NARI-SHAKTI - 25 in Gujarati Women Focused by Dr. Damyanti H. Bhatt books and stories PDF | નારી શક્તિ - પ્રકરણ -25, (બ્રહ્મવાદીની- રોમશા)

Featured Books
Categories
Share

નારી શક્તિ - પ્રકરણ -25, (બ્રહ્મવાદીની- રોમશા)

નારી શક્તિ, પ્રકરણ- 25 (બ્રહ્મવાદીની રોમશા)

[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 25 બ્રહ્મવાદીની રોમશા, આ પ્રકરણમાં આપ સર્વેનું અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋષિ વાગામ્ભૃણી દેવી ભાગ-૨, માં વાણીની શક્તિ , વાણીની મહત્તા વગેરેનું ગાન કરતું સૂક્ત જોયું. આ પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન બ્રહ્મવાદીની રોમશા કે જેણે ઋગ્વેદના સમયમાં પોતાની નારી શક્તિ નો પરિચય આપીને અન્યાય અને અત્યાચાર સામે લડવાની તાકાત બતાવી હતી. પુરુષ પ્રધાન સમાજમાં નારીની મહત્તા નું પ્રસ્થાપન કર્યું હતું.
એ વિશેની કથા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે.
આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃ ભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર !! ]

