પ્રસ્તાવના
નમસ્કાર મિત્રો,
જય જય ગરવી ગુજરાત! ગુજરાત એ એવું સ્થળ છે જ્યાં સ્વયં ભગવાને રાજ્ય સંભાળ્યા બાદ દેહત્યાગ કર્યો હતો. આ સિવાય આ રાજ્યમાં વિવિધ દેશી રજવાડાઓની પણ સંસ્કૃતિની ઝાંખી થાય છે.
પ્રસ્તુત કથામાં ગુજરાતની વિસરાયેલી વિરાંગનાની જીવનની કેટલીક મહત્વની ઘટના પર ધ્યાન દોરવામાં આવ્યું છે.
આશા છે તમને મારી રચના ગમશે. વાર્તા લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ માફ કરશો. રચના પસંદ આવે તો રેટિંગ જરૂરથી આપજો.
મુખ્ય પાત્ર:
માનુષી - આર્ટસ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની
રોહન - માનુષીનો ભાઇ, માનુષી કરતા ભણવામાં એક વર્ષ આગળ
સાગર - રોહનનો મિત્ર, રોહનનો ક્લાસમેટ
સૃષ્ટિ - માનુષીની સહેલી, માનુષીની ક્લાસમેટ
કર્ણસુંદરી - એક વીરાંગના
અમદાવાદની આર્ટસ કોલેજની કેન્ટિનમાં બેઠેલી માનુષીનાં સુંદર ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈ શકાતી હતી. ભારતીય પોશાકમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. એમ પણ કહે છે કે સ્ત્રીઓની સુંદરતા ભારતીય પોશાકમાં નીરખી ઉઠે છે. હંમેશા ચહેરા પર રહેતી રમતિયાળ મુસ્કાન આજે ગાયબ હતી. કાજલ વડે આંજેલી આંખોમાં શરારતનું સ્થાન ગાયબ હતું. આંખો જાણે કંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. પાતળા હાથોની આંગળીઓમાં ફરતો રૂમાલ મનના વિચારોની ગૂંચવણભરી ગુથ્થીને સુલજાવવાનો પ્રયત્ન કરતો હતો. પણ તે ઉપાય નિષ્ફળ નીકળતો લાગતો હતો.
" દૂધ ઠંડુ પડી જશે. " સામેની ચેર ખેંચી તેમાં બેસતો એક નવયુવાન બોલ્યો. થોડો ઘઉંવર્ણા વાન પર સોહવેલું કાળું ટીશર્ટ તેના શરીર પર ચપોચપ બેસેલુ હતું. આંખોમાં શરારત અને ચહેરા પર મુસ્કાન રમાડતો તે માનુષીનાં પ્રતિઉત્તરની રાહ જોઈ રહ્યો હતો. માનુષી તરફથી કોઈ પ્રતિઉત્તર ના મળતા ફરી તેણે તેના નામનો સાદ લગાવ્યો. ફરી પ્રતીઉત્તર ના મળતા તે પોતાની ચેરમાંથી ઊભો થઈ ગયો અને ધીમે રહીને તેના કાન નજીક પોતાનું મોઢું લાવી ફૂંક મારી. અચાનક તેની આ હરકતથી ગભરાઈને માનુષી વર્તમાનમાં આવી પહોંચી. તેને સામે નજર કરી. " ભાઈ..." મોં