ભેદભરમ
ભાગ-૧૯
વસિયતનું ભેદભરમ
હરમન અને ઇન્સ્પેકટર પરમાર બિલ્ડર સુરેશ પ્રજાપતિના ત્યાંથી નીકળી ચર્ચા કરતાં-કરતાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.
બંને જણ જયારે પોલીસ સ્ટેશનમાં દાખલ થયા ત્યારે પ્રેયસ એક કાળા કોટવાળા ભાઈ સાથે બેઠો હતો. દેખાવ ઉપરથી એ વકીલ લાગતા હતાં.
પ્રેયસ, હરમન અને ઇન્સ્પેકટર પરમારની નજીક આવ્યો હતો.
“ઇન્સ્પેકટર સાહેબ, આ વકીલ નીલેશ જાની છે. જેમણે ધીરજકાકાની વસિયત બનાવી હતી. અત્યારે તેઓ વસિયત આપવા ઘરે આવ્યા હતાં. પરંતુ એમણે મને જે મુદ્દાઓ કીધા એ સાંભળીને મને નવાઈ પણ લાગી અને શંકા પણ ઉભી થઇ હતી. એટલે હું એમને પોલીસ સ્ટેશન આપની સાથે મળવા લઈ આવ્યો. આપનો અને હરમનભાઈનો ફોન લાગતો ન હતો એટલે હું મહત્વની બાબત લાગતા આપની પરમીશન વગર જ પોલીસ સ્ટેશન આવી ગયો. હરમનભાઈ પણ અહીંયા જ ઉપસ્થિત છે એ સારું છે.” એમ કહી પ્રેયસે વકીલ નીલેશ જાનીની ઓળખાણ બંન્ને જણ જોડે કરાવી હતી.
ઇન્સ્પેકટર પરમારની કેબિનમાં બધાં દાખલ થયા હતાં. બધાં માટે ઇન્સ્પેકટર પરમારે ચા મંગાવી હતી.
“હા તો વકીલ સાહેબ, ધીરજભાઈની વસિયતમાં એવું તો શું છે જે પ્રેયસને શંકાસ્પદ લાગ્યું એ જણાવો.” ઇન્સ્પેકટર પરમારે નીલેશ જાનીને કહ્યું હતું.
“સૌથી પહેલા ધીરજભાઈએ બે વર્ષ પહેલા વસિયત બનાવી હતી. એ વસિયતમાં એમણે લખ્યું હતું કે ‘આ વસિયત હું એટલા માટે બનવા જઈ રહ્યો છું કે મારું કુદરતી રીતે કે અકુદરતી રીતે મૃત્યુ થાય તો મારું પોસ્ટમોર્ટમ કરાવવું. બીજું, આ વસિયત પ્રમાણે એમની કુલ સંપતિ એટલે કે એમની સ્થાવર અને જંગમ મિલકત મારા મૃત્યુ બાદ મારા ભત્રીજા પ્રેયસ કાંતિલાલ મહેતાને મળે. ત્રીજું, સુધા મારી વૈવાહિક દ્રષ્ટિએ કે કાયદાકીય દ્રષ્ટિએ પત્ની નથી. માટે જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી એ મહેતા કોપરેટીવ સોસાયટીના બંગલા નંબર-૧માં રહી શકે અને મહિને એને એક લાખ રૂપિયા આજીવન મળ્યા કરે.” આટલું બોલી વકીલ નીલેશ જાની ચા પીવા રોકાયા હતા.
હરમન અને ઇન્સ્પેકટર પરમાર વકીલ નીલેશ જાનીની વાત સાંભળીને ચોંકી ગયા હતા. કારણકે સુધાબેનને લગ્ન કર્યા વગર ધીરજભાઈએ રાખ્યા હતા એ વાત બંને માટે આંચકાની સાથે કેસમાં નવા વળાંક સમાન હતી.
વકીલ નીલેશ જાનીએ હવે આગળ બોલવાનું શરૂ કર્યું હતું.
