My mother tongue - Gujarati .. in Gujarati Short Stories by Jas lodariya books and stories PDF | મારી માતૃભાષા - ગુજરાતી..

Featured Books
Categories
Share

મારી માતૃભાષા - ગુજરાતી..

માતૃભાષાનો શાબ્દિક અથૅ ‘મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા’ એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા.

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-ઘેલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

માતૃભાષાએ સંસ્કૃતિનું માઘ્યમ છે. કલા, સાહિત્ય, સંગીતસંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ ૫ામે છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા ૫ણ માતૃભાષામાં જ ત્વરિત અને ગતિશીલ હોય છે.જે બાળક બીજી ભાષાભાષાના માઘ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. તે ગોખેલી માહિતીના આઘારે જ અઘ્યયન કરતો હોવાથી ‘પો૫ટીયુ’ જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાયનક્ષમ વાતચીત કરવાની ગતિ ૫ણ માતૃભાષા જેવી સ્વાભાવિક હોતી નથી. આથી જ માતૃભાષાથી બાળકને વંચિત રાખવો એ ખોટનો ઘંઘો કરવા સમાન છે.

માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગુંથાતી હોય છે. બાળક માટે માતૃભાષા શીખવી હવા, પાણી મેળવવા જેટલી જ સહજ બાબત છે. પરંતુ, જે બાબત માટે કોઈ મૂલ્ય ચૂકવો ન પડે તે બાબત અત્યંત મૂલ્યવાન હોય તો પણ કોડીની લાગે છે, તેના તરફ અવગણના અને ઉપેક્ષા સેવાય છે. તે જ રીતે માતૃભાષા પણ અવગણાઇ રહી છે,તેનું મહત્ત્વ રહ્યું છે.

હાલમાં બાળકો ને અંગ્રેજી માધ્યમમાં ભણાવી માતાપિતા પોતાની માતૃભાષા થી બાળકો ને અલગ કરી રહ્યા છે. અંગ્રેજી શીખવુ ખોટું નથી પરંતુ માતૃભાષા ને ભૂલી જવુ એ પણ યોગ્ય નથી.

અંગ્રેજી માધ્યમમાં ભણાવતા વાલીઓ માટે થોડાક અંશે આ વાત સાચી છે. મારી એક સખીએ પહેલા પોતાના બાળકને અંગ્રેજી મિડિયમમાં મૂકેલો પરંતુ તે બાળકને ભાષા શીખવામાં ખુબ જ મુશ્કેલી પડતી. મેં મારી સખીને તે બાળકને ગુજરાતી મીડીયમમાં ભણાવવા માટે સલાહ આપી. આજે તે બાળકમાં સારૂ એવું પરિણામ જોવા મળ્યું છે.

જો કે એ વાત પણ સાચી કે કેટલાક વાલીઓ માત્ર ને માત્ર દેખાવ અને સ્ટેટ્સ માટે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકે છે. બાકી બાળકની વૈચારિક પ્રક્રિયા માતૃભાષાના શિક્ષણથી જ વિકસે છે.

મેં એક વાત બહુ ધ્યાનપૂર્વક નોંધી છે કે, બે મરાઠીઓ, તામિલો, સિંધીઓ, બંગાળીઓ અને એવાં પરપ્રાન્તીય લોકો ભેગા થાય, ત્યારે તેઓ ગમે તેટલું ફાંકડું અંગ્રેજી જાણતા હોય તો પણ તેમની માતૃભાષામાં જ વાત કરશે, મરાઠીઓને ‘आमची मराठी’ તેમ કહેવામાં ગર્વ થાય છે, જ્યારે આપણે ગુજરાતીઓ આપણી જાતને જાણે અંગ્રેજોનાં વંશજો જ સમજીએ છીએ. એનું માનસશાસ્ત્રીય કારણ એ જ છે કે, મહત્તમ ગુજરાતીઓને અંગ્રેજી ભાષા પર પૂરતો કાબૂ હોતો નથી, એટલે જેટલું પણ આવડે છે, તે પ્રગટ કરીને પોતે અંગ્રેજી જાણે છે.

આજે મોબાઇલ-ચેટિંગનાં યુગમાં જે લોકો અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરીને ગુજરાતી ટાઇપ કરે છે, એ લોકો ભાષાનાં એવાં છબરડાં વાળે છે કે એ વિષયે દાખલા સાથે વિસ્તારમાં લખવું પણ અશિષ્ટ બની જાય. ખેર, ગુજરાતી ભાષા પ્રત્યે પક્ષપાત રાખ્યા વગર એક વાત હું ખુલ્લા દિલે કબૂલું છું કે, પ્રત્યેક ભાષા પોતાનામાં મહાન છે, વ્યક્તિ કરતાં મહાન છે, તે પ્રત્યેકનો વારસો પણ અનન્ય છે,કોઇપણ ભાષાનું અપમાન કે તેની મજાક ન થવા જોઇએ, અને તેથી પણ આગળ કહું તો, નવી પેઢીને શક્ય એટલી વધુ ભાષાઓ શીખવા-જાણવા સતત પ્રેરિત પણ કરવા જોઇએ.

અમને વહાલી ગુજરાતી
છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી
હેમચંદ્રની ગુજરાતી
નરસિંહ મીરાંની ગુજરાતી
વીર નર્મદની ગુજરાતી
ગાંધીગીરા છે ગુજરાતી
સહુ કોઇની ગુજરાતી

ધન્ય ધન્ય છે ગુજરાતી. મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!

મારી માતૃભાષા ને વંદન..... 🙏🙏