૯.ભૂતકાળ
મુના બાપુ હોલમાં રહેલાં સોફા ઉપર પગ ઉપર પડ ચડાવીને બેઠાં હતાં. એમની પાછળ બે બોડીગાર્ડ ઉભાં હતાં. બંગલાની અંદર રહેલાં આ ભવ્ય હોલમાં ડાબી બાજુની દિવાલે ટીવી લટકતું હતું. છત ઉપર કાચનું ભવ્ય ઝુમ્મર લટકી રહ્યું હતું. આખો હોલ એસીની ઠંડી હવાથી ઠંડો થઈ ગયો હતો. મુના બાપુનાં ચહેરાં પર એક સ્મિત રમી રહ્યું હતું. એમની સામે બે વ્યક્તિઓ હાથ બાંધીને, ગરદન ઝુકાવીને ઉભાં હતાં. એ સમયે જ એક સિક્યોરિટી ગાર્ડ અંદર આવ્યો. એનો તંગ થઈ ગયેલો ચહેરો જોઈને, મુના બાપુએ તરત જ પૂછ્યુ, "શું થયું? ચહેરાં પર બાર કેમ વાગ્યા છે?"
"બાપુ! થોડીવાર પહેલાં શિવરાજસિંહ આવ્યો હતો. એણે કહ્યું, કે એ નિખિલ શાહને ઉઠાવી ગયો." ગાર્ડે ધીમાં અવાજે કહ્યું.
"શું? આ વાત તું અત્યારે મને કહે છે?" મુના બાપુ થોડાં ગુસ્સા સાથે ઉભાં થઈને બોલ્યાં. એસીની ઠંડી હવામાં પણ એમનાં કપાળે પરસેવો વળી ગયો, "મેં તમને બધાંને અહીં એટલાં માટે રાખ્યાં છે, કે કોઈ મારાં જ ઘરમાં ઘુસીને મારો શિકાર લઈ જાય, અને તમે પાછળથી આવીને મને એની જાણ કરો?" એમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. એમણે એમની પાછળ ઉભેલાં બોડીગાર્ડ સામે જોયું, "ઉપર જઈને જુઓ, નિખિલ છે કે નહીં?"
મુના બાપુનો આદેશ મળતાં જ એક બોડીગાર્ડ પવનવેગે સીડીઓ ચડીને ઉપર ગયો. મુના બાપુ ગુસ્સામાં આમતેમ આંટા મારવા લાગ્યાં. થોડીવારમાં જ ઉપર ગયેલો બોડીગાર્ડ નીચે આવ્યો. મુના બાપુએ એની સામે જોયું, તો એણે તરત જ ગરદન ઝુકાવીને કહ્યું, "ત્યાં કોઈ નથી."
"શિવવવવવ, તને હું નહીં છોડુ." બાપુએ ગુસ્સામાં ત્રાડ પાડી. હોલમાં મોજુદ બધાનાં પગ એમની ત્રાડથી ધ્રુજી ગયાં. એમણે પોતાનાં સફેદ કુર્તાનાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, અને જગજીતસિંહને ફોન જોડીને કાને લગાવ્યો, "તારાં છોકરાએ આજે એની હદ પાર કરી છે." એ ગુસ્સામાં ભભૂકી ઉઠ્યા.
"એવું તો શું કર્યું, શિવે?" જગજીતસિંહે ચિંતિત સ્વરે પૂછ્યું.
"એ મારાં જ બંગલામાંથી મને ચકમો આપીને મારો શિકાર લઈ ગયો." મુના બાપુએ ચહેરાં પર સ્મિત રાખીને અફસોસ કરતાં કહ્યું, "એને રોકી લે. બાકી પરિણામ સારું નહીં આવે. આજે એ જે ઉંચાઈએ પહોંચ્યો છે. ત્યાંથી એને જમીન પર પટકાતા મને જરાં પણ વાર નહીં લાગે." એમણે દાંત પીસીને ઉમેર્યું, "બહું ખોટું થઈ રહ્યું છે. હજું પણ સમય છે. તારાં સિંહને પાછો વાળી લે." કહીને એમણે કોટ કટ કરીને, મોબાઈલનો સામેની દીવાલ પર ઘા કરી દીધો. મોબાઈલના ટૂકડે ટૂકડાં થઈ ગયાં.