ફુલાવી ઝીણી આંખ કરી માનુષી બોલી. માનુષીનો ગુસ્સો અવગણી તે ફરી ચેરમાં ગોઠવાયો. " મોનુ , તું આમ સ્ટેચ્યુ બની ગઈ હોય તો માટે શું કરવું? બે વખત બૂમ પાડી પણ મેડમ તો પોતાની પર્સનલ દુનિયામાં એવા ખોવાઇ ગયા કે પોતાના ભાઈનો અવાજ પણ ના સંભળાય. " તે વ્યકિત ફરિયાદ કરતા બોલ્યો. પોતાના મોટા ભાઈની નાના બાળકો જેવી ફરિયાદ સાંભળી માનુષીથી હસી પડાયું. હજી આગળ કઈ વાત થઈ તે પહેલાં " હેય રોહન..." પાછળથી અવાજ આવ્યો. રોહન પાછળ ફર્યો જ્યાં તેની જ ઉંમરનો થોડો ગોરો વાન ધરાવતો, આંખોથી માસુમિયત છલકાવતો અને ચહેરા પર હાસ્ય રમાડતો તે ઊભો હતો. માનુષી તેને જોઈ મુસ્કુરાઈ. રોહન પણ મુસ્કુરાતા બોલ્યો, " હાય સાગર, બેસ બીજા બધા ક્યાં? " બાજુની ખાલી ચેર પર સાગરને બેસવાનો ઈશારો કરતા રોહને પૂછ્યું. " ખરેખર ભુલક્કડ છે, તિશા તો આજે તેના કોઈ ફેમિલી ફંકશનમાં જવાની હતી ને રેહાન તો પોતાના ગામ ગયો છે. પછી આપના ગ્રુપમાં આપણે ત્રણ જ તો બાકી રહ્યા. " રોહનને માથે ટપલી મારી સાગર બોલ્યો. પછી માનુષી તરફ ફરીને ઔપચારિક વાતો કરી.
" મોનુ હવે તો કહે કે તું કઈ બાબતે વિચારોમાં ખોવાયેલી છે? " રોહન માનુષી તરફ ફરીને બોલ્યો. " ભાઈ, જવા દો ને વાત જ. વાઘેલા સરે અમને પ્રોજેક્ટ આપ્યો છે." માનુષી બોલી. " હમમ, પણ એમાં એટલું વિચારવા જેવું શું છે? ભારત દેશના જુદા જુદા એટલા પ્રદેશના આટલા બધા ઇતિહાસ છે. " રોહન બેફિકરાઈથી બોલ્યો. " ભાઈ પહેલા મારી પૂરી વાત સાંભળો." અકળાઈને ગુસ્સો કરતી માનુષી બોલી. " હા, સોરી બોલ." મીઠું મુસ્કુરાતો પોતાની નાની બહેનનો ગુસ્સો શાંત કરવા રોહન બોલ્યો. " તો વાત એમ છે કે સરે અમને એવો પ્રોજેક્ટ આપ્યો છે કે જેમાં અમારે ગુજરાતની વિસરાયેલી ગાથા અથવા એવા યોદ્ધાની ગાથા કે જે ભાગ્યે જ કોઈ જાણતું હોય. તેવા યોદ્ધા, વીરાંગના કે સ્થળ પર પ્રોજેક્ટ બનાવવાનો છે. તો હવે હું કોણ વિશે લખું તે હું વિચારતી હતી. " માનુષી પોતાની પ્રોજેક્ટ વિશે જણાવી પોતાની મૂંઝવણ જણાવતા બોલી. " ઓકે આ માટે થોડું વિચારવું પડે. " વિચાર કરતો રોહન ગંભીર થતાં બોલ્યો. થોડી વાર માટે બધા વિચારમાં પડી ગયા.
