Reality in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | વાસ્તવિક્તા

Featured Books
Categories
Share

વાસ્તવિક્તા

પ્રિય સખી ડાયરી,

આજ તારી સાથે એક જીવનની એવી વાસ્તવિકતા ની વાત કરવાની છું કે તને પણ કાયમની જેમ હું વિચારોમાં મૂકી દઈશ..

વાત જાણે એમ છે કે, આજ રોડ ક્રોસ કરતી વખતે મારુ ધ્યાન રોડની બાજુ રહેલ ફૂટપાથ પર બેઠેલ એક ગરીબ પરિવાર પર ગયું હતું. અને આ દ્રશ્ય મને કેટકેટલા વિચારોમાં ગુંચવવા લાગ્યું હતું. એ ગરીબ પરિવારમાં ત્રણ છોકરાવ અને માતાપિતા એમ પાંચ સભ્યો એક જ થાળીમાં ખાઈ રહ્યા હતા. જમવામાં ખીચડી ને રોટલી રોટલા જ હતા. પણ બધાના ચહેરા પર ભોજન ખાવાનો સંતોષ હતો. અને ખુબ પ્રેમથી ખાઈ રહ્યા હતા. બસ, આજ જોઈને હું વિચારવા લાગી કે ખરેખર શાંતિ ક્યાં હોય છે? રૂપિયાથી કે ધનદોલતથી શાંતિ મળી શકે છે ખરી?? ના બિલકુલ નહીં... પરિવારમાં રહેલ એકબીજાના સાથ, સહકાર, સંતોષ અને સમજણ જ શાંતિની અનુભૂતિ કરાવી શકે છે. આ ચાર 'સ" આપણી પાસે હોય તો બીજી કોઈ બાબત આપણને પ્રલોભી શકતી નથી. પણ, શું ખરેખર આ વાસ્તવિક છે? ના. કારણકે એકબીજાથી પોતે વધુ સુખી છે એ બાબતનો દેખાડો જ બધી શાંતિને હણી લે છે.

જેને જુઓ એ બસ રૂપિયા કમાવવાના ચક્કરમાં જ છે. બધાને જેટલું છે એનાથી વધુ જ અમીર થવું છે. અને એવી જિજીવિષામા એ એ. સી. ની ઠંડક તો મેળવી શકે છે પણ મનની ટાઢક મેળવી શકતો નથી. દેખાડો જાળવી રાખવા બે છેડા ભેગા કરવાની ઉપાધિની પરોજણ નીચે જ દબાયેલ રહે છે. વળી, જમવામાં બધું જ હોય પણ અનિયમિતતા અને સતત ચિંતાના લીધે બીમારી એટલી શરીરમાં પેસી ગઈ હોય છે કે, જમવાનું હોવા છતાં અમુક ખોરાક ખાવાની ડોક્ટરની મનાઈ હોય છે.

બસ, મારી મૂંઝવણ એજ છે કે એવો દેખાડો શું કામનો જે આધુનિક સધ્ધર તો બનાવે પણ જીવન જીવવાનું માણવાનું છોડાવી દે? બધા સાથે બેસી જમી ન શકીએ, કારણ બાળકોને સ્કૂલ હોય ને પપ્પા ઓફિસનું કામ પતાવીને આવે તો મોડું થાય.. અમુક પરિવારમાં તો બાળક અઠવાડિયે પપ્પાને જોવે એવા પણ ઘણા દાખલ હોય છે. ટૂંકમાં કહેવાનું એજ કે, જીવનમાં ધ્યેય જરૂર ઉંચા રાખવા અને પુરુસાર્થ પણ કરવો જ જોઈએ પણ એ ભવિષ્યની ખુશીને પામવા વર્તમાન જીવનના ભોગે તો ન જ હોવું જોઈએ ને? બાળકનું એકવાર બાળપણ ગયા બાદ એ ફરી પાછું આવશે? એ બાળક શું મોટું થયા બાદ તમારા ખોળામાં બેસશે, કે ધીંગામસ્તી કરશે? નહીં ને.. હું એ જ કહું છું કે વર્તમાનને પણ માણો નહીતો તમે બેંકમાં તો મૂડી બનાવી લેશો પણ અજાણતા જ લાગણી નું સિંચન તમારા બાળકમાં કરવાનું ચુકી જશો. પછી રિટાયડઁ થયા બાદ તમારી પાસે સમય હશે પણ જે બાળકે જોયું એ જ એ શીખશે અને પછી તમારે રસ્તે એ હશે.. એજ રૂપિયા કમાવાની જંજટમાં.. હું એવું તો નથી જ કહેતી કે રૂપિયાની જરૂર નહીં પણ રૂપિયાની જેમ કિંમત કરીએ છીએ એવી કિંમત પરિવારની પણ હોવી જોઈએ. રૂપિયાથી બધું ખરીદી શકાય પણ સંતોષ કે શાંતી નહીં. એ ફક્ત પરિવારની હૂંફથી જ મળી શકે છે.

જીવનનો ખરો સાથ પરિવાર છે,
જીવનની ખરી શાંતિ પરિવારથી છે,
છતાં અન્યમાં મોહની ઘેલછામાં,
દોસ્ત! જીવનમાં વેરવિખેર પરિવાર છે.

ક્યારેક કોઈ અધૂરા પરિવારને જોઈએ ને ત્યારે આપણને જીવનમાં સબંધનું મહત્વ સમજાય છે. જે સબંધો છે એને માણી લેવા કેમકે ક્યારે કયો સમય સબંધ છીનવી લે એ કોઈ જાણતુ નથી.

બોલ સખી ડાયરી, 'તું પણ સહમત છે ને મારી સાથે? આ જીવનની સાવ નજીવી વાસ્તવિકતા છે છતાં આખું જીવન એના પર જ છે. ખરું ને?'