MOJISTAN - 96 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 96

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 96

મોજીસ્તાન (96)

હુકમચંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પછી તરત જ હુકમચંદ જીવિત મળી આવ્યો છે એ સમાચાર વાયુવેગે આખા પંથકમાં ફેલાઈ ગયા.ધારાસભ્ય ધરમશી ધંધુકિયા તરત જ ધસી આવ્યા હતા.હુકમચંદને પોલીસ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી પણ હુકમચંદે 'મને કંઈ જ ખબર નથી.મને કંઈ યાદ નથી.' નું રટણ ચાલુ રાખ્યું.ધરમશીએ એને વધુ હેરાન કરવાની ના પાડી એટલે કેસ બંધ કરવામાં આવ્યો.એટલે હુકમચંદનું અપહરણ એક રહસ્ય બનીને રહી ગયું.

રણછોડને પશવાએ ખુમાનસંગનો ફોન આવ્યો હોવાની વાત કરી હતી.પણ એને પોલીસે ઉઠાવી લીધો હોવાથી તપાસનો રેલો રણછોડ સુધી આવ્યો હતો.નાથુ અને જોરાવરને ખુમાનસંગ પાછળ લગાવવામાં આવ્યા હતા પણ ચાલાક ખુમાનસંગ નાસી ગયો હતો. પોલીસ વધુ તપાસ કરે એ પહેલાં હુકમચંદે જીવ પર આવીને ખુમાનસંગને પતાવી દીધો હતો. ગોડાઉનના શટર પાસે બેભાન થઈને ઢળી પડેલા હુકમચંદને રવિ અને સંજયે હોસ્પિટલ ભેગો કર્યો હતો. ત્યારબાદ એ બંને ત્યાં પરત ફર્યા ત્યારે ખુમાનસંગની લાશ જોઈને ગભરાયા હતા.એ ગોડાઉન રણછોડનું જ હતું એટલે રવિ આખી વાત સમજ્યો હતો.તરત જ એણે રણછોડને ફોન કરીને ગોડાઉન પર બોલાવી લીધો હતો.

રણછોડે ખુમાનસંગની લાશનો નિકાલ કરાવીને ગોડાઉન સાફ કરાવી નાખ્યું હતું. પોલીસને હજી કોઈ ઠોસ સબુત હાથ લાગે એ પહેલાં હુકમચંદ મળી આવ્યો અને ધરમશીના કહેવાથી તપાસ પર પૂર્ણ વિરામ મુકાયું હતું.

આ બધું બહુ ઝડપથી બન્યું હતું.રવીએ ગોડાઉનમાં પડેલી ખુમાનસંગની લાશના ફોટા પાડી લીધા હતા અને રણછોડે એની લાશ ઠેકાણે પાડી એનું શૂટિંગ પણ ખૂબ જ ચુપકીદીથી ઉતારી લીધું હતું.દીકરો ઉઠીને બાપને બ્લેકમેલ કરવા માંગતો નહોતો પણ જો રણછોડ હુકમચંદ સાથે સમાધાન કરવાની હા-ના કરે તો એ બધા પુરાવા કામ આવી શકશે એવું રવીએ વિચાર્યું હતું.

થોડા દિવસો પછી ખુમાનસંગ ગુમ થયો હોવાની ફરિયાદ બરવાળા પોલીસ સ્ટેશનમાં લખાવવામાં આવી ત્યારે વળી એક નવો ફણગો ફૂટ્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર રાજાણીને આ ખુમાનસંગ પર પહેલેથી જ શંકા પડી હતી.એ રણછોડના સંપર્કમાં હતો એવી લિંક મળી હતી. પશવાના ફોનમાં ખુમાનસંગના ફોન આવતા હતા.રાજાણીએ ધાર્યું હોત તો એ ચોક્કસ રણછોડને ફિટ કરી શકે એમ હતો પણ ખોંગ્રેસ પક્ષનું દબાણ આવવાથી આખી વાતમાં પુળો મુકાઈ ગયો હતો.આમેય ખુમાનસંગ જેવા હરામખોર માણસની તપાસ કરવાનો સમય પોલીસ પાસે નહોતો.