શિવની જીપને ચલાવી રહેલી અપર્ણા અમદાવાદ તરફ આગળ વધી રહી હતી. એનાં મનમાં ચાલી રહેલાં સવાલના કારણે એનો ચહેરો તંગ થઈ ગયો હતો. નિખિલ પણ જડ થઈને એની બાજુની સીટમાં બેઠો હતો. શિવ હાથમાં મોબાઈલ રાખીને જાણે કોઈનો કોલ આવવાની રાહ જોઈ રહ્યો હતો. એ સમયે જ એનાં મોબાઈલની રિંગ વાગી. એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. પણ, સ્ક્રીન પર 'બાપુ' વાંચતા જ એ સ્મિત પળવારમાં ઓસરી ગયું. એણે કોલ રિસીવ કરીને મોબાઈલ કાને લગાવ્યો, "હાં, બાપુ."
"આટલું મોટું કાંડ મને પૂછ્યાં વગર જ કરી નાખ્યું." જગજીતસિંહે ગુસ્સામાં આવીને સખ્ત અવાજે કહ્યું, "મેં તને અપર્ણાને એનાં ઘરે મૂકવાં જવાં કહ્યું હતું. તો તું મુના બાપુને ત્યાં શાં માટે ગયો? એ પણ નિખિલને ત્યાંથી છોડાવી પણ આવ્યો!" એમનો અવાજ અચાનક જ શાંત થઈ ગયો, "હું તને સારી રીતે ઓળખું છું. તે નિખિલને કોઈને પણ જાણ નાં થાય, એ રીતે જ છોડાવ્યો હશે. તો મુના બાપુને કેવી રીતે જાણ થઈ ગઈ?" એમણે અંતે એક સવાલ પૂછ્યો.
"હું એમનાં સિક્યોરિટી ગાર્ડને કહીને આવ્યો હતો. એમણે જ મુના બાપુને કહ્યું હશે." શિવે ચહેરાં પર કોઈપણ જાતનાં ભાવ વગર કહ્યું.
"પણ શાં માટે?" જગજીતસિંહનાં અવાજમાં સવાલ સાથે ડર પણ હતો, "તે આવું કરીને એક જંગને આમંત્રણ આપ્યું છે. પરિણામથી તું સારી રીતે અવગત હોઈશ. હવે આટલું કર્યું જ છે, તો અત્યારે ક્યાં છે? એ પણ જણાવી દે."
"અપર્ણા અને એનાં ભાઈ સાથે અમદાવાદ જાવ છું." શિવે શાંતિથી કહ્યું.
"તો આજની રાત ત્યાં જ રહેજે. સવારે મુંબઈ આવવાં નીકળજે, અને રિવૉલ્વર પાસે છે, કે એ પણ મુંબઈ જ છોડીને જાવ છો?" જગજીતસિંહે થોડું કટાક્ષ કરતાં પૂછ્યું.
"સાથે છે, સવારે ઘરે આવીને વાત કરું." શિવે એવાં જ શાંત અવાજે કહ્યું.
"રાહ જોઈશ, માતાજી રખોપાં કરે." કહીને જગજીતસિંહે કોલ કટ કર્યો.
શિવ મોબાઈલ હાથમાં જ રાખીને, ગરદન ઝુકાવીને બેસી રહ્યો. એને એમ હતું, કે મુના બાપુ એને કોલ કરશે. પણ, એમણે જગજીતસિંહને કોલ કર્યો. જેનાં લીધે શિવનું મન વ્યથિત થઈ ગયું. એણે જે પણ કર્યું. પોતાનાં રિસ્ક ઉપર કર્યું હતું. એ એમાં એનાં બાપુને શામિલ કરવાં માંગતો ન હતો. પણ, મુના બાપુએ એમને કોલ કરીને, કારણ વગર જ એમને પણ આ ઘટનામાં શામિલ કરી દીધાં હતાં. એનાં ચહેરાં પર ગુસ્સાની આછી રેખાઓ નજર આવવાં લાગી.
"એનિ પ્રોબ્લેમ?" અપર્ણાએ ધીરેથી પૂછ્યું.
