Gujaratnu Titanic - Vijadi - 2 in Gujarati Fiction Stories by Jas lodariya books and stories PDF | ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 2

Featured Books
Categories
Share

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 2

વીજળી‘, વાયકા અને વાસ્તવિકતા..

વીજળીને લઈને જે કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે તેમાં સૌથી પહેલી એ કે તે એકદમ નવી અને વિશાળ આગબોટ હતી. તેના પર ઇલેક્ટ્રિક લાઈટો ફિટ કરેલી હોઈ લોકો તેને વીજળી કહેતા હતા. તેનો કેપ્ટન એક અંગ્રેજ હતો અને માલિકી શેઠ હાજી કાસમની હતી જે મુંબઈમાં રહેતા હતા અને ધી બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીના ડિરેક્ટર પણ હતા. – આ માન્યતાઓ સામે વિદ્વાન સંશોધક શ્રી યુનુસભાઈ એમ. ચીતલવાલાએ પોતાના સંશોધન પુસ્તક ‘વીજળી હાજી કાસમની’માં જણાવ્યું છે કે, વીજળી એક સામાન્ય કહી શકાય તેવી મધ્યમ કદની સ્ટીમર હતી. તે નવી નક્કોર નહીં, પણ ત્રણ વર્ષ જૂની હતી અને દુર્ઘટનાના ચાર વર્ષ અગાઉ ઈ.સ. ૧૮૮૫માં તૈયાર થઈ હતી. એ વખતે માત્ર વીજળી નહીં, ઘણી સ્ટીમરો પર ઇલેક્ટ્રિક લાઈટો ફિટ થયેલી હતી અને લોકો એ લાઈટોને કારણે તેને વીજળી કહેતા હતા. અસલમાં તેનું નામ ‘વૈતરણા’ હતું જે મુંબઈ નજીક આવેલ એક નદીના નામ પરથી રખાયેલું. ૧૭૦ ફૂટ લાંબી, ૨૬ ફૂટ પહોળી અને ૯ ફૂટ ઊંડી વીજળીની માલિકી બોમ્બે સ્ટીમ નેવિગેશન નહીં, પણ લંડનમાં રજિસ્ટર્ડ છતાં દરિયાઈ વેપારના મહત્ત્વને ધ્યાનમાં રાખીને મુંબઈમાં હેડ ઑફિસ ધરાવતી શેફર્ડ એન્ડ કંપનીની હતી જેના ડિરેક્ટર એ.જે. શેફર્ડ હતા. વીજળીના કેપ્ટન કોઈ અંગ્રેજ નહીં, પણ કાસમ ઇબ્રાહીમ નામના એક હિન્દુસ્તાની હતા અને લોકગીતોમાં જેમને સ્થાન મળ્યું છે તે ‘હાજી કાસમ નૂરમોહમ્મદ’ તો કંપનીના પોરબંદર સ્થિત એક બુકિંગ એજન્ટ હતા અને આખી દુર્ઘટનામાં ક્યાંય ચિત્રમાં જ નહોતા. હકીકતમાં વીજળી સાથે જે ‘કાસમ’નું નામ જોડાયેલું છે તે અન્ય કોઈ નહીં પણ કેપ્ટન કાસમ ઈબ્રાહીમ હતા. સામાન્ય રીતે મુસ્લિમોમાં આધેડ વયની વ્યક્તિના નામ આગળ ‘હાજી’ જોડવાનું એક સામાન્ય ચલણ છે, ભલે પછી તેણે હજ ન પઢ્યું હોય. આમ વીજળીના કપ્તાન ‘કાસમ ઇબ્રાહીમ’ આગળ ‘હાજી’ શબ્દ લાગવો સહજ છે. એટલે હાજી કાસમ ઈબ્રાહીમ વીજળીના કેપ્ટન હતા જ્યારે હાજી કાસમ નૂરમોહમ્મદ મેમણ તેના પોરબંદરના બુકિંગ એજન્ટ હતા.

બીજી માન્યતા એવી છે કે, વીજળી કરાચીથી માંડવી અને ત્યાંથી દ્વારકા, પોરબંદર, માંગરોળ, ઘોઘા થઈને મુંબઈના ફેરા કરતી હતી. તે મુંબઈથી પ્રથમવાર ઊપડી હતી અને એ રૃટની તેની પ્રથમ મુસાફરી હતી – આ વાત પણ હકીકતથી વેગળી છે. અસલમાં છેક ૧૮૮૫થી વીજળી મુંબઈ-માંડવી માર્ગ પર જ ચાલતી હતી, નહીં કે મુંબઈ-કરાચી માર્ગે. એટલે જળસમાધિના ચાર દિવસ પહેલાં ૫ નવેમ્બર, ૧૮૮૮ના રોજ જ્યારે તે માંડવી માટે મુંબઈથી રવાના થઈ ત્યારે એ તેની પ્રથમ મુસાફરી હતી. તે માંડવીથી દ્વારકા, પોરબંદર અને માંગરોળ થઈ મુંબઈ જતી. જ્યારે વેરાવળ, જાફરાબાદ, દીવ અને ઘોઘા જવા માટે બીજી સ્ટીમરો ચાલતી

