કનાનું માથું રાધીની છાતી પર હતું. કનો હીબકાભરી રહ્યો હતો. કનાને તો એવું જ લાગ્યું કે રાધીનું પ્રાણ પંખેરું ઊડી ગયું. રાધી વગરની દુનિયાની કલ્પના માત્ર કનાને ધ્રુજાવી ગઈ.આમ અચાનક રાધી પોતાને દગો દઈ ચાલી જશે તેવું તો કને સ્વપ્ને પણ નહોતું વિચાર્યું.કનો આવા વિચાર કરતો અર્ધ બેભાન અવસ્થામાં પડ્યો હતો.અચાનક કનાના કાને રાધીના ધબકારાનો અવાજ આવ્યો હોય તેવું લાગ્યું. કનાએ રાધીની ડાબી છાતી પર કાન લગાવ્યો, તો રાધીનું હૃદય બેસતું જતું હોય તેમ ધીમે ધીમે ક્યારેક ક્યારેક ધબકતું હતું. કનાએ મનમાં મા ખોડલ અને દુવારિકાવાળાનું સ્મરણ કર્યું. કનાને અત્યારે તાત્કાલિક તેના ગેલા મામા યાદ આવ્યા, જેણે પેલા બાળ ગોવાળિયાના શ્વાસ ધીમા ચાલી રહ્યા હતા, ત્યારે બંને હાથ એની છાતી પર દાબીને પંપિંગ કર્યું હતું. અને એ વખતે એ બાળ ગોવાળિયાના શ્વાસ પાછા આવી ગયા હતા. કનાએ રાધી સામે જોયું,રાધી જાણે ગાઢ નિંદ્રામાં સુઈ રહી હોય તેમ સત્તી પાટ પડી હતી. પાણીમાંથી બહાર નીકળવા જાવલા મારવાને લીધે, કે પછી કનાએ ફસાયેલી ચુંદડી ખેંચીને તોડતી વખતે ગમે ત્યારે રાધીની ચોલીના ઉપરના બે બટન તૂટી ગયા હતા. એટલે ઘડીક કનો મુંજાયો, એક બાજુ રાધીનો જીવન દિપક ધીમે ધીમે ઓલવાઈ રહ્યો હતો, તો બીજી બાજુ રાધીને આવી અવસ્થામાં સારવાર ક્યાંથી અને કેવી રીતે ચાલુ કરવી? અચાનક કનાને યાદ આવ્યું.
કનો જંગલમાં આવે ત્યારે કાયમ ભૂખરા કલરની લૂંગી પોતાની સાથે રાખતો. જેનો તડકામાં માથે બાંધવામાં, ઘડીક આરામ કરવો હોય તો પાથરણા તરીકે, નાહવું હોય તો શરીર સાફ કરવા રૂમાલ તરીકે,ઠંડીમાં શાલ તરીકે ઓઢવામાં, વરસાદમાં પલળતો હોય ત્યારે કુશલા તરીકે ઉપયોગ કરતો. આજે જ્યારે તેણે રાધીને બચાવવા પાણીમાં ધૂબકો માર્યો ત્યારે ઉતાવળે આ લૂંગી તેણે તેની કમરે બાંધી દીધી હતી. કનાએ આ પાણીથી પલળીને નીતરતી લૂંગી પોતાની કમરેથી છોડી નાખી, તેને બરાબર વળ ચડાવી નીચોવી નાખી. લૂંગીને વળ ચડાવતી વખતે કનાનાં બાવડાના કસાયેલા ગોટલા શર્ટ ફાડી બહાર આવવા મથી રહ્યાં હતાં.પાણી નીચોવીને કનાએ આ લૂંગી રાધીની અર્ધ ખુલ્લી છાતી અને પેટ પર લપેટી લીધી. લૂંગીના બંને છેડા રાધીના ખંભા નીચે દબાવી દીધા. આ બધું કામ કનાએ સેકન્ડોમાં કરી નાખ્યું. રાધીના બંધ હૃદયનો એક થડકારો સાંભળી ગયેલા કનાને હવે જોશ આવી ગયું હતું. તેણે મનમાં ગાંઠ વાળી દીધી કે તે રાધીને પોતાનાથી દૂર નહીં જવા દે. કનાએ રાધીની બંધ આંખોના પોપચા પોતાનાં હાથે ઉથલાવી જોયા તો હજી આંખો જીવંત હતી.આંખનો ડોળો થોડો થોડો ધ્રૂજતો હતો.
