THE MEANING OF NAVKAR MANTRA in Gujarati Philosophy by Hiren Manharlal Vora books and stories PDF | નવકાર મંત્ર ની સરળ શબ્દ મા ઓળખ

Featured Books
Categories
Share

નવકાર મંત્ર ની સરળ શબ્દ મા ઓળખ

નવકાર મંત્ર ની તાકાત....અને મતલબ..

એક નાનો પ્રયાસ મહામંત્ર ને સરળ ભાષા મા સમજાવવા નો...

સૌ પ્રથમ નવકાર મંત્ર એટલે નમસ્કાર,
બીજું કે નવકાર મંત્ર કોઈ એક ધર્મ, એક નાત, જાત, માટે નહિ પણ સર્વસ્વ માનવજાત માટે માનવ કલ્યાણ માટે, દુખ હણવા માટે અને માનસિક શાતા માટે છે. નવકાર મંત્ર ના ચમત્કાર અનેક છે...

નવકાર મંત્ર આપણે ઋષભદેવ સ્વામી ( જૈન ધર્મનુસાર પ્રથમ તીર્થંકર ભગવાન ) એ આપ્યો છે, નવકાર મંત્ર ની તાકાત અવરણીય અગણિત છે, નવકાર મંત્ર ની તાકાત ની વાત કરતા પહેલા નવકાર મંત્ર સમજવો ખુબ જરૂરી છે

નવકાર મંત્ર નવ પદો અને અડસઠઅક્ષરોના સમાવેશ કરતો મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઈ પણ વ્યક્તિ, કોઇ પણ સમયે કરી શકે છે. આ મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત, અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે. આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે. મંત્રમાં કોઇનું પણ, અરિહંત કે સિધ્ધોનું પણ, નામ લેવામાં આવેલ નથી. મંત્રપાઠનાં સમયે, ભક્ત તેમનાં ગુણોને યાદ કરે છે અને તેમનું અનુસરણ કરવાની કોશિશ કરે છે,

નવકાર મંત્ર ના નવ પદ નો સરળ અનુવાદ આ મુજબ છે...

પહેલું પદ :
નમો અરિહંતાણં
હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધાજ અંતઃ શત્રુઓ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષનો નાશ કરી નાખ્યો છે.

બીજું પદ :
નમો સિદ્ધાણં
હું એવા બધા જ ભગવંતોને નમસ્કાર કરું છું કે જેમણે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કર્યો છે.

ત્રીજું પદ :
નમો આયરિયાણં
હું એવા આત્મજ્ઞાની આચાર્ય ભાગવંતોને નમસ્કાર કરું છું કે જેણે મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો છે

ચોથું પદ :
નમો ઉવ્વજ્ઝાયાણં
હું મોક્ષમાર્ગના આત્મજ્ઞાની ઉપાધ્યાય ભાગવંતોને નમસ્કાર કરું છું

પાંચમું પદ :
નમો લોએ સવ્વ સાહૂણં
આ જગતમાં આત્મદશા સાધનાર એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું

છઠું પદ :
એસો પંચ નમુક્કારો,
ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા,

સાતમું પદ :
સવ્વ પાવપ્પણાસણો
તેને બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.

આઠમું પદ :
મંગલાણં ચ સવ્વેસિં,
બધા મંગલોમાં,

નવમું પદ :
પઢમં હવઈ મંગલમ્ ।।
સર્વ પ્રથમ મંગલ છે.

નવકાર મંત્રને યુગોથી ખૂબ જ મહત્વનો ગણવામાં આવ્યો છે. લોકો કંઈપણ મહત્વનું કાર્યની શરૂઆત કરતાં પહેલા નવકાર મંત્ર નુ સ્મરણ કરે છે..

નવકાર મંત્રનો ઉચ્ચાર, તેનો સાચો અર્થ સમજીને કરવો જોઈએ. નવકાર મંત્ર સંસારમાં મદદકર્તા છે. નવકાર મંત્રમાં ઉચ્ચ કોટીના ભગવંતોને નમસ્કાર કરવા માં આવ્યા છે, ભગવંતો ને નમસ્કાર કરવાથી પ્રગતિ થાય છે , પણ મંત્રનો અર્થ સમજીને બોલે તો ! અહીં નવકાર મંત્રનો અર્થ સમજવો ખુબ જરૂરી છે.

નવકારમંત્ર તો એવો મંત્ર છે કે એક જ વાર નવકાર ગણ્યો હોયને તો એનું ફળ અનેક દિવસો સુધી મળ્યા જ કરે.

નવકારમંત્ર બોલનારાને ચિંતા ના થાય. નવકારમંત્ર એટલો સરસ છે કે ચિંતા એકલી જ નહીં, પણ આધિ વ્યાધિ પણ જતી રહે ઘરમાંથી, નવકાર મંત્ર ના જાપ થી તલવાર નો ઘા સોય થી મટે છે જે મારો ખુદ નો અનુભવ છે...

