક્યાં નથી થયાં! એમાં આ તો તદ્દન અજાણ્યા માણસો, એમનો શું ભરોસો? હું એવું કોઈ રિસ્ક નથી લેવાં માંગતો જેમાં મારે ભવિષ્યમાં તમને કે પરીને દુઃખી જોવાં પડે."
"સમજું છું આદિ પણ ભરોસે તો સંસાર ચાલે છે. આ છોકરી મને સાચે જ કોઈને દુઃખ આપે એવી નથી લાગતી. એકવાર મળી તો લે. મારા માટે. છેલ્લીવાર... આ પછી ક્યારેય કોઈને મળવાનું નહીં કહું."
આટલું કહી મમતાબેને સુમનબેન સાથે થયેલી વાતચીત આદિને જણાવી અને આદિ ગૌરીને મળવાં તૈયાર થયો.
_____________________________
આ બાજુ સુમનબેને બધાને વાત કરી. પહેલાં તો બધાંએ વિરોધ નોંધાવ્યો કે અજાણ્યું ગામ, અજાણ્યા લોકો. એમનેમ ભરોસો કેમ કરવો?
પણ સૌથી મોટો વિરોધ ગૌરીનો હતો. એણે રીતસરનો વિદ્રોહ કર્યો,
"મમ્મી શું હું તમને ભારી પડું છું?"
"ના બેટા. એમ કેમ બોલે છે?"
"તો બીજું શું કહું! તમને ખબર છે ને બધું, મારો નિર્ણય પછી! પછી શા માટે?"
"જો બેટા. વાત એમના તરફથી આવી છે. મેં બધું સાચેસાચું જણાવી દીધું પછી પણ. ને એમ પણ તારી મંજૂરી વગર કંઈ નહીં થાય."
"એ બધું તો ઠીક પણ મમ્મી ભરોસો કંઈ રીતે કરવો! અહીં આપણી કોઈ ઓળખાણ પણ નથી કે તપાસ થાય. કાલે ઊઠીને કંઈ થયું એનાં કરતાં ગૌરી આપણા ઘરે જ સારી." આનંદ બોલ્યો.
"દિકરા. દુનિયા વિશ્વાસે જ ટકેલી છે. અમારા ગયાં પછી તું અને નેહા ગૌરીને સાચવશો જ. એની અમને ખાતરી છે પણ તમારો પણ સંસાર છે. તું દરેક જગ્યાએ નહીં પહોંચી વળે. મળી લેવામાં શું ખોટું છે?"
"મને મમ્મીની વાત સાચી લાગે છે. મળી લેવામાં શું ખોટું!" નેહાએ મમતાબેનનું સમર્થન કર્યું.
"નેહા... હું ભવિષ્યમાં તમને ભારી નહીં પડું." ગૌરી બોલી
"ના... ગૌરીબેન આવું ક્યારેય ન વિચારશો. હું તમારી અસમંજસ સમજું છું. પરંતુ, ઘણીવાર ન ધારેલું થાય છે. અજાણ્યા જાણીતાં કરતાં સવાયા નીકળે અને આપણે ક્યાં કંઈ છૂપાવ્યુ છે? ઘણીવાર અંધારામાં દિશા મળી જાય છે. લગ્ન પહેલાં હું ક્યાં આનંદને જાણતી હતી!" નેહાએ સૌમ્ય સ્વરે કહ્યું.
"ગૌરી... એ બે વર્ષની બાળકી મેં જોઇ છે. તમે બંને એકબીજાની કમી પૂરી કરો એમાં ખોટું શું! આમપણ મે પૂજારીજી સાથે વાત કરી તો એમનાં મુજબ સભ્ય, સંસ્કારી લોકો છે. વર્ષોથી એ લોકોને ઓળખે છે. એમનાં હિસાબે પણ બધું સારું છે."
"પણ મમ્મી હું નહીં કરી શકું."
"તારે મને અને તારા પપ્પાને તારી ચિંતામાં જ જોવાં છે? તને આમ જોઈ અમને કેટલી તકલીફ થાય છે એ તું જાણે છે! તેં તો તારો નિર્ણય લઈ લીધો અને અમે માની પણ લીધો, તો શું તું અમારી એકવાત પણ નહીં માને? તને અમારા પર ભરોસો જ નથી?"
"એવું નથી મમ્મી પણ..."
"તને શું એમ લાગે છે કે તને તકલીફ થઇ તો અમે કંઈ નહીં કરીએ? તારા પપ્પા તારા એક અવાજે તને કોઇપણ મુસીબતમાંથી બહાર લઈ આવશે. આ આનંદ પણ તારા માટે કંઈ પણ કરશે. એવું જ કોઈ બીજું પોતાનું હોય તો શું વાંધો છે? એક જીવનસાથી..... આ આસ ફૂટી છે તો આંખ આડા કાન ન કરાય બેટા. છતાં તારી સાથે કોઈ જબરજસ્તી નથી જ."
"એકવાર મળી લે બેટા." ગૌરીના પપ્પા જે અત્યાર સુધી ચૂપ હતા એમણે કહ્યું.
"ઠીક છે." ધૂંધવાયેલી ગૌરી એટલું જ બોલી બહાર મંદિર તરફ જતી રહી.
આનંદ પાછળ જવા તૈયાર થયો તો એનાં પપ્પાએ એને રોક્યો, "એને એકલામાં વિચારવા દે."
"પપ્પા મને આ વાત ગળે નથી ઊતરતી. એ લોકો ફ્રોડ હશે તો!"
"આ લે. આમાં છોકરાની વિગતો છે. તારી રીતે તપાસ કરી લે." સુમનબેને એક કાગળ એનાં હાથમાં મૂકતાં કહ્યું.
સુમનબેને મમતાબેન સાથે ફોન પર વાત કરી બીજાં દિવસે મંદિરમાં જ મળવાનું ગોઠવ્યું. બંને ખુશ હતાં કે, હાશ બંને મળવા તો તૈયાર થયાં.
આ બાજુ આદિ અને ગૌરી બંને વિચારી રહ્યા હતાં કે કાલે એવું તો શું કરવું કે, ના થઈ જાય.
(ક્રમશઃ)
- મૃગતૃષ્ણા