વીજળી‘ ડૂબ્યા પછીની વાત
ઈ.સ. ૧૯૧૨માં ટાઈટેનિક ડૂબેલી. તેની માલિક વ્હાઈટ સ્ટાર કંપની દ્વારા તેમાં મૃત્યુ પામનારના પરિવારજનોને વળતર આપવામાં આવેલું, પણ તમને જાણીને આઘાત લાગશે કે, વીજળીમાં મોતને ભેટનાર કોઈને વળતર નહોતું અપાયું, કારણ કે તે આકસ્મિક કુદરતી કારણોસર ડૂબી હોવાનું તારણ આગળ ધરવામાં આવ્યું હતું. ટાઈટેનિક સાથે અડધા ઉપરાંત ઉતારુઓએ જળસમાધિ લીધેલી. જેનું મુખ્ય કારણ કંપની દ્વારા પેસેન્જરોના બચાવ માટેની અપૂરતી સગવડ અને તૈયારીઓને બતાવાઈ હતી. આ એક જ મુદ્દાએ વ્હાઈટ સ્ટાર કંપનીને કરોડો ડૉલર વળતર ચૂકવવા મજબૂર કરી હતી. વળતરની રકમ એટલી તગડી હતી કે બોજો ન ખમાતા આખરે કંપની ફડચામાં ગયેલી. વીજળીમાં આનાથી તદ્દન ઊંધું બન્યું. તેના ડૂબ્યા પછી એક મહિના બાદ બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લૉર્ડ રેએ ચીફ પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ મિસ્ટર સી.પી. કૂપરના અધ્યક્ષ સ્થાને એક મેરિન કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બેસાડેલી. ત્રણ સભ્યોની કોર્ટમાં બીજા બે હતા આસિસ્ટન્ટ પોર્ટ ઓફિસર એમ. બિન અને ‘સુરત’ નામની સ્ટીમરના કેપ્ટન જે.ડી. હોર્ન. ૭ અને ૧૦ ડિસેમ્બર ૧૮૮૮ના રોજ તેની બેઠકો મળેલી.
આ મરિન કોર્ટમાં હાજી કાસમ નૂરમોહમ્મદ સહિતના અલગ-અલગ લોકોએ આપેલી જુબાની પરથી ખ્યાલ આવે છે કે, વીજળી પર માત્ર ચાર લાઈફ-બોટ હતી જે બધાં મુસાફરોને બચાવી શકે તેમ નહોતી. આ એક જ બાબત કંપની વિરુદ્ધ જતી હોવા છતાં મરિન કોર્ટે તેને નજરઅંદાજ કરી હતી અને સરકાર તરફથી પણ એ અંગે કોઈ દલીલ કરાઈ નહોતી. દરિયાઈ તોફાન વખતે તેમાં ૩૬૫ પેસેન્જરો લઈ જવાની છૂટ હતી, પણ તેમાં મુસાફરોનો આંકડો ક્રૂ સિવાય ૭૦૧ હતો. જો મરિન કોર્ટમાં એવું પુરવાર થાય કે તોફાનના અણસાર છતાં વીજળીમાં વધુ પેસેન્જરો ભર્યાં હતાં તો શેપહર્ડ કંપની મુશ્કેલીમાં મુકાય. આથી
આ બાબતોને જાણી જોઈને અવગણવામાં આવી હતી. આમ થવું સ્વાભાવિક એટલા માટે પણ હતું કેમ કે, કોર્ટની કાર્યવાહી એકતરફી હતી. જુબાની આપનારા મોટા ભાગના કંપનીના જ માણસો હતા જેમણે મળીને આખી બાબતનો વીંટો વાળી દીધેલો અને વીજળીમાં મોતને ભેટનારાઓને વળતરના નામે ફદિયું ય મળ્યું નહીં. જો મૃતકના પરિવારોને થોડું વળતર અપાયું હોત તો તેમના પર થયેલા વજ્રાઘાતને થોડો હળવો જરૃર બનાવી શકાયો હોત.