" મીનળદેવી. " થોડી વાર વિચાર્યા પછી એકદમ ઉત્સાહી થતાં સાગર બોલી પડ્યો. " મીનળદેવી? આ નામ ક્યાંક સાંભળેલું છે પણ યાદ નથી આવતું. " રોહન સાગર તરફ જોઈને બોલ્યો. માનુષીની નજર પણ સાગર પર મંડાઈ. " પાગલ મુનસર તળાવ? રાજમાતા મીનળદેવી ? હવે કઈ યાદ આવ્યું. " રોહનને માથે ટપલી મારતાં સાગર બોલ્યો. " અરે હા, રાજમાતા મીનળદેવી જેમણે મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. મુનસર તળાવ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ અદ્ભુત છે." રોહન યાદ કરતા બોલ્યો. " હા એ જ. મોનુ તું એમના જીવનની ઘટનાનું વર્ણન કરી શકે હું તેમના વિશે વધારે તો નથી જાણતો પણ હા મારી કઝીન પાટણ જિલ્લામાં જ રહે છે . આ સિવાય એ પણ કહેવામાં આવે છે કે મીનળદેવી આજે પણ ઘેલા સોમનાથ મંદિરની સામેવાળા ડુંગર પર બિરાજમાન થયા છે. બાય ધ વે મોનુ. પ્રોજેક્ટ સબમિશન કયારે છે." સાગર માનુષીને સંબોધીને બોલ્યો. " બે દિવસ પછી. અને આ પ્રોજેક્ટ બે પાર્ટનરે મળીને કરવાનો છે તો હું મારી પાર્ટનરને બોલાવી લઉં?" માનુષી બન્નેના ચહેરા પર ના હાવભાવ જોતી બોલી. બંનેએ હકારમાં માથુ ધુણાવી સંમતી આપી એટલે માનુષીએ તરત કોઈકને ફોન લગાવ્યો પછી ફોન પર થોડી વાતચીત બાદ ફોન મૂકી દીધો. અને રાહ જોવા લાગી.
📖📖📖
પાંચ દસ મિનિટ પછી એક વ્યક્તિ કેન્ટિનના ડોર આગળ આવી ઉભી રહી. તેની કાજળઘેરી આંખો કોઈકને શોધી રહી હતી. ખૂણામાં એક ટેબલ પર જાણીતો ચહેરો દેખાતા તેણે તેના પગને તેની તરફ આગળ વધાર્યા.
"હાય મોનુ. " માનુષીના ખભા પર હાથ મૂકી તે વ્યક્તિ બોલી. " હાય સૃષ્ટિ." તેની તરફ ફરી માનુષી બોલી. સૃષ્ટિ મુસ્કુરાતી માનુષીની બાજુમાં ખાલી ચેર પર ગોઠવાઈ. ત્યાં તેની નજર સામે બેઠેલા યુવાનો પર પડી. તે પ્રશ્નાર્થ નજરે માનુષી તરફ જોઈ રહી. માનુષીએ રોહન અને સાગરનો સૃષ્ટિ સાથે પરિચય કરાવ્યો. ત્યાર બાદ બધાએ થોડી ઔપચારિક વાતો કરી. ત્યાર બાદ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા લાગ્યા.
નક્કી કર્યા મુજબ બપોરે ત્રણ વાગ્યે બે જણ પાટણ તરફ પ્રસ્થાન કરશે જ્યારે બાકીના બે જણ બપોરે બે વાગ્યે રાજકોટ તરફ આગળ વધશે. દિવસો ઓછા હતા અને કામ વધારે હતું. પાટણમાં સાગરની કાઝીન રહેતી હોવાથી સાગર પાટણ જવા તૈયાર થાય છે તેની સાથે માનુષી જવાની જિદ્દ કરે છે એટલે આખરે રોહને બેનની જિદ્દ આગળ નમવું પડે છે. અને સૃષ્ટિ પાસે રોહન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચતો.
નક્કી કર્યા પ્રમાણે બધા પોતપોતાના ઘરે બધું વાત જણાવી દે છે. અને સમયસર ઉપડી જાય છે.
📖📖📖
સાંજે છ વાગ્યાની આસપાસ રોહન અને સૃષ્ટિ રાજકોટ પહોંચે છે. રોહન એક હોટેલમાં બે રૂમની વ્યવસ્થા કરે છે ત્યાર બાદ બંને થોડી વાત માટે બજારમાં ટહેલવા માટે નીકળે છે. ત્યાં સૃષ્ટિ થોડી વસ્તુઓની ખરીદી કરે છે. રોહન પણ માનુષી માટે એક દુપ્પટો ખરીદે છે. ફરી પાછા જ્યારે તેઓ હોટેલ પર પહોંચ્યા ત્યારે અંધારું થઈ ગયું હતું. તેઓ બહારથી જમીને આવ્યા હોવાથી પોતપોતાના રૂમમાં જઈ આરામ કરવા બેડ પર આડા પડ્યા.
📖📖📖
સાગર અને માનુષી પણ સાંજે છ વાગ્યાની આસપાસ પાટણ પહોંચી ગયા. બંને પાટણમાં સાગરની કઝીનને ત્યાં જ રહેવાના હતા. બંને ત્યાં પહોંચ્યા સાગરની કઝીને ખાવાનું તૈયાર રાખ્યું હતું. બધાએ મળીને સાથે રાતનું જમવાનું ખાધું. પછી માનુષી થાકી ગયેલી હોવાથી તે સૂઈ ગઈ જ્યારે સાગર અને તેની કઝીન વાતોએ વળગ્યા. થોડી વાર પછી તે બંને પણ સુવા જતા રહ્યા.
📖📖📖
રોહન અને સૃષ્ટિની સવાર સવારે સાત વાગ્યે થઈ બંને થોડી વાત માટે ઘેલો નદીને કાંઠે ટહેલવા નીકળ્યાં. પછી નાસ્તો કરી તૈયાર થઈ ઘેલા સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા. ઘેલા સોમનાથ મંદિરની અદ્ભુત કલા અને સુંદરતા તે બંનેને આકર્ષી જાય છે. " અમ્મ.. ખુબ જ સુંદર જગ્યા છે. " રોહન બંને વચ્ચેની ચુપ્પી તોડતા બોલ્યો. એકબીજાથી અજાણ તેઓ એક બીજા સાથે વાત કરવાનું ટાળતા હતા. " હા , સાચી વાત છે. ચાલો ત્યાં સામેના ડુંગર પર જઈએ. " મંદિરને નિહાળી ડુંગર તરફ આંગળી કરી સૃષ્ટિ બોલી. બંને તે ડુંગર પર રહેલી મીનળદેવીની સમાધિ પાસે પહોંચ્યા. ત્યાં પહેલેથી જ થોડા બીજા યાત્રાળુઓ પણ હતા જે દર્શન કરી રહ્યા હતા. દર્શન કરી બંને પાસે મૂકેલા બાકડા પર ગોઠવાયા. ત્યાં સૃષ્ટિની નજર ટેકરી પર સમાધિથી થોડે દૂર એક ઝૂંપડી પર પાડી. સૃષ્ટિએ આંખના ઇશારે રોહનને ત્યાં જવા માટે પૂછ્યું. રોહનની સંમતિ મળતા તે બંને તે તરફ રવાના થયા.
📖📖📖
બીજા દિવસની સવાર સાગર અને માનુષી માટે ખુબ જ આહલાદક હતી. તેઓ તૈયાર થઈ નાસ્તાના ટેબલ પર મળ્યા. નાસ્તો કરી માનુષીએ થોડી વાર સાગરની કઝીન સાથે વાત કરી. તેની વાતોથી મળતી ઘણી માહિતીને તે પોતાની ડાયરીમાં લખી રહી હતી. ત્યાર બાદ બંને તૈયાર થઈ પાટણના રાજમહેલ તરફ રવાના થયા.
