૮.ચકમો
અપર્ણા ઘણું વિચાર્યા બાદ નીચે આવી. શિવ એની જીપમાં બેસીને એની જ રાહ જોઈ રહ્યો હતો. એ તરત જ શિવની બાજુની સીટમાં ગોઠવાઈ. શિવે એની સામે જોયાં વગર જ જીપને પાક્કી સડક તરફ દોડાવી મૂકી. એનાં મનમાં એક ઉચાટ હતો. એ અપર્ણાને સમજી શકતો ન હતો. આજ સુધી એ કોઈ છોકરી સામે ઝૂક્યો ન હતો. પણ, અપર્ણા દર વખતે એને પોતાની જીદ્દ આગળ ઝુકાવી દેતી. આખાં સફર દરમિયાન એણે એક વખત પણ અપર્ણા તરફ નજર સુધ્ધાં નાં કરી. એનાં જીદ્દી સ્વભાવથી શિવને એક અણગમો હતો. જે એ મૌન રહીને જણાવવા માંગતો હતો. પણ, અપર્ણા તો પોતાનાં જ વિચારોમાં ખોવાયેલી હતી. હાલ એ એવી પરિસ્થિતિ સામે લડી રહી હતી. જેમાં ક્યારે શું થાશે? અને કોઈ નવી મુસીબત આવે, તો શું કરવું? એ એ ખુદ પણ સમજી શકતી ન હતી.
શિવે અચાનક જ એક ઝટકા સાથે જીપ રોકી, ત્યારે અપર્ણાએ થોડાં ગુસ્સા સાથે એની સામે જોયું. પણ, શિવની નજર સામેની ખાલી સડક પર હતી. જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસ કંઈ ન હતું. એ જોઈને અપર્ણાએ પૂછ્યું, "આ તું મને ક્યાં લાવ્યો? અહીં તો કોઈ ઘર કે માણસ કંઈપણ નજરે ચડતું નથી."
"તો તમારી આંખોને થોડી તકલીફ આપો." શિવે સખ્ત અવાજે કહ્યું, "સામે થોડે દૂર નજર કરી જુઓ. ત્યાં જે બંગલો દેખાય છે, એ જ મુના બાપુનો બંગલો છે." શિવે થોડે દૂર આવેલાં એક બંગલા તરફ આંગળી ચીંધીને કહ્યું.
"તો તે જીપ અહીં કેમ ઉભી રાખી?" અપર્ણાએ પૂછ્યું, "ચાલ, જીપ બંગલોની સામે લઈ લે." એનાં અવાજમાં એક ઓર્ડર હતો.
"હું તારાં જેટલો પાગલ નથી." શિવે આંખો ઝીણી કરીને, અપર્ણા સામે જોઈને કહ્યું, "મારાં બંગલામાં તને પ્રવેશ મળી ગયો. કારણ કે, હું ખુદ તને ત્યાં લઈને ગયો. પણ, અહીં મારાં બંગલા કરતાં પણ ટાઈટ સિક્યોરિટી છે." એણે આજુબાજુ નજર કરીને ઉમેર્યું, "આપણે ચાલાકીથી કામ લેવું પડશે."
"આપણે?" અપર્ણાએ આંખો ફાડીને કહ્યું, "તું તો મને મુના બાપુને સોંપીને ઈનામ લેવાનાં વિચાર કરતો હતો ને!? તો હવે કેમ આટલું બધું વિચારે છે? મને મુના બાપુનાં હવાલે કરીને જતો રહે."
"મારાં બાપુએ તારી જવાબદારી મને સોંપી છે. તો હું આ રીતે તને મૂકીને નાં જઈ શકું." શિવ હજું પણ આજુબાજુ કંઈક શોધી રહ્યો હતો, "માત્ર બાપુનાં કહેવાથી નહીં. હું ખુદ પણ તને છોડીને જવાં નથી માંગતો. ખબર નહીં કેમ, હું તારી જીદ્દ આગળ ઝુકી જાવ છું? કંઈ સમજમાં જ નથી આવતું." એ મનમાં જ બોલી ઉઠ્યો.
"તો હવે શું કરવું છે?" અપર્ણાએ પૂછ્યું.
અપર્ણાનાં સવાલથી શિવની તંદ્રા તૂટી. એનાં મગજમાં કંઈક ચમકારો થયો હોય, એમ એણે કહ્યું, "જીપમાંથી નીચે ઉતર."
અપર્ણાની સમજમાં કંઈ નાં આવ્યું. પણ હાલ શિવની વાત માનવા સિવાય છૂટકો ન હતો. એ ચુપચાપ જીપમાંથી નીચે ઉતરી ગઈ. શિવે જીપને સડકની બીજી તરફ આવેલાં જંગલ જેવાં વિસ્તારમાં છુપાવી દીધી, અને ચાવી લઈને ફરી સડક ઉપર આવી ગયો. એણે અપર્ણાને પોતાની પાછળ આવવાં ઈશારો કર્યો. શિવ આગળ અને અપર્ણા એની પાછળ, એમ બંને બંગલા તરફ આગળ વધી રહ્યાં હતાં. બંગલાની બહાર સિક્યોરિટી ગાર્ડઝ દેખાતાં જ શિવ અપર્ણાનો હાથ ખેંચીને, એને એક વૃક્ષ પાછળ ખેંચી ગયો. અહીંથી આખો બંગલો સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.
સંપૂર્ણપણે સફેદ રંગનાં એ બંગલાની અંદર કેટલાંય કાળાં કામો થતાં હતાં. એની જાણ મુંબઈની સામાન્ય જનતાને ન હતી. શિવ અને અપર્ણા વૃક્ષની પાછળથી આખું દ્રશ્ય જોઈ રહ્યાં હતાં. કોઈ અજાણ્યાં વ્યક્તિએ બંગલાની અંદર પ્રવેશવા માટે ઈલેક્ટ્રોનિક મશીન વચ્ચેથી પસાર થવું પડતું. જો કોઈ પાસે હથિયાર હોય, તો એ મશીન તરત જ સિગ્નલ આપતું. જાગા બાપુનાં બંગલા કરતાં પણ વધું સિક્યોરિટી અહીં હતી. અહીં આવ્યાં પછી અપર્ણાને સમજાયું, કે શિવ એને અહીં આવવાની શાં માટે નાં પાડતો હતો? પહેલું તો કોઈની જાણ બહાર બંગલાની અંદર જવું શક્ય ન હતું, અને બીજું જો કોઈ અંદર જતું પણ રહે, તો જીવતું પાછું ફરવું શક્ય ન હતું.
"તું અહીં જ રહે, હું અંદર જઈને તારાં ભાઈને શોધું છું." શિવે બંગલા ઉપર નજર રાખીને કહ્યું, "જો તારો ભાઈ અહીં જ હશે, તો હું તને મેસેજ કરીશ. તું જીપમાં તૈયાર રહેજે."
"પણ તું અંદર કેવી રીતે જઈશ?" અપર્ણાએ થોડાં ડર મિશ્રિત અવાજે પૂછ્યું.
"હું આ બંગલાની બધી જગ્યાઓથી વાકેફ છું. હું આસાનીથી કોઈની નજરમાં આવ્યાં વગર અંદર જઈને, બધાં રૂમ ચેક કરી શકીશ." શિવે અપર્ણાની આંખોમાં જોઈને કહ્યું, "જો કોઈ મને પકડી પણ લેશે. તો પણ મને કોઈ કંઈ નહીં કરી શકે."
"પણ..." અપર્ણા કંઈ કહે, એ પહેલાં જ શિવે એને વચ્ચે જ રોકતાં કહ્યું, "આપણી પાસે વધું સમય નથી. સાંજ થવા આવી છે. તારું અહીંથી સુરક્ષિત અને સમયસર ઘરે પહોંચવું જરૂરી છે. હું તને કોઈ મુસીબતમાં નાં નાંખી શકું. હું એકલો જ અંદર જાવ છું. તું મારો મેસેજ મળતાં જ જીપ તૈયાર રાખજે." કહીને શિવ જતો રહ્યો.
"ટોપા, હું એમ કહેતી હતી, કે મારો નંબર તો તારી પાસે છે જ નહીં. તો મેસેજ કેમ કરીશ?" શિવનાં જતાં જ અપર્ણા બોલી ઉઠી. હવે એને અહીં આવ્યાં પછી ડર લાગી રહ્યો હતો. પણ, શિવ એકદમ સ્વસ્થ હતો. જાણે એણે આ બધાં કામ પહેલાં પણ કર્યા હોય, એમ એ મોટાં મોટાં ડગ ભરતો આગળ વધી રહ્યો હતો. એ મુના બાપુનાં બંગલા પાછળની ગાર્ડનની દિવાલ સામે આવી ગયો. જે પ્રમાણમાં બીજી દિવાલો કરતાં નીચી હતી. એ સહેજ પણ વિચાર કર્યા વગર એ દિવાલ ચડીને બંગલાની અંદર કૂદી ગયો. એની કુદવાની રીત પણ એવી હતી, કે કોઈનાં કાને અવાજ પણ નાં પડ્યો. અહીંથી એક મોટો પાઈપ બંગલાની દિવાલ સાથે ચોંટેલો હતો. જેને ચડીને એક રૂમની બારી સુધી પહોંચી શકાતું હતું. એ બારી પણ અત્યારે ખુલ્લી જ હતી. શિવ જરાં પણ સમય બર્બાદ કર્યા વગર એ પાઈપ ચડીને, બારીમાંથી પસાર થઈને રૂમની અંદર આવી ગયો. શિવનાં નસીબ જોર કરતાં હોય, એમ રૂમની અંદર કોઈ ન હતું, અને દરવાજો પણ માત્ર અટકાવીને બંધ કરેલો હતો.
શિવે આખાં રૂમમાં એક નજર કરી. રૂમમાં એક એની જ ઉંમરના છોકરાનાં ફોટો ફ્રેમથી આખી દિવાલ ચિતરેલી હતી. છોકરો દેખાવે ગોરો અને હેન્ડસમ હતો. એક મોટાં બેડ પર લેપટોપ પડ્યું હતું. બેડથી થોડે દૂર એક નાનું એવું ફ્રીઝ હતું. બેડની સામે જ ટીવી પડ્યું હતું, અને એનાંથી સહેજ દૂર સ્ટડી ટેબલ હતું. આખાં રૂમમાં નજર કરીને એ રૂમની બહાર આવી ગયો. રસ્તો સાફ દેખાતાં જ એ બધાં રૂમનાં દરવાજા ખોલીને જોવાં લાગ્યો. પણ, ઉપરનાં એકેય રૂમમાં એને નિખિલ નાં મળ્યો.
શિવે ઉપરનાં બધાં રૂમ ચેક કરી લીધાં હતાં. છતાંય એને નિખિલ ક્યાંય મળ્યો નહીં. હવે એક છેલ્લો સ્ટોર રૂમ બચ્યો હતો. શિવ પાસે ત્યાં જવાં સિવાય કોઈ ઓપ્શન ન હતો. એ દિવાલને ચિપકીને, એની સાથે ઘસાતો ઘસાતો, કોઈની નજરમાં નાં આવે, એ રીતે સ્ટોર રૂમ તરફ આગળ વધ્યો. ત્યાં પહોંચતા જ એ હળવેથી દરવાજો ખોલીને અંદર ઘુસી ગયો, અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. સ્ટોર રૂમની અંદર બહું બધી વસ્તુઓ પડી હતી. પણ, નિખિલ ક્યાંય નજરે ચડતો ન હતો. એણે આખોયે સ્ટોર રૂમ ફંફોસી કાઢ્યો. છતાંય નિખિલ અહીં પણ નાં મળ્યો. એ બસ અહીંથી પણ નીકળવાની તૈયારીમાં જ હતો. ત્યાં જ એનાં કાને કંઈક અવાજ પડ્યો. દરવાજા સુધી પહોંચી ગયેલાં શિવે પાછળ ફરીને ફરી એકવાર આખાં રૂમમાં નજર કરી. એ દરમિયાન એની નજર એક કબાટ ઉપર પડી. જે આખોયે ડોલી રહ્યો હતો.
શિવ એક ઉમ્મીદ સાથે એ કબાટ તરફ આગળ વધ્યો. એણે એક ઉંડો શ્વાસ ભરીને છોડ્યાં બાદ એ કબાટનો દરવાજો ખોલ્યો. એ સાથે જ અંદરથી કોઈ વ્યક્તિ શિવની માથે પડી. શિવે પોતાનું સંતુલન જાળવીને એ વ્યક્તિને બંને ખંભેથી પકડી, અને પોતાનાથી સહેજ દૂર કરીને એનો ચહેરો જોયો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ નિખિલ જ હતો. એને જોઈને શિવનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. નિખિલ હાલ અર્ધી બેભાનાવસ્થામાં હતો. શિવે આસપાસ નજર કરી, પણ એને ક્યાંય પાણી નાં દેખાયું.
"પ્લીઝ, બેભાન ન થતો." શિવ નિખિલને નીચે ફર્શ પર બેસાડીને બોલવાં લાગ્યો. પણ, નિખિલ વધું સમય ભાનમાં રહી શકવાની હાલતમાં ન હતો. એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપી બની ગઈ હતી, "માફ કરજે." કહેતાં જ શિવે એક જોરદાર થપ્પડ નિખિલનાં ગાલ પર મારી. એ સાથે જ નિખિલ કોઈ ચાવી ભરેલાં રમકડાંની માફક ઉભો થઈ ગયો. એણે આંખો ફાડીને શિવ સામે જોયું. પણ, કશું બોલ્યો નહીં. શિવ પણ ઉભો થઈને એની સામે ઉભો રહી ગયો, "થપ્પડ સારાં સારાં વ્યક્તિઓનાં હોંશ ઠેકાણે લાવી દે છે. એ વાત આજે જોઈ લીધી." એણે જરાં સ્મિત સાથે કહ્યું.
"તું મને બચાવવાં આવ્યો છે?" નિખિલે અસમજની સ્થિતિમાં પૂછ્યું.
શિવે માત્ર ડોકું ધુણાવ્યું, અને અપર્ણાને મેસેજ કર્યો. નિખિલ બાઘાની જેમ શિવને જોતો ઉભો હતો. શિવે એને પોતાની પાછળ આવવાં ઈશારો કર્યો. નિખિલ કંઈપણ બોલ્યાં વગર એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. જે રીતે શિવ આગળ વધી રહ્યો હતો. એ જ રીતે નિખિલ પણ આગળ વધી રહ્યો હતો. શિવ જે રીતે બંગલાની અંદર ઘુસ્યો હતો. એ જ રીતે નિખિલ સાથે બહાર પણ આવી ગયો. બંગલાની બહાર આવી ગયાં પછી શિવે નિખિલનાં ખંભે હાથ મૂકીને કહ્યું, "તું આ સડક પર જમણી બાજુ સીધો ચાલ્યો જા. ત્યાં તને તારી બહેન જીપમાં બેસેલી મળી જાશે."
"અને તમે?" નિખિલે ડર મિશ્રિત અવાજે પૂછ્યું.
"હું બસ પાંચ મિનિટમાં આવ્યો." શિવે કહ્યું, અને નિખિલને જવાનો ઈશારો કરીને, પોતે મુના બાપુનાં બંગલાનાં એન્ટ્રેસ ગેટ તરફ આગળ વધી ગયો. શિવને આવેલો જોઈને, ત્યાં ઉભેલાં સિક્યોરિટી ગાર્ડઝે માથું ઝુકાવ્યું. શિવ સહેજ સ્મિત સાથે એક ગાર્ડ તરફ આગળ વધ્યો, અને એનાં ચહેરાં નજીક પોતાનો ચહેરો લઈ જઈને કહ્યું, "જઈને મુના બાપુને કહી દે, જગજીતસિંહનો સિંહ આવીને, નિખિલ શાહને ઉઠાવી ગયો."
ગાર્ડઝ શિવની વાત સમજે, એ પહેલાં જ શિવ સડક પર દોડવા લાગ્યો. થોડે દૂર પહોંચતા જ એને પોતાની જીપ દેખાઈ. એ તરત જ મોટાં ડગ ભરતો જીપમાં ગોઠવાયો. એ સાથે જ અપર્ણાએ જીપને ભગાવી મૂકી. નિખિલ હજું પણ કંઈ સમજી શક્યો ન હતો. અપર્ણાનાં મનમાં પણ ઘણાં સવાલો હતાં. બંનેનાં સવાલો વચ્ચે શિવે કહ્યું, "જીપ સીધી અમદાવાદ જવાં દેજે."
શિવની વાત પર અપર્ણાને પૂછવું હતું, કે કેમ? પણ, એ કંઈ પૂછી નાં શકી. થોડાં આગળ જતાં એક વળાંક આવતાં એણે જીપને એ તરફ વાળી દીધી. જીપ અમદાવાદ તરફ જતી સડક પર આગળ વધવા લાગી. શિવ જે રીતે મુના બાપુનાં ગાર્ડઝને ચકમો આપીને આવ્યો હતો. એ પરથી એને ખાતરી હતી, કે મુના બાપુને બધી વાતની જાણ થતાં એ ચૂપ નહીં બેસે. એટલે એની નજર એનાં મોબાઈલની સ્ક્રીન પર જ મંડાયેલી હતી. મુંબઈથી અમદાવાદ જતો રસ્તો નવ કલાક અને પચ્ચીસ મિનિટનો હતો. એ સમય દરમિયાન શું થશે? એ વાતથી શિવ સારી રીતે અવગત હતો.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"