૧૬. મીઠો પુલાવ
બનાવો ઝડપથી બનતા જતા હતા. અષાઢ-શ્રાવણનાં વાદળાંને રમાડતી લીલા જેવી એ ઝડપ હતી. ભદ્રાપુરના દરબાર ગોદડને એના ગઢમાંથી કોઈ જીવતો ઝાલી શકે તેવી સ્થિતિ નહોતી રહી. સરકારની આજ્ઞા એના ઉપર કેસ ચલાવીને એને જીવતો કેદ કરવાની હતી. એજન્સીનો કારભાર બેસતી અવસ્થાનો હતો. રાજાઓને એક ઝપાટે સાફ કરી નાખવાની એની ગણતરી નહોતી. એને તો લાંબી અને બહુરંગી લીલા રમવી હતી. વૉકર સાહેબના અટપટા કોલ-કરારો એજન્સીના હાકેમોને ડગલે ને પગલે ગૂંચ પડાવતા હતા.
જે જાય તેને તમંચા વડે ઠાર મારવાનો તોર પકડીને ભદ્રાપુરનો ગોદડ દરબાર બેઠો હતો. એને જીવતો ઝાલવા માટે જાનનું જોખમ ઉઠાવે એવા એક માનવી ઉપર એજન્સીના ગોરા પોલીસ-ઉપરીની નજર પડી : સાત વર્ષની સજામાંથી છૂટીને એક ભાવર બહાર આવ્યો હતો. અમલદારે એ ભાવરની જોડે ગિરનારના બોરિયા ગાળામાં મુલાકાત ગોઠવી. જોડે મહીપતરામ હાજર રહ્યા.
ભાવર અંબાઈ રંગનાં ઈજાર અને પહેરણ પહેરીને પથ્થર પર બેઠો હતો. એની આંખોમાં સિંહ-દીપડાનાં લોચનની લાલાશ હતી. સાહેબે પૂછ્યું : “સાત વરસ પર કાંથડ કામદારને ગામની બજારમાં ઝાટકા કોણે મારેલા ?”
“અમે.”
“દરબાર એ ખૂનમાં સામેલ હતા તે વાત ખોટી ?”
“તે દિવસે કોર્ટમાં ખોટી હતી, આજે સાચી છે.”
“એ ખૂન તમે જ ત્રણ જણાએ માથે લઈ લીધાં તેનું શું કારણ ?”
“દરબારને બચાવવા હતા.”
“એનો બદલો દરબાર તમને શું દેવાના હતા ?”
“અમને ફાંસી થાય તો અમારાં બાલબચ્ચાંને પાળત.”
“કેવાંક પાળ્યાં તે તો તેં જોઈ લીધું ને !”
ભાવરે કશો જવાબ ન આપ્યો, પણ તેની લાલ આંખો વધુ લાલ બની, પછી એ આંખોમાં ઝળઝળિયાં ભરાયાં. એ આંસુના પડદા ઉપર એને એક તમાશો દેખાતો હતો... એની પચીસેક વર્ષની જુવાન ઓરત ઝુલેખા ઘરમાં મીઠા પુલાવની હાંડી પકાવતી બેઠી છે : દીકરાની સાત વર્ષની ગેરહાજરી દરમિયાન માતાપિતા પોતાના અન્નદાતા દરબારને પોતાને ઘેર પરોણલા નોતરે છે : પુલાવ જમતાં જમતાં દરબાર રાંધણાની મીઠપને વખાણે છે : “એ મીઠપ તો, બાપુ, તમારીદીકરીના હાથની છે.” ને એ મીઠપના ઝરા - એ બે હાથ - દરબારની નજરે પડે છે : ઝુલેખાનું મોઢુંય દરબારી આંખોની હડફેટમાં આવી જાય છે : ઝુલેખાને દરબાર પોતાની કરી લે છે : માબાપ પુલાવની હાંડીનાં કાછલાં કરીને દરબારની હદ છોડી ભાગે છે : કેદમાં પડ્યોપડ્યો ભાવર ઝુલેખાના ઝળકતા તકદીરની કથા સાંભળે છે : ને છૂટીને પહેલું કામ શું કરવું તેનો નિશ્ચય ભાવર પોતાની હાથકડી ઉપર ઠીકરું ઘસીને નોંધી લે છે.
“હવે ?” મહીપતરામે કહ્યું : “નામર્દ થઈને રોવું છે ? - કે દરબારનો હિસાબ ચોખ્ખો કરવો છે ? તારું કોઈ નામ ન લે : સાહેબ બહાદુરનું વચન છે.”
સાહેબે આ વચનના પાલનની કબૂલાત સૂચવતો પોતાનો પંજો ભાવર તરફ લંબાવ્યો.