થોડા દિવસો પછી બધું થાળે પડ્યું હતું. હુકમચંદ પોતાના હાથમાંથી છટકી ગયો એ જાણીને રણછોડ ગભરાયો હતો.પણ ઘેર આવી ગયેલા હુકમચંદે આ બાબતમાં મૌન સેવી લીધું છે એવું એને જાણવા મળ્યું ત્યારે હુકમચંદ શા માટે મૌન સેવી રહ્યો છે એ અંગે એને શંકાઓ જાગી હતી. કદાચ હુકમચંદ એની રીતે બદલો લેવા માંગતો હોય તો એને સાવધ રહેવું જરૂરી હતું.

'હુકમો સાલો હુમલો તો કરશે જ.ખુમાનસંગને એણે કેવી રીતે માર્યો એ સમજાતું નથી. ડફોળ જેવો ખુમલો સાલો આ લબાડના હાથે મર્યો ન હોય. નક્કી કોઈ એને છોડાવી ગયું હોવું જોઈએ.મારે સાવચેત રહેવું પડશે,ગમે ત્યારે આ હુકમો વેર વાળ્યા વગર રહેશે નહીં.સાલો ચમન ચાંચપરો પણ ધરમશીના ખોળે બેસી ગયો છે.'

રણછોડને ટેંશન આવી ગયું હતું. રવિ એ બધું જોઈ રહ્યો હતો. પિતાને સતત વિચારોમાં ખોવાયેલા જોઈ મનોમન એ ખુશ થતો હતો કારણ કે રવિને એ જ જોઈતું હતું.આખરે થોડા દિવસો પછી રવિએ રણછોડને કહ્યું,

"પિતાજી એક વાત કહેવી છે."

રણછોડે ચમકીને રવિ સામે જોયું.રવિ એકદમ ગંભીર હતો.

"શું છે ?" રણછોડ હમણાં હમણાંથી વડકે ચડ્યો હતો.

"મને એવા સમાચાર મળ્યા છે કે પોલીસને કેટલાક પુરાવા હાથ લાગ્યા છે.ખુમાનસંગની લાશ મળી આવી છે.પોલીસના કુતરાઓ આપણા ગોડાઉન સુધી આંટા મારી ગયા છે,બરવાળા પોલીસમાં મારા એક બે મિત્રો છે એણે મને ખાનગીમાં કહ્યું છે કે તારા પપ્પાનું નામ ચર્ચામાં છે.એ લોકોને એવી પાક્કી માહિતી અને સબુત મળેલા છે કે ખુમાનસંગનું ખૂન તમારા ગોડાઉનમાં જ થયું છે અને હુકમચંદજીને એ ગોડાઉનમાં જ કેદ કરવામાં આવ્યા હતા.બે કોન્સ્ટેબલ નાથુ અને જોરાવરે ખુમાનસંગનો પીછો કર્યો હતો એ જ દિવસે એનું મોત થયું હતું ત્યાં સુધીની માહિતી ખુલી છે.તો આમાં વહેલું મોડું તમારું આવી બનવાની પુરી શક્યતાઓ છે.કહે છે કે હુકમચંદજી પોતાને કંઈ યાદ નથી એવું કહે છે એ સાવ ખોટું છે.હકીકતમાં ધરમશીભાઈને એમણે બધી જ વાત કરી છે અને એ લોકો હવે તમારા ગળાના માપનો મજબૂત ગાળિયો કસી રહ્યા છે.કારણ કે તમને હવે કોઈ રાજકીય પીઠબળ મળે એવું રહ્યું નથી.ચમનકાકા પણ તમારાથી અંતર રાખે છે.તો તમે હવે સાવચેત રહેજો.આમ તો જેલમાં જવાની તૈયારી રાખજો જ પપ્પા, ગમે તેટલી ચાલાકી કરો તો પણ ક્રાઈમ તમને છોડશે નહિ"

