મોજીસ્તાન (99)
નીના કોલેજમાં ભણતી હતી ત્યારે હંમેશા શંકાની દ્રષ્ટિએ જોતાં કુટુંબીઓ આજે એને ભાગી ગયેલી જાણીને છપ્પરપગી સાબિત કરવા પર તુલ્યા હતા. કદાચ આ વાતનો અંદાજ એને ગઈ રાતે આવી ગયો હતો. એટલે જ એ પાછી આવી હતી. સવારના પહોરમાં જ યુદ્ધના મેદાનમાં અભિમન્યુને ઘેરી વળેલા કૌરવોની જેમ એના પપ્પા પર ચારેકોરથી આક્રમણ કરતાં સગાઓને જોઈ નીનાના ગુસ્સાનો પાર રહ્યો નહિ.એકપણ વ્યક્તિ સહાનુભૂતિનો એક શબ્દ પણ કહેતો નહોતો. જેની દીકરી ભાગી ગઈ હોય એ વ્યક્તિને આશ્વાસન આપવું જોઈએ,સધિયારો આપવો જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ તું ચિંતા ન કરીશ, આવુ કંઈ તારા જ ઘરમાં બન્યું છે એવુ નથી. ઇતિહાસમાં અનેક આબરુદાર લોકોની છોકરીઓ ભાગી છે.રાજાઓની કુંવરીઓ રંક સાથે પણ ભાગી છે, તો તું શું કામ ચિંતા કરે છે.જે થવાનું હતું એ થઈ ગયું,અમે બધા તારી સાથે છીએ.આવા શબ્દો દરેક બાપ સાંભળવા માંગતો હોય છે, પણ સમાજ હંમેશા માબાપને દોષી ગણીને કોસતો રહે છે.દીકરીએ ભાગી જઈને પાયેલો ઝેરનો ઘૂંટડો કદાચ એ બાપ ઝીરવી જાય જો સમાજ એની દવા કરે તો ! પણ નહીં સમાજ તો ઉલ્ટાનો વધુ એક કટોરો ભરીને ઝેર પાય છે.નીના નગીનદાસને એ ઝેરના ઘૂંટડા ભરતો જોઈ રહી. એની આંખમાંથી તણખા ઝરવા માંડ્યા.
"ચૂપ મરો તમે બધા.તમે કોઈ અમારા ભાઈભાંડુ કે કુટુંબી કહેવરાવવાને લાયક નથી.હું ક્યાંય ભાગી નથી ગઈ અને ભાગી ગઈ હોત તો છોકરી મારા પપ્પાની ભાગી ગઈ હોત.તમારે બધાને આવીને કહેવાની કોઈ જરૂર નથી.
મડદા ઉપર તૂટી પડતા ગીધ જેવા છો તમે બધા.તમારી ખોખલી આબરૂની ભૂંડી ચાંચો મારીને ઠોલી ખાવા આવ્યા છો ને.ઉભા રહો હું તમારી આબરૂનો અરીસો તમને બધાને દેખાડું." કહી નીના ઓસરીમાં આવી.નગીનદાસના મોટાભાઈ શાંતિલાલનો હાથ પકડીને એને ઉભા કર્યા,
"મોટા પપ્પા, તમે તો મોટાભાઈ છો ને ? તમને ખબર છે મોટોભાઈ કોને કહેવાય ? મારા પપ્પા પાસે કપડાં સિવડાવવા આવતા ગ્રાહકોને તમેં જ કહેતા હતાને કે નગીનને કંઈ આવડતું નથી.મારા પપ્પાને દાદાની મિલકતમાંથી શું આપ્યું છે તમેં ? માજીયારાનું દબાવીને બેસી ગયા છો.મારા પપ્પા બીમાર પડ્યા હતા,માથે દેવું થઈ ગયું હતું ત્યારે ક્યાં હતા તમે ? અને હા તમારો પ્રવીણ બીજી જ્ઞાતિની છોકરીને ભગાડીને લાવ્યો ત્યારે તમારી આબરૂ કયાં ગઈ હતી ? દીકરો ભાગીને લગ્ન કરે કે કોઈને ભગાડી લાવે તો તમે ગર્વ લ્યો છો.આ તમારી આબરૂ છે ? કોઈ દિવસ સાચે ખોટે પણ અમારા ઘેર આવીને પૂછ્યું છે કે ભાઈ તું કેમ છે ? અને આજે ચાલ્યા આવ્યા છો મોટા આબરૂદાર થઈને ? જાવ જાવ અત્યારે ને અત્યારે અમારા ઘેરથી ચાલ્યા જાવ." કહીને નીનાએ એના મોટા પપ્પાને ધક્કો મારી દીધો.
