Aasvaad Parv - 4 in Gujarati Book Reviews by પ્રથમ પરમાર books and stories PDF | આસ્વાદ પર્વ - 4 - ચાલો, ચપરાસી બનીએ - તારક મહેતા

Featured Books
Categories
Share

આસ્વાદ પર્વ - 4 - ચાલો, ચપરાસી બનીએ - તારક મહેતા

❇️ તારક મહેતાની અંદર રહેલો હાસ્યકાર ક્યાંય ખોવાઈ ગયો કે શું ?
માર્ક ટ્વેઇનનું જાણીતું વિધાન છે કે, The source of humour is sorrow itself, not joy. આ વિધાનની પુષ્ટિ અન્ય હાસ્યકારોની બાબતમાં તો અનેક વખત થઈ છે અને તારક મહેતાની આત્મકથા એક્શન રિપ્લેમાં પણ થઈ છે. એની આત્મકથામાં એમનો જીવનસંઘર્ષ સુપેરે પ્રગટ થાય છે પરંતુ કહી દેવું જોઈએ કે તા. મ. હાસ્ય કરુણામાંથી ઉપજે છે એમાં બહુ સહમત નહોતા. એની ઊંડાણપૂર્વકની વાત પછી કોઈક વખત.

હું કોઈ વિવેચક નથી કે નથી કોઈ અવલોકનકાર પણ જ્યારે કોઈ પુસ્તક મારા હૃદયમાં અથવા તો મારી પાસે રહેલી થોડી ઘણી બુદ્ધિમાં એવો ભાવ પેદા કે મારે આ પુસ્તક વિશે લખવું જોઈએ એટલે હું તમારા પર અત્યાચાર કરવાનું નક્કી કરી લઉં છું.

' ચાલો, ચપરાસી બનીએ ' એમાં ૧ થી ૧૮ પ્રકરણ સુધી તારક મહેતા ઠીકઠીક હાસ્યકાર તરીકે પ્રગટ થયા છે. પરંતુ ૧૯મુ પ્રકરણ ' ખૂનની તરસ ' આવે છે અને એક નવા જ તારક મહેતા આપણી સમક્ષ આવી પડે છે. આ વાર્તા જે લઘુકથાની કક્ષાએ પહોંચી જાય છે તે આપણી સમક્ષ લઘુકથા લખનાર તા. મ. ને પ્રગટ કરે છે અને આપણે અચંભિત થઈ જઈએ છીએ, એક સુખદ આંચકા સાથે. આ આંચકા આપવાની જવાબદારી તા.મ.એ બખૂબી રીતે છેક છેલ્લા ૪૧ મા પ્રકરણ સુધી નિભાવી છે.

મને યાદ આવે છે કે આ એ જ તા. મ. છે જે એક સમયે પાંચ પાંચ રૂપિયામાં પોતાની વાર્તાઓ વેચતા હતા. એ જે રઝળપાટ કર્યો અને જીવનના આંતરબાહ્ય સંઘર્ષો, રાઈસ પ્લેટ ખાઈને સુઈ જવાથી માંડીને રાત્રે પેશાબ કરવા છેક નીચે ખુલ્લામાં જવું પડે એ કમનસીબી, ઉપરથી મારી જેમ રોગથી ઘેરાયેલું શરીર અને નિવૃત્તિ પછી ડોકાતી એકલતા - આ બધા જ રંગોથી તા. મ. ની વાર્તાસૃષ્ટિ બરાબર ખીલી છે. જાણે કોઈ ઘડાયેલ વાર્તાકાર પોતાના જીવનના અનુભવો કલમના એક જ લસરકે લખતો જતો હોય એવું લાગે !

વાર્તા વેશ્યાની પણ છે, ગરીબાઈની પણ છે, નવોદિત લેખકોના સંઘર્ષની પણ છે અને ઝટકા આપે એવા રહસ્યોની પણ છે. હું ફરીથી કહીશ કે આ વાર્તા કરતા લઘુકથા વધારે છે. લઘુકથા વાર્તા કરતા અઘરો કસબ છે જે તા. મ. એ બરાબર નિભાવી જાણ્યો છે. ક્યાંક ક્યાંક તો,'દોજખનાં દસ પગથિયાં' જેવી વાર્તાઓમાં જાણે કોઈ કામુક વાર્તાકાર પોતાનો અનુભવ ચીતરીને આપણને ગલગલીયા કરાવતો હોય એવું લાગે.

આનંદની વાત એ છે કે પુસ્તકના અંતે પાછા તા. મ. બરાબર હાસ્યકાર તરીકે પિયર ગયેલી વહુ સાસરે આવી જાય એમ આવી જાય છે. પરંતુ વચ્ચેની તમામ વાર્તાઓમાં કરુણ રસને સ્થિર ભાવે જે તારક મહેતાએ જે વાર્તાઓ આપી છે એને તો લય ઊભો કરી દીધો. મને ક્ષણવાર તો થયું કે આ પુસ્તકવાળાએ કંઈ ગોટાળો તો નથી કરી નાખ્યો ને ? ખડખડાટ હસાવનાર તા.મ.ની કલમ આંખ ભીની કરી નાખે એનું આશ્ચર્ય ન હોય પણ નવીનતા જરૂર લાગે !

'એક્શન રિપ્લે' માં જે રીતે એમનું જીવનદર્શન થાય છે એવી જ રીતે એમના આ પુસ્તકમાં એમની અંદર રહેલો અને કદાચ સ્થાયી થઈ ચુકેલો કરુણભાવ પડઘાય છે. તારક મહેતા હાસ્યકાર કેવી રીતે બન્યા એ જાણવા માટે એની આ વાર્તાઓ જો કોઈ ન વાંચે તો એનો અભ્યાસ અધુરો જ ગણાશે.

આ પુસ્તકનું મુખપૃષ્ઠ ભલે ગમે એટલું રમુજી હોય પણ એ પહેલાં ૧૮ પ્રકરણ માટે જ છે, બાકી પછીની વાર્તાઓ માટે તમારે પુસ્તકની પાછળ નજર કરવી પડે - જેમાં તારક મહેતાના ચહેરા પર હાસ્ય છે, પણ એ હાસ્ય નથી - કરુણા છે. ધ્યાનથી જોશો તો સમજાશે. ચાર્લી ચેપ્લિન વિશે લખવાની જરૂર નથી. અંતે તો એટલું જ કહેવું જોઈએ કે તમે એક વખત આ પુસ્તકમાંથી પસાર થશો એટલે તમને શીર્ષકમાં લખેલો પ્રશ્ન થયા વિના રહેશે નહીં.