“બે વર્ષ પહેલા વસિયતમાં આ પ્રમાણે લખ્યું હતું. હવે એક મહિના પહેલા એમણે વસિયતમાં સુધારો કર્યો હતો. બીજા બધા મુદ્દા એમણે એના એ જ રાખ્યા સિવાય એક મુદ્દો એમણે બદલ્યો એ સાક્ષીઓ હતા. પહેલા વસિયતમાં સાક્ષી તરીકે પ્રોફેસર રાકેશ અને બીજા સાક્ષી તરીકે ડોક્ટર બ્રિજેશ હતા. જયારે નવા વસિયતમાં સાક્ષી તરીકે ડોક્ટર બ્રિજેશને યથાવત રાખ્યા હતા અને પ્રોફેસર રાકેશની જગ્યાએ પ્રોફેસર સુનિતા ખત્રીને સાક્ષી તરીકે એમણે લીધી હતી. મહિના પહેલા આવું કરવાનું કારણ મને સમજાયું ન હતું. કારણકે માણસ જો વસિયત બદલે તો આખું વસિયતનામું બદલી કરે, પરંતુ સાક્ષી બદલ્યા હોય એવું તો ત્યારે જ બને જયારે વસિયત બનાવનાર વ્યક્તિના પહેલા સાક્ષી ગુજરી જાય. પરંતુ સાક્ષી હયાત હોય છતાંય બદલવામાં આવે અને વીલ બદલવામાં ના આવે એવું તો મેં પહેલીવાર મારી પ્રેકટીસ દરમ્યાન જોયું છે. આ વાત મને શંકાસ્પદ લગતા મેં પ્રેયસને વસિયત આપતાં પહેલા જણાવી હતી. ધીરજભાઈના મૃત્યુ બાદ મેં પ્રેયસ સાથે ફોન ઉપર એ વાતની ખાત્રી કરી લીધી હતી કે એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. માટે વસિયતમાં લખેલો એ મુદ્દો પોલીસે સરળતાથી પૂરો કર્યો હોવાના કારણે મારે પોલીસને વસિયત બતાવવાની જરૂર પડી ન હતી. બંને વસિયતની ઝેરોક્ષ કોપી હું લેતો આવ્યું છું. કદાચ તપાસ માટે આપને એની જરૂર પડે એટલે હું સાથે લઈ આવ્યો છું.” વકીલ નીલેશ જાનીએ ઇન્સ્પેકટર પરમારને વસિયતની બે કોપી આપતાં કહ્યું હતું અને ઇન્સ્પેકટર પરમારની રજા લઇ પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતાં.
"પ્રેયસ, આ વસિયતમાં તને શંકાસ્પદ શું લાગ્યું? અને સુધાબેન જોડે તારા કાકાએ લગ્ન કર્યા નથી એ વાતની તને ખબર હતી?" હરમને પ્રેયસને પૂછ્યું હતું.
"હા, કાકાએ સુધાકાકી જોડે લગ્ન કર્યા નથી એ વાત હું જાણતો હતો. પરંતુ લગ્ન કેમ કર્યા નથી એ વિશે મેં ક્યારેય કાકા કે કાકી બંન્નેમાંથી કોઇને પૂછ્યું નથી. રહી વાત વસિયતનામા પર મારી શંકા કરવાની, તો ધીરજકાકાને ચોક્કસ પ્રોફેસર રાકેશ પર શક હશે અને એટલે જ એમણે વસિયતમાંથી સાક્ષી તરીકે એમનું નામ કઢાવી નાંખ્યું અને એક-બે વાર સોસાયટીના કામકાજને લઇને જ તેમજ સોસાયટીની બધી જગ્યામાં દરેક સભાસદનો હક છે એવા મુદ્દા પર પ્રોફેસર રાકેશ ખૂબ ઉગ્ર થઇ ગયા હતાં અને કાકાને મારી નાંખવાની ધમકી પણ આપી ચૂક્યા હતાં. પરંતુ દરેક સોસાયટીમાં થતા ઝઘડાની જેમ અમે પણ એ ઝઘડાને બહુ ગંભીરતાથી લીધો નહિ. પણ જ્યારે કાકાનું ખૂન થયું છે એવું પોસ્ટમોર્ટમના રીપોર્ટ પરથી સાબિત થયું ત્યારે એકસાથે આ બધી વાતો મારા મગજમાં યાદ આવી ગઇ હતી." પ્રેયસે પોતાની શંકાને હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર સામે રજૂ કરી હતી.