વીજળીનું ભૂત અને હકીકત
આ સ્ટોરીના રિપોર્ટિંગ દરમિયાન એકથી વધુ વ્યક્તિના મોંએ સાંભળવા મળ્યું કે, તેમને ક્યારેક વીજળી દરિયામાં દેખા દે છે. ખાસ કરીને શિયાળામાં અડધી રાત્રે ‘વીજળી’ દરિયામાં ફરતી જોઈ હોવાનું જાફરાબાદ, માંડવી, ઓખા, પોરબંદર અને વેરાવળના માછીમારોએ કહ્યું. દરિયાખેડુ તરીકે ૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં માંડવીના કૈલાસભાઈ ચુડાસમા અને જાફરાબાદના યુવા વાર્તાકાર વિષ્ણુભાઈ ભાલિયા કહે છે કે, તેમણે એકથી વધુ વડીલો પાસેથી ‘વીજળીનું ભૂત’ જોયાની વાતો સાંભળી છે. શિયાળો શરૃ થતાં જ (વીજળી નવેમ્બર માસમાં જ ડૂબી હતી.) આ ઘટનાનું પુનરાવર્તન થયા કરે છે. આવું જોકે અવારનવાર નોંધાયું છે કે કોઈ જહાજ ડૂબ્યા કે લાપતા થયા પછી તેણે ફરી દેખા દીધી હોય, પણ ગાંધીનગર સ્થિત દરિયાઈ સુરક્ષા વિભાગના પોલીસ અધિક્ષક કિશોર બલોલિયા સાહેબ આ વાતને સમર્થન નથી આપતા. તેમના મતે શિયાળાની ઋતુમાં દરિયા પર સતત ધુમ્મસ છવાયેલું રહેતું હોય છે. એ પરિસ્થિતિમાં દિવસ દરમિયાન પણ દૂરથી કોઈ જહાજ આવતું હોય તો ધૂંધળું દેખાય. ત્યારે રાત્રિ દરમિયાન ધુમ્મસનું પ્રમાણ વધુ ઘેરું હોય છે એ પરિસ્થિતિમાં અમુક કિલોમીટરના અંતરે કોઈ જહાજ હોય તો પણ ધુમ્મસ વચ્ચે તે કઈ દિશામાં જઈ રહ્યું છે તે કળાય નહીં. વીજળીના ભૂત મામલે પણ આવું જ છે. તેમાં તથ્યનો અંશ નથી. બલોલિયા સાહેબની વાત એટલા માટે પણ માનવી પડે કેમ કે તેમણે જાતે આ બાબતની ખરાઈ કરવા માટે એકથી વધુ વખત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટાના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. જેમાં આખી વાત માત્ર એક અફવા સાબિત થઈ છે.
છેલ્લે, વીજળી કેવી પરિસ્થિતિમાં ડૂબી હોઈ શકે તેનો જવાબ ગુજરાતના જાણીતા મરિન એન્જિનિયર રાજેશભાઈ દોશીના શબ્દોમાં સમજીએ. તેમના મતે, ‘તોફાનમાં વીજળીના પેસેન્જરો ડેકમાં ભરાયા હશે અને ઉપરથી હેચ બંધ કર્યા હશે. વીજળીમાં વૅન્ટિલેશનની પૂરતી સુવિધા હોઈ ગૂંગળાવાની શક્યતા નહોતી, પણ મોજાંની પ્રચંડ થપાટે તેને દરિયાના પેટાળમાં ઊંડે સુધી ધકેલી દીધી હશે અને ડૂબી ગઈ હશે. કેટલાક મુસાફરો બહાર નીકળી શક્યા હોય તો પણ સમુદ્રમાં ક્યાંય તણાઈ ગયા હશે અથવા તો દરિયાઈ જીવોનો ભોગ બન્યા હશે. આમ વીજળીનો બંધ ડેક તેના મુસાફરો માટે કૉફિન્ફ બની ગયો હશે...