Akupar - Drama Review in Gujarati Anything by Vipul Koradiya books and stories PDF | અકૂપાર - નાટક રિવ્યુ

Featured Books
Categories
Share

અકૂપાર - નાટક રિવ્યુ

#akupar
#નાટક_અકૂપાર
#અકૂપાર_નવલકથા

'અકૂપાર' એ શબ્દ જ આપણને જીજ્ઞાસાપ્રેરે એવો છે. લેખક ધ્રુવ ભટ્ટ લિખિત અકૂપાર નવલકથા ગીર, ગીરવાસી અને ગીરના સજીવોનું સહજીવન આલેખતી અદભુત નવલકથા છે. ચાર પાંચ મહિના પહેલા આ અકૂપાર નવલકથા વાંચી અને ખૂબ જ અભિભૂત થયો. આ નવલકથા વાંચ્યા પછી ખરેખર આપણને એમ થાય કે આ વિકાસ પાછળની આપણી આંધળી દોટ એ સાવ પોકળ છે; નર્યા પાણીના પરપોટા છે. આમને આમ વિકાસ કરીને આખરે માણસને મેળવવાનું છે શું ?

ખરેખર જોઈએ તો ભૌતિક રીતે અનેક અસુવિધાઓ અને અગવડતા વચ્ચે જીવનારો આ ગીરનો માનવી અથવા કહો ને ભારતના કોઈપણ અંતરિયાળ ગ્રામીણ પ્રદેશમાં રહેતો માનવી દોમદોમ ભૌતિક સુખ-સાહેબીમાં મ્હાલતા માનવી કરતા અનેક ગણો સુખી હશે. કુદરત સાથેનું સહજીવન એને પરમ સુખ આપે છે, એટલું જ નહીં તેને પરમ ચૈતન્ય સાથે જોડી રાખે છે. અભણ ગણાતી એ પ્રજામાં રહેલી માનવતા, નિર્મળતા, પવિત્રતા, નિર્ભયતા, સહાનુભૂતિ અનુકંપા જેવા ગુણો એને ફક્ત માનવીને માનવી સાથે જોડવા પૂરતા જ નહીં પરંતુ માનવીને પ્રકૃતિના સજીવ-નિર્જીવ તમામ તત્વો સાથે અતૂટ નાતે જોડી રાખે છે. મને તો આ જ જીવનની સાર્થકતા લાગે છે.

નવલકથાના પાત્રો સાસાઈ, આઈમાઁ, ધાનુ વગેરેની વાણીમાં, વર્તનમાં અને કહો ને સમગ્ર જીવનમાં જાણે પ્રકૃતિ એકાકાર થઈ ગઈ છે. એને મન પ્રકૃતિ સાથેનું સહજીવન એ જ જીવન; બાકીનું જીવન વ્યર્થ. કોઈપણ પુસ્તક પ્રેમીને આ નવલકથા ચોક્કસ આકર્ષે છે. દરેક પ્રકરણ-પ્રકરણે આપણી ઉત્કંઠાઓ જગાડે છે. લેખક ધ્રુવ ભટ્ટે અદભુત અને અમર સંવાદો મૂક્યા છે. અજબ સૃષ્ટિ સર્જન અને તેનું સહજીવન દર્શાવ્યું છે. આમ પણ ધ્રુવ ભટ્ટની ઘણી ખરી નવલકથાઓ પ્રકૃતિ સાથેના સહજીવન આસપાસ વણાયેલી જોવા મળે છે; જેમાં સમુદ્રાન્તિકે, અકુપાર, તત્વમસિ વગેરે મુખ્ય છે.

આજે અકુપાર વિશે એટલા માટે લખવાનું મન થયું કેમકે ગઈકાલે 25 જૂન 2022 ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીઅમમાં ધ્રુવ ભટ્ટ લિખિત અદિતી દેસાઇ દિગ્દર્શન અને RJદેવકી અને એમની ટીમ દ્વારા અભિનીત નાટક અકૂપાર ભાવેણાના આંગણે આવ્યું અને એનો લાવો મને મળ્યો. અદભુત નાટક. સાહેબ, કલાકારોએ પોતાનો જીવ રેડીને જાણે અકૂપાર નવલકથા ને જીવતી કરી હોય એવું લાગે. એક-એક દૃશ્ય તમને જકડી રાખે. પેટ પકડીને હસાવે અને આંખમાંથી આંસુઓ પણ વહાવે. અદભુત સંવાદો, બેમિસાલ અભિનય નવલકથાના પાત્રો જાણે નવલકથામાંથી બહાર આવી અને સ્ટેજ ઉપર નાચતા હોય એવા તમે અભિભૂત થઈ જાવ. કદાચ કોઈ પણ કલાપ્રેમી આ નાટક બીજી વખત નિહાળવાની ઇચ્છા ન કરે તો જ નવાઈ. સલામ છે એમની આખી ટીમને. RJદેવકી તો આ નાટક થકી જ જાણીતા છે. એટલે RJદેવકી એટલે અકૂપાર અને અકૂપાર એટલે RJદેવકી એટલું તો એમનું દમદાર પાત્ર છે. આઈમાઁનું પાત્ર રક્ષાબેન નાયક જેવા વયોવૃદ્ધ અભિનેત્રી કહોને દાદીમાએ દમદાર રીતે ભજવ્યું. એમના અભિનયથી પાત્ર ખૂબ જાજરમાન રીતે ઉભરી આવ્યું. કદાચ આ પાત્ર માટે રક્ષાબેન નાયકનો કોઈ વિકલ્પ શોધવો જ અશક્ય છે. એમના અભિનયને જોઈને લાગે વૃદ્ધત્વ માત્ર શરીરને આવે એની કોઈ કલાકારની કલાને નહિ. ધાનુનું પાત્ર પણ એકદમ ભોળાભાળા ગીરવાસી તરીકે સરસ નિભાવ્યું છે. તે પોતાના કરતા આ ગીરની વધુ ચિંતા કરે છે. વિદેશી ભાષા ન જાણવા છતાં તે વિદેશી દોરોથીનું કેટલું સન્માન અને આદરપૂર્વક રક્ષણ અને (ગાઈડ તરીકે) માર્ગદર્શન કરે છે.લાજોનું પાત્ર જે પોતાની વ્હાલી ગાય ગિરવાણનું સિંહણો મારણ કરે છે ત્યારે પણ સિંહણોને આશીર્વાદ આપે છે કે તમારું ને તમારા બચ્ચાનું પેટ ઠરજો. જાવ માનજો કે મેં તમને ગિરવણ દાનમાં દીધી.આ પાત્રમાંથી લાચારી નહિ પણ દાતારી સ્પષ્ટ ઉભરી આવી છે અભિનયમાં. ચિત્રકારનું પાત્ર જાણે આખા નાટકના પ્રવાહને દોરી જતું હોય એવું લાગે. એ પાત્ર જાણે આ બધા પાત્રોને કે દ્રશ્યોને એકત્ર કરતી કડી.

નાટકની ખાસિયત તો જુઓ કે નાટકના મોટાભાગના પાત્રો જે ગીર, ગીરની બોલી, ગ્રામીણ પરિવેશ, તળપદી ભાષાથી પરિચિત પણ નથી. અરે ખૂદ દિગ્દર્શક અદિતિ દેસાઈ (RJ દેવકીના માતા) પોતે અંગ્રેજી લિટરેચર ભણેલા છે. ને છતાં ખૂબ મહેનતે આખું નાટક સંઘેડા ઘાટ ઉતાર્યું. જાણે એમ જ લાગે ગીરના લોકોને જ આ પાત્રમાં લીધા હોય સ્ટેજ પર. અદિતિ દેસાઈની કલાસુજ પણ અદ્ભૂત છે. નવલકથાની ઘટનાઓને તાદ્રશ્ય રંગમંચ પર બખૂબી ઉતારી છે. અરે તાદ્રશ્યથી પણ બે ડગલાં આગળ કહું તો અતિશયોક્તિ નથી. દર્શકોની તાસીર પારખું અદિતિબેન દેસાઈએ દ્રશ્યોને દર્શકોના હૃદય સુધી પહોચાડ્યા છે. એક ઉદાહરણ આપું તો લાજોની ગિરવાણ ગાયને ત્રણ સિંહણો ફાડી ખાય છે તે પછી એ ગાય સાથેનું એનું તાદાત્મ્ય કેટલું અદમ્ય હશે તે દર્શાવવા, લોકોના હૃદય સુધી એ ભાવોને પહોંચાડવા ગીરની સ્ત્રીઓ એકઠી થઈને ગિરવાણ માટે મરશિયા ગાય છે. આ ઘટના મૂળ નવલકથામાં નથી, પણ ધ્રુવ દાદા પણ એનો નકારી ન શકે એટલું ભાવભીનું દ્રશ્ય ખડું કર્યું છે.

કોઈ નવલકથા તમારી સામે જીવંત થઈ હોય તો કેટલી મજા આવી!! જાણે કલ્પનાનાં પ્રદેશમાં તમે પ્રવેશ કર્યો હોય એવું લાગે અને આ પ્રદેશમાં ગઈકાલે લટાર મારી તરબતર થઈ ગયો. આ નાટકના ત્રણ કલાક દરમિયાન જાણે તમે ગીરની વચ્ચે પહોંચી ગયા હો એવી અનુભતી થાય. મને મજા (હરખ) તો એ વાતની છે કે આ મુખ્ય ભૂમિકા ભજવનાર rj દેવકીબહેન સાથે એક સેલ્ફી લેવાનો પણ મોકો મળી ગયો માટે આ યાદગાર પળો બની ગયો અને એ યાદગાર પળોને અહીં આપ સૌ વચ્ચે મૂકું છું. આપ પણ ચોક્કસ નાટક ક્યાંય પણ ભજવાય તો ચોક્કસ જોવા જજો. આભાર આભાર આભાર. આભાર ધ્રુવ ભટ્ટ, આભાર અદિતિ બહેન દેસાઈ, આભાર RJ દેવકીબહેન, આભાર ટીમ અકૂપાર અને આભાર રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ, ભાવનગર કે જેમણે ભાવેણાની કલાપ્રિય જનતાને આવો સોનેરી અવસર પ્રદાન કર્યો. 🙏

-- કોરડિયા વિપુલ 'માનવ'