હોસ્પિટલનાં કોરિડોરમાં સમર્થ અને પરિતા બંન્ને એકબીજાની સામ - સામે આવ્યાં, બંન્નેની નજર મળી. શરૂઆતની બે મિનિટ માટે તો બંન્નેવે એકબીજા સામે ચૂપચાપથી જોયા જ કર્યું. સમર્થની આંખમાંથી નરી ભાવુકતા છલકાઈ રહી હતી. પરિતા પણ સમર્થને આદરભરી નજરે જોઈ રહી હતી.
"પરિતા....., તું.....!!!" બે મિનિટ પછી સમર્થ બોલ્યો.
"હા...., હું અહીં એક સંબંધીને મળવા માટે આવી હતી ને તું.....?"
"હું અહીં મારાં એક મિત્ર માટે આવ્યો છું."
"ઓહ...!"
"કેમ છે તું....?" સમર્થે પૂછ્યું.
"મજામાં...., ને તું....?" પરિતાએ વિવેક ખાતર પૂછ્યું.
"જરાય મજામાં નથી......" સમર્થે તરત જ કીધું.
આ સાંભળી પરિતાએ પોતાની આંખો ચડાવી. એણે સમર્થ સામે લાગણીભરી નજરે જોયું અને પછી પૂછ્યું, "જરાય મજામાં નથી.., એટલે....?"
"એટલે ...કે હું તારાં અને દીપ વગર જરાય મજામાં નથી. આ રીતે પોતાનું ઘર છોડીને જતું રહેવાય...?!"
"આવી બધી વાત કરવા માટે આ સ્થળ યોગ્ય નથી ને હવે અત્યારે આવી વાત ઉકેલવાનો કોઈ અર્થ પણ નથી.., એટલે હું અહીંથી રજા લઈ રહી છું.., બાય.." પરિતાએ બે હાથ જોડીને કહ્યું.
"એક મિનિટ..." કહીને સમર્થે પરિતાને જતાં અટકાવી.
ચાલતી - ચાલતી પરિતા અટકી ગઈ ને એણે પાછું વળીને જોયું.
"મારે દીપને, મારાં દીકરાને મળવું છે..." સમર્થ બોલ્યો.
"હા..., હા...., ચોક્કસ...." પરિતાએ કહ્યું.
"ક્યાં અને કેવી રીતે?"
"મારાં ઘરે..., એક પિતા તરીકે તું દીપને મળી જ શકે છે."
"પણ....?"
"પણ..., શું...?"
"એ મને .....?"
"ચિંતા નહિ કર.., એ તને એક પિતા તરીકે જ આવકારશે..."
"તો..., હું હમણાં જ આવું છું તારી સાથે એને મળવા..."
"મારી સાથે...!"
"હા..."
"મારે એક મીટિંગ છે, એ પતાવીને પછી હું ઘરે પહોંચીશ..., તો તું એકલો જ મારાં ઘરે જઈ, એને મળી લે, મેં તને મારાં ઘરનું એડ્રેસ સેન્ડ કરી દીધું છે." આટલું કહી, સમર્થ આગળ કંઈપણ બોલે એ પહેલા પરિતા ત્યાંથી જતી રહી.
"ભલે..." એનાં ગયાં પછી સમર્થનાં મોઢાંમાંથી જવાબ બહાર નીકળ્યો.
'જવું કે ન જવું' એની અવઢવ સમર્થનાં મનમાં ચાલી રહી હતી. એક બાજુ દીપને મળવા માટે આતુર થયેલું મન ઉતાવળું થઈ રહ્યું હતું ને બીજી બાજુ પૌરુષ માનસ જક્કીપણું જતાવી રહ્યું હતું.
ઘણી મડમથલ પછી સમર્થનું મન દીપને મળવા માટે તૈયાર થઈ ગયું હતું. હોસ્પિટલથી નીકળ્યા પછી સમર્થે દીપ માટે ઘણી બધી ભેટોની ખરીદી કરી ને પછી પરિતાએ આપેલા એડ્રેસ પર પહોંચવા માટે ટેક્સીમાં બેસી ગયો.
એનું મન તો કરતું હતું કે ઉડીને દીપ પાસે પહોંચી જાય પણ ઉડીને જઈ શકાય એ માટેની પાંખો નહોતી. દીપને મળવા માટે એણે મુંબઈનાં ટ્રાફિકની સમસ્યાને પાર કરીને પહોંચવાનું હતું. જેમ સમર્થની ટેક્સી ટ્રાફિકમાં ફસાયેલી હતી એમ જ સમર્થનું મન જાત - જાતનાં વિચારોમાં ફસાયેલું હતું. દીપનો ચહેરો એની આંખ સામે વારેઘડીએ દીપનો ચહેરો ઓઝલ થયાં કરતો હતો. દીપ ખૂબ જ નાનો હતો જ્યારે પરિતા એને લઈને એનાંથી દૂર થઈ ગઈ હતી. એ દિવસ પછી છેક આજે એને દીપનો ચહેરો જોવા માટે મળવાનો હતો.
મુંબઈ શહેરનાં ટ્રાફિકમાં એને પરિતાનાં ઘર સુધી પહોંચવા માટે ઘણી જ વાર થઈ રહી હતી. ઉતાવળું એનું મન કાબૂમાં રહેતું નહોતું ને મુંબઈનાં ટ્રાફિકની સમસ્યા એને બેકાબૂ લાગી રહી હતી.
સમર્થનાં મનમાં ઉત્સાહ તો હતો પણ સાથે દીપ તરફનાં વ્યવહારનો થોડો ડર પણ હતો. ક્યાંક, 'દીપ એને મળવા માટે રાજી ન હોય તો...! દીપ તરફથી એનો અનાદાર થશે તો..!' વગેરે જેવા વિચારોનો ડર એને સતાવી રહ્યો હતો.
કેવી રીતનું રહેશે પિતા - પુત્ર એટલે કે સમર્થ અને દીપનું મિલન..! એ જાણવા મળશે આનાં પછીનાં ભાગમાં.
(ક્રમશ:)