હવે કનાએ હિંમત કરી, પોતાના બંને હાથ રાધીની છાતીના નીચેના ભાગે રાખ્યા.પોતાના બંને ગોઠણ રાધીના પેટની બંને બાજુ રાખી દીધા. પછી તેણે ઝટકાથી રાધીના હૃદય પર પોતાના શરીરના વજનનું જોર આપ્યું. પહેલો,બીજો અને ત્રીજા ઝાટકે રાધીની બંધ આંખોના પોપચા એકવાર ખુલીને બંધ થયા. હવે કનાના હાથમાં બમણું જોર આવી ગયું. તે રાધીના હૃદય પર વધારે જોરથી ઝટકા દેવા લાગ્યો.ને જોર જોરથી "ઉઠ... રાધી..ઉભી થઈ જા...ઉઠ... " બોલ્યાં લાગ્યો.અચાનક રાધી સફાળી બેઠી થઈ ગઈને ઉલટી કરવા લાગી. રાધીના પેટમાં ગયેલું પાણી ઉલટી વાટે બહાર નીકળવા લાગ્યું. રાધી જોર જોરથી ખાંસવા લાગી. ખાંસી ખાઈ ખાઈને રાધી ગોટો વળી ગઈ. કનો રાધીની પીઠ પાછળ હાથ ફેરવી રહ્યો હતો. ક્યારના ધીમા થઈ ગયેલા શ્વાસને લીધે શરીરમાં રક્તસંચાર પણ ધીમો પડી ગયો હતો. રાધી જોર જોરથી હાંફી રહી હતી. હાંફવાને લીધે તેના શરીરમાં પડેલી પ્રાણ વાયુની ઘટ પૂરી થઈ રહી હતી. હજી પણ રાધી અર્ધ બેભાન અવસ્થામાં જ હતી. તે બેઠી તો થઈ ગઈ હતી. રાધીના શરીરમાં થયેલા પ્રાણ સંચારને લીધે કનાના જીવમાં જીવ આવી ગયો. તે રાધીની સામે જોઈ ઊભો રહ્યો. કનાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. હમણાં ઘડીક વાર પહેલા તો કનાને એવું લાગી ગયું હતું કે રાધી તેને છોડીને ચાલી ગઈ. કનો હરેરી ગયો હતો. તે વિચારવા લાગ્યો કે રાધીનો જીવ જતો રહ્યો હોત તો રાધી વગરની પોતાની દુનિયા કેવી સુની થઈ જાત? આ વિચારથી કનાની આંખોમાં આંસુનું ઘોડાપુર આવી ગયું.
રાધી હવે સ્વસ્થ થઈ રહી હોય તેવું લાગતું હતું. તેણે ડેમના પાણી પર નજર ફેરવી, પછી ડેમની પાળ પર નજર ફેરવી. હવે રાધીને પોતે ક્યાં છે? અને પોતે પાણીમાં કેવી ફસાઈ હતી?તે ખ્યાલ આવ્યો હોય તેવું લાગ્યું. રાધીએ એક નજર તેના કપડા પર કરી, તેના કપડા અસ્તવ્યસ્ત અને ભીના હોવાને લીધે તેના શરીરે ચોટી ગયેલા હતા. રાધીએ પોતાના કપડાં સરખા કર્યા. પછી પોતાની ચુંદડીની જગ્યાએ કનાની લૂંગી જોઈ.જેને સરખી કરતાં રાધીને તેની ચોલીના તૂટેલા બટન દેખાયા. તેણે ફરી કનાની લુંગીને પોતાના શરીર સાથે લપેટી લીધી. બધી પરિસ્થિતિ જોઈને રાધીને સમજતા વાર ન લાગી કે પોતે પાણીમાં ડૂબી ગઈ હતી. તેને કનાએ જ ઉગારી છે. હવે રાધીએ પોતાની આગળ ઉભેલા કનાને પગથી જોવાનું ચાલુ કરી ને ઉપર સુધી નજર કરી. કનો પણ આખો પાણીથી પલળી ગયેલો હતો. છતાં રાધીના શ્વાસ પાછા લાવવામાં કરેલા શારીરિક બળને લીધે પરસેવો વળી ગયો હતો. કનાના વાંકડિયા વાળમાંથી પાણી અને પરસેવાના બુંદો ભેગા થઈ ટપકી રહ્યા હતા. આંખોમાંથી ઘડીક પહેલા ભયના અને હવે રાધીના શ્વાસ પાછા આવવાની ખુશીના આંસુ ટકી રહ્યા હતા. રાધી અને કનાની નજર એક થઈ. રાધી ભાવુક થઈ ગઈ. કનાના મોઢા પર સ્મિત આવી ગયું. તેણે કહ્યું, "કા કિમ થયું ગર્યની બતકી!! જાળામાં જલાઈ ગઈ ને?"
