ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
"શું બાલા મની ને બહાર ક્યાંક..." સ્નેહા કહી રહી હતી એનું વાક્ય કાપીને સુમિતે કહ્યું. "ના સ્નેહા એની લાશ ઓફિસમાંથી મળે એ જ જરૂરી હતું. એની લાશ, એની સાથે મળીને કંપનીને બરબાદ કરવાનું ઇચ્છનાર લોકોને એક સંદેશો હતો કે, બધા લોકો પર કંપનીની નજર છે સુધરી જાઓ નહીં તો તમારા હાલ પણ આવા જ થશે."
"પણ એના કારણે આપણે આઈ મીન તું મુસીબતમાં મુકાઇશ સુમિત, મેં તપાસ કરાવી છે એ ગણપત રાજુ કોઈ પણ કેસ હાથમાં લે તો પૂરો કરે જ છે એ કોઈ પણ દબાણને ગણકારતો નથી."
"જે થશે તે જોયું જશે, દરેક માણસની એક કિંમત હોય છે. આપણે ગણપત રાજુની કિંમત આપીને એને આપણામાં ભેળવી લઈશું.
xxx
"સિન્થિયા મારે થોડું શોપિંગ કરવું છે સાથે ચાલને." જીતુભાએ સિન્થિયાને કહ્યું. સાંભળીને સિન્થિયા ને ઝટકો લાગ્યો કેમકે, જીતુભાએ પોતાના ઘરમાંને આપવાની ગિફ્ટ વગેરે તો 4 દિવસ પહેલા જ લઇ અને પેક કરી રાખેલા હતા.
"પણ અત્યારે કોઈ સ્ટોર ખુલો નહિ હોય. અને આમેય સિન્થિયાને માર્શાને લઈને એના ઘરે જવું છે. ચાલ હું સાથે આવું છું. " ભૂરાએ કહ્યું.
"ભૂરા, સમજ એને એની ગર્લફ્રેન્ડને કે એની બહેનને આપવા કોઈ ગિફ્ટ લેવી લાગે છે. અને આમેય અહીંથી 3 બ્લોક દૂર સુપર માર્ટ 24 કલાક ખુલો હોય છે અમે થોડી વારમાં આવીએ ત્યાં સુધી તું આ માર્શા સાથે ગપ્પા માર" કહી સિન્થિયા એ જીતુભાને કહ્યું. "ચાલ જીતુભા" પછી બન્ને હોસ્પિટલની બહાર આવ્યા. એટલે તરત જીતુભા એ ચારે તરફ નજર ફેરવી ને સિન્થિયાને કહ્યું. "સિન્થિયા મને આ ભૂરો રહસ્યમય લાગે છે કઈ તો ગરબડ છે."
"કેમ તને એવું લાગ્યું?"
"હું નિનાદને કદી મળ્યો નથી પણ જેટલો જાણું છું, એ પ્રમાણે એ લંડનમાં આટલી મુસીબત હોય તો જર્મનીથી અહીં આવે ઓસ્ટ્રેલિયા ન જાય."
"તો શું થયું હશે?"
"મને લાગે છે કે નિનાદ મુશીબતમાં છે. અને આ બાબત મેં શેઠ સાથે વાત કરેલી પણ એ વખતે એમણે બહુ મનમાં ન લીધું. પણ કલાક પહેલા મને ફોન આવ્યો અને ..." કહી સિન્થિયા ને કંઈક સમજાવવા માંડ્યું.
xxx
ટેક્સીની બારી પર ખટકારો થતા અબ્દુલ પાછલી સીટ પરથી આખો ચોળતો ઉભો થયો અને સહેજ બારી ખોલી જોયું તો બહાર 2-3 પોલીસ વાળા ઉભા હતા. એ મનોમન સહેજ હસ્યો અને ટેક્સીમાંથી બહાર આવ્યો અને કહ્યું "બોલો સાહેબ શું થયું?" હોટેલના દરવાન આ બધું જોતા હતા. એમાંથી એકે દોડીને લોબી મેનેજર ને બોલાવ્યા. દરમિયાનમાં પોલીસે અબ્દુલને જીપમાં બેસવાની સૂચના આપી.
"શું થયું સાહેબ તમે અમારી હોટેલના ડ્રાઈવરને ક્યાં લઇ જાવ છો?"
"થાણા પર પૂછપરછ કરવા"
"પણ એનો ગુનો શું છે તમે એવી રીતે વગર કારણે અમારા સ્ટાફને ન લઇ જઈ શકો."
"એક ખૂન થયું છે એના સિલસિલામાં અમારે એની કેટલીક પૂછતાછ કરવાની છે."
"તમારી પાસે એની પૂછતાછ માટેનું વોરંટ છે?" લોબી મેનેજરે કહ્યું. આમ તો એને અબ્દુલ સાથે કોઈ લેવાદેવા હતી નહીં. પણ અબ્દુલ હોટલના ખાસ મહેમાન શેખ સાહેબના મેનેજરનો ડ્રાઈવર હતો અને સ્ટાફની અછતમાં ડાયરેક્ટ હોટેલ મેનેજમેન્ટે એની સિફારસ કરી હતી
"એમ તો તમારી હોટલ પાસે પણ ઘણા વેલીડ લાઇસન્સ નથી જે સર્વિસ તમે તમારા કસ્ટમરને આપો છો એના" ગણપત રાજુ એ પાછળથી આવીને લોબી મેનેજરને કહ્યું.
"તો પણ આમ અમારા.." લોબી મેનેજર હવે ફસાયો હતો એને શું બોલવું એ સૂઝતું ન હતું.
"જુઓ અમે કઈ એની ધરપકડ નથી કરતા એક ખૂનના કેસની બાબત કેટલાક સવાલ જવાબ કરવા છે એ અમે પૂછી લઈએ એટલે એને છોડી દઈશું" ગણપતે ધરપત આપતા કહ્યું.
"પણ તમે એને અહીં જ એ સવાલ ન પૂછી શકો?"
"ના દરેક કાર્યનું એક સ્થાન નિશ્ચિત હોય છે. હું ખાત્રી આપુ છું કે એ નિર્દોષ હશે તો બપોર સુધીમાં અમે એને છોડી દઈશું."
"મેનેજર સાહેબ તમારો આભાર, પણ આ ઇન્સ્પેકટરની કૈક ગફલત થઇ રહી છે હું એક કલાકમાં પાછો આવી જઈશ. હું નિર્દોષ છું ભલે ને એમને જે પૂછવું હોય, જ્યાં પૂછવું હોય ત્યાં પૂછી લેતા. ખાલિદ સાહેબ ઉઠશે એ પહેલા હું પાછો આવી જઈશ ચિંતા ન કરો. ચલો ઇન્સ્પેક્ટર સાહેબ કહી અબ્દુલ પોતે જીપમાં જઈને બેસી ગયો.
xxx
"જીતુભા, સિન્થિયાને બરાબર સમજાવી દીધું?"
હા. શેઠજી. એકદમ, અને આમેય એ બહુ પ્રોફેશનલ છે. જરાય ગરબડ નહિ થાય."
"તો ઠીક, અને તારે શું કરવાનું છે એ યાદ છેને."
"હા શેઠજી જરાય કાળજી ન કરો. પણ હું શું કહું છું હમણાંજ..."
"દરેક વસ્તુનો એક સમય હોય છે જીતુભા, એ સમયે થાય તો જ એમાં મજા આવે. જો આપણે સમય પહેલા આંબેથી કેરી ઉતારી લઈએ તો એ કાચી રહી જાય.આ અને એક વાત યાદ રાખજે સત્ય હમેશ કલ્પના કરતા ડરામણું હોય છે. માટે આશ્ચર્ય ન પામતો જે સમયે જે પરિસ્થિતિનો સામનો કરવાનો થાય એનો મક્કમતાથી સામનો કરજે."
xxx
"ઇન્સ્પેક્ટર હું કાર્તિકેય સ્વામીનાથન હાઈકોર્ટનો વકીલ છું. તમે મારા અસીલ શ્રી અબ્દુલને ક્યાં વોરંટના આધારે અહીં સુધી લાવ્યા છો?'" પોલીસ જીપ ચોકીના વરંડામાં પહોંચી કે તરત જ ત્યાં ઉભેલા એક યુવા પ્રતિભાશાળી નામી વકીલે જીપમાંથી ઉતરતા ગણપતને પ્રશ્ન કર્યો.
"તમે કોણ છો?"
"હું આ અબ્દુલનો વકીલ છું. મને હોટલ મેનેજમેન્ટ તરફથી નિયુક્ત કર્યો છે. હવે મને જવાબ આપો ક્યાં આધારે તમે એમની અટકાયત કરી છે?" ધારદાર અવાજે વકીલે પૂછ્યું અને ગણપત સહેજ થડકી ગયો.