📖📖📖
રોહન અને સૃષ્ટિ તે ઝૂંપડી આગળ આવી ઉભા રહ્યા. રોહને હિંમત કરી ઝૂંપડીના દરવાજા પર હાથ અડાડ્યો. પણ દરવાજો ખુલ્લો જ હોવાને કારણે તે ખુલી ગયો. દરવાજાની અંદર પ્રવેશી બંને ચારે તરફ ઝૂંપડીનું અવલોકન કરવા લાગ્યા. જૂની પુરાણી ઝૂંપડી વર્ષોથી અહી જ હોય તેવું લાગી રહ્યું હતું. એક નાનકડો ખાટલો હતો બીજી તરફ એક સ્ટેન્ડ પર માટલું ગોઠવ્યું હતું. ઝૂંપડીની એક તરફ ચૂલો સળગતો હતો. તેની પર કોઈ માટીનું વાસણ મૂકેલું હતું બીજી બાજુ ઝૂંપડીની વચ્ચે એક વૃદ્ધ સ્ત્રી હાથ વડે ફેરવીને ચલાવવાની ઘંટીમાં ઘઉં નાખી લોટ દળી રહ્યા હતા. અંદર દાખલ થતાં પહેલાં રોહને દરવાજા પર ટકોરા માર્યા. જેના અવાજથી તેઓ સતર્ક થઈ દરવાજા તરફ ફર્યા. તેમના ચહેરા પર વૃદ્ધાવસ્થાની રેખાઓ દેખાઈ રહી હતી. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. આંખોની રક્ષા કરી પાંપણોના સફેદ થઈ ગયેલા અને સાથે સાથે માથા ના સફેદ થઈ ગયેલા વાળ થી રોહન અને સૃષ્ટિને તેમની ઉંમરનો ખ્યાલ આવી ગયો હતો. તેમણે તેમની બેજાન આંખો વડે તેમને અંદર આવકારો આપ્યો. બંને અંદર જઈ વૃદ્ધ માજીના પગે લાગ્યા. ' સદા સુખી રહો ' ના આશીર્વાદ આપી માજી એ તેમને બેસવા માટે ઈશારો કર્યો. બંને એ જૂના ખાટલા પર બેઠા. તેમણે બે પ્યાલા જેવા આકારના પાત્રમાં પાણી આપ્યું. માજી ખુબ ખુશ લાગતા હતા જાણે ઘણા વર્ષો પછી તેમની ઝૂંપડીમાં કોઈ મહેમાન બનીને આવ્યું હોય તેમ તેઓ કાળજી લઈ રહ્યા હતા.
" માજી, અમારે તમને કંઇક પૂછવું હતું. " અચકાતી સૃષ્ટિ બોલી. " હા, પૂછો બેટા. " સહજતાથી બોલી તેઓ સામે એક નાનકડી સૂતરની બનેલી ખાટલી પર બેઠા. " માજી અમને ઘેલા સોમનાથ મંદિર અને મીનળદેવી વિશે જાણવું છે. શું તમને એ વિશે જણાવી શકશો? મારું નામ સૃષ્ટિ અને આમનું નામ રોહન છે. " સૃષ્ટિ એકદમ કોમલભાવે બોલી.
હકારમા માથું ધુણાવી તેમને સંમતી આપી તેઓ બોલ્યા, " ઉન્મત ગંગા એટલેકે ઘેલા નદીને કાંઠે સ્થિત આ સોમનાથ મંદિરનો ઇતિહાસ જાણવા તમારે તેના ભૂતકાળ જવું પડશે. કેહવાય છે કે રાજમાતા મીનળદેવીને સોમનાથ પર અનન્ય ભક્તિ ભાવ હતો. તેમણે પોતાનું નિવાસસ્થાન પણ સોમનાથથી થોડે દૂર હિરણ નદીના કાંઠે રાખ્યું હતું. દિવસમાં બે વખત તેઓ મહાદેવની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતા. " બે ક્ષણ તેઓ પાણી પીવા અટક્યા.
સૃષ્ટિ અને રોહન તેમને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. વચ્ચે વચ્ચે જરૂરી લાગતી માહિતી સૃષ્ટિ પોતાની ડાયરીમાં નોંધી રહી હતી.
