ભેદભરમ
ભાગ-14
ખૂન કરવાનો હેતુ
ફોરેન્સીક ટીમે ઘટનાસ્થળે આવી ધીરજભાઇના રૂમમાં તેમજ આખા ઘરમાંથી ફીંગરપ્રિન્ટ તેમજ ધીરજભાઇની લાશ પાસે મળેલી અમુક નાની વસ્તુઓ જેવી કે વાળ, માઉથ ઇન્હેલર, ધીરજભાઇના પગના મોજા જેવી વસ્તુઓ પુરાવા તેમજ એ વસ્તુમાં રહેલ વ્યક્તિના DNAને જાણવા માટે અલગ-અલગ પ્લાસ્ટિક બેગમાં લઇ લીધી હતી.
ધીરજભાઇના મૃતદેહના જુદા-જુદા એન્ગલથી ફોટોગ્રાફ પાડી એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ત્રણ કલાક ચાલેલી આ આખી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન એકબીજા જોડે વાત કરવાનું ટાળી રહ્યા હતાં.
પ્રેયસ અને એમના કેટલાંક સગા ધીરજભાઇના પત્ની સુધાબેનને સાંત્વના આપી રહ્યા હતાં.
હવાલદાર જોરાવરે ઘટનાસ્થળ પર ઉપસ્થિત દરેક લોકોના બયાન લઇ એમને જવા દીધા હતાં. ધીરજભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ ઇન્સ્પેક્ટર પરમાર પણ ઘટનાસ્થળેથી નીકળી ગયા હતાં.
પોસ્ટમોર્ટમનો રીપોર્ટ કાલે આવે ત્યાં સુધી હવે રાહ જોવાની હતી. હરમનના મનમાં કેટલાંક પ્રશ્નો ચાલી રહ્યા હતાં જેનો જવાબ એને પ્રેયસ પાસેથી આજે જ જોઇતો હતો અને એટલે હરમને ઇશારો કરી પ્રેયસને બંગલાના વરંડામાં બોલાવ્યો હતો.
"પ્રેયસ, તું ધીરજભાઇના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે ખૂબ આગ્રહ કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે તને પૂરો વિશ્વાસ છે કે એમનું કુદરતી મૃત્યુ થયું નથી પરંતુ ખૂન થયું છે અને એટલે જ તે મને આ કેસમાં એપોઇન્ટ કર્યો છે. મારી આ શંકા સાચી છે?" હરમને પ્રેયસને પૂછ્યું હતું.
પ્રેયસ થોડીવાર ચૂપ રહ્યો, પછી એણે હરમનને કહ્યું હતું.
"હા, તમારી વાત બિલકુલ સાચી છે. મને ચોક્કસ એવું લાગે છે કે એમનું ખૂન થયું છે અને મારા આ વિશ્વાસ પાછળ કેટલાંક કારણો છે જે હું તમને કહું છું. બરાબર એક મહિના પહેલા ધીરજકાકાએ એક હોસ્પિટલમાં એમનું સંપૂર્ણ બોડી ચેક-અપ કરાવ્યું હતું. એ વખતે બધાં જ રીપોર્ટ સંપૂર્ણ નોર્મલ આવ્યા હતાં. એમનો ડાયાબિટીસ ખૂબ કંટ્રોલમાં હતો અને બ્લડપ્રેશર જ્યારે પણ માપવામાં આવે ત્યારે નોર્મલ રહેતું હતું. માટે એક મહિનામાં કદાચ કોઇ તકલીફ થાય પણ ખરી તો એ મૃત્યુ પામે એટલી ના થઇ શકે, એવું હું માનુ છું અને એટલે એમનું ખૂન થયું છે એવું હું માનવા મજબુર છું." પ્રેયસે હરમનને પહેલું કારણ આપતા કહ્યું હતું.
"હા... ઘણીવાર એવું પણ બનતું હોય છે કે નોર્મલ માણસને પણ રાત્રિના ઊંઘમાં હાર્ટએટેક આવી શકે છે. પરંતુ આના સિવાય બીજું કારણ શું છે?" હરમને પ્રેયસની વાતને આગળ વધારવા પૂછ્યું હતું.
