Khuda Hafiz 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ખુદા હાફિઝ 2

Featured Books
Categories
Share

ખુદા હાફિઝ 2

ખુદા હાફિઝ ચેપ્ટર 2: અગ્નિપરીક્ષા

-રાકેશ ઠક્કર

વિદ્યુત જામવાલની 'ખુદા હાફિઝ' ને OTT પર રજૂ કરવામાં આવી ત્યારે પ્રશંસા મળી હતી. એને ધ્યાનમાં રાખીને તેની સીક્વલ 'ખુદા હાફિઝ ચેપ્ટર 2: અગ્નિપરીક્ષા' ને થિયેટરોમાં રજૂ કરવામાં આવી છે. પરંતુ પ્રશંસા સાથે પૈસા મળ્યા નથી. વિદ્યુતની રૂ.૪૦ કરોડની ફિલ્મ સ્ક્રીપ્ટ બાબતે માર ખાઇ જતાં નકારાત્મક પ્રતિભાવને કારણે એવો મત વ્યક્ત થયો કે એને પણ OTT પર રજૂ કરવાની જરૂર હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને સફળતા મળી નથી પણ અભિનયની પરીક્ષામાં તે જરૂર પાસ થયો છે. આ ફિલ્મમાં તેની કારકિર્દીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય હોવાનું કહેવાયું છે. તે મોટા બેનરની ફિલ્મો માટે હકદાર ગણાયો છે. ફિલ્મના પહેલા ભાગમાં વિદ્યુતનો કોઇ એક્શન અવતાર નથી છતાં તે અભિનયથી દર્શકોનું દિલ જીતી લે છે. પહેલા ભાગમાં ઇમોશન અને ઇન્ટરવલ પછી પોતાના એક્શન દ્રશ્યોથી તે દર્શકોને ખુશ કરી દે છે. એક દ્રશ્યના શુટિંગ વખતે વિદ્યુત બેભાન થઇ ગયો હતો એ ખરેખર જબરદસ્ત બન્યું છે. એક પિતાના ઇમોશન તે સહજ રીતે બતાવી શક્યો છે. સમીક્ષકોએ ફિલ્મને આપેલા બે થી ત્રણ સ્ટારમાં એક સ્ટાર તો વિદ્યુત અને બીજા કલાકારોના અભિનયને કારણે છે. IMDB ઉપર ફિલ્મને ૧૦ માંથી ૮.૯ રેટિંગ મળ્યું છે. બીજા એક્શન હીરોની જેમ વિદ્યુત એનિમેશન કે વીએફએક્સનો સહારો લેતો નથી. વાસ્તવિક લાગે એવા એક્શન દ્રશ્યો કરે છે. જે દર્શકોને હચમચાવી જાય છે. તેનો એક્શનમાં જવાબ નથી એ ફરી સ્વીકારવું પડશે. ફિલ્મમાં એક્શન સાથે ઇમોશનને પણ મહત્વ અપાયું છે. એક દ્રશ્યમાં નાનકડી છોકરી પોતાના મૃત્યુ પામેલા મા-બાપની તસવીર સામે અગરબત્તી કરવા જાય છે ત્યારે માચિસ સળગતી નથી એમાં કોઇ સંવાદ ના હોવા છતાં દિલને સ્પર્શી જાય છે. એક્શનમાં દમદાર ફિલ્મ વાર્તાની રીતે નબળી છે. તેના મુખ્ય નકારાત્મક મુદ્દામાં આ વખતે વાર્તા સામાન્ય છે. વાર્તાનું પુનરાવર્તન થાય છે અને બહુ ધીમી ગતિએ આગળ વધે છે. વાર્તાને ટ્રેલરમાં જાહેર કરી દેવામાં આવી જ હતી. અગાઉની ફિલ્મ જ્યાં પૂરી થઇ હતી ત્યાંથી જ સીક્વલની શરૂઆત કરી છે. નરગીસ (શિવાલિકા) ખરાબ ભૂતકાળમાંથી બહાર નીકળી શકી નથી. ડોકટરોની મદદ લેવામાં આવી રહી છે. સમીર (વિદ્યુત) એને ખુશ રાખવા પોતાના મિત્રની પાંચ વર્ષની અનાથ ભત્રીજી નંદિની (રિધ્ધી)ને ઘરે લઇ આવે છે. નરગીસ એને અપનાવી લે છે ત્યારે એક દિવસ સ્કૂલમાંથી એનું અપહરણ થઇ જાય છે. હવસખોરો એના પર બળાત્કાર કરીને ફેંકી જાય છે. સમીર આ ઘટનાથી હચમચી જાય છે. તે અસલી ગુનેગારને શોધે છે.

અગાઉની ફિલ્મમાં નરગીસનું અપહરણ અને પછી બળાત્કારની વાર્તા હતી. સીક્વલમાં એમની બાળકી સાથે એવી જ ઘટના ઘટે છે. એક જ પરિવારમાં એક સરખી ઘટના બને એ માની શકાય એવું નથી. અગાઉ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત હતી. સીક્વલમાં કાલ્પનિક વાર્તા છે. અને એમાં એવું કંઇ જ નવું નથી જે અગાઉ કોઇ ફિલ્મમાં દર્શકોએ જોયું ન હોય. ક્લાઇમેક્સને ઇજિપ્તમાં ફિલ્માવ્યો હોવાથી દમદાર બન્યો છે. વિદ્યુતના અભિનય પાછળ બધી નબળાઇઓ છુપાઇ શકતી નથી. સારા કહી શકાય એવા કલાકારોને સામાન્ય ભૂમિકા આપવામાં આવી છે. શિવાલિકા ઓબેરૉય પોતાની 'નરગીસ' ની ભૂમિકાને ન્યાય આપે છે. તે ભાવનાત્મક રીતે વધારે પ્રભાવિત કરે છે પરંતુ એની ભૂમિકામાં ઘણા ઝોલ છે. ઘણા દ્રશ્યોમાં એના પાત્રનું વર્તન સમજાય ના એવું રહે છે. ઇન્ટરવલ પહેલાના દ્રશ્યોમાં આ વાતનો વધારે ખ્યાલ આવશે. નરગીસ જે પગલું ભરે છે એ તાર્કીક રીતે તદ્દન ખોટું લાગે છે. એ માટે તે જે સંવાદ બોલે છે એ સમજાય એવા નથી. તે શું સાબિત કરવા માગે છે એ નિર્દેશક ફારુક કબીર બરાબર રજૂ કરી શકયા નથી. એના જે દ્રશ્ય પર ઇન્ટરવલ પડે છે એ જ સૌથી નબળું છે. શિવાલિકાની છોકરીની ભૂમિકામાં રિધ્ધી શર્મા પ્રભાવિત કરે છે. ઠાકુરજી તરીકે શીબા ચઢ્ઢા અસર મૂકી જાય છે. ત્રણ સંગીતકારો થઇને એક સારું ગીત આપી શક્યા નથી. અમર મોહિલેનું બેકગ્રાઉન્ડ સંગીત જરૂર દમદાર છે. આઠ નિર્માતાઓએ ભેગા મળીને બનાવેલી લાંબા નામવાળી અઢી કલાકની ફિલ્મની લંબાઇ પણ વીસ મિનિટ ઓછી કરવાની જરૂર હતી.