એ જોઈ એની મોટી મમ્મી કે જે રાગ કાઢીને નીનાના નામના મરશિયા ગાતી હતી એ ઉભી થઈ ગઈ.
'બહુ બોલ્યમાં છોડી. તારા લખણ કેવા સે ઈ હંધિય અમને ખબર્ય સે. તું ને તારી મા બેય સરખી જ મુવી સો. જોવો તો ખરા આ માંકડને મોઢા આવ્યા ઈ.તારા ઘરમાં તો મારી બલા'ય પગ નો મુકે. બવ વાયડી થ્યા વગર આમ ઘરમાં જા.કોની હામે બોલકિયું કરછ એનું ભાન સે ? એક અડબોથ ભેગું મોઢું ફેરવી નાંખીશ હમણે !"
"આંગળી તો અડાડય મારી દીકરીને.ઊભીને ઊભી ચીરીનો નાખું તો મારું નામ નગીન નહિ. હાલતીની થા તું હવે." અત્યાર સુધી ચૂપ બેઠેલો નગીન તાડુક્યો.
શાંતિલાલે નગીન સામે ડોળા કાઢ્યા પણ કંઈ બોલ્યો નહિ.
"ભાળ્યો હવે ચીરી નાખવાવાળો. હાલો આવાના ઘરે એક મિલિટ પણ ઉભું નો રે'વાય. હું તમને ના જ ગુડતી'તી પણ તોય ધોડ્યા આયા.." કહીને મોટી મમ્મીએ શાંતિલાલનું બાવડું પકડીને ખડકી તરફ પગલાં ઉપાડ્યા.
એ જોઈ બીજા કુટુંબીઓ પણ ચાલવા લાગ્યા.નીનાએ જઈ રહેલા કુટુંબીઓમાંથી પેલા રમેશને રોક્યો.
"રમેશકાકા તમે ઘડીક ઉભા રયો. મને ભણાવવાની તમે બહુ ના પાડતા'તા ને ? ભણેલી છોકરીયું ભણવા જાય ને પ્રેમમાં પડે. ને પછી ભાગી જાય એમ તમે જ બોલ્યા'તા ને ? તો મને કહેતા તો જાવ કે તમારી રમીલા કેટલું ભણી છે ? તમે તો એને સાતમામાંથી જ ઉઠાડી લીધી'તી ને ? કોલેજમાં તો ગઈ નહોતી તોય એના લગન પહેલા છાનામાના ઓબોર્શન કરાવવું પડેલું ત્યારે તમને લાગ્યું નહોતું કે ભણાવવી જોઈતી'તી ? ત્યારે તો તમારી આબરૂ છોગા કાઢી ગઈ'તી નહિ ? તમને એમ છે કે કોઈને ખબર નથી પણ આખું ગામ જાણે છે કે રમીલાને કોણે રાખી દીધું'તું. તમને આવડા મોટાને મોઢે ચડીને કહું એવી અસંસ્કારી હું નથી પણ તમે આજ મારા મોઢામાં આંગળા નાખીને મને બોલવા મજબુર કરી.કાકા આપણે કાચના ઘરમાં રહેતા હોઈએ તો બીજાના ઘર ઉપર પથ્થર નો ફેંકાય સમજયા ? છે કોઈ જવાબ તમારી પાસે ? મોટે ઉપાડે સલાહો દેવા નીકળી પડો છો પણ ક્યારેક તમારા ગિરેબાનમાં જોયું છે ? મારી ફ્રેન્ડની મમ્મીને ગંદા મેસેજ તમે જ કરતા'તા અને પછી પકડાયા ત્યારે માર ખાધો હતો ત્યારે તમારી આબરૂ બહુ વધી હતી નહિ ?"
નીનાની વાત સાંભળીને કાળોમેશ થઈ ગયેલો રમેશ તરત જ ચાલતો થઈ ગયો.એને જતો જોઈ નીનાએ ઉમેર્યું, "કેમ હવે જવું છે ? ઉભા રહો હજી તમારા પરાક્રમોની યાદી છે મારી પાસે.."