મે નવ લાખ નવકાર ના જાપ એકવીશ વર્ષ સુધી મા કરવા ની બાધા રાખેલ ત્યારે પચખાણ આપનાર ગુરુ ભગવંત ટકોર કરી તમને આટલુ લાબું આયુષ્ય ભોગવશો એવો વિશ્વાસ છે... મે હસ્તા હસ્તા મન માં કહ્યું ના પણ મને મારા નવકાર મંત્ર ઉપર અતૂટ શ્રદ્ધા છે કે મને ત્યાં સુધી કઈ નહિ થવા દે... ને હક્કીત માં નવકાર મંત્ર ના જાપે મને મોત ના મુખ મા થી બચાવ્યો... આ અતિશયોકતી વગર ની સાચી વાત છે અને મારું દ્રઢ પણે માનવું છે નવકારમંત્ર એ મને ઉગારી લીધો... મારી ઉપર આવેલ સંકટ ના વાદળા હટી ગયા..તલવાર નો ઘા સોય થી ટાળ્યો મારા નવકાર મંત્રે....

મારા બાપુજી ને વર્ષો પહેલા બોટાદ ગામે અજગરે તેમના પગે ભરડો લીધો ત્યારે રસિકભાઈ વોરા.. ગાર્ડ બોટાદ..નવકાર મંત્ર નુ સ્મરણ કરતા અજગર કઈ પણ નુકશાન કર્યા વગર પગ નો ભરડો તુરંત છોડીને ચાલ્યો ગયો... આવા તો ઘણા દાખલા છે નવકાર મંત્ર ના ચમત્કાર ના...

નવકાર મંત્ર ને થોડો વધારે ઊંડાણ થી સમજીએ જેની સમજણ આપણે દાદા ભગવાન તેમજ ઘણા ગુરુ ભગવંત સારી આપી છે... જે આ મુજબ છે

નમો અરિહંતાણં

‘નમો અરિહંતાણં.’ અરિ એટલે દુશ્મનો અને હંતાણં એટલે હણ્યા છે જેણે, એવાં અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું.જેમણે ક્રોધ,માન, માયા, લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એ અરિહંત કહેવાય. આવા દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતાં સુધીનાં અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય ! એ પછી ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે કોમના હોય, આ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, પણ એ અરિહંત ભગવાન જ્યાં હોય, તેમને નમસ્કાર કરું છું.

અરિહંત દેહધારી જ હોય. દેહધારી ના હોય તો અરિહંત કહેવાય જ નહીં. દેહધારી ને નામધારી, નામ સાથે હોય. વર્તમાન તીર્થંકર જ અરિહંત ભગવાન કહેવાય.

નમો સિદ્ધાણં

જે અહીંથી સિદ્ધ થઈ ગયા છે, જેને અહીં આગળ દેહેય છૂટી ગયેલો છે ને ફરી દેહ મળવાનો નથી અને સિદ્ધ ગતિમાં નિરંતર સિદ્ધ ભગવાનની સ્થિતિમાં રહે છે, એવાં સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. હવે અહીંથી જે ષડરીપુ જીતી અને રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ગતિમાં ગયા. એટલે ત્યાં નિરંતર સિદ્ધ દશામાં રહે છે, એમને નમસ્કાર કરું છું.

પણ અહીં પહેલો નંબર ‘નમો અરિહંતાણં’નો લખ્યો અને ‘નમો સિદ્ધાણં’ નો બીજો નંબર લખ્યો?

એ કહે છે કે જે સિદ્ધ થયા તે સંપૂર્ણ છે. એ ત્યાં સિદ્ધગતિમાં જઈને બેઠા છે, પણ તે અમારે કંઈ કામ લાગ્યા નહીં. અમારે તો ‘આ’ (અરિહંત) કામ લાગ્યા, એટલે એમનો પહેલો નંબર અને પછી તમે સિદ્ધ ભગવાન બીજો નંબર ! અને સિદ્ધ ભગવંતો છે, ત્યાં જવાનું છે. એટલે એ આપણું લક્ષબિંદુ છે. પણ ઉપકારી કોણ હોય ? અરિહંત ! પોતે છ દુશ્મનોને જીત્યા અને આપણને જીતાડવાનો રસ્તો દેખાડે છે, આશીર્વાદ આપે છે. એટલે એમને પહેલાં મૂક્યા. બહુ ઉપકારી માન્યા એમને. એટલે પ્રગટને ઉપકારી માને છે.