"પ્રેયસ, જે દિવસે ધીરજભાઇનું ખૂન થયું એ દિવસે તારા કહેવા પ્રમાણે એ પાર્ટીમાંથી અગિયાર વાગે નીકળી ગયા હતાં અને પોસ્ટમોર્ટમના રીપોર્ટ પ્રમાણે રાત્રિના સાડા અગિયારથી બે વાગ્યા દરમ્યાન એમનું ખૂન થયું છે. પાર્ટીમાં આવેલા કોઇ મહેમાન એમની પાછળ ગયા હોય એવું કશું શંકાજનક કોઇએ કર્યું હોય એવું તે નોંધ્યું છે?" હરમને પ્રેયસને પૂછ્યું હતું.
"ના... એવું બન્યું ચોક્કસ નથી, કારણકે કુલ દસ મહેમાન પાર્ટીમાં આવ્યા હતાં. એમાંથી નવ જણા તો સાડા દસથી પોણા અગિયાર વાગ્યા સુધીમાં નીકળી ગયા હતાં અને એ બધાંને સોસાયટીના ગેટ સુધી મુકવા હું જ ગયો હતો. પાર્ટીમાં છેલ્લે મહેશભાઇ અને એમના બીજા પત્ની સીમાબેન બંન્ને હતાં. જેમને હું બરાબર સાડા અગિયાર વાગે સોસાયટીના ઝાંપે મુકી અને પછી ગેટ બંધ કરી તરત ઘરમાં દાખલ થયો હતો. દરેક મહેમાન દારૂના નશામાં ચકચૂર હોવાના કારણે પોતે કોઇના ટેકા વગર ચાલી શકે એમ પણ ન હતાં, એટલે મહેમાનોમાંથી કોઇપણ ખૂની હોઇ શકે એ શક્ય નથી. બીજી મહત્વની વાત, પાર્ટીમાં આવતા મહેમાનો સાથે કાકાએ કોઇ દિવસ આર્થિક વ્યવહાર રાખ્યા નથી અને પાર્ટીમાં આવનાર દરેક વ્યક્તિ અમદાવાદના ખૂબ જ પ્રતિષ્ઠિત લોકો છે. જેમની પાસે કાકાનું ખૂન કરવાનો કોઇ હેતુ નથી. માટે મારું માનવું એવું છે કે એમાંથી તો કોઇ ખૂની હોઇ શકે નહિ, છતાંય આજના સંજોગોમાં કંઇ કહી શકાય નહિ." પ્રેયસે છેલ્લી લીટી બોલી અને જવાબ અસ્પષ્ટ રાખ્યો હતો.
હરમને ઘડિયાળમાં જોયું તો સાંજના સાડા પાંચ થયા હતાં. બિલ્ડર સુરેશ પ્રજાપતિના ઘરે જવાનું હતું. હરમને ઇન્સ્પેક્ટર પરમારને ઘડિયાળ તરફ ઇશારો કર્યો હતો.
"હા તો પ્રેયસ, અત્યારે મારે અને હરમને એક જગ્યાએ જવાનું છે. તું શાંતિથી ઘરે પહોંચી જા. કાલે આ બાબતે કશું પૂછવું હશે તો તને અહીં પોલીસ સ્ટેશન બોલાવી લઇશ." ઇન્સ્પેક્ટર પરમારે પ્રેયસ સામે જોઇ કહ્યું હતું અને ત્રણે જણા પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા હતાં.
ઇન્સ્પેક્ટર પરમારે સુરેશ પ્રજાપતિને ફોન કરીને જણાવી દીધું કે તેઓ એમના ઘરે પહોંચી રહ્યા છે.
ક્રમશઃ
(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)
- ૐ ગુરુ