"આધારમાં તો એવું છે ને કે અમને ટીપ મળી છે કે અહીં એક કંપનીમાં એ કંપનીના પ્યુનનું ખૂન થયું હતું. અને એને લાશ કંપનીમાંથી જ મળી હતી એ ખૂન કરનારા સાથે આ અબ્દુલ સંબંધ ધરાવે છે."
"કઈ રીતના સંબંધો?'
"આ અબ્દુલએ લોકોના કોન્ટેક્ટમાં છે."
"શું એ એમને રૂબરૂ મળે છે?'"
"ના પણ ફોનથી કોન્ટેક્ટમાં છે."
"ઓકે.તો ભાઈ અબ્દુલ તારો ફોન આપતો" વકીલે કહ્યું. અબ્દુલે ફોન આપ્યો એટલે એ ફોન ગણપતિના હાથમાં આપતા વકીલે કહ્યું "આ ફોન, એમાં રહેલો ડેટા તમે તમારી રીતે ચેક કરો અને ક્યાંય એવું લાગે કે અબ્દુલ ખૂનીના સંપર્કમાં છે તો વોરંટ લઇ અને એને પકડવા આવજો આવી રીતે ફરીથી હેરાન ન કરતા નહીં તો આ અબ્દૂલ અને હોટેલના તરફથી હું માનહાનીનો કેસ ઠોકી દઈશ. બીજું કઈ પૂછવું છે તમારે કે પછી હું એમને લઇ ને ઘરે જાઉં ખોટી આટલી વહેલી અમારી ઊંઘ બગાડી. ત્યાં હોટેલ પર કહ્યું હોત તો ય એ તમને એનો ફોન આપી દેત. . ચાલ અબ્દુલ તને હોટલ પર છોડી દઉં" કહી વકીલે પોતાની ચમચમાતી કાર માં અબ્દુલને બેસાડીને ચાલતી પકડી અને ગણપત મોં વકાસીને જોતો રહ્યો.
xxx
"સર, આખો ફોન ખંગાળી નાખ્યો ચાર દિવસથી એ અહીં છે. પણ એટલા દિવસમાં માત્ર હોટલ મેનેજમેન્ટ, શેખનો મેનેજર ખાલિદ અને સલમા એની વાઈફ એ સિવાય ન તો કોઈએ એને ફોન કરયો છે કે ન અબ્દુલે બીજા કોઈ ને ફોન કર્યો છે." આસિસ્ટન્ટ ગણપતને કહ્યું.
"ડેમ ઈટ, નક્કી એની પાસે બીજો ફોન હશે. મને પાક્કી ખબર મળી છે કે સુમિતના સંપર્કમાં છે. "
"પણ કઈ રીતે સાહેબ સુમિત અબજોપતિ છે મુંબઈ માં રહે છે અને અબ્દુલ અમદાવાદમાં રહીને ટેક્સી ચલાવે છે. વળી અબ્દુલ પોતે કહે છે એમ 3 વર્ષે બીજી વાર અહીં મદ્રાસ આવ્યો છે આના પહેલા આવ્યો ત્યારે 3 રાત કોઈ બીજી હોટલમાં એના કસ્ટમર સાથે રોકાયો હતો. એને સુમિત સાથે સ્નાન સુતક નોય સંબંધ નથી."
"પણ મને પાકી ખબર મળી છે કે બાલા મણીનું ખૂન સુમિતના કહેવાથી થયું છે મને ઓરિજિનલ સીસીટીવી ફૂટેજ પણ મળી છે. જેમાં બાલા નું ખૂન થઇ રહ્યું છે અને ખૂની અબ્દુલ જ છે. પણ એણે એલીબી એવી ઉભી કરી છે કે એ સુમિતના ઘરે હતો શેખના મેનેજરને લઇ ને. ખૂન થયું સુમિતની ઓફિસમાં. અને અબ્દુલ અને સુમિત એક મેકના સંપર્કમાં છે. સુમિતનીજ કંપનીના એક ખાસ માણસે આ ઇન્ફોર્મેશન આપી છે. એટલેજ અબ્દુલ પર હાથ નાખ્યો હતો કે એની પાસેથી કબૂલાત કરાવવી સહેલી છે અને એના દ્વારા આપણે સુમિત સુધી પહોંચી શકીશું. હું નવ વાગ્યે સુમિતની ઓફિસમાં જઈશ ત્યારે એ માહિતી આપનારને મળીશ અને કંઈક નવી માહિતી મેળવીશ" ગણપતે કહ્યું. પણ 9 વાગવામાં હજુ 2 કલાકની વાર હતી.
xxx
"વિજયન સારું એ તારું. તું નક્કી કર." કૃષ્ણ સ્વામી વિજયનને કહી રહ્યો હતો.
