ભેદભરમ
ભાગ-18
જાસૂસી દાવ ઉપર
સુરેશ પ્રજાપતિએ પોતાના મુખ પર આવેલા અણગમાને દૂર કરી મુખ ઉપર થોડું સ્મિત લાવી બોલ્યા હતાં.
"જો ઇન્સ્પેક્ટર સાહેબ, મારી પત્ની જ્યોતિ આધ્યાત્મિક રીતે ખૂબ ઊંડી સાધના આ સમયગાળા દરમ્યાન કરતી હોય છે. તમને થોડું અજુગતું લાગશે પરંતુ તમે એને કશો પ્રશ્ન પૂછો તો એના શરીરમાં રહેલી માતાજીની શક્તિ ઘણીવાર જાગ્રત થઇ જતી હોય છે અને એ પોતાની જાત ઉપર એ કંટ્રોલ રાખી શકતી નથી અને ધુણવા લાગે છે. તમને કદાચ મારી વાત સાંભળી અજીબ લાગે પરંતુ એનામાં જ્યારે માતાની શક્તિ જાગ્રત થાય ત્યારે એ જે કંઇપણ બોલે છે એ મારા માટે સાચું પડે છે. એટલે હું ખૂબ શ્રદ્ધાથી એ શક્તિને માનુ છું. એની અંદર આવી શક્તિ રહેલી છે એવું અમારા ગુરુ ધર્માનંદ સ્વામીએ અમને જણાવ્યું હતું અને એ શક્તિ એમણે એમના દિવ્ય જ્ઞાનથી મારી પત્નીના શરીરમાં જાગ્રત કરી આપી હતી. તમે ચોક્કસ વિશ્વાસ નહિ કરો છતાં પણ હું તમને કહું છું કે છેલ્લા પાંચ વર્ષમાં હું આટલો મોટો બિલ્ડર બની શક્યો છું એની પાછળ મારી પત્ની જયોતિમાં રહેલી આ શક્તિનો મોટો હાથ છે. હું કોઇપણ જમીન બિલ્ડીંગ બનાવવા માટે ખરીદતો હોઉં એ પહેલા એના શરીરમાં માતાજીની હાજરી કરાવી અને પછી જ આ જમીન લઉં કે નહિ એવો પ્રશ્ન પૂછું અને જો એ હા પાડે તો જ જમીન લઉં અને મને એમાં મોટો નફો મળે. પરંતુ જો એણે ના પાડી હોય અને છતાંય ધંધાકીય દૃષ્ટિએ સારા પૈસા મળશે એવું સમજીને મેં જમીન લીધી હોય તો એમાં મેં નુકસાન જ કર્યું હોય. હમણાં મહિના પહેલાની જ તમને એક ઘટના જણાવું. હું સુરત એક જમીન જોવા માટે જવાનો હતો. એના આગલા દિવસે એના શરીરમાં માતાજી હાજર થયા અને મને સુરત જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલે છેવટે મેં મારા બદલે મારી ગાડી અને ડ્રાઇવર સાથે મારા ઓફિસના એક માણસને જમીન જોવા મોકલ્યો હતો. ભરૂચ અને સુરત વચ્ચે ગાડીનો જોરદાર અકસ્માત થયો અને બંન્ને વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. હવે તમે જ કહો કે આવી બધી વાત હું પોતે તો માનું છું પરંતુ તમારી ઉપસ્થિતિમાં તમે કોઇ સવાલ પૂછો અને આવું કંઇક થાય તો મને જરાક ક્ષોભ અને સંકોચ અનુભવાય અને માટે જ તમે જ્યારે જ્યોતિને પ્રશ્નો પૂછવાની વાત કરી ત્યારે મારા મોંઢા પર અણગમો આવી ગયો હતો." બિલ્ડર સુરેશ પ્રજાપતિએ પોતાના મુખ ઉપર આવેલા અણગમા વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન બિલ્ડર સુરેશ પ્રજાપતિની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતાં.
"સુરેશભાઇ, આપની વાત મેં સાંભળી અને હું તમારા અણગમાના કારણને પણ સમજી ગયો પરંતુ તમે એ બાબતે એટલા માટે ચિંતા ના કરતા, કારણકે હરમનભાઇ જેમને માતાજી આવતા હોય એમને ઘણીવાર પોતાના પ્રશ્નો પૂછવા જાય છે. હરમનભાઇ આવી બધી દિવ્ય શક્તિઓમાં ખૂબ ઊંડી આસ્થા ધરાવે છે. ઘણીવાર તો એ મને પણ ખેંચીને આવી બધી જગ્યાએ લઇ ગયા છે અને સાચું કહું તો અમને બંન્નેને આવી દિવ્ય શક્તિઓને મળવાથી ફાયદો જ થયો છે." ઇન્સ્પેક્ટર પરમારે જ્યોતિને મળવા માટે નાસ્તિક હરમનને આસ્તિક બનાવી એના નામનું બીલ ફાડ્યું હતું.
હરમન તો ઇન્સ્પેક્ટર પરમારે મારેલા છક્કાથી કાપો તો લોહી ના નીકળે એવી અવસ્થામાં આવી ગયો હતો. એણે માંડ-માંડ પોતાની જીભ અને મોં પર કાબુ મેળવ્યો હતો.
"બહુ સરસ... તો તો પછી તમે આજે સાંજે જ મારા ઘરે આવી જાઓ. જ્યોતિ સાથે તમે સવાલ જવાબ પણ કરી લેજો અને શક્ય હોય તો અમારી સાથે ભોજન પણ કરજો અને હા, કદાચ જ્યોતિમાં રહેલી શક્તિના કારણે ધીરજભાઇના ખૂનીને પકડવામાં પણ તમને સફળતા મળે." બિલ્ડર સુરેશ પ્રજાપતિએ ઉત્સાહથી હરમન અને ઇન્સ્પેક્ટર પરમારને આમંત્રણ આપતા કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન બિલ્ડર સુરેશ પ્રજાપતિ સાથે હાથ મીલાવી એની કોર્પોરેટ ઓફિસમાંથી બહાર આવી પોલીસ જીપમાં બેઠાં હતાં.
હરમન પોલીસ જીપ સુધી આવતા-આવતા તો ગળે આવી ગયો હતો. એણે માંડ-માંડ પોતાના વાક્યોને જીભ ઉપર રોકી રાખ્યા હતાં. જીપમાં બેસતા જ એ ઇન્સ્પેક્ટર પરમારને કહેવા લાગ્યો હતો.
"પરમાર સાહેબ, તમે તો યાર ખરા માણસ છો. મારા જેવા નાસ્તિકને એક તો આસ્તિક બનાવી દીધો અને એમાંય માતાજીનો ભક્ત બનાવી દીધો અને આવી જગ્યાએ હું વારંવાર જઉં છું એવું કહીને મારા નામનું બીલ પણ ફાડી નાંખ્યું." હરમને ખૂબ અકળાઇને ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પરમારે હરમનને પાણીની બોટલ આપી હતી.
"હરમન, આ પાણી પી અને ઠંડો થઇ જા. તારે એની પત્ની જ્યોતિને પ્રશ્નો પૂછવા છે. બિલ્ડર પ્રજાપતિએ એની પત્ની માટે જે વાત કહી એની વાત સામે હું આવી વાત ના કરત તો એની પત્ની સાથે વાસણોના રહસ્ય બાબતે તારે જે કંઇપણ પૂછવું છે એ પૂછી શકાત નહિ અને લીગલ ગ્રાઉન્ડ ઉપર આપણે એની પત્ની જ્યોતિ સાથે કોઇ સવાલ કરી શકીએ એમ છીએ નહિ અને સાચું કહું તો એ વખતે મને જે સૂઝ્યું એ ત્યાં મેં કહી દીધું. જ્યોતિને મળવાથી સુરેશ પ્રજાપતિ સાચું કહે છે કે ખોટું કહે છે એ પણ ખબર પડી જશે અને બની શકે કે વાસણોના રહસ્યનો છેડો જ્યોતિ સાથે જોડાયેલો હોય તો એની પણ આપણને જાણ થઇ શકે. બાકી તારે આ ધાર્મિક ચક્રવ્યૂહમાં ના પડવું હોય તો હું બિલ્ડર સુરેશ પ્રજાપતિને ના પાડી દઉં કે અમે સાંજે આવવાના નથી." ઇન્સ્પેક્ટર પરમારે ત્રાગું કરતા હરમનને કહ્યું હતું.
"વાહ પરમાર સાહેબ, સવાલો પૂછવાની મારે એકલાને જ ગરજ હોય એવી વાત કરો છો. પોલીસને તો જાણે આ કેસ ઉકેલવા માટેના સવાલોમાં રસ જ નથી." હરમને પણ સામે ત્રાગું કરતા કહ્યું હતું.
"હા હરમન જો, કેસ ઉકલે કે ના ઉકલે મને તો મારો પગાર મળવાનો જ છે અને પોલીસ કાચબાની ગતિએ તપાસ કરતી હોય છે. એ વાત પણ તને ખબર છે. ધીરજભાઇ મહેતા પૂર્વ પોલીસ અધિકારી ના હોત તો અને એક સમયે મારા સીનીયર ઇન્સ્પેક્ટર રહ્યા ના હોત તો હું આ કેસમાં પોલીસ કમિશ્નરના દબાણ છતાં પણ ધીમે-ધીમે તપાસ કરત. આ કેસ મારા કરતા તારા માટે વધારે જરૂરી છે, કારણકે ધીરજભાઇએ તને એપોઇન્ટ કર્યો હતો અને પ્રેયસને પોલીસ કરતા તારા ઉપર વધારે વિશ્વાસ છે, એટલે મારા કરતા તારે તારી જાસૂસી બચાવવા આ કેસ ઉકેલવો પડે એમ છે. આ કેસમાં તારી જાસૂસી દાવ પર લાગી છે." ઇન્સ્પેક્ટર પરમારે પોતાનો અસલી રંગ બતાવતા કહ્યું હતું.
"વાહ પરમાર સાહેબ, 'તમે તો હલકું લોહી હવાલદારનું' એ આખી કહેવતને જ બદલી નાંખી અને નવી કહેવત 'હલકું લોહી હરમન જાસૂસનું' બનાવી દીધી." હરમન પણ વાતની છાલ છોડવા તૈયાર ન હતો.
"જો હરમન, તારી જોડે વાતમાં તો જીતી શકાય એમ છે નહિ. બોલ કરવું શું છે? સાંજે બિલ્ડર સુરેશ પ્રજાપતિના ત્યાં જવું છે કે નહિ? એ હા કે નામાં મને જવાબ આપ." ઇન્સ્પેક્ટર પરમારે કંટાળીને હરમનને કહ્યું હતું.
"હા, જવું છે. મારે મારી જાસૂસી દાવ પર લગાવવી નથી. તમારે તો ઠીક છે, મારા માટે તો આ રોજીરોટી છે." હરમને આડકતરી રીતે હા પાડતા કહ્યું હતું.
ક્રમશઃ
(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)
- ૐ ગુરુ