રવિની વાત સાંભળીને રણછોડ મુંજવણમાં પડી ગયો.પોતાનો દીકરો આટલું બધું જાણી લાવ્યો છે એ જોઈ એને થોડી રાહત થઈ.જે દિવસે ખુમાનસંગનું ખૂન થઈ ગયું તે દિવસથી એ ખૂબ જ ટેંશનમાં આવી ગયો હતો.કેટલું કેટલું એણે વિચારવું પડ્યું હતું. ક્યાંય કચાશ ન રહી જાય એ માટે એણે ખૂબ મહેનત કરી હતી. રવિ અને એનો મિત્ર સંજય તો મોં બંધ રાખવાના જ હતા.ગોડાઉનમાં પોતાના વિશ્વાસુ માણસો હતા જેમણે ખુમાનસંગને ઠેકાણે પાડવામાં મદદ કરી હતી.છતાં પોલીસને ગંધ આવી ગઈ ! ખુમાનસંગની લાશ તો ગોડાઉનથી દૂર એક ખેતરના શેઢે ખાડો ગાળીને એ રાતે જ દાટી દીધી હતી તો પછી પોલીસને કેવી રીતે એ લાશ મળે ? કદાચ પોલીસના કુતરાઓને ખુમાનસંગના કપડાં સૂંઘાડવામાં આવ્યા હોય,અને રવિ કહે છે એમ પેલા નાથુ અને જોરાવરે કદાચ પગેરું પકડ્યું હોય તો કૂતરાં જ્યાં લાશ દાટી હતી ત્યાં પહોંચી ગયા હોય.અને તો કદાચ ગોડાઉન સુધી પણ આવ્યા હોય..!"

"આ બધામાંથી છૂટવાનો એક રસ્તો પણ છે પપ્પા. તમારી રીતે સલામત રહેવાના બધા રસ્તા વિચારી લેજો.પછી જો કોઈ બારી ન મળે તો મને કહેજો.હું તમને ઉની આંચ પણ આવવા નહિ દવ. પણ મારી વાત માનવી હોય તો જ. તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું શું કહેવા માગું છું."

રણછોડ હવે થાક્યો હતો.એને ખબર તો હતી જ કે રવિ હુકમચંદની છોકરીને પ્રેમ કરતો હતો.બંને નાસી જવાના હતા પણ પોતે એ દિવસે રવિને કમરામાં કેદ કરી દીધો હતો. રણછોડને એ બધું યાદ આવ્યું. હવે રવિના કહેવા મુજબ જો હુકમચંદની દીકરીને ભગાડી લવાય તો હુકમચંદને નમ્યા વગર કોઈ રસ્તો રહે નહીં. રણછોડની આંખમાં એકાએક ચમક આવી.

"બેટા, જે થયું એ થયું.એ હુકમાએ મને મારી નાખવાની ટ્રાય કરી'તી એટલે મેં પણ એને પતાવી દેવાનું કારસ્તાન કર્યું.પહેલ એણે કરી હતી.જેવા સાથે તેવા થવામાં કંઈ ખોટું નથી. એણે કર્યું એવું મેં કર્યું.તને તો ખબર છે ને મારે પણ કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડયું હતું.મોતના મોંમાંથી હું પણ માંડ માંડ બહાર આવ્યો છું. હવે જો હુકમો લડાઈ બંધ કરવા માંગતો હોય તો આપણે પણ તલવાર મ્યાન કરી દઈએ.પણ એ ઘોઘર બિલાડાની ઓલાદ છે.ગમે ત્યારે હુમલો કરી શકે છે.પણ જો એની છોકરી તારી સાથે પરણવા તૈયાર હોય તો જા બેટા, ભગાડી લાવ એને, પછી હુકમો ઝખ મારે છે..!" કહી રણછોડ હસ્યો.

