પ્રિય સખી ડાયરી,
આજ તારી સાથે મારા મનની વાતો કરવા જઈ રહી છું. ક્યારેક અમુક બાબતો સમજી શકાતી નથી આજ એવી જ બાબતોની ચર્ચા તારી સાથે કરવા જઈ રહી છું.
હમણાંની જ તાજી જ વાત છે, એક અમરેલી ગામની આસપાસનો આ સળગતો કિસ્સો સમાચાર રૂપે મારા ઘર સુધી પ્રસરતો પહોંચ્યો હતો. એક ૮ વર્ષની બાળકી પર કોઈ શખ્સે બળાત્કાર કરી તેની હત્યા કરી હતી. આ સમાચાર જે કોઈ સાંભળે એને અરેરાટી થઈ આવે.. આ ઘટનામાં એ નિર્દોષ બાળકીનો શું વાંક? એ કોમળ અણસમજુ બાળકી એની જિંદગી શરુ કરે એ પહેલા જ એની સાથે આવું ગેરવર્તન કેમ થયું?? આવી તો કેટલીએ ઘટના થતી હશે.. પણ એ બધી ઘટના સમાજના ડરથી અથવા લોકો શું કહેશે એ વિચારથી બંધબારણે જ ચૂપ થઈ જતી હોય છે. અને આવી ચુપકીદી જ આવા પાપ કરનારની તાકાત હોય છે. પાપ કરે એ નરાધમો અને સહન નિર્દોષ મહિલાઓએ કે બાળકીઓએ શુકામ કરવું જોઈએ??
એકવાર ચૂપ રહો તો બીજીવાર પણ સમાજનો ડર દેખાડીને એ વિકૃત માણસ ફાયદો ફરી ન ઉઠાવે એની શું ખાતરી??
જયારે પણ આવું સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ થાય ત્યારે પોલીસને જાણ કરો અને નિર્દોસ દીકરીઓની મદદ કરો. સમાજમાં જ્યારે એ લોકોને ભય નથી રહેતો ને ત્યારે જ ફરી ફરી આવા બનાવો બને છે. આવા નરાધમોને તો તાત્કાલિક ફાંસી જ આપવી જોઈએ. એમને કોઈ હક નથી કોઈ દીકરીઓની ભાવના સાથે ખિલવાડ કરવાનો. અમુકને સજા થાય ને તો બીજા ઉતપન્ન થતા અન્ય વિકૃત મગજના માણસ પણ ચેતશે અને આવું કંઈક વિચારતા પણ ડરશે. ડર નથી આથી જ આવા રોજ બરોજ બનાવ બનતા રહે છે. હું તો કહું આપણા સમાજનો કાનૂન અન્ય જીણી જીણી બાબતો માં ગુચવાયેલ રહે છે તો આ બાબતે કેમ કોઈ સખ્ત પગલાં નહીં?? એક માસ્ક ન પહેર્યું હોય કે હેલ્મેટ ન હોય અથવા સિગ્નલ તૂટ્યું જેવી બાબતોમાં તાત્કાલિક દંડ મળે છે તો આવી બાબતોના દંડ કેમ તાત્કાલિક નથી થતા. જેટલા ઝડપથી ફરી આવી ઘટના સાંભળવા મળે છે એટલી ઝડપથી કાર્યવાહી થાયને તો આવા બનાવ બનતા અટકે. ફક્ત 'બેટી બચાવો અને બેટી પઢાવો' જેવા સ્લોગનથી દેશની દીકરી નથી સાચવી શકાતી. એના માટેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. એવું નહીં કે બધા જ પરિવારો સમાજની બીકે પોલીસ કેસ કરતા નથી પણ મોટા ભાગના જે કેસ થયા હોય એનો નિચોડ આવ્યો નહીં હોતોને માટે હતાશ થઈ ને પરિવારના સદશ્યો કેસ દાખલ કરતા નથી.
હું તો કહું છું કે, જાતે જ એ ગુનેગારને સમાજે એકજુથ થઈ શોધીને પછી પોલીસને સોંપવો જોઈએ અને પછી જો પોલીસ એની ફરજ ચુકે તો મીડ્યમ હોબાળો કરવો.. જખ મારીને કામ જેતે કર્મચારીએ કરવું જ પડે.
આમાં મોટી ભૂલ પરિવાર પોતે હારીને હાથ નીચા કરી દે છે. આજ તમારે ઘેર થયું કાલ બીજાના ઘરે થશે.. શું રાહ જોવાની?? આખો પરિવાર હિમ્મત રાખીને આગળ વધે તો આ સમસ્યા અટકાવી શકાય.. આમાં કયાંકને કયાંક પરીવારની હાર જ ગુનેગારને પેદા કરે છે શું એવું નથી લાગતું??
મારુ મન આવું સાંભળું એટલે ખુબ બેચેન થઈ જાય કે શું તમને તમારી સમાજમાં શું વાત થાય એ મહત્વનું છે કે તમારા ઘરની દીકરીનું જે શોષણ થયું એની સામે એને ન્યાય અપાવવો એ મહત્વનું છે?
આજની મારી ડાયરી વાંચી કદાચ કોઈપણ પીડિત બાળકીને અથવા મહિલાને ન્યાય અપાવવા કોઈ વ્યક્તિનો સાથ, એક અવાજ પણ ઉઠવાની હિમ્મત કરશે તો મારી ડાયરી લખવી યોગ્ય ઠરશે...
શું ડાયરી તું પણ સમાજની સમજને વિચારવા લાગી ને??