Gujaratnu Titanic - Vijadi - 3 in Gujarati Fiction Stories by Jas lodariya books and stories PDF | ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 3

Featured Books
Categories
Share

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 3

હાજી કાસમ તારી વીજળી…’ લોકગીતમાં કહેવાયા મુજબ વીજળી માંડવીથી સવારે ૧૧ઃ૦૦ વાગ્યે રવાના થઈ હતી(દસ વાગે તો ટિકટું લીધી, અગિયારે વેતી થઈ કાસમ) અને સાંજે ૫ઃ૩૦ કલાકે પોરબંદર પેસેન્જર લેવા રોકાઈ હતી, પણ તોફાની હવામાનને કારણે એ વખતના પોરબંદરના ઍડ્મિનિસ્ટ્રેટર મિ. લેલીએ કપ્તાનને આગળ ન જવા ફરમાન કર્યું હતું, પણ તેણે વાત કાને ધરી નહીં અને વીજળી આગળ હંકારી મૂકી જેથી દુર્ઘટના ઘટી. – આ વાત પણ ખોટી ઠરે છે, કેમ કે વીજળી જ્યારે પોરબંદર પહોંચી ત્યારે દરિયો તોફાની હતો અને તે બંદરમાં આવી શકે તેમ જ નહોતી. વળી, તોફાન બાબતે કપ્તાનને ન કોઈ એડવાન્સ ચેતવણી આપવામાં આવી હતી, ન પોર્ટ પર કોઈ ભયસૂચક સિગ્નલો ચઢાવાયાં હતાં. આથી બંદરથી દોઢ કિલોમીટર દૂર તે ઊભી રહી હતી કેમ કે દરિયામાં વાવાઝોડાની અસર જમીનની સરખામણીએ ઓછી હતી છતાં બંદરમાં દાખલ થવું જોખમી હતું. વાવાઝોડું સમીસાંજે સક્રિય થઈ ગયું હતું, પણ એટલું બધું નહોતું કે તેમાંથી સ્ટીમર પસાર ન થઈ શકે. વીજળી પહેલાં જ આગબોટ ‘સાવિત્રી’ અને અન્ય એક સ્ટીમર ‘પાચુમ્બા’ તોફાની પવનોમાંથી પસાર થઈ હતી. આથી પોરબંદરમાં લંગર નાખ્યા વિના માત્ર પાંચ- સાત મિનિટમાં જ તે ત્યાંથી રવાના થઈ ગયેલી જેના કારણે ત્યાંથી ચડનારા ૧૦૦ પેસેન્જરોએ પરત ફરવું પડ્યું હતું અને એ રીતે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. આખી ઘટનામાં લેલી સાહેબની કોઈ ભૂમિકા નહોતી.

ગુણવંતરાય આચાર્યે ૧૯૫૪માં લખેલી તેમની નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, બે પેસેન્જરો દ્વારકા ઊતરી જવાથી બચી ગયા હતા. જે પૈકી એક ભગવાનજી અજરામર હતા. તેઓ દ્વારકાના રહેવાસી હતા અને ગોરપદું કરતા હતા. તેમની તબિયત બગડતાં તેઓ દ્વારકા ઊતરી જતાં બચી ગયા હતા, પણ યુનુસ ચીતલવાલાના સંશોધનમાં આમાંની મોટા ભાગની વિગતો સત્યથી અલગ જણાઈ છે. ખરેખર ભગવાનજીની તબિયત ખરાબ નહોતી થઈ કે ન તો તેઓ ગોરપદું કરતા હતા. તેમનું ખરું નામ ભગવાનજી રામજી કપટા હતું અને તેઓ ગાયકવાડ રાજઘરાનાના મેતાજી હતા જે બંદરે યાત્રાર્થે આવ્યા હતા. તેમણે સમુદ્ર કિનારે આવેલી ‘જામપુરાની છેલ્લી અગાશીએ’થી વીજળીને બારામાં આવતી અને પછી ત્યાંથી વિદાય લેતી જોઈ હતી. બપોર પછી તોફાન વધી જતાં તેમને તે અંગે ચિંતા થઈ અને ભાળ મેળવવા તેઓ ખુદ દ્વારકાથી ‘હિન્દુ’ નામની સ્ટીમરમાં પોરબંદર અને ત્યાંથી વેરાવળ પહોંચ્યા હતા, પણ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ચૂક્યું હતું. વીજળીના ગુમ થવાથી આઘાત પામેલા ભગવાનજીભાઈએ એ પછી પોતાની વ્યથા જામનગરના દુર્લભજી શ્યામજી ધ્રુવને કહી. જેના આધારે તેમણે ‘વીજળી વિલાપ’ નામની કાવ્ય પુસ્તિકા રચી જે વીજળી ડૂબ્યાના એકાદ મહિનામાં જ અમદાવાદના આર્યોદય પ્રેસે પ્રકાશિત કરેલી. એ પુસ્તિકામાં તત્કાલીન પરિસ્થિતિનું કંઈક આ રીતે પ્રતિબિંબ પડતું હતું,

‘બૂરી યાદ રહી ગઈ તારી, તે જખમ લગાવ્યો કારી
તારું નામ પડ્યું વૈતરણી, તે ધ્રૂજાવી દીધી ધરણી
તારું નામ જ છેક અકારું, કર્યું વીજ છતાં અંધારું
શું ઉલટ ગતિ નિરધારી, તે જખમ લગાવ્યો કારી‘

દેશ પરદેશ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય,
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણા થાય -કાસમ, તારી…
પીઠી ભરી તો લાડકી રૃએ, માંડવે ઊઠી આગ,
સગું રૃવે એનું સાગવી રૃએ, બેની રૃએ બાર માસ – કાસમ, તારી…
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ! શેઠ
કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ!

અહીં પહેલી કડીઓમાં માત્ર ‘કાસમ’નો ઉલ્લેખ છે. જ્યારે એ પછીની કડીઓમાં ‘હાજી કાસમ’ પ્રાસ આવી જાય છે. આ સ્ટોરીની શરૃઆતમાં જ આપણે ચોખવટ કરી ચૂક્યા છીએ કે વીજળીના કપ્તાનનું નામ ‘કાસમ ઇબ્રાહીમ’ હતું. જ્યારે ‘હાજી કાસમ’ પોરબંદર ખાતેના તેના બુકિંગ એજન્ટ હતા. આ હકીકતને ધ્યાનમાં રાખીને જોઈએ તો પ્રથમ કાસમ એ વીજળીના કપ્તાન કામસ ઇબ્રાહીમ જ હોઈ શકે, પણ થયું એવું કે, વીજળીના ડૂબી ગયા પછી તેમનું નામ ભુલાઈ ગયું અને કાળક્રમે લોકગીતમાં થોડા ફેરફાર અને ઉમેરા થતાં રહ્યા જેમાં કંપનીના પોરબંદર ખાતેના એજન્ટ હાજી કાસમનું નામ પ્રચલિત થઈ ગયું.