Examination of women in Gujarati Moral Stories by Rakesh Thakkar books and stories PDF | નારીની પરીક્ષા

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

નારીની પરીક્ષા

નારીની પરીક્ષા

-રાકેશ ઠક્કર

મેં ઘણી નારીઓના સંઘર્ષની વાતો વાંચી છે પણ મારી સોસાયટીમાં સામેના જ ફ્લેટમાં રહેતા એક મહિલાના સંઘર્ષને સગી આંખે જોયો ત્યારે એવી બધી જ નારીઓને સલામ કરવાનું મન થાય કે જે કપરા સંજોગોમાંથી પસાર થઇને પોતાના અને પરિવારના જીવનને નંદનવન બનાવી દે છે. સોસાયટી બની ત્યારથી જ એ રહેવા આવ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના એ પરિવારમાં કુલ પાંચ જણ હતા. પતિ-પત્ની અને એમના ત્રણ બાળકો. બે પુત્ર અને એક પુત્રીમાં એક પુત્રને પગમાં ખોડ હોવા સાથે હ્રદયની બીમારી હતી. અપંગ પુત્રને શાળાએ લેવા-મૂકવા જેવી પ્રવૃત્તિ તો બધાંને દેખાતી હતી પણ ઘરમાં એનો સહારો બનવા એ મહિલા કેટલું કામ કરતી હતી એ હું જોતો હતો. બીજી તરફ એમના પતિને પહેલાં કિડનીની અને પછી બીજી કેટલીક બીમારીઓ થઇ. એમની સારવાર માટે સતત દોડવું પડતું હતું. ક્યારેક મુંબઇ તો ક્યારેક નડિયાદ સુધી જવું પડતું હતું. જ્યારે પતિની બંને કિડની કામ કરતી બંધ થઇ ગઇ ત્યારે એમણે પોતાની એક કિડનીનું દાન કરીને પતિનો જીવ બચાવી લીધો. હવે બંને વધારે મહેનતનું કામ કરી શકતા ન હતા. પતિને એક જાણીતી કંપનીમાં મેનેજરની નોકરી હતી એટલે આર્થિક રીતે ખાસ સમસ્યા ન હતી.

એમને પહેલો આઘાત પુત્રના મૃત્યુના રૂપમાં સહન કરવાનો આવ્યો. પુત્રની હ્રદયની બીમારી એવી વકરી કે એનો જીવ બચી ના શક્યો. 'મા તે મા બીજા બધા વગડાના વા' એમ ખોટું કહેવાયું નથી. ઘણા લોકોએ એમના પ્રત્યેની દયાથી કદાચ એમ કહ્યું હશે કે બિચારી છૂટી ગઇ. છોકરાની પાછળ રાત દહાડો દોડતી હતી. છોકરો પણ હેરાન થતો હતો. ત્યારે એ મહિલા પોતાના પુત્રના શોકમાં એક અઠવાડિયા સુધી જમી ન હતી. એ એનો કાળજાનો કટકો હતો. એક મહિના સુધી એમની આંખના આંસુ સુકાયા ન હતા.

કુદરત એમના પર રુઠી હોય એમ થોડા જ મહિનામાં પતિની કંપની ફડચામાં ગઇ અને બધાંને સ્વેચ્છાએ રાજીનામું આપવાનું કહી દેવામાં આવ્યું. નિવૃત્તિના જે કંઇ રૂપિયા આવ્યા એમાંથી એમણે એક દુકાન લઇ લીધી. દરમ્યાનમાં કોરોનાની બીમારીએ વિશ્વમાં પગપેસારો કર્યો અને એમના બારણા સુધી આવી ગઇ. એમની આફતોમાં વધારો જ થઇ રહ્યો હતો. એમના પતિ આમ પણ બીમાર રહેતા હતા. લાખ કાળજી લેતા હોવા છતાં કોરોનાએ એમને ઝપટમાં લઇ લીધા. ભગવાને એમની પરીક્ષા લેવાનું નક્કી કરી લીધું હોય એમ એવા સમયમાં પતિને કોરોના થયો જ્યારે હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાતી હતી. મહામુશ્કેલીએ એક બેડ મળ્યો પણ શરીરમાં ઘર કરી ગયેલી ગંભીર બીમારીઓને કારણે એમની સ્થિતિ સતત વકરતી ગઇ. રેમેડેસિવર ઇન્જેક્શન માટે એ મહિલા ચાળીશ કિલોમીટર દૂરની સરકારી સીવીલ હોસ્પિટલમાં સ્કૂટી લઇને ગઇ હતી. એમની લાખ કોશિષ પછી પણ પતિ બચી શક્યા નહીં.

પુત્રના મોતનો ઘા તાજો હતો ત્યાં પતિના મૃત્યુએ માથા પરનો સહારો જ છીનવી લીધો. એમના પર તો જાણે વીજળી પડી. મેં એમને એક અઠવાડિયા સુધી પતિના દુ:ખમાં રડતાં જોયા હતા. પણ અમે બધાએ એમને કહ્યું કે પુત્ર અને પુત્રીના ભવિષ્યને ધ્યાને લઇને તમારે માનસિક અને શારિરીક રીતે મજબૂત બનવું પડશે. સંતાનો પણ પિતાના મૃત્યુના શોકમાં ડૂબી ગયા હતા. કોઇપણના દિલને હચમચાવી જાય એવી કરુણાંતિકા ઘરમાં સર્જાઇ હતી. બે અઠવાડિયા પછી એ સ્વસ્થ થયા. એમણે પહેલાં બાળકોના અભ્યાસને નિયમિત કર્યો અને પતિએ લઇ રાખેલી દુકાનમાં મહિલાઓના વસ્ત્રોનો ધંધો શરૂ કરી દીધો. ધીમે ધીમે ધંધો સારો ચાલવા લાગ્યો છે અને એ પગભર થઇ શક્યા છે. જીવન થાળે પડી ગયું છે. એ મહિલાને સવારે પાંચ વાગે ઊઠીને રાત્રે અગિયાર વાગ્યા સુધી ઘર, બાળકો અને ધંધા માટે હસતાં- હસતાં દોડધામ કરતાં આજે પણ જોઉં છું ત્યારે નારીશક્તિનીં હિંમત અને આત્મવિશ્વાસનો ખ્યાલ આવે છે. નારી કોઇપણ રૂપમાં પ્રેરણામૂર્તિ બની રહે છે. મને લાગે છે કે આ નારી એટલી મજબૂત છે કે હવે કુદરત એની પરીક્ષા લઇને કંટાળી હશે. એ કોઇપણ સંજોગોનો સામનો કરવા તત્પર રહે છે.