રણછોડની વાત સાંભળીને રવિના ગુસ્સાનો પાર ન રહ્યો. પિતાની બદમાશી જોઈ એને પોતે રણછોડનો પુત્ર હોવા બદલ અફસોસ થયો.

"રસ્તો એ નથી જે તમે કહો છો. હું હુકમચંદજીની દીકરીને પ્રેમ કરું છું.એટલે એમને તકલીફ થાય એવું હું ક્યારેય નહીં કરું સમજયા ? "

"તું જ એની સાથે ભાગીને લગન કરવા માંગતો હતો એ ભૂલી ગયો ? તે દિવસે એને પ્રેમ નહોતો કરતો ? તે દિવસે એમની તકલીફનો વિચાર નહોતો આવ્યો ને આજ હવે હુકમચંદજી હુકમચંદજી કરે છે ? નાલાયક તારો બાપ હું છું કે એ હુકમો ?"

"ત્યારની વાત જુદી હતી.અને આજની વાત પણ જુદી છે.તમારે આ બધી લપમાંથી છૂટવુ છે કે જેલમાં જવું છે એ મને જણાવી દો એટલે મને મારો રસ્તો લેવાની ખબર પડે."

"જેલમાં જવાનો કોને શોખ હોય. ચાલ બતાવ તારો રસ્તો.." રણછોડે થાકીને કહ્યું.

"હુકમચંદજી સાથે સમાધાન કરી લો.એમની માફી માંગી લો.અને એમની દીકરીનો હાથ મારા માટે બે હાથ જોડીને માંગી લો..!"

રવિની વાત સાંભળીને રણછોડની આંખો પહોળી થઈ ગઈ.ગુસ્સાથી એણે રાડ પાડી,

"રવિડા....આ....તું તારા બાપને સમજે છે શું ? હું એ હરામખોર હુકમાની માફી માંગુ ? એને જઈને એમ કહું કે મેં જ તને ઉપાડ્યો હતો હવે મને માફ કરી દે અને તારી છોકરી મારા છોકરા હાર્યે પરણાવી દે.તને કંઈ ભાન પડે છે ? એ કંઈ હાલીતુલી છે તે આપણે કહીએ એમ માની જશે?"

"હા, તમારે એમ જ કરવું પડશે. હુકમચંદજીની માફી મંગાવી પડશે. એમની સાથે સમાધાન કરવું પડશે. એ તમને માફ કરી દેશે એની જવાબદારી મારી ! અને તમે વીજળીનું માંગુ નાખશો તો ના પણ નહીં પાડે. જૂની દુશ્મની ભૂલીને નવી દોસ્તીનો હાથ એ લંબાવશે.તમને તમારા આ દીકરા પર જરાક પણ ભરોસો હોય તો ઉઠો ઉભા થાવ અને રાજદૂત કાઢો. હું તમારી સાથે જ આવીશ.આખરે તમે મારા બાપ છો, તમારે તમારું માથું કોઈની આગળ નમાવવું પડે એવું હું નહિ થવા દઉં પણ તમે જે કર્યું છે એ સ્વીકારવું તો પડશે જ. અને જો મારી વાત ન માનવી હોય તો કાલે તમારી ધરપકડ થવાની છે એ નક્કી છે તમારે ફરાર થવું હોય તો હજી ચોવીસ કલાકનો ટાઈમ છે.તમે હુકમચંદ સાથે સમાધાન કરશો તો પણ અને ભાગી જશો તો પણ હું વીજળીને આ ઘરની વહુ બનાવીશ એ પણ નક્કી જ છે.એને ભગાડીને નહિ પણ પરિવાર સાથે જાન જોડીને એને પરણવા જઈશ અને વાજતે ગાજતે એ આ ઘરની વહુ બનશે.તમારે સારા સસરા થઈને આશીર્વાદ આપવા હાજર રહેવું કે પોલીસની બીકે ભગતા ફરવું એ તમારે નક્કી કરવાનું છે.અંતે તો તમે પકડાયા વગર રહેવાના નથી એટલે જેલના રોટલા તોડવા કે વીજળી વહુના હાથની નાની નાની ગરમ ગરમ રોટલી ખાવી એ પણ તમારે જ નક્કી કરવાનું છે.હું દસ મિનિટમાં પાછો આવું છું તમે વિચારી લો..!'' કહીને રવિ એનો ફોન લઈને બહાર જતો રહ્યો.