નગીનની ખડકી પાસે બજારે જતા આવતા લોકોની ઠઠ જામી હતી.અમસ્તુય મફતનું જોણું જોવા કોણ ઉભું ન રહે ? તમશાને કંઈ તેંડુ ન હોય.એ ટોળામાંથી માર્ગ કરીને બહાર નીકળતા રમેશનો કાંઠલો પકડીને, "બવ આબરુદારનો દીકરો સો અલ્યા તું ? હાલી જ નીકળ્યો સો" કહી હબાએ એક લાફો ઠોકી દીધો.
હબાની પત્નીનો ચાળો કરવા બદલ આ અગાઉ પણ હબાએ એને મેથીપાક આપ્યો હતો.એટલે રમેશભાઈ ચુપચાપ ભારેપગે માર ખાઈને ભાગ્યા.
"હાલો અય બધા..કાંય કામધંધો સે કે નય. કોકની વાતુમાં બવ રહ પડે સે બધાને.ભેગા થયને ઉભા રય જ્યા સો.અમથા જરીક કામ હોય ને ઉભા રાખવી તો બધાને મોડું થાતું હોય, અતારે નવરાઈ મળી સે.." કહી હબાએ બહાર ઉભેલા લોકોને વીંખેરી નાંખ્યા.
કુટુંબીઓ આવ્યા હતા નગીનનું નાક કાપવા, પણ નીનાએ એ લોકોનું જ નાક સાવ વાઢી લીધું. પેલી ડોશી અને બીજી સ્ત્રીઓ તો ઊંચું પૂછડું લઈને ભાગતી ભેંસોની જેમ જ ભાગી.નીનાને ઘરમાંથી બહાર આવેલી જોઈ ત્યારથી જ બધીનાં મોં સિવાઈ ગયા હતા.
નીનાએ ખડકી બંધ કરી. નગીનદાસ ઉભો થઈને નીના સામે ધસ્યો.નીનાને છાતી સરસી ચાંપી.એ વખતે નગીનદાસની આંખોમાં આસુઓનો ધોધ વહેવા લાગ્યો.
"મારી દીકરી..આજ તો તેં તારા બાપને બચાવી લીધો. મને ગરવ છે બેટા કે હું તારો બાપ છું.દીકરી હો તો તારા જેવી."
નીનાએ નગીનદાસના આંસુ લૂછયા.નયના પણ રસોડામાંથી દોડી આવીને બાપબેટીને ભેટી પડી. નગીનદાસના ઘરમાં તે દિવસે સોનાનો સૂરજ ઉગ્યો હતો.
*
રણછોડ આજે એક નવા ઉમંગ સાથે એના જાની દુશ્મનને દોસ્ત બનાવવા જઈ રહ્યોં હતો. પેન્ટ શર્ટ પર કોટી ચડાવીને એ બહાર નીકળ્યો ત્યારે રવિ પણ વીજળી સાથે જીવન જીવવાના સ્વપ્નો આંખમાં આંજીને તૈયાર થયો હતો. જીપના સ્ટિયરિંગ પર બેઠા બેઠા રવીએ રણછોડને સ્ફૂર્તિથી ચાલીને આવતો જોયો એટલે એ હસી પડ્યો.
"વાહ પપ્પા આજ તો તમારો કાંઈ વટ પડે છે ને ! લાગે છે કે આજ વેવાઈ બની જવાના તમે !''
"હા, મારો દીકરો હવે બવ હોશિયાર થઈ ગયો છે એટલે એને પરણાવવો જ પડે ને ! ચાલ હાંક હવે, આજ એ હુકમાને બતાવી દેવું છે કે રણછોડ શું ચીજ છે !'' કહી રણછોડે હસતા હસતા મૂછ પર હાથ નાખ્યો.
"ઉભા રહો,હજી ભાવિ વેવાણ તૈયાર થઈ રહયા છે.એમ એકલા એકલા જવાનું નથી. રૂપિયો ને નાળિયેર તો લઈ લો, દીકરાની સગાઈ કરવા જાવ છો એ ખબર છે ને ?"
"અલ્યા હા. મને તો એમ હતું કે ખાલી મળવા જવાનું છે.એ બધું પછી રાખીએ તો ?"
"ધરમના કામમાં ઢીલ ન કરવી જોવે બાપા. ક્યાંક હુકમચંદજીનો વિચાર બદલાઈ જાય તો ? લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દેવાય એ તમે જ તો શીખવાડ્યું છે ને."
"મારો બેટો ભારે ખેપાની થઈ ગયો છે હો !" કહી રણછોડે રવિના ગાલ પર હળવેથી ટપલી મારી. અને ખિસ્સામાંથી એક રૂપિયો આપીને કહ્યું, "લે આ રૂપિયો મારા તરફથી.નાળિયેર લઈ આવ પાટી કાઢીને.."
"બાપા નાળિયેર તો કાલનું આવીને પડ્યું છે. જુઓ આમ વેવાણ બનવા જઈ રહેલા મારા બા કેવા ઠમક ઠમક ચાલે ચાલીને આવી રહ્યા છે નાળિયેર લઈને !" કહી રવિ ખડખડાટ હસી પડ્યો.
[ જાહેરાત :- મારી શ્રેષ્ઠ 25 હાસ્યવાર્તાઓનો સંગ્રહ "ખડખડાટ '' નામથી પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યો છે.
વાચકમિત્રો, આપ આ બુક ખરીદવા માંગતા હોવ તો મને ફોલો કરીને મેસેજ આપશો.
જાહેરાત પુરી]
રણછોડ એની તૈયાર થઈને આવી રહેલી પત્નીને જોઈને બોલ્યો,
"વા ભઈ વા, મા દીકરાએ બધું જ ગોઠવી નાંખ્યું છે એમ ને.ભારે રૂપાળી લાગે છે હો."
"હવે લાજો લાજો સાનામાના. દીકરો બેઠો સે ને મશ્કરી કરતા ભોંઠાય પડતા નથી.''
વાતાવરણમાં ખુશીઓનો ભેજ વધી રહ્યો હતો. રવિએ એની મમ્મી બેઠી એટલે તરત જીપ ચલાવી.ગામમાંથી બહાર નીકળ્યા ત્યારે રોડ પર ગાયોનું ધણ સામું મળ્યું.એ જોઈ રણછોડ બોલ્યો,
"રવિડા શુકન તો સારા થાય છે. "
"સારા કામે જઈએ તો શુકન સારા જ થાય બાપા.'' રવિએ કહ્યું અને જીપને ટોપ ગિયરમાં નાખીને લીવર આપ્યું.
*
હુકમચંદના ઘેર પણ આજ આનંદનો અવસર હતો.વીજળી બનીઠનીને તૈયાર થઈ હતી. હુકમચંદ સોનેરી કિનારીવાળું ધોતિયું, સફેદ પહેરણ પર બંધ ગળાની લાલ કોટી પહેરીને બેઠકમાં ગોઠવાયો હતો.આજ એ બેઠકને ફુલોથી સજાવવામાં આવી હતી ચંચો આજ સવારથી હુકમચંદની તહેનાતમાં હાજર થયો હતો.
મહેમાનોને બેસવા ખાટલામાં ગાલીચા પાથરીને ભરતકામ કરેલા તકિયા મુકવામાં આવ્યા હતા. મહેમાનોના સ્વાગત માટે શરબત તૈયાર કરવામાં આવ્યું હતું.અને રસોડામાં બનતી રસોઈની સુગંધ આખા ફળિયામાં પ્રસરી રહી હતી. ચંચાના મોમાંથી લાળ ટપકતી હતી.
વીજળીએ માથું ગૂંથીને વેણીને ચોટલામાં વણી હતી.આછા ગુલાબી બ્લાઉઝ અને ફૂલની વેલોની ડિઝાઇનવાળી સાડીમાં એ આજ શોભી રહી હતી.એના ગળામાં સુંદર અને કલાત્મક ડિઝાઈનનું પેન્ડલ પાતળી ચેઈનમાં જુલી રહ્યું હતું.ડાબા હાથમાં લેટેસ્ટ ઘડિયાળ કે જે રવિએ જ એને ગિફ્ટ કરી હતી એ વીજળીએ પહેરી હતી.જમણા હાઠમાં સોનાનું બ્રેસલેટ અને આંગળીઓમાં પહેરેલી વીંટીઓ પણ એના હાથને અનેરું રૂપ બક્ષી રહ્યા હતા.વીજળી પર નજર પડતા જ ચંચો આભો બનીને જડની જેમ ઉભો રહી ગયો.
'ઓ..હો..હો...આ વીજળી.એણે આંગળીયુંમાં પે'રેલી એક વીંટી જેટલીય મારી ઓખાત નથી ને હું આને મારી ઝૂંપડીએ લય જાવાના સપના જોતો'તો.સાવ મૂરખનો સરદાર સુ હું તો.' એમ વિચારતો એ કામે વળગી ગયો.