"બાપુનો કોલ હતો. થોડાં ગુસ્સામાં અને ચિંતિત હતાં." શિવે શાંત પણ ગંભીર અવાજે કહ્યું.
"કેમ? બધું ઠીક તો છે ને?" અપર્ણા પણ ટેન્શનમાં આવી ગઈ.
"મેં એક ભૂલ કરી છે." શિવે અપર્ણા સામે જોયું. જેની નજર સામે રહેલાં રિઅર વ્યૂ મિરરમાં હતી. જેમાંથી એ પાછળ બેઠેલાં શિવને જોઈ રહી હતી. શિવે મિરરમાં એક નજર કરી, "નિખિલને મેં કોઈની જાણ વગર છોડાવી લીધો હતો. પણ, ત્યાંના ગાર્ડને મેં જાણી જોઈને કહ્યું, કે હું નિખિલને લઈ જાવ છું. એ કંઈ સમજી શકે, એ પહેલાં જ હું ત્યાંથી આવી ગયો. પછી પાછળથી એણે મુના બાપુને જણાવી દીધું. એમણે મારાં બાપુને કોલ કર્યો. બસ આ વાતથી જ મારાં બાપુ અને મુના બાપુ બંને મારાથી ગુસ્સે છે. પણ, ચિંતા મને મુના બાપુની નહીં, મારાં બાપુની છે."
"તો પછી એવી ભૂલ કરી જ શાં માટે?" આ વખતે નિખિલે પૂછ્યું.
"અમુક કારણો છે, જે હાલ જણાવી શકું એમ નથી." શિવે કંઈક વિચારતાં વિચારતાં કહ્યું, "પણ, હાલ માટે આજની રાત મારે અમદાવાદમાં જ રોકાવું પડશે. તો કોઈ સારી હોટેલ જણાવ. જ્યાં હું શાંતિથી રહી શકું."
"હોટેલ શાં માટે? તું અમારી ઘરે રહી શકે છે." અપર્ણાએ સહજતાથી કહ્યું, "તે મારી આટલી મદદ કરી. તો હું અને મારો પરિવાર તારાં માટે એટલું તો કરી જ શકીએ."
"પણ દીદી! તમે મોટાં પપ્પાની વાત ભૂલી ગયાં?" અચાનક જ નિખિલે ગંભીરતાથી કહ્યું, "તમારે તમારું સપનું પૂરું કર્યા પહેલાં ઘરે કોઈને કોલ પણ કરવાનો હતો. એવામાં અત્યારે તમે ઘરે આવી રહ્યાં છો. તમે મોટાં પપ્પાનો સામનો કરવા તૈયાર છો?" નિખિલે પૂછ્યું, અને પાછળ બેઠેલાં શિવ સામે જોયું, "જો હું ખોટો નાં હોય, તો તમે જાગા બાપુનાં દીકરા શિવ છો ને? મેં એક વખત તમને ટીવીમાં આવતાં ઈન્ટરવ્યુમાં જોયાં હતાં. તમે મુંબઈનાં બિઝનેસ ટાયકૂન છો. એ વખતે તમે તમારાં બાપુનું નામ પણ જણાવ્યું હતું, અને એમનાં વિશે મેં મારાં મોટાં પપ્પા પાસે સાંભળ્યું હતું. એ મુંબઈ માફિયા છે, અને મુના બાપુ સાથે જ કામ કરે છે." નિખિલે થોડીવાર રોકાઈને આગળ કહ્યું, "કદાચ મોટાં પપ્પા તમને અમારી ઘરે રહેવા નહીં દે. કારણ તમે જાણો છો."
નિખિલની વાત પૂરી થતાં જ શિવનાં મનમાં હજારો સવાલ એક સાથે દોડી ગયાં. એને શું કહેવું? કંઈ સમજમાં નાં આવ્યું. હાલ સાંજનાં સાત વાગી રહ્યાં હતાં. સુરજ સંપૂર્ણપણે અસ્ત થઈ ગયો હતો. ધીમે-ધીમે અંધારું થવા લાગ્યું હતું. એ અંધકારમાંથી પસાર થતી શિવની જીપ એકધારી સ્પીડે આગળ વધી રહી હતી. શિવનો કાળો ભૂતકાળ પણ એની સાથે જ આગળ વધી રહ્યો હતો.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"