રણછોડ રવિના એકધારા શબ્દોના બાણથી સાવ ઘાયલ થઈને ઓસરીની ધારે બેસી રહ્યો.એની પત્ની કશું જ બોલ્યા વગર ઘરકામ કરી રહી હતી અને ખુશ થઈ રહી હતી. જિંદગીભર પોતાને આ ઘરની કામવાળી સમજનાર પતિને દીકરાએ ખરો ભેડવ્યો હતો.બાપ કરતા બેટા સવાયા હોય એ રવિએ સાબિત કરી બતાવ્યું હતું.

*

"બાપુ હવે તમને સારું થઈ ગયું હોય તો મારે એક વાત કરવાની છે." વિજળીએ હુકમચંદના પગ દબાવતા દબાવતા કહ્યું અને
હુકમચંદ વાત કરવાની રજા આપે એની રાહ જોયા વગર જ એ કહેવા લાગી, "રાજકારણના કાવાદાવા હજી કરવાના છો કે મુનિશ્રીની આજ્ઞા પાળવાના છો ? મતલબ કે હજી એ જ હુકમચંદ રહેવાના છો કે હું નાની હતી ત્યારે મને ખોળામાં બેસાડીને વહાલ કરતા મારા પપ્પા બનવાના છો ?"

ક્યારેય પોતાની સામે એક શબ્દ પણ નહીં બોલનારી દીકરી આજ કંઈક કહી રહી હતી. પાછળના દિવસોમાં જે બન્યું હતું એને લઈને હુકમચંદ ઘણો બદલાયો હતો.રણછોડને મારી નાખવાની યોજનાઓ વિચારવાની એણે બંધ કરી હતી. 'ક્ષમા વીરસ્ય ભૂષણમ' મુનિશ્રીનું એ વાક્ય એના કાળજે કોતરાઈ ગયું હતું.એ રાતે હુકમચંદ પસ્તાવની ગંગામાં નહાઈને પવીત્ર થઈ ગયો હતો.રણછોડ તરફની ધૃણા અને નફરતના સ્થાને એક નિર્મળ ભાવ એના તરફ સ્થાપી દીધો હતો.

' મેં એને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો એટલે એણે પણ કર્યો.મુનિશ્રીએ સાચું જ કહ્યું છે કે આઘાતનો જવાબ પ્રત્યાઘાત હોય છે.રણછોડે જે પ્રત્યાઘાત કર્યો હતો એ મેં આપેલા આઘાતનું જ પરિણામ હતું.એ પણ બચી ગયો હતો અને સદ નસીબે હું પણ બચી ગયો.પણ મારે બચવા માટે ખુમાનસંગની હત્યા કરવી પડી.પણ એ પાપી હતો એટલે એને હણવામાં મને કોઈ પાપ નથી લાગવાનું કારણ કે હણે એને હણવામાં કોઈ પાપ નથી.'

હુકમચંદે એટલે જ 'પોતાને કંઈ યાદ ન હોવાનું બહાનું કાઢ્યું હતું. હકીકતમાં એ હવે પાછલી જિંદગી સાવ ભૂલી જવા જ માંગતો હતો. ધરમશી ધંધુકિયાએ વળી વળીને પૂછવા છતાં એનો જવાબ બદલાયો નહોતો.આજ દીકરી સેવા કરતી કરતી કંઈક કહી રહી હતી.હુકમચંદે આંખોમાં પ્રેમ વરસાવતા વીજળી સામે જોઈને સ્મિત વેર્યું,

