Tallash - 2 - 15 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ 2 - ભાગ 15

Featured Books
Categories
Share

તલાશ 2 - ભાગ 15

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"પપ્પાજી હું ઘરે જાઉં છું. હમણાં અમન સાથે વાત થઇ છે એ અને રિદ્ધિ ઘરે આવશે છોકરાઓને તેડવા માટે. નેક