"પણ મારા છોકરાઓ હજી નાના છે.અને મારી પત્ની આ ઉંમરે વિધવા.."
"એ તો બધું તારે પહેલા વિચારવું જોઈતું હતું ભાઈ. તને વિદ્રોહ કરતો રોકવાતો બલા મણીનું બોડી ઓફિસમાં જ રખાવ્યું. પણ તોય તું ન અટક્યો કાલે તે 3 વાર એનો સંપર્ક કર્યો ઉપરાંત ઓલા ઇન્સ્પેકટર ને 2-3 વાર ભરાવ્યો છેલ્લે સવારે 4 વાગ્યે તને એમ કે શેઠ, સુમિત, મેનેજર અને સ્ટાફ બધા આંધળા છે કાં?"
"હું લલચાઈ ગયો હતો અને અને ધારો કે હું તમે કહો છો એમ ન કરું તો?"
"તો તારા દીકરા કોક ગામડે મજૂરી કરશે. તારી પત્ની કે જે મારી 4 થી પેઢી એ કઝીન છે એ રોડ પર ભીખ માંગશે અને તારી દીકરી.."
"બસ કર ક્રિશ્ના, તું તો મારો મિત્ર છે."
"એટલે જ કહું છું. ચુપચાપ ફેમિલી ડોક્ટરને ફોન કર અને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે કોઈ મોટી હોસ્પિટલમાં એડમિટ થવાની તૈયારી એની પાસે એના રેફરન્સથી કરાવ અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જતા રસ્તામાં આ ગોળી ગળી જજે. પાંચ મિનિટમાં છુટકારો એય કોઈ જાતના દર્દ વગર. અને ઉપરથી તારા દીકરાનું આ છેલ્લું વર્ષ પતે એટલે કંપનીમાં નોકરી. તારું પેન્શન ઇન્સ્યોરન્સના રૂપિયા તારા કુટુંબનું ઉજ્વળ ભવિષ્ય. નહીં તો બાલા અને ઓલો સીસીટીવી ઇન્ચાર્જની જેમ બે મોત મરીશ અને તારું કુટુંબ પણ જીવશે ત્યાં સુધી હેરાન થશે. ચલ હવે ઘરમાં જઈને ડોક્ટરને ફોન લગાવ" કહી પાછળ વરંડામાં થી કૃષ્ણ સ્વામીએ પોતાના બંગલામાં વિદાય લીધી. બન્નેના બંગલા આજુ બાજુમાં હતા.
xxx
સર, હવે તો કંઈક નવી ઇન્ફોર્મેશન મળે પછી જ આગળ વધાશે." આસિસ્ટન્ટ ગણપતને કહી રહ્યો હતો.
"સાચી વાત છે. ચાલ હવે હું નાહી ફ્રેશ થઈને સુમિતની ફેક્ટરીએ જાઉં છું ત્યાં કંઈક વાત થશે. મેં તો બહુ મોટા ઉપાડે એને કહ્યું હતું કે કાલે લંચ સાથે લઈશું. પણ મને તો ગઈ રાત્રે ડિનર પણ નશીબ ન થયું. " ગણપતે નિસાસો નાખતા કહ્યું એજ ક્ષણે એની કેબીનના 2 અડધા પાટિયા જોશભેર ધકેલાયા અને એનો ખબરી એનો કાકો ઝડપભેર કેબીમાં ધસી આવ્યો, અને ધમમ કરતો એક ખાલી ખુરશી પર ગોઠવાયો એનો શ્વાસ ફૂલી ગયો હતો. પરસેવે રેબઝેબ હતો આસિસ્ટન્ટે એને પાણી આપ્યું પાણી પી હાંફતા હાંફતા એણે પોતાનો હાથ લંબાવી ને ગણપતને કહ્યું "લે ગણપત તારે જોઈતું હતું એ સબૂત." એના હાથમાં એક ફોટો હતો. જેમાં સિંગ વાળાના વેશમાં સુમિત અને એની સાથે ઉભેલો અબ્દુલ એકદમ ક્લિયર ઓળખાતા હતા.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.