પ્રસ્તાવના:-ઋગ્વેદના પ્રથમ મંડળના સંકલિત 126 માં સૂક્તના સાતમા મંત્રની ઋષિ રોમશા છે. આજથી હજારો વર્ષ પૂર્વે રોમશાને એક વિવાહિતા પત્નીના સમ્માન અને અધિકારોને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષયુક્ત સ્વરને ઉજાગર કર્યો હતો.
આ સ્ત્રી અને પુરુષની સૃષ્ટિમાં ,પુરુષ સૃષ્ટિના પ્રારંભથી જ પોતાના શરીર બળ, દ્રઢતા, કઠોરતા અને દુર્ઘષતાને કારણે નૈસર્ગિક ગુણો ને કારણે ઉચ્ચતર સ્થાનનો અધિકારી બન્યો છે. માનવીય સભ્યતાના ઇતિહાસમાં સંપૂર્ણ વિશ્વમાં સ્થાપિત સમાજ વ્યવસ્થા અનાયાસે જ પુરુષ પ્રધાન સમાજના રૂપમાં માન્ય કરવામાં આવી છે. પ્રાગેતિહાસિક યુગથી અદ્યતન યુગ સુધી સમગ્ર વિશ્વ પુરુષની પ્રભુતા અને શ્રેષ્ઠતા ની જ પ્રશસ્તિ કરતું આવ્યું છે. આ વ્યવસ્થા અંતર્ગત કેટલી એ નારી પ્રતિભાઓ યોગ્ય અવસર અને સામાજિક સ્વીકૃતિના અભાવમાં અપરિચય ના અંધકારમાં વિલિન થઈ ગઈ છે. દરેક યુગમાં સ્ત્રીને પોતાનું અસ્તિત્વ અને સત્તાની પહેચાન બનાવવા માટે પોતાની અવાજ બુલંદ કરવી પડે છે એવો જ એક સશક્ત સ્વર છે ઋગ્વેદ યુગની રોમશાનો.
ગંધાર દેશ રોમશાને જન્મભૂમિ હતી. તે ઋષિ બૃહસ્પતિની પુત્રી હતી. મંત્રનો સાક્ષાત્કાર કરીને તે બ્રહ્મવાદીની નામથી શોભાયમાન થઈ હતી .(ઋગ્વેદ-1/126/7) રોમશાનું બચપણ ગાંધાર દેશના રમ્ય અને સાર્ગિક પ્રદેશમાં કોમળ રુંવાટી વાળા ભેડ બકરીઓના બચ્ચાઓ સાથે રમતાં રમતાં વીત્યું હતું. માટે રોમશા સ્વયં પોતાનો પરિચય આપતા કહે છે કે હું રોમશા છું. જેમાં તેના બાલ્યકાળની સ્મૃતિઓ સચવાયેલી છે.
ઋગ્વેદના યુગમાં સિંધુ નદીના તટ પર આવેલ સિંધુ દેશમાં એક અત્યંત પરાક્રમી અને યશસ્વી રાજા થયો હતો. તેનું નામ સ્વયંભાવ્ય. ભવ્ય નો પુત્ર હોવાને કારણે તેને ભાવ્યવ્ય તરીકે ઓળખવામાં આવતો. ગાંધાર દેશની કન્યા બૃહસ્પતિ તનયા રોમશાનો વિવાહ આ ભાવ્યવ્ય સાથે થયો હતો. ભાવયવ્ય એ યશ ની કામનાથી હજારો સોમિયાગો માં યાચકોને વિપુલ દાન દેતા સ્વર્ગ સુધી પોતાની કીર્તિ નો વિસ્તાર કર્યો હતો. આવા દાન શીલ રાજાની પ્રશંસામાં ઋષિ કક્ષીવાને આ સ્તોત્રની રચના કરી હતી જેના સાતમા મંત્રની ઋષિ રોમશાછે.
આ સ્તોત્ર ના સાતમા મંત્રને રોમશાના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
(રોમશા તેના નામ પ્રમાણે શરીર એ વધુ રુંવાટી વાળી કન્યા હતી. એવો અર્થ થાય છે અને તેનું બાળપણ રુંવાટી વાળા ઘેટાં બકરાની વચ્ચે વિત્યું હતું એટલે પણ તેનું નામ રોમશા એવું અભિધાન છે.) તેથી રોમશાનો પતિ ભાવ્યવ્ય તેનું સન્માન કરતો નહોતો. તેણી ને સ્ત્રી તરીકે નો પત્ની તરીકેનો અધિકાર આપતો નહોતો. તેની સાથે કોઈ પરામર્શ કે વાર્તાલાપ કરતો નહોતો.
તેથી પોતાના પતિને ઉદ્દેશીને રોમશા કહે છે કે,
હે રાજા !મારી પાસે આવો અને મારો સારી રીતે સ્પર્શ કરો, મારો સ્વીકાર કરો, મને અલ્પ રોમો વાળી એટલે કે અયોગ્ય ન સમજો, હું ગાંધાર દેશની કન્યા પૂર્ણયૌવના છું. પૂર્ણ નવયૌવના છું. હું બુદ્ધિશાળી છું. અહીં રોમશાએ મંત્ર માં પરમૃશ શબ્દનો પ્રયોગ કર્યો છે. પરામર્શ શબ્દનો અર્થ કરતાં મંત્રની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે.
હે રાજન! મારી સમીપ આવીને મારી સાથે પરામર્શ કરો .મારા કાર્યો અને વિચારોને સમજો.
મારો પણ અભિપ્રાય જાણો. હું અપરિપકવ બુદ્ધિવાળી નથી. (મતલબ કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની) આપણા સમાજમાં આવી જે માન્યતા હતી તેના ઉપર આ પ્રહાર છે. રોમશા કહે છે કે હું ગાંધાર દેશની સર્વત્ર રોમોવાળી અર્થાત્ પૂર્ણ વિકસિત બુદ્ધિવાળી અને પરિપક્વ વિચારોવાળી છું.
બ્રહ્મવાદીની રોમશાએ પોતાના આ એક જ મંત્ર દ્વારા જીવનના ગંભીર સત્યોને પ્રગટ કર્યા છે. જે નીચે પ્રમાણે છે.
1. ગૃહસ્થાશ્રમ ધર્મના પાલન માટે સ્ત્રી અને પુરુષ બંને એક પ્રાણ એકાત્મ હોવું આવશ્યક છે તેને જ વિવાહ કહે છે. આવા જીવન દ્વારા જ સૃષ્ટિની ચિરંતન પ્રક્રિયા આગળ વધે છે અને ગૃહસ્થાશ્રમ બધાનો પોષક આશ્રમ બની શકે છે.
2. પતિની શારીરિક અને માનસિક સંતુષ્ટિ, પ્રેમ તથા સમ્માનની પ્રાપ્તિ દરેક નારી નો અધિકાર છે. પતિનું કર્તવ્ય છે કે તે વિભિન્ન કાર્યોમાં પત્ની સાથે પરામર્શ કરે , તેના વિચારો જાણે અને પત્નીના વિચારો નું સન્માન કરે. રોમશાએ પોતાના સત્ય આચરણ, સાહસ અને આત્મવિશ્વાસથી આ અધિકારને પ્રાપ્ત કર્યો હતો. मां में दभ्राणी मन्यथा । अर्थात् મને તુચ્છ ન સમજો. હું રોમશા છું.(રોમશાનો એક અર્થ થાય છે પૂર્ણ નવયૌવના) આત્મવિશ્વાસની આવી સશક્ત અભિવ્યક્તિ ઋગ્વેદમાં જ જોવા મળે છે. જેણે નારી શક્તિને આદ્યશક્તિના રૂપમાં પ્રતિષ્ઠિત કરીને અન્યાય અને અત્યાચાર સામે લડવાનું સાહસ બતાવ્યું છે.
ઉપસંહાર:-
બ્રહ્મ વાદીની રોમશા ના રૂપમાં નિબદ્ધ આ વિચારો વિશ્વ સંસ્કૃતિની તે આધારશીલા છે જેના પર પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સુખ- શાંતિ તથા સમૃદ્ધિ નો ભવ્ય મહેલ નિર્માણ થાય છે. સમાજમાં અર્ધાંગિની ની ઉપેક્ષા અથવા અસહભાગિતા, કોઈપણ દેશ માટે રાષ્ટ્ર માટે પછાતપણું અથવા પતનનું પ્રમુખ કારણ બની શકે છે. નારી નું સન્માન અને નારી નો અધિકાર રાષ્ટ્રની ઉન્નત સંસ્કૃતિનો પરિચય આપે છે. અસ્તુ.......
[ © & Written by Dr. Damyanti Harilal Bhatt ]