"હરમનભાઇ, મને જે બીજું કારણ લાગે છે એ એવું છે કે કાલે સાંજે આપ અહીંથી ગયા એના બે કલાક પછી એટલે કે રાત્રિના નવ વાગે પાર્ટી શરૂ થઇ હતી. ક્લબ હાઉસની અંદર બધાં આમંત્રિત મહેમાનો આવ્યા હતાં. પાર્ટી રાત્રિના એક વાગ્યા સુધી ચાલતી હોય છે, પરંતુ ધીરજકાકા રાત્રિના અગિયાર વાગે પાર્ટી છોડીને ઘરે પરત આવી ગયા હતાં. હું પણ એમની જોડે પાર્ટી છોડી પાછો આવવા માંગતો હતો. પરંતુ મહેમાનોને પાર્ટીમાં એકલા છોડી મારું પણ નીકળી જવાનું ધીરજકાકાને યોગ્ય ના લાગ્યું અને એટલે ધીરજકાકાએ મને પાર્ટીમાં જ રોકાવવાનું કહ્યું અને એ એકલા જ ઘરે પરત આવી ગયા હતાં. કાલે આખા દિવસ દરમ્યાન વાસણોની બાબતમાં ચાલેલી પૂછપરછના કારણે તેઓ થાકી ગયા હતાં એટલે એ જલ્દી સુવા માંગતા હતાં એવું એમણે મને જણાવ્યું હતું. એ પછી એ ઘરમાં આવ્યા અને શું થયું એની મને ખબર નથી. હું રાત્રે દોઢ વાગે ઘરમાં આવ્યો હતો. મેં મારી પાસે રહેલી ચાવીથી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો. દરવાજો મેં બરાબર બંધ કર્યો અને મારા રૂમમાં જઇને સુઇ ગયો હતો. કાકા ને કાકી વર્ષોથી અલગ સુઇ જાય છે. કાકીનો રૂમ એમના રૂમને બરાબર અડીને છે. જો કાકાને કશુંક થયું હોત તો કાકાએ બેલ માર્યો હોત. જે બેલ સીધો કાકીના રૂમમાં વાગે એવી રીતે ફીટ કરાવેલો છે. પરંતુ કાકાએ બેલ નહોતો માર્યો એવું કાકીનું કહેવું છે. આ બધાં કારણોને ચકાસતા મને એવું લાગ્યું કે રાત્રિના સુતી વખત સુધી કાકા ખુશ હતાં અને કોઇ તકલીફ ન હતી. તો છ કલાકમાં અચાનક એમને શું થઇ ગયું? હું એ વાત પણ સમજુ છું કે હાર્ટએટેક નોર્મલ માણસને પણ અચાનક આવે અને ઘણાંને રાત્રિના ઊંઘમાં પણ આવી શકે. પરંતુ અમારા ફેમિલીમાં કોઇને પણ હાર્ટ રીલેટેડ બિમારી ક્યારેય થઇ નથી અને મારી માન્યતાના કારણે કાકાને હાર્ટએટેક આવે અને એ પણ કુદરતી રીતે એ માનવા મારું મન તૈયાર થતું નથી અને આ બધી વાતો ઉપરાંત કાકાએ મને કહેલી સ્પષ્ટ વાત જે વાત એમણે ચિઠ્ઠીમાં પણ લખેલી છે કે કોઇપણ સંજોગોમાં એમનું મૃત્યુ થાય તો એમનું પોસ્ટમોર્ટમ કરાવવું. કાકાની આ વાતનો મતલબ એવો થાય છે કે કાકાને પણ શંકા હતી કે કોઇ એમનું ખૂન કરી શકે છે અને મેં તમને જે દલીલો આપી એ દલીલો પરથી મને તો વિશ્વાસ જ છે કે કાકાનું મૃત્યુ કુદરતી ચોક્કસ થયું નથી." પ્રેયસે પોતાના મનમાં રહેલી બધી જ દલીલો અને શંકાઓ હરમનને કહી દીધી હતી.
પ્રેયસની વાત સાંભળી હરમન એની આખી વાતના તારને જોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
"પ્રેયસ, એક મિનિટ માટે તારી વાત હું માની લઉં કે એમનું ખૂન થયું છે અને મને પોતાને પણ લાગે છે કે એમનું ખૂન થયું છે. પરંતુ કોઇનું ખૂન કરવા માટે ખૂની પાસે હેતુ હોવો જોઇએ. ધીરજભાઇનું ખૂન કરવાથી કોને ફાયદો થઇ શકે અને ધીરજભાઇ જેવા રીટાયર્ડ પોલીસ અધિકારીનું ખૂન કરી કોઇ હાથેકરી પોતાની જાનનો દુશ્મન શું કરવા બને? આ સવાલ મારા મનમાં ઊભો થાય છે." હરમને પ્રેયસ સામે જોઇ કહ્યું હતું.