એક વાત એવી પણ ચાલે છે કે, વીજળી માંગરોળ નજીકના દરિયામાં નહીં, પણ તેનાથી પણ ક્યાંય આગળ ડૂબેલી. આયખાના ૬૫ વર્ષ દરિયો ખેડનાર માંડવીના ૮૨ વર્ષીય શિવજી ભુદા ફોફીંડી કહે છે, જે જગ્યાએ વીજળી ડૂબ્યાની લોકો વાતો કરે છે ત્યાં એ સમયે દરિયો એટલો ઊંડો હતો જ નહીં. ત્યાં કેટલીક જગ્યા તો એવી છે કે વહાણોમાંથી કોઈ વસ્તુ ફેંકો તો પણ જમીન પર પડે. માંગરોળમાં આવો જ સાગરકાંઠો હતો. એટલે વીજળી ત્યાં ડૂબે એવી શક્યતા ઓછી છે. જોકે ચીતલવાલાએ સંશોધનમાં નોંધ્યા મુજબ વીજળીના માંગરોળના એજન્ટ બાલકૃષ્ણ બાવાજીએ તેને તારીખ ૯-૧૧-૧૮૮૮ને શુક્રવારના વહેલી સવારે ૧ વાગ્યે માંગરોળ પાસેથી પસાર થતાં જોઈ હતી. માંગરોળ પસાર કર્યા બાદ ઉત્તર બાજુથી આવતા ઝંઝાવાતી પવનને ખાળવા તે મુંબઈ તરફ વળી હશે ત્યારે જ ચક્રવાતી તોફાનમાં સપડાઈને દરિયામાં ગરકાવ થઈ હશે. આખી દુર્ઘટના વહેલી સવારના ૪-૫ વાગ્યા વચ્ચે બની હોવાની શક્યતા વધુ છે. કેમ કે તે પછી વાવાઝોડું સૌરાષ્ટ્ર પાર કરીને નબળું પડ્યું હતું અને ૧૦-૧૧-૧૮૮૮ના રોજ વિખેરાઈ ગયું હતું. એટલે તે માંગરોળથી ૨૫-૩૦ કિલોમીટર દૂર જ ડૂબી હોવાનું વધારે સાચું લાગે છે.પ્રચલિત લોકગીતો, કવિતાઓમાં વીજળીના ઉતારુઓને લઈને જુદા-જુદા આંકડાઓ મળે છે. ‘હાજી કાસમ તારી વીજળી રે..’ ગીતમાં ૧૩૦૦ અને એકમાં ૧૬૦૦ મુસાફરો કહ્યા છે. અન્ય એક કાવ્યસંગ્રહ ‘વીજળી વિલાપ’માં ૮૦૦ આસપાસ ઉતારુઓ કહ્યા છે, જેમાં માંડવીથી ૪૦૦ જેટલાં મેટ્રિકનાં વિદ્યાર્થીઓ ઉપરાંત કુલ ૧૩ જાનો અને જાનૈયા ગણ્યાં છે. જોકે યુનુસ ચીતલવાલાએ વીજળીની વેચાયેલી ટિકિટોના આધારે શોધી કાઢ્યું છે કે તેમાં ૪૩ ક્રૂ મેમ્બર્સ મળીને કુલ ૭૪૩ પેસેન્જરો હતા જે પૈકી મોટા ભાગના માંડવી અને દ્વારકાથી ચડ્યા હતા. અહીં ૪૦૦ વિદ્યાર્થીઓનો આંકડો વધુ પડતો છે કેમ કે એ વખતે બહુ ઓછા લોકો મેટ્રિક સુધી ભણી શકતા હતા. વળી, બોમ્બે પ્રેસિડેન્સીનું પ્રમુખ શહેર અને વહીવટી પાટનગર મુંબઈ હોઈ એ રીતે પણ આ આંકડો વાસ્તવિક લાગતો નથી. જોકે ૧૩ જાનોવાળી વાતમાં તથ્ય છે, કેમ કે દુર્ઘટનાના એક વર્ષ બાદ લખાયેલ ‘વીજળી વિલાપ’ ગીતમાં પણ આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે.