Bhed bharam - part 17 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 17

The Author
Featured Books
Categories
Share

ભેદ ભરમ - ભાગ 17

ભેદભરમ

ભાગ-૧૭

 

ધીરજભાઈના ખૂનની તપાસ

 

પ્રેયસે આપેલા શંકાસ્પદ નામોથી ધીરજભાઈના ખૂનની તપાસ શરૂ કરવી જોઈએ. એવું ઇન્સ્પેકટર પરમારનું માનવું હતું.

પ્રેયસ શંકાસ્પદ વ્યક્તિઓના નામો આપી ઘરે જવા માટે નીકળી ગયો હતો કારણકે ધીરજભાઈના સગાંસંબધીઓ બધા પ્રેયસને અને સુધાબેનને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે આવવાનાં હતા.

“ઇન્સ્પેકટર સાહેબ, સૌથી પહેલા તો ધીરજભાઈનું ખૂન કેમ થયું? એ મુદ્દો સમજવો જરૂરી છે. મારી દ્રષ્ટિએ ધીરજભાઈના ખૂન પાછળ બે આશય હોઈ શકે. પહેલો આશય સોસાયટીની જમીનનો હોઈ શકે છે. જો સોસાયટીની જમીન ધીરજભાઈના ખૂનનું કારણ હોય તો સોસાયટીના દરેક સભ્ય અને સુરેશ પ્રજાપતિ ધીરજભાઈના ખૂની હોવાના શંકાના ઘેરામાં આવે. અને બીજો આશય જો બદલો એમના ખૂનનું કારણ હોય તો સોસાયટીની બહાર એકવાર આવેલા બિસ્કીટવાળા ફેરિયાથી લઈ, સોસાયટીની બહાર વાસણ મુકનાર વ્યક્તિ તેમજ ધર્માનંદ સ્વામી બધા જ શંકાના ઘેરામાં આવી શકે છે. માટે તપાસને આપણે બે અલગ-અલગ રીતે કરવી પડશે. અને તપાસ કરતાં ખબર પડશે કે ખુનીએ પૈસાના કારણે ખૂન કર્યું છે કે બદલો લેવા ખૂન કર્યું છે. એ આપણે સમજી જઈશું તો સરળતાથી ખૂની સુધી પહોંચી શકીશું.” હરમને પોતાનો દ્રષ્ટિકોણ કહ્યો હતો.

હરમનની વાતથી પહેલીવાર ઇન્સ્પેકટર પરમાર ખુશ થયા હોય એવું હરમન અને જમાલને એમના મોંઢા પરથી લાગ્યું હતું.

“હરમન મને તારી આ કેસ ઉકેલવા માટેની સુઝબુઝ ગમી છે. માટે સૌથી પહેલા આપણે સોસાયટીના જમીનના કારણે ખૂન થયું છે એવું વિચારી શોધખોળ ચાલુ કરીએ. શરૂઆત બિલ્ડર સુરેશ પ્રજાપતિથી કરીએ.” ઇન્સ્પેકટર પરમારે પેપરવેટને ટેબલ પર ગોળ ફેરવતાં-ફેરવતાં કહ્યું હતું.

“ઇન્સ્પેકટર સાહેબ, આપણી પાસે ધીરજભાઈને મારીને બદલો લેવા માંગતા હોય એવા લોકોમાં ધર્માનંદ સ્વામી સિવાય બીજા કોઈનું નામ નથી. સોસાયટીની બહાર વાસણ મુકનાર વ્યક્તિ કોણ છે એ આપણને ખબર નથી અને સોસાયટીના એક સભ્યએ જોયેલા બિસ્કીટવાળા ફેરિયા પર મને શંકા જાય છે. માટે એ ફેરિયાનું સ્કેચ આર્ટીસ્ટ પાસે સ્કેચ બનાવવાનું કામ જમાલને સોંપી દઈએ. જમાલ સોસાયટીના સભ્ય મનોરમાબેન અને વંશિકા પાસેથી સ્કેચ બનાવડાવશે. ત્યારબાદ એ વ્યક્તિ કોણ છે અને પોલીસમાં એનો કોઈ રેકોર્ડ છે કે નહિ એ આપણે જાણી શકીશું.” હરમને એનો અભિપ્રાય આપતા કહ્યું હતું.

“હા તો એ પ્રમાણે કરીએ. પોલીસ કમિશનર સાહેબ આ કેસ ઝડપથી ઉકેલવા માટે મારી પર દબાણ કરી રહ્યા છે. એક નિવૃત પોલીસ અધિકારીની હત્યા એ આખા પોલીસ ડીપાર્ટમેન્ટ માટે શરમજનક વાત છે. જમાલ અને હવાલદાર જોરાવરને સ્કેચ આર્ટીસ્ટ સાથે સોસાયટીમાં મોકલીએ અને આપણે બંને સુરેશ પ્રજાપતિ પાસે પુછતાછ કરવા એની ઓફિસે જઈએ. પોલીસ સ્ટેશને બોલાવીશું તો આવતા બે દિવસ કરશે. સુરેશ પ્રજાપતિની વકીલ મધુરિકા પારેખ હમણાં જ મને કોઈએ જમીન બાબતે સુરેશ પ્રજાપતિ પર કેસ કર્યો છે એ કેસ માટે મળીને ગઈ છે.” આટલું બોલી ઇન્સ્પેકટર પરમાર પોતાની ખુરશીમાંથી ઉભો થઇ ગયો હતો.

ઇન્સ્પેકટર પરમારે હવાલદાર જોરાવરને બોલાવી સ્કેચ આર્ટિસ્ટને લઈને જમાલની સુચના પ્રમાણે કામ કરવાનો ઓર્ડર આપી દીધો હતો.

હરમન અને ઇન્સ્પેકટર પરમાર પોલીસ જીપમાં બિલ્ડર સુરેશ પ્રજાપતિના કોર્પોરેટ બિલ્ડીંગ મહાલક્ષ્મી બિલ્ડર્સના પાર્કિંગમાં જીપ પાર્ક કરી બિલ્ડીંગમાં અંદર પ્રવેશ્યા હતા.

આધુનિકતાથી સજ્જ તેમજ બિલ્ડરના અલગ-અલગ પ્રોજેક્ટના લાકડાના બનાવેલા મોડલો કાચની પેટીમાં સરસ રીતે સજાવેલા હતા અને એક મોટા બિલ્ડરને શોભે એવો આકર્ષક રીશેપ્સન એરિયા બનાવવામાં આવ્યો હતો.

ઇન્સ્પેકટર પરમારે રીશેપ્સન કોર્નર પર જઈ યુવતીને સુરેશ પ્રજાપતિને મળવાની વાત કરી હતી. યુવતીએ ઇન્ટરકોમથી પરમીશન લીધી અને લીફ્ટમાં પહેલે માળે જવાની માહિતી ઇન્સ્પેકટર પરમારને આપી હતી.

હરમન અને ઇન્સ્પેકટર પરમાર લીફ્ટમાંથી પહેલે માળ પહોંચ્યા. લીફ્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે એક યુવક એમની રાહ જોઈ રહ્યો હતો. જે બંનેને સુરેશ પ્રજાપતિની આલીશાન ઓફિસમાં લઈ ગયો હતો.

ઇન્સ્પેકટર પરમારને જોઈ બિલ્ડર સુરેશ પ્રજાપતિ ઉભો થઇ એમની પાસે આવ્યો અને હાથ મિલાવ્યો હતો અને બંનેને બેસવા કહ્યું હતું. એણે બધા માટે ચા-નાસ્તો મંગાવ્યો હતો.

“ઇન્સ્પેકટર પરમાર, આપને મળીને મને ખુબ આનંદ થયો. મારા વકીલ મધુરિકાબેન આપના ખુબ વખાણ કરી રહ્યા હતા.” સુરેશ પ્રજાપતિએ હસીને ઇન્સ્પેકટર પરમારને કહ્યું હતું.

હરમન સુરેશ પ્રજાપતિની ઓફિસમાં ચારેબાજુ પોતાની નજર ફેરવી રહ્યો હતો. અચાનક એની નજર બે ફોટા પર આવીને અટકી ગઈ હતી. પણ અત્યારે એના વિશે પૂછવું એને યોગ્ય લાગ્યું નહિ.

“મિ. સુરેશ અત્યારે હું ધીરજભાઈના ખૂન વિશે આપની પૂછપરછ કરવા માટે આવ્યો છું. આપના જેવા બિલ્ડરને પોલીસ સ્ટેશન બોલવા મને યોગ્ય ના લાગ્યું એટલે હું અહીંયા આવ્યો છું.” ઇન્સ્પેકટર પરમારે સુરેશ પ્રજાપતિ સામે જોઈ કહ્યું હતું.

ઇન્સ્પેકટર પરમારની વાત સાંભળી સુરેશ પ્રજાપતિના મોં પરનું હાસ્ય ઉડી ગયું હતું. સામે રહેલા ટેબલ પરથી પાણી ભરેલો આખો ગ્લાસ એ પી ગયો હતો. A.C ની ઠંડકમાં પણ એને પરસેવો થવા લાગ્યો હતો.

“શું વાત કરો છો? ઇન્સ્પેકટર સાહેબ, ધીરજભાઈનું ખૂન થયું છે? મને તો ડોક્ટર બ્રિજેશે કહ્યું હતું કે એમને હાર્ટએટેક આવ્યો છે.” સુરેશ પ્રજાપતિએ પરસેવો લૂછતાં કહ્યું હતું.

“હા પ્રાથમિક તપાસ ઉપરથી તો એવું જ લાગતું હતું પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટ ઉપરથી એવું સાબિત થઇ ગયું કે એમનું ખૂન કરવામાં આવ્યું છે.” ઇન્સ્પેકટર પરમારે સુરેશ પ્રજાપતિને કહ્યું હતું.

“ઇન્સ્પેકટર, તમારે મને જે કોઇપણ સવાલ પૂછવા હોય તે તમે મને પૂછી શકો છો. પરંતુ ધીરજભાઈના ખૂન સાથે મારે કોઈ લેવાદેવા નથી.” સુરેશ પ્રજાપતિએ પૂરી સ્વસ્થતા સાથે કહ્યું હતું.

ઇન્સ્પેકટર પરમારે સુરેશ પ્રજાપતિની ઓળખાણ હરમન સાથે કરાવી હતી અને ઈન્સ્પેકટરે હરમનને સવાલ પૂછવા માટે કહ્યું હતું.

“ધીરજભાઈની સોસાયટીના સભ્યોનું એવું કહેવું છે કે એમની સોસાયટીની જમીન ખરીદવા તમે બહુ પ્રયાસ કરી રહ્યા છો. આ વાત સાચી છે?” હરમને સુરેશ પ્રજાપતિને પહેલો સવાલ પૂછ્યો હતો.

“મિ. હરમન હું બિલ્ડર છું. જમીનો ખરીદવાનો અને તેના પર કન્સ્ટ્રકશન કરવાનો મારો ધંધો છે. ધીરજભાઈની સોસાયટીની જમીન ખુબજ મોકાના સ્થળે આવેલી છે અને વળી પાછી મારા બંગલાને અડીને જ એમની સોસાયટી આવેલી છે. ત્યાં હું મારા બંગલાની વીસ હજાર વાર જગ્યા અને એમની સોસાયટીની વીસ હજાર વાર જગ્યા ભેગી કરીને ત્યાં આલીશાન ફ્લેટો બનાવવા માંગું છું. હું મારા પોતાના માટે કર્ણાવતી કલબની પાછળ મોટો બંગલો બનાવી રહ્યો છું અને આવતા છ મહિના માં ત્યાં રહેવા જવાનો છું. માટે મારા બંગલાની વીસ હજાર વાર જમીન અને ધીરજભાઈની સોસાયટીની વીસ હજાર વાર જમીન ભેગી થાય તો ખુબ મોટો પ્રોજેક્ટ થઇ શકે એમ છે અને બિલ્ડર તરીકે મને તેમજ સોસાયટીના સભ્યોને ખુબ જ ફાયદો થાય એવો છે. પરંતુ ધીરજભાઈ છેલ્લા ત્રણ વર્ષથી જમીન વેચવાની ના પાડી રહ્યા હતા. પરંતુ હું જમીન ખરીદવા માટે એમનું ખૂન કરાવી નાખું એ અસંભવ છે. ધીરજભાઈએ મને મારા બંગલાની જમીન અપાવી હતી અને બોપલમાં મેં મારા ઘણા બધા પ્રોજેક્ટ ભુવન ભરવાડ પાસેથી ખરીદેલી જમીન પર બનાવ્યા છે. ભુવન ભરવાડ પાસે ઓળખાણ પણ મારી ધીરજભાઈએ જ કરાવી હતી. ધીરજભાઈના મારા પર ઘણા ઉપકાર હતા. હું આવું ખૂન જેવું ખરાબ કૃત્ય કોઈને જોડે ક્યારે પણ ના કરી શકું.” સુરેશ પ્રજાપતિએ શાંતિથી પોતાનો જવાબ આપ્યો હતો.

“સુરેશભાઈ, ધીરજભાઈની સોસાયટીની બહાર વાસણો મુકવામાં આવે છે એ વિશે તમે કશું જાણો છો?” હરમને સુરેશ પ્રજાપતિને બીજો સવાલ પૂછ્યો હતો.

“જુઓ હરમનજી, મારી ધર્મપત્ની જ્યોતિને એ સોસાયટીમાં રહેતા મનોરમાબહેને એ સોસાયટીની બહાર કોઈ કટાઈ ગયેલા વાસણો મૂકી જાય છે એવું કહ્યું હતું. પડોશી તરીકે જ્યોતિએ એમની વાત પણ સાંભળી હતી અને એ વાત મને પણ કહી હતી. બસ આનાથી વિશેષ હું કશું જાણતો નથી.” સુરેશ પ્રજાપતિએ વાસણોની બાબતમાં પોતાને ખબર હતી એટલી જાણકારી આપી હતી.

ઇન્સ્પેકટર પરમાર સુરેશ પ્રજાપતિના સ્ટેટમેન્ટને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી રહ્યા હતા.

“સુરેશભાઈ, હવે હું છેલ્લો સવાલ આપને પૂછવા માંગું છું. સવાલ એ છે કે આ બે ફોટા દિવાલ પર કોના છે?’ હરમને બે ફોટા તરફ ઈશારો કરી સુરેશ પ્રજાપતિને કહ્યું હતું.

“બ્લેક કલરના શૂટમાં જે ફોટો છે એ મારા પિતાશ્રી દિનેશ પ્રજાપતિનો ફોટો છે. જે હજી હયાત છે. જે નિવૃત શિક્ષક છે અને બીજા ફોટામાં છે એ મારા ગુરુ ધર્માનંદ સ્વામી છે.” સુરેશ પ્રજાપતિ એ હરમનના સવાલનો જવાબ આપતા કહ્યું હતું.

“આ એજ ધર્માનંદ સ્વામી છે, જેમણે ધીરજભાઈને મારી નાખવાની ધમકી આપી હતી?” હરમને ઉત્સુકતાથી પૂછ્યું હતું.

“હા એજ છે. પરંતુ ગુરુજી ગુસ્સામાં બોલી ગયા હતા. પરંતુ એમનો એવો કોઈ આશય ન હતો. મને એમના ઉપર ખુબજ શ્રધ્ધા છે. આજે હું જે કઈ પણ છું એમના થકી જ છું.” સુરેશ પ્રજાપતિએ ગર્વથી કહ્યું હતું.

“તમારા પિતા દિનેશ પ્રજાપતિ અને મારી વચ્ચે ખુબ સારા સંબધ છે. હું રોજ પરિમલ ગાર્ડનમાં ચાલવા જઉં ત્યારે મને મળે છે. મેં બે-ત્રણવાર આપના માતૃશ્રીના હાથનું ભોજન પણ હું એમના ઘરે જઈને કરી આવ્યો છું. આપના માતા-પિતા બંને ખૂબ માયાળુ છે. પરંતુ છેલ્લા સાત વર્ષના મારી સાથેના સંબધમાં એમણે ક્યારેય તમારો ઉલ્લેખ કર્યો નથી.” હરમને સુરેશ પ્રજાપતિને કહ્યું હતું.

‘મારા પિતા દિનેશભાઈ ખુબજ સિધ્ધાંતવાદી છે અને જમીનો ના ધંધામાં બધુજ સાચું અને સીધું કરવું શક્ય નથી હોતું. અને આ મુદ્દાને લઈને મારે એમની સાથે મતભેદ છે. પરંતુ મારા માતા-પિતા માટે મને ખુબ માન અને પ્રેમ  છે.” સુરેશ પ્રજાપતિએ પિતા સાથેના મતભેદની વાત ટૂંકમાં જણાવી હતી.

“સુરેશભાઈ તમને જો વાંધો ના હોય તો તમારી પત્ની સાથે વાસણોના રહસ્યના બાબતે હું એક-બે સવાલ પૂછવા માંગું છું.” હરમને સુરેશભાઈને પૂછ્યું હતું.

‘હરમનનો સવાલ સાંભળી સુરેશ પ્રજાપતિના મુખ ઉપર અણગમો આવી ગયો હતો. સાથે-સાથે ચિંતાની લકીરો પણ એમના મુખ ઉપર ઉપસી આવી હતી. જેની નોંધ હરમન અને ઇન્સ્પેકટર પરમારે બંનેએ લીધી હતી.

 

ક્રમશ:

 

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