શિયાળાની પરોઢમાં લોકો દરીયા કીનારાની મોજ માણી રહ્યાં હતાં. સૌ માનવ મહેરામણ પોતાની મસ્તીમાં ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી રહ્યું હતું. કેટલાક યુગલો દરીયા કીનારે પોતાના પગ ભીના થાય એ રીતે બેસી રહ્યાં હતાં. બાળકો પોતાની મસ્તીમાં મસ્ત હતાં. ત્યાંજ એક બાળકે બૂમ પાડી કે પપ્પા, જલ્દી આવો. અહી કોઇક છે. બાળકની બુમ સાંભળીને બધા ત્યાં ગયાં અને જોયું તો ત્યાં એક લાશ હતી. ભીડમાંથી કોઈકે તરતજ પોલીસને ફોન કયોૅ. થોડીકજ ક્ષણોમાં ત્યાં પોલીસની ગાડી આવી ગઈ. ગાડીમાંથી પોલીસનો આખો કાફલો ઉતરી પડ્યો. લાશને કીનારા પર લાવવામાં આવી. અને તેની ઓળખ કરવા લાગી. તપાસ કરતાં એ લાશના ખીસ્સા માંથી એક ચિઠ્ઠી મળી આવી. ચિઠ્ઠી કોઈ ખાસ વ્યકતિને સંદેશ આપવા માટેજ હોય એવી લાગતી હતી. હવાલદારે એ ચિઠ્ઠી પી.એસ.આઈ. રાઠોડ સાહેબને આપી. પી.એસ.આઈ રાઠોડ સાહેબ લાશ પાસેથી મળેલી એ ચીઠ્ઠી વાંચવા લાગ્યાં.જેમા લખ્યું હતું કે...
પ્રિય સંધ્યા....
તને કેવી રીતે સમજાવું કે હું તને ખુબજ પ્રેમ કરું છું, હું મારી જાત કરતાં પણ વધારે તારા પર ભરોસો કરું છું. છતાંય તને મારા પર કે મારી નિખાલસ મહોબ્બત પર કોઈ વાતે વિશ્વાસ નથી આવતો.તને મારા પ્રેમ પર ભરોસો કેમ નથી આવતો એ હું અથાગ પ્રયત્નો પછી પણ જાણી શકયો નથી. જયારે તું મારા પર કે મારા પ્રેમ પર શક કરે છે ત્યારે મારું હૈયું વિંધાઈ જાય છે. દિલમાં અસહ્ય વેદનાઓની વણજાર આવીને મારા પર વજ્રાઘાત કરે છે. હું દુનિયાના દુઃખોને હસતા મોઢે સહન કરી શકું છું પણ પ્રેમના દદોૅને સહન કરવાની મારામાં જરાય તાકાત નથી. કારણ કે હું ખુબજ લાગણીશીલ અને ભાવુક વ્યકતિ છું.
હા, હું એ વાત જાણું છું કે તું મને ખુબજ પ્રેમ કરે છે. તારા જીવ કરતાં પણ વધારે મને ચાહે છે તો પછી આવી શંકા શા માટે? મે મારું આ જીવન તને સમૅપિત કરી દીધું છે. મારા હરેક શ્વાસ તારું નામ લે છે અને મારા હદયના દરેક ધબકારમાં તુંજ ધબકે છે. મે તને અવાર નવાર કહ્યું હતું કે હું તને પ્રેમ નહી પણ તારી પૂજા કરું છું છતાંય તે મારી પૂજા પર શંકા કરી. ભગવાન ખુદ ભક્તની ભક્તિ પર શંકા કરવા લાગે ત્યારે ભક્તને મરવા સીવાય બીજો કોઈ આરો નથી રહેતો. દુનિયાથી હારીને લોકો પ્રભું પાસે જાય જ્યારે પ્રભુ જ ભક્તને તરછોડી દે તો એ પછી જાય ક્યાં?
સંધ્યા, તું કહેતી હતી ને કે "મહોબ્બતમાં કોઈ કોઈની પાછળ મરતું નથી." તો જો આજે હું મહોબ્બતમાં મરવા જઈ રહ્યો છું અને મરી પણ જઈશ.કારણ કે તું પુરાવા વગર આમય કોઇ વાત માનતી નથી.એટલે હું આજે મોતને મારી આગોશમાં સમાવી રહ્યો છું. મને ખબર છે કે મારા મરણ પછી લોકો મને કાયર કહેશે મારી પીઠ પાછળ મારી અનેક વાતો થશે. તો થવા દે.મને એ વાતની કોઈ પરવા નથી કે લોકો મારા વિશે શું કહેશે.જેને જે કહેવું હોય એ કહેવા દે.આમય મયાૅ પછી મારે કયાં સાંભળવાનું છે.
પણ જતાં જતાં તને એક વાત કહેતો જાઉં છું.
હું તને ખુબજ પ્રેમ કરું છું અને કરતો રહીશ પરંતું અફસોષ એકજ વાતનો રહ્યો કે.........
ચાલ,,,જવા દે એ બધી વાતો ને. હવે હું જાઉં છું.શક્ય હોય તો મારા પ્રેમની નિશાનીઓને તું સાચવીને રાખજે અને જયારે મારી યાદ આવે ત્યારે એને જોજે. એ જોઈશ એટલે તને યાદ આવશે કે એક પાગલ હતો જે મારી મજાકને પણ ના સમજી શક્યો.
બસ એજ
તારા હદયનો ધબકાર
જે માત્રને માત્ર તારો હતો.
અને મોત પછી પણ તારોજ રહેશે,
લિ. આકાશ
આકાશની ચિઠ્ઠી વાંચીને રાઠોડ સાહેબની આંખો ભીની થઈ ગઈ અને મનોમન વિચારવા લાગ્યા કે શું દુનિયામાં આવા લોકો પણ છે? આમાં દોષ કોને આપવો? આકાશ ને કે પછી સંધ્યાને. વિચારોના વમળમાં એ ઘેરાયેલા હતાં એટલામાં ત્યાં સરકારી ગાડી આવી અને આકાશની લાશને ત્યાંથી લઈ ગઈ.
દરીયા કીનારે ટોળે વળેલા લોકો પોતાના મનમાં હજારો સવાલો લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતાં બસ,ત્યાંથી કોઈ જઈ ના શક્યું તો એ હતી આથમતી સંધ્યા.
લેખક:- પિંકલ પરમાર "સખી"