" આવા સમયે અલ્લાઉદ્દીન ખીલજીના સરદાર દ્વારા કરાવવામાં આવેલ હુમલામાંથી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેને પોતાની મૂળ પ્રતિષ્ઠા પુનઃપ્રાપ્ત કરી હતી. તેવા સમયે ઝફરખાને મંદિરની કીર્તિ સાંભળી અને તેને સોમનાથ પર ચઢાઈ કરવાનું મન થયું. જૂનાગઢના રાજાને આ વિશે જાણ થતાં ક્ષત્રિયોની મદદથી મંદિરની સુરક્ષા માટે તેમણે સૈન્ય ટુકડી તૈયાર કરવા માંડી. ઝફરખાન સાથે ના યુદ્ધમાં ક્ષત્રિયોએ પોતાનું અપ્રતિમ શૌર્ય દાખવી શિવલિંગની રક્ષા કરી. યુદ્ધ ખુબ જ ભયંકર ચાલી રહ્યું હતું. ઝફરખાનની સૈન્ય સામે ઉભેલા રાજપૂતો ઝાઝા હાથ સામે વઢાતા જતા હતા. બચવાની કોઈ આશા ના જણાતા શિવલિંગને પાલખીમાં પધરાવી સાથે રાજમાતા મીનળદેવીને બેસાડી સૈન્યની એક ટુકડી સાથે તેઓ ચાલી નીકળ્યા. " ફરી વાર તેઓ પાણી પીવા અટક્યા. સૃષ્ટિ તેમને ખુબ જ ધ્યાનથી સાંભળતી હતી. તેને આગળ જાણવાની ખુબ તાલાવેલી જાગી. એટલે તેણે તરત પૂછ્યું," પછી શું થયું?" સૃષ્ટિ ને આ રીતે ઉત્સાહી જોઈ તેમનાથી હસાઈ ગયું.
" કહું છું, બેટા. તેઓ ચાલતાં ચાલતાં પાંચાળ પ્રદેશમાં આવી પહોંચ્યા. ઘેલા સોમનાથ મંદિર આજે જે સ્થળે ઊભું છે તે સ્થળ અનુકૂળ લાગતા તેમણે ત્યાં શિવલિંગની સ્થાપના કરી પૂજા કરી. ઝફરખાનને આ વાતની જાણ સોમનાથમાં થતાં તે તરત ત્યાં પહોંચી ગયો. પણ રાજપૂત સૈન્યની સામે તેનું જોર ઓછું પડ્યું એટલે તેણે પરત ફરવું પડ્યું. મીનળદેવી પર સુલતાનના સૈનિકોની નજર પડી. તેથી મીનળદેવીએ જીવવા કરતા પોતાના મોતને સ્વીકાર્યા આ ટેકરી પર સમાધિ લીધી. આજે પણ જ્યારે ઘેલા સોમનાથ મંદિરમાં આરતી થાય ત્યાર બાદ પૂજારી અહી દેરીએ પણ આરતી કરે છે. આજ સુધી કોઈ પણ મીનળદેવી ના જણ અને મૃત્યુ વિશે જાણી શક્યું નથી." પોતાની વાત પૂરી કરતા માજી બોલ્યા અને બંનેના ચહેરા નિહાળવા લાગ્યા.
" પણ માજી તમે આટલું જીણવટપૂર્વક કઈ રીતે જાણો છો?" આ વખતે પ્રશ્ન કરવાની ડોર રોહને સંભાળી. તેઓ મંદ મંદ મુસ્કુરાવા લાગ્યા. "મીનળદેવી અને શિવલિંગ સાથે આવેલ સૈન્ય ટુકડીમાંના એક વીરની માતા અમારી પૂર્વજ હતી. અમારા નાના નાની એ અમને આ વાતો નાનપણમાં કહી હતી. તેમના બહાદુરીના કિસ્સા સાંભળી અમારી સવાર થતી તો રાતે ઊંઘ પણ તેમના બહાદુરીના કિસ્સા સાંભળીને જ આવતી. " મુસ્કુરાતા ચહેરે તેઓ બોલ્યા. થોડી વાર માટે ત્રણે વચ્ચે મૈન છવાઈ ગયું. પછી રોહને ઘડીયારમાં નજર કરી અહી ઘણો સમય પસાર થઈ ગયો હતો થોડીવારમાં તેમનો અમદાવાદ માટે નીકળવાનો સમય થઈ જવાનો હોવાથી તેમણે માજીની રજા માંગી. તેમણે તેમને જમવા માટે રોકવા આગ્રહ કર્યો પણ ફરી આવવાનો વાયદો કરી ફરી એક વાત આશીર્વાદ લઈ તેઓએ માજીની વિદાઈ લીધી. હોટેલ પહોંચી ઝડપથી જમીને તેમણે પોતાનું બેગ પક કરી ચેકઆઉટ કરી અમદાવાદ તરફ રવાના થયા.
📖📖📖
પાટણમાં રાજમહેલમાં ફરતા ફરતા સાગર અને માનુષીને પણ ઘણી માહિતી મેળવી લીધી હતી. જમ્યા બાદ બપોરે થોડો આરામ કરી તેઓ પણ અમદાવાદ માટે ઉપડ્યા.
📖📖📖
સાંજ સુધીમાં બંને ગાડી અમદાવાદમાં માનુષી અને રોહનના ઘરે પહોંચી ગઈ. ચારે જણ માનુષીના રૂમમાં બેડ પર ગોઠવાયેલા હતા. રોહન અને સૃષ્ટિમાં સાથે થયેલી વાતચીત સાગર અને માનુષીને જણાવી રહ્યા હતા. ત્યાર બાદ માનુષીએ પણ સાગરની કઝીન સાથે થયેલી વાત ચીત જણાવી. અને સાથે સાથે તેમને બીજી પણ ઘણી માહિતી મેળવી હતી. " મીનળદેવીનું સાચું નામ મયણલ્લાદેવી હતું. લગ્ન પછી તેમણે મીનળદેવી નામ ધારણ કર્યું હતું. મીનળદેવી ચંદ્રપુરના કદંબવંશના રાજા જયકેશની દીકરી હતા. તેમના લગ્ન ગુજરાતના રાજા મૂળરાજનો પુત્ર ભીમદેવ અને રાજમાતા ઉદયમતીના પુત્ર કર્ણદેવ સાથે થયા હતા.
કહેવામાં આવે છે કે કર્ણદેવ વિવાહ માટે તૈયાર ના હતા.પરંતુ રાજમાતા ઉદયમતીના આગ્રહને વશ થઈ તેમણે મયણલ્લાદેવી સાથે લગ્ન કર્યા હતા. જયસિંહના જન્મના ત્રણ વર્ષ બાદ એક યુદ્ધ દરમિયાન ગંભીર આંતરિક ઈજાઓ થતા તેઓ મૃત્યુ પામ્યા. ત્યાર બાદ રાજમાતા મીનળદેવીએ ખુબ જ કુશળતાપૂર્વક જયસિંહ અને રાજ્યને સંભાળ્યો.
કહેવામાં આવે છે એકવાર રાજમાતા મીનળદેવી સોમનાથની યાત્રાએ નીકળ્યા..ત્યાં ઉદાસીન થતાં શ્રદ્ધાળુઓ અને સંતો વિલાયેલા ચહેરે પાછા ફરી રહ્યા હતા. તેમની સાથેની વાતચીતથી રાજમાતા મીનળદેવીને સોમનાથ મંદિરમાં ઉઘરાવવામાં આવતા યાત્રાવેરો વિશે જાણ થઈ. આ સંતો અને પ્રજાજનો વેરો ચૂકવી ના શકવાને કારણે તેઓ પાછા ફરી રહ્યા..તેમની સાથે વાતચીત દરમિયાન તેમને પોતાના પૂર્વજન્મની વાત યાદ આવી ગઈ. સાચી ખોટી તો નથી ખબર પણ હા દાંતકથા કહી શકાય. " પોતાની ડાયરીમાં નોંધેલી માહિતી બતાવતા માનુષી બોલી.
" પૂર્વજન્મમાં તેઓ એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા અને યાત્રાવેરો ભરવા માટે પૈસા ના અભાવે તેમને અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ચંદ્રપૂરના કદંબવંશના રાજવી જયકેશના ઘરે જન્મ લીધો. યાત્રાવેરો બંધ કરાવવા તેઓ પણ દર્શન કર્યા વગર જ પરત ફર્યા, આ વાતની જાણ જ્યારે સિદ્ધરાજ જયસિંહને ખબર પડતા તેઓ રાજમાતા મીનળદેવી પાસે પહોંચ્યા. રાજમાતા મીનળદેવી ના કહેવાથી તેમણે સોમનાથના દર્શન માટે ઉઘરાવવામાં આવતા યાત્રાવેરો બંધ કરી તે સમયની 72 લાખ રૂપિયા જતા કર્યા હતા." માનુષી મુસ્કુરાઈને બોલી.
" એટલે સોમનાથ યાત્રાવેરો બંધ રાજમાતા મીનળદેવીએ કરાવ્યો હતો? " સૃષ્ટિએ આશ્ચર્ય સાથે પૂછ્યું. જવાબમાં હલ્કી મુસ્કાન સાથે તેણે હકારમાં માથું ધુણાવ્યું.
" આ સિવાય તેમણે મુનસર તળાવના નિર્માણ સમયે ખોદકામ કરતા હતા. ત્યાર એક દાદીની ઝૂંપડી મુનસર તળાવની સુંદરતામાં અડચણ પેદા કરી રહ્યું હતુ. તે દાદીને સમજાવી જોયું પણ તેઓ ઘર છોડી જવા તૈયાર ન હતા. તેના કારણે આજે પણ મુનસર તળાવ આગળ આજે પણ ખાંચો છે. જે દર્શાવે છે કે રાજમાતા મીનળદેવી ખુબ જ ન્યાયપ્રિય હતા. આ સિવાય પણ ઘણા કિસ્સાઓ છે જે રાજમાતા મીનળદેવીના જીવન સાથે જોડાયેલી છે." મીનળદેવીનો બીજો કિસ્સો જણાવતા માનુષી બોલી.
" ખરેખર ગુજરાતની વીરાંગનાઓ પણ ખુબ જ બહાદુર ,ન્યાયપ્રિય કુશળ રાજનીતિજ્ઞ અને યોદ્ધા પણ હતી. તેવી વીરાંગનાઓને આપણે જેટલા શત શત નમન કરીએ તે પણ ઓછું છે." સૃષ્ટિ ભાવુક થઈ બોલી. " અરે ગુજરાત જ કેમ? પૂરા ભારત દેશની વીરાંગનાઓ આ નમનની હકદાર છે. " સાગર બોલ્યો. બધાંએ સાગરની વાતમાં હામી પુરાવી. ત્યાર બાદ નીચેથી માનુષીની મમ્મીનો અવાજ આવતા બધા નીચે ઉતરી ગયા.
📖📖📖
રાત્રે જમીને બધા છૂટા પડ્યા. બીજા દિવસે સવારે સૃષ્ટિ માનુષીના ઘરે પહોંચી ગઈ. ત્યાર બાદ બંને પ્રોજેક્ટ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. સાંજ સુધી તેમનો પ્રોજેક્ટ પણ બની ગયો. બીજા દિવસની પરોઢ બધા માટે ખુશનૂમા હતો. બંને સહેલીઓએ પોતાનો પ્રોજેક્ટ સબમિટ કર્યો.
📖📖📖
અઠવાડિયા પછી પરિણામ જાહેર થયું. માનુષી અને સૃષ્ટિના પ્રોજેક્ટને ફૂલ માર્કસ મળ્યા હતા. સાથે સાથે વાઘેલા સરે તેમની સરાહના પણ કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. બંને સહેલી તે દિવસે ખુબ જ ખુશ હતી.
( સમાપ્ત )
નોંધ: આશા છે તમને મારી રચના પસંદ આવી હશે. કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અહીં દર્શાવેલ માહિતી ગૂગલ પરથી લેવામાં આવી છે. જો રચના પસંદ આવે તો રેટિંગ જરૂરથી આપજો.