થોડીવારે ગામના આગેવાનો આ પ્રસંગમાં ખાસ હાજર રહેવા આવવા લાગ્યા.રઘલાને ચા પાણી બનાવીને કીતલી લઈ ફરવાનું કામ મળ્યું હતું.
સૌથી પહેલા તભાભાભાએ આવીને બેઠક લીધી.ત્યારબાદ તખુભા, વજુશેઠ,રવજી અને સવજી, ગંભુ અને માનસંગ આવીને પોતપોતાના મોભા પ્રમાણે હુકમચંદની બેઠકમાં ગોઠવાયા. છેલ્લે પોચા સાહેબ પણ આવી પહોંચ્યા.પોચા સાહેબને જોઈ તભાભાભાના ચહેરા પર થોડો અણગમો ઊગીને તરત આથમી ગયો. એ જોઈ પોચા સાહેબે સ્મિત વેર્યું.
ચંચાએ બધાને પાણી અને રઘલાએ ચા આપી.
"તો પછી રણછોડ હાર્યે સમાધાન કરી નાખ્યું ઈમને ! તે હું ઈમ પૂછું છું કે હુકમચંદ તમે આજ લગી આ મુનિ મહારાજને કોઈ દી મળવા જ નો'તા જાતા ? એક વખત ઈમણે આવીને તમારા માથે હાથ મુક્યો ઈમાં આખેઆખો માણહ બદલઈ જ્યો. મુનિ મા'રાજ તો ભાઈ ભગવાન નીકળ્યા હો.હુકમચંદને તો પાછા વાળ્યા પણ હારેહારે આ દીકરીનું પણ ભવિષ્ય સુધારી દીધું." તખુભાએ કહ્યું.
"બધા નસીબના ખેલ હોય છે તખુભા, દરેક વસ્તુનો સમય હોય છે. જે ઘટના જ્યારે બનવાની હોય ત્યારે જ બને છે.સમયથી કોય બળવાન નથી." તભાભાએ જ્ઞાન રજુ કર્યું.
"હા સમય જ માણસને ભૂત પણ બનાવે ને ભૂતથી બીવડાવેય ખરો.કોક વળી એ સમયનો ફાયદો લેવા જાય પણ નસીબમાં નો હોય તો કાંઈ હાથમાં આવતું નથી હોતું" પોચા સાહેબે તભાભાભાને ટોણો માર્યો.
"તમને તો માસ્તર ગામમાંથી કાઢવા જેવા હતા.પણ આ તો બધા બવ સારા માણસો છે એટલે તમે બચી જ્યા. બાકી તમે આજ દી સુધી હરામ બરોબર કોય દી કાંય ભણાવ્યુ હોય તો ગામના છોકરાઓને." તભાભાભા ખિજાયા.
"ભલે ને નો ભણાવ્યું.પણ અમુક કહેવાતા ગનાની માણસોની જેમ ગામને ઉઠાં તો અમે નથી જ ભણાવતા હે હે હે..!" પોચા માસ્તર ખાલી નામથી જ પોચા હતા.
"અલ્યા આંય બાઝવા આયા સો તમે બેય ? હુકમનો પ્રસંગ બગાડવો છે ? થાય ઈમ હોય તો સારી વાતું કરો નકર મૂંગા મરો" વજુશેઠ કાયમની જેમ અકળાયા.
એમની વાત સાંભળી બધા હસી પડ્યા.એ જ વખતે ડેલી બહાર જીપનું હોર્ન વાગ્યું.એ સાથે જ બધા મહેમાનોનું સ્વાગત કરવા ઉભા થયા.
જીપમાંથી ઉતરીને રણછોડ હુકમચંદને ભેટી પડ્યો. હુકમચંદે પણ ઉષ્માપૂર્વક એને છાતીએ દબાવ્યો.રવિએ બધા જ વડીલોને પ્રણામ કર્યા.હુકમચંદની પત્ની અને બે ચાર સ્ત્રીઓ ઘરમાંથી બહાર દોડી આવી.રણછોડની પત્ની અને હુકમચંદની પત્ની પણ ભેટી પડ્યા.અને મહેમાનને ઘરમાં લઈ જવામાં આવ્યા. વીજળીએ પોતાની ભાવિ સાસુના ચરણોમાં વંદન કર્યા ત્યારે એ સાસુએ એને છાતી સરસી ચાંપી લીધી.