"બેટા, તારો પિતા હવે બદલાઈ ગયો છે.જે તારા મનમાં હોય એ કહી દે.તું એક દિવસ ઘર છોડીને ચાલી ગઈ હતી છતાં મેં તારા માટે કશું જ વિચાર્યું નહિ.દીકરી મેં તારી જિંદગીમાં ક્યારેય રસ ના લીધો.તારો પિતા હોવા છતાં એક પિતા તરીકેની ફરજ બજાવવામાં હું ઉંણો ઉતર્યો છું.રાજકારણના દલદલમાં હું એટલો ઊંડો ઉતરી ગયો હતો કે કદાચ હું જીવ પણ ખોઈ બેઠો હોત,તારા માથેથી બાપનો છાંયો હંમેશને માટે હટી જાત.હું ખૂબ પાપીયો છું બેટા મને માફ કરી દે..!'' કહી હુકમચંદે બે હાથ જોડયા.

વિજળીએ એના બંને હાથ પકડી લીધા. પિતાની આંખોમાંથી વહેતા આંસુ લૂછીને એને વળગી પડી.

"બાપુ, મારી માફી ન માંગો.દીકરી તો હંમેશા બાપને માફ જ કરતી હોય.તમે તમારા દુશ્મનની માફી માંગીને સમાધાન કરી નાખો.હવે એ દુશ્મની દોસ્તીમાં બદલાય એવી મારી ઈચ્છા તમે પુરી કરશો ?"

હુકમચંદ વિચારમાં પડ્યો. વીજળી રણછોડની માફી માંગવાનું કહી રહી હતી. માફી તો રણછોડે માંગવી જોઈએ.

"જો એ માફી માંગશે તો હું એને માફ કરી દઈશ.હું તને વચન આપું છું બેટા કે હવે હું કોઈને દુશ્મન સમજતો નથી." હુકમચંદે કહ્યું.

" એ શું કામ માફી માંગે ? શરૂઆત કોણે કરી હતી ? તમે એની ઉપર હુમલો કરાવ્યો એટલે એણે તમારું અપહરણ કર્યું.તમે જો વાર ન કર્યો હોત તો એ પણ ન કરત.એટલે સાચા ગુનેહગાર તો તમે જ છો.તમારે એમની માફી માંગીને દુશ્મનીનો અંત લાવવો જોઈએ. એકવાર તમે આ કરી બતાવો પછી મારે બીજી પણ વાત કરવાની છે !" વીજળી આજ બધી જ વાત કરી લેવા માંગતી હતી.રવિ અને વિજળીએ પોતપોતાના બાપને સમજાવીને બંને વચ્ચે સમાધાન કરવાની યોજના બનાવી હતી. જેમાં હુકમચંદને મુનિશ્રીની મુલાકાતનો ડોઝ આપવામાં આવ્યો અને રણછોડને જેલમાં જવાની બીક બતાવવાનો ડોઝ આપવામાં આવ્યો હતો.બંને ડોઝ સરસ રીતે કામ કરી રહ્યાં હતાં.

હુકમચંદે બેડ પાસેના ટેબલ પાસે પડેલો ફોન ઉઠાવ્યો.પળનોય વિલંબ કર્યા વગર એણે રણછોડને ફોન લગાવ્યો.

ઓસરીની ધારે બેઠેલા રણછોડે હુકમચંદની માફી માંગવાનું મન બનાવી જ લીધું હતું. રવિએ જે જડબેસલાક સાબિતીઓ સાથે ધમકી આપી હતી એ એને ગળે ઉતરી ગઈ હતી.રણછોડ જેલમાં જવા માંગતો નહોતો. એકાએક ફોનની રીંગ વાગતાં એણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો.સ્ક્રીન પર 'હુકમો હરામી કોલિંગ...' લખેલું જોઈ આજ પહેલીવાર એને ક્ષઓભ થયો. હુકમચંદનો ફોન આવે એવી કલ્પના પણ એણે કરી નહોતી. ધ્રુઝતા હાથે એણે ફોન ઉપાડ્યો.