નમો આયરિયાણં

આ પદ (નમસ્કાર ) આચાર્ય માટે છે. અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવાં આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય. સંયમ-સહિતનો અર્થ એ છે કે તેઓ ક્રોધ, માન, માયા અને લોભના અસ્તિત્વ પર પ્રતિક્રિયા આપતા નથી. પણ ખરા આચાર્ય તો આત્મજ્ઞાન થયા પછી આચાર્ય ગણાય. સંસારી સુખોની જેને કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી અને પોતાના આત્માના સુખને માટે જ, વીતરાગોના મોક્ષ માર્ગમાં પ્રગતિ માટે આચાર પાળે છે. આયરિયાણં એટલે જેણે આત્મા જાણ્યા પછી આચાર્યપણું છે ને આચાર પોતે પાળે ને બીજાની પાસે આચાર પળાવડાવે છે, એવાં ભગવાનને નમસ્કાર કરું છું. ગમે તે હોય પછી, ગમે તે નાતનો હોય પણ આત્મજ્ઞાન થયેલું હોય તે આચાર્ય હોય, તો એમને નમસ્કાર કરું છું. માટે આ નમસ્કાર એ જ્યાં હોયને ત્યાં પહોંચી જાય. એટલે આપણને એનું તરત ફળ મળે છે.

નમો ઉવ્વજ્ઝાયાણં

આ નમસ્કાર ઉપાધ્યાય ભગવંતોને માટે છે. ઉપાધ્યાય ભગવાન ! જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધાં ભણે ને પછી બીજાને ભણાવડાવે, એવાં ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે પોતે સમજે ખરાં છતાં આચાર સંપૂર્ણ નથી આવ્યા. એ વૈષ્ણવોનાં હોય કે જૈનોનાં હોય કે ગમે તેનાં હોય અને આત્મા પ્રાપ્ત કરેલો હોય. આત્મા પ્રાપ્ત કરે એટલે ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે, નબળાઈઓ જતી રહે. અપમાન કરીએ તો ફેણ ના માંડે તેવા.

નમો લોએ સવ્વસાહૂણં

લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. સાધુઓ કોને કહેવા ? ધોળાં કપડાં પહેરે, ભગવાં કપડાં પહેરે, એનું નામ સાધુ નહીં. આત્મદશા સાધે એ સાધુ. એટલે સંસારદશા-ભૌતિકદશા નહીં, પણ આત્મદશા સાધે એ સાધુઓને હું નમસ્કાર કરું છું. એટલે દેહાધ્યાસ નહીં, બિલકુલ દેહાધ્યાસ નહીં એવાં સાધુઓને હું નમસ્કાર કરું છું.

બાકી યોગ ને બધું કરે છે એ બધી સંસારી દશા છે. આત્મદશા એ જુદી વસ્તુ છે. કયા કયા યોગ સંસારી દશા છે ? ત્યારે કહે, એક તો દેહયોગ, જેમાં આસનો બધાં કરવાનાં હોય તે બધાં દેહયોગ કહેવાય. પછી બીજો મનોયોગ, અહીં ચક્રો ઉપર સ્થિરતા કરવી એ મનોયોગ કહેવાય. અને જપયોગ કરવો એ વાણીનો યોગ કહેવાય. આ ત્રણેવ સ્થૂળ શબ્દ છે અને એનું ફળ છે તે સંસારફળ આવે. એટલે અહીં મોટરો મળે, ગાડીઓ મળે. અને આત્મયોગ હોય તો મુક્તિ મળે, સર્વ પ્રકારનાં સુખ મળે. એ છેલ્લો, મોટો યોગ કહેવાય. સવ્વસાહૂણં એટલે જે આત્મયોગ સાધીને બેઠા છે, એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. એટલે સાધુ કોણ ? એમને આત્માની પ્રતીતિ બેઠેલી છે એટલે એને સાધુઓ ગણ્યા આપણે. એટલે આ સાહૂણંને પહેલી પ્રતીતિ અને ઉપાધ્યાયને પ્રતીતિ, પણ વિશેષ પ્રતીતિ અને આચાર્યને આત્મજ્ઞાન. અને અરિહંત ભગવાન એ પૂર્ણ ભગવાન. આ રીતે નમસ્કાર કરેલા છે.

નવકારનું માહાત્મ્ય !
'ઐસો પંચ નમુક્કારો' – ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા,

'સવ્વ પાવપ્પણાસણો' - બધા પાપોને નાશ કરવાવાળો છે. આ બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.

મંગલાણં ચ સવ્વેસિં - સર્વ મંગલોમાં,

પઢમં હવઇ મંગલમ્ - પ્રથમ મંગલ છે. આ દુનિયામાં બધાં મંગલો જે છે એ બધામાં પ્રથમ મંગલ આ છે, સર્વ મંગલોમાં પ્રથમ અને ઉચ્ચતમ કોટિનું છે, એમ અર્થ થાય છે.

નવકાર મંત્ર નો મહિમા ખુબ વિશાળ છે, જો મારા થી કોઈ ક્ષતી કે ત્રુટિ રહી ગઈ હોય તો ખરા હૃદય પૂર્વક મિચ્છામિદુક્કડમ... 🙏🙏

હિરેન વોરા
તા. 13/07/2022