ભાવરે જવાબ આપ્યો : “સાહેબ, હવે તો મોડું થઈ ગયું. મારો હિસાબ પતી ગયો.”
“કેમ ?”
“આજ સવારે જ દરબાર તરફથી સંદેશો હતો, ને સમાધાનીનાં નાણાં હતાં.”
“કેટલાં ?”
“એ તો મને ખબર નથી; સાહેબ, હું ભાડખાયો નથી.”
“તેં નાણાં ન લીધાં ?”
“ના, એણે મારી માફી માગી. થવાનું હતું તે થઈ ગયું. મારે એટલું જ બસ છે.”
“ને તારી બાયડી રાખીને બેઠા છે તેનું શું ?”
“મેં બધુંય જાણ્યું છે, સાહેબ. એને ગમ્યું ને એ ગઈ છે. એને અને મારે જમીન-આસમાનનું અંતર પડ્યું.”
“એટલે તેં વેર મૂકી દીધું ?”
“તમંચો ચોરીને લાવ્યો’તો, તેને આજ બપોરે જ ઓલ્યા ભાડિયા કૂવામાં નાખી દીધો છે, સાહેબ.”
એટલું કહીને ભાવર ઊઠ્યો.
“ત્યારે હવે તું શું કરીશ ?” સાહેબે ભાવરને પૂછ્યું.
“મારાં માવતર ભેગો જઈને ખેડ કરીશ, લાકડાં વાઢીશને ભારી વેચીશ. કંઈક ધંધો તો કરીશ જ ને !”
સાહેબે એના તરફ હાથ લંબાવીને કશુંક આપવા ધાર્યું. “લો, યે લે કર તુમારા ધંધા કરો.”
એ એક પડીકું હતું. ઉપર રૂપિયાનાં ગોળ ચગદાંની છાપ પડી હતી. ભાવરે છેટેથી જ સલામ કરી.
“માફી માગું છું.”
“કેમ ?”
“ધંધો કરવાનો છું તે તો બાકીની જિંદગાની ખેંચી કાઢવા માટે - તાલેવર થવા માટે નહિ, સાહેબ.”
“લો, લો, બેવકૂફ !” સાહેબે જિદ્દ પકડી.
“સાહેબ બહાદુરની બડી મહેરબાની. હું તો હવે ખાઈ ખૂટ્યો છું.” કહીને ભાવર અંબાઈ રંગની પછેડીને છેડે આંખો લૂછતો બહાર નીકળ્યો. મહીપતરામ એને વળાવવા ગયા.
જુવાન ભાવરે આંખો લૂછતે લૂછતે કહ્યું : “એક મહેરબાની માગું ?”
આ માગણીથી મહીપતરામ રાજી થયા. એણે જુવાનની પીઠ ઉપર પ્રેમભર્યો હાથ મૂક્યો, ને કહ્યું : “બેટા, આમ જો : હુંય તારી જ જાતનો છું : સિપાઈ છું. જનોઈ તો મારું જૂનું બરદામું છે. તું ડરીશ ના. તું ને હું બેય સિપાહીઓ.”
“તો જે દી તમે દરબારને ઝાલો, તે દી ફક્ત એટલું જ કરજો : મારી... મારી ઝુલેખાને કોઈનું નામ આપ્યા વિના પૂછી જોજો, કે એ જ્યાં છે ત્યાં સુખી તો છે ને ?”
મહીપતરામ થોડી વારે હસ્યા, ને એણે ભાવર જુવાનને પૂછ્યું : “તું તો કહેતો હતો ને કે તારે ને એને હવે જમીન-આસમાનનું છેટું થઈ પડ્યું ?”
“કહેતો’તો ખરો, પણ સાહેબ, વળી વખતે માયલી કોરથી જેમ કોઈ વાયુનો ગોળો ચડતો હોય ને, તેમ એ બધું યાદ ચડે છે.”
“તારે એનાં સુખ-દુખઃના ખબર જાણવા છે ને ? જા, છોકરા; આઠમે દિવસે આવજે. હું પોતે જઈને ખબર કાઢી ન આવું તો હું બ્રાહ્મણના પેટનો નહિ.”
એમ કહીને એણે પોતાના મુકામનું ઠામઠેકાણું આપ્યું. ભાવરે મહીપતરામના પગ ઝાલી લીધા.
“ઊઠ.” મહીપતરામે એને ઊભો કર્યો. “મરદ બની જા. ને ખેતીબેતી કે મજૂરીધંધો તું હવે કરી રહ્યો. મારું માને તો જાજે ગાયકવાડની પલટનમાં, ધારી ગામે; ને નોકરી માગી લેજે. નીકર આ ઝાવડેઝાવડાં ને આ ભદ્રાપરની સીમના ડુંગરેડુંગરા દિવસ-રાત તને એ-ના એ જ અજંપા કરાવશે, ગાંડિયા !”