"હરમનભાઇ, ધીરજકાકાનું જો ખૂન થયું છે તો એ કોણે કર્યું છે એ કહેવું ખૂબ અઘરું છે. પરંતુ સોસાયટીના દરેક સભ્યથી લઇ બિલ્ડર સુરેશ પ્રજાપતિ આ બધાં પાસે મારા કાકાનું ખૂન કરવા માટે પર્યાપ્ત કારણો છે. સોસાયટીવાળા જે રીતે બહારથી સારી સારી વાતો કરે છે પરંતુ અંદરથી બધાં કાકા ઉપર રોષે ભરાયેલા હતાં. જેમકે કાકાએ આ વીસ હજાર વાર પ્લોટમાં આખી સોસાયટી બનાવી પરંતુ અમારા સિવાયના ત્રણ બંગલાવાળાને એમણે એક-એક હજાર વાર જ જમીન વેચી છે. ટૂંકમાં કહીએ તો ટોટલ વીસ હજાર વારમાંથી એ ત્રણે જણ પોતાના બંગલાના એક હજાર ચોરસવાર પ્લોટના જ માલિક છે. જ્યારે એ લોકો સોસાયટીના સભ્ય તરીકે ટોટલ વીસ હજાર વારમાં દરેક જણ પોતાનો પાંચ-પાંચ હજાર વાર જગ્યાનો ભાગ માંગી રહ્યા છે. પરંતુ કાકાએ ખૂબ હોંશિયારીથી એ લોકો પાસે એક હજાર વાર જગ્યાના જ પૈસા લીધા અને સોસાયટીના બાકી જગ્યામાં એ લોકોનો અધિકાર રહેશે નહિ એવું સ્પષ્ટપણે દસ્તાવેજમાં લખાવેલું છે અને એ બધાંએ પણ એ વખતે સમજી વિચારીને એક હજાર વાર જ જગ્યા ખરીદી છે અને એટલા જ રૂપિયા કાકાને ચૂકવ્યા છે. માટે લીગલી એ લોકો બીજી જમીન ઉપર હક કરી શકે એમ છે નહિ. પરંતુ બિલ્ડર સુરેશ પ્રજાપતિએ એ લોકોને એવી લાલચ આપી રાખી છે કે જો એ જમીન લેશે તો દરેકને પાંચ હજાર વાર પ્રમાણે પૈસા આપશે. માટે દરેકના મનમાં આ લાલચ છેલ્લા એક વર્ષમાં આવી ગઇ છે. જ્યારે આજની તારીખમાં આ જમીનની કિંમત એંશી કરોડ રૂપિયા થાય. એટલે બિલ્ડર સુરેશ પ્રજાપતિ આ જમીન ખરીદે તો દરેકના ભાગે વીસ કરોડ રૂપિયા આવે અને જો પોતાનો જ એક હજાર વાર પ્લોટ વેચે તો માત્ર ચાર કરોડ રૂપિયા જ આવે. હવે મારી વાત સાંભળી તમે પોતે સમજી શકો એમ છો કે સોસાયટીના દરેક સભ્ય તેમજ સુરેશ પ્રજાપતિ જેવા બિલ્ડર દરેક પાસે મારા કાકાની હત્યા કરી આખી જગ્યા વેચવાનો પ્લાન દરેકના મગજમાં ચાલી રહ્યો છે. એ બધાં એવું માની રહ્યા છે કે ધીરજભાઇના ગયા પછી પ્રેયસને અને સુધાબેનને ચૂપ કરીને બેસાડી શકાશે અને અમે લોકો કશું કરી શકીશું નહિ. માટે મારા કાકાનું ખૂન થયું હોય એનો હેતુ મને જે લાગે છે એ તમને મેં સ્પષ્ટ જણાવ્યો છે." પ્રેયસે હરમન સામે જોઇ જમીનની કિંમતની ગણતરી સાથે ખૂન થવા પાછળનું કારણ કહ્યું હતું.
ક્રમશઃ
(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)