"સીતારામ રણછોડ." હુકમચંદે કહ્યું.રણછોડ કંઈ જવાબ આપે એ પહેલાં જ રવિ બહારથી આવી ગયો.વિજળીએ એને મેસેજ આપી દીધો હતો કે ઊંટ પહાડ નીચે આવી રહ્યું છે !!

રણછોડે રવિ સામે જોઈને જવાબ આપ્યો, " હુકમચંદજી સીતારામ.કેમ છે હવે તમારી તબિયત."

"કરનારાએ તો કસર નહોતી રાખી રણછોડ. પણ ભગવાનની દયાથી હું બચી ગયો છું."

"મારે પણ એવું જ થયું'તું ને હુકમચંદજી. જીપની ટકકરથી ખાળીયામાં ઠોકી દીધો'તો. પણ જિંદગી લખી હોય તો કોણ છીનવી શકવાનું હતું." રણછોડે કહ્યું.

"પણ હવે જે થયું એ રણછોડ. હું તો બધું ભૂલી ગયો છું.અને ક્યારેય યાદ પણ કરવા માંગતો નથી કે કોઈએ મારુ અપહરણ કરીને મારી નાખવાની યોજના બનાવી હતી.આજ મારા ઇષ્ટદેવતાની સોગંધ ખાઈને કહું છું કે જેણે પણ મારી સાથે આ કર્યું છે એનું ભલું થજો.એને કારણે જ મારી આંખ ઉઘડી છે.મારા ગુરુએ મને આશીર્વાદ આપીને રાજકારણના રસ્તેથી પાછું વળી જવાનો આદેશ આપ્યો છે.એટલે હવે આ હુકમચંદ એ હુકમચંદ નથી રહ્યો કે જે બદલાની ભાવના ધરાવતો હતો. આપણી વચ્ચે જે કંઈ ખટરાગ હતો એ ભૂલીને હું દોસ્તીનો હાથ લંબાવી રહ્યો છું.સમય મળે તો આવીને મારી દોસ્તીના હાથમાં તારી દોસ્તીનો હાથ મૂકી જજે રણછોડ."

"હુકમચંદજી તમે જો બધું ભૂલી જતા હોવ તો હું પણ બધું ભૂલીને નવો એકડો ઘૂંટવા તૈયાર છું.મને જે માણસે ખાળીયામાં નંખાવી દીધો હતો એના તરફ હવે મને કોઈ દાઝ રહી નથી.હું પણ તમારી જેમ બધું ભૂલીને દોસ્તીનો હાથ પકડવા તૈયાર છું.તમે સાચું જ કહી રહ્યા છો અને કોઈ દગો ફટકો નહિ હોય એમ માનીને જલ્દી જ તમને મળવા આવીશ."

"હું રાહ જોઈશ રણછોડ. તું વિશ્વાસ રાખજે. કોઈ દગો ફટકો નથી..સાચે જ મારા મનમાં હવે કોઈપણ વ્યક્તિ તરફ વેરભાવ નથી સીતારામ,જય જીનેન્દ્ર."

"સીતારામ, જય જીનેન્દ્ર.. હુકમચંદજી. મને સામે ચાલીને ફોન કરવા બદલ હું આપનો આભાર માનું છું,નહિતર પણ હું આપને મળવા આવવાનો હતો પણ મારા પગ ઉપડતા નહોતા. તમે આજ એક બોજ મારા પરથી હટાવી દીધો છે."
રણછોડે ફોન મુક્યો ત્યારે એ એકદમ હળવો થઈ ગયો હતો.ઉભા થઈને એ રવિને ભેટી પડ્યો.

"દીકરા, મને તારા પર ગર્વ છે.તેં મને આજ બચાવી લીધો છે."

રવિ બહુ લાંબા સમય પછી બાપની હૂંફ માણી રહ્યો હતો.સામે છેડે વીજળી હુકમચંદને વળગીને રાજી રાજી થઈ ગઈ હતી.

(ક્રમશ:)