બેઠકમાં ડાયરો બરાબર જામ્યો હતો. કોઈના મનમાં કોઈ જ કડવાશ આજ રહી નહોતી. રઘલો એની ધાધાર વલુરતો વલુરતો ચા વહેંચી રહ્યો હતો.
ત્યારબાદ ભાભાએ શાસ્ત્રોક્ત વિધિથી રવિ અને વીજળીની સગાઈ કરી.રવિએ વીજળીને સગાઈની અંગુઠી પહેરાવી ત્યારે ઉપસ્થિત તમામેં તાળીઓના ગડગડાટથી એ ક્ષણને વધાવી લીધી.
બપોરનું જમણ લઈને સૌ છુટા પડ્યા.રણછોડ અને હુકમચંદે ફરી એકવાર એકબીજાની માફી માંગીને જે થયું તે ભૂલી જવાની વિનંતીઓ કરી.
ફરી બંને ભેટ્યા. રવિ અને વીજળી ખૂબ ખુશ હતા. છેક સાંજ પડ્યે રણછોડના પરિવારે વિદાય લીધી.ત્યારે જીપ ખાંચો વળી ત્યાં સુધી હુકમચંદ હાથ હલાવીને આવજો કહેતો રહ્યો.
આજ હુકમચંદના ઘેર પણ સૂરજ સોનાનો જ ઉગ્યો હતો.
*
ડો.લાભુ રામાણી અમદાવાદ પહોંચ્યા ત્યારે એક નરસા સમાચાર એમની રાહ જોઈ રહ્યા હતા.લાંબા સમયથી બીમાર રહેતી એમની પત્ની છેલ્લા શ્વાસ લઈ રહી હતી.ડોકટરના અથાગ પ્રયત્નો છતાં એ બચી ન શકયા. ડોકટરના ખોળામાં જ એમણે મોતને વ્હાલું કર્યું ત્યારે ડોકટર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એમનો પરિવાર પણ હાજર હતો.દીકરા અને દીકરીઓ પણ રડી પડી. આખરે ડોકટરે સ્વસ્થ થઈને બધાને સાંત્વન આપ્યું.
પત્નીની અંતિમવિધિ વગેરે કરીને એક મહિના જેટલા સમય પછી ડોકટર ફરીવાર ફરજ પર હાજર થયા ત્યારે ચંપાએ ફરી એકવાર કવાટર સાફ કરી આપ્યું અને ડોક્ટરને હુંફ આપી.
એ વખતે ડોકટરે ચંપાને કહ્યું કે જો એ ઇચ્છતી હોય તો પોતે એની સાથે લગ્ન કરવા તૈયાર છે !
કાયમ દારૂ પીને પડ્યા રહેતા અને ચંપાના પગાર પર જલસા કરતા પતિને તજીને ડોકટર સાથે જીવન જોડી દેવા ચંપા પણ તૈયાર હતી.આજ ડોકટરે જે વાત કરી એ સાંભળી એના હૈયાની ક્ષિતિજે પણ એક સોનાનો સૂરજ ઉગ્યો હતો.
(ક્રમશ:)
શું લાગે છે મિત્રો ? મોજીસ્તાનની આ સફર હવે પૂર્ણ થશે ? કે કોઈ નવો ફણગો ફૂટશે ? સતત બે વરસથી હું આ નવલકથા એટલે લખી શક્યો છું કે આપ સૌનો મને સાથ સતત મળતો રહ્યો છે. તમામ દોસ્તારુંનો દિલથી આભાર પ્રગટ કરું છું.હજી આખરી દડો બાકી છે. સેન્ચ્યુરી મારવાની મારી ઈચ્છા પૂર્ણ કરવામાં આપ સૌનો સહકાર જ કામ આવ્યો છે.અને મને આશા છે કે હવે આપનો સાથ આ રીતે સતત મળતો રહેશે. મોજીસ્તાન એની સફરમાં ઘણા ચડાવઉતારમાંથી પસાર થયું છે.સતત હાસ્ય પીરસવામાં ક્યાંક હું ઉણો ઉતર્યો હઈશ પણ આપ સૌએ મને સાચવી લીધો છે.હું કોઈ એવો મોટો લેખક તો છું નહિ પણ આપ સૌના પ્રતિભાવોએ મને સતત લખવાની પ્રેરણા પુરી પાડી છે.આવતું સોમું પ્રકરણ છેલ્લું હશે કે મોજીસ્તાન (ભાગ 2) ની સફરની શરૂઆત હશે ?