હવે રાધીના શરીરમાં થોડી શક્તિ આવી ગઈ હતી. રાધી ઊભી થઈ,તે દોડીને કનાને બાજી પડી. ક્યારની ટી..ટીક..ટી.. ત્રીક... કરતી ટીટોડી તેના ભૂખરા માટીના કલરમાં ભળી જાય તેવા બચ્ચાની પડખે બેસી તેને ચાંચથી વ્હાલ વરસાવવા લાગી. ઝાડવાની લીલી કુંજારમાં ઊંડા ઊંડા કોયલના ટહુકા સંભળાઈ રહ્યા હતા. રાધીના ડેમમાં ધુબકો મારવાથી ગભરાઈને પોતાના બચ્ચાનું ઝુંડ દૂર લઈ ગયેલી મા બતક હવે ધીમે ધીમે કાંઠા તરફ આવી રહી હતી. દૂરથી આવી રહેલાં મોરલાના ગેહકાટના નાદ પરથી તે ફરી ઉન્માદમાં આવી નાચી રહ્યો હશે તેવું લાગતું હતું. કાંઠે બેઠેલું સારસ જોડલું એકબીજા સાથે ચાંચ અથડાવીને તો ઘડીક એકબીજાની ડોકમાં ડોક પરોવી પ્રેમના ઉન્માદમાં નાચી રહ્યું હતું. કના અને રાધીએ એકબીજાને પોતાની બાહોમાં જોરથી દબાવી રાખ્યા હતા. બંનેની આંખોમાંથી વહેતી અશ્રુધારા એકબીજાના ખંભા પલાળી રહી હતી.
સામે કાંઠે માલને પાણીમાં અને પીપરના છાયડામાં બેસાડી બપોરનું ભાત જમવાની તૈયારી કરતા ગોવાળિયા,"બપોર થાવા આવ્યા તોય હજી કનોને રાધી કીમ ભાત ખાવા નો પુગ્યા?"એવી ચિંતા કરતા હતા. તેવામાં દૂરથી બે ત્રણ ભય સૂચક સીટીનો અવાજ આવતા ગેલા અને નનાભાઈને, "કાંક બીક જેવું લાગે સે"તેવો અંદેશો આવી ગયો હતો. બંને જણા હાથમાં કુહાડી વાળી ડાંગ લઈ જ્યાં કનો અને રાધી બેઠા હતા. એ બાજુ ડેમની પાળ તરફ દોડવા માંડ્યા હતા. બંનેના મનમાં 'જનાવર હોવું જોવે' એવું જ હતું. બંને દોડતા દોડતા કનો અને રાધી જ્યાં છેલ્લે બેઠા હતા તે વડલા પાસે આવ્યા. વડલા નીચે બંનેને ન ભાળતાં ગેલો અને નનોભાઈ ડેમની પાળ ચડી ઉપર પહોંચી ગયા.
કનોને રાધી બંનેની નજર સામે જ મોટા થયેલા છે. ગર્યની માટીમાં મોટા થયેલા અને હિરણ નદીનું પાણી પીધેલા માલધારીના છોકરા છોકરીઓ કાયમ સાથે જ રહેતા હોય છે. એકલા માલઢોર પણ ચરાવતા હોવા છતાં હજી સુધી ક્યારેય તેમનામાં કળજુગ પ્રવેશ્યો નથી. બધા ગોવાળિયા એક બીજા સાથે હેત પ્રીતથી રહે, પરંતુ ક્યારેય નેહડામાંથી છોકરા, છોકરીના બીજા કોઈ બનાવના સમાચાર આવેલા નથી. ગર્યની આ રીત કહો કે ગર્યનો આ મલાજો કહો. સદીઓથી આમ ચાલતું આવે છે. તેથી જ હજી સુંધી યુવાન વયે પહોંચી ગયેલા કના અને રાધીને ક્યારેય રાધીના આપા નનાભાઈ કે કનાના મામા ગેલો જંગલમાં ગમે ત્યાં જાય રોકતા નહોતા. બંને યુવાન થઈ ગયા હોવા છતાં, માવતરની નજરમાં તો હજી 'કાલ હવારના' જ હતા.
ગેલો અને નનાભાઈએ પાળ પરથી જોયું તો પાણીને કાંઠે કનોને રાધી આખા ભીંજાઈ ગયેલા હતા. રાધીની ચુંદડીની જગ્યાએ કનાની લૂંગી લપેટેલી હતી. બંને એકબીજાને બાજી પડેલા હતા. આ દ્રશ્ય જોઈ નનાભાઈ અને ગેલાના પગ થંભી ગયા...
ક્રમશ: .....
(આપ સૌ વાંચકોને નારાજ કરી શકું તેમ ન હતો. જો કે તમે મને હકથી વાર્તામાં ફેરફાર કરવાનું કહ્યું, એ તમારો મારા પ્રત્યેનો પ્રેમ જ છે.હવે હું વાર્તાને ફરી આગળ વધારવા પ્રયત્ન કરીશ.આપ સૌના પ્રતિભાવો જ મારી શક્તિ છે.તો આ એપિસોડ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અહી માતૃભારતી પ્લેટફોર્મ પર અથવા નીચે આપેલા મારા wts app no પર આપજો. હરિયાળી ગીર છે રૂડી..... પવિતર પ્રેમ ઘેલુંડી... વાંચતા રહો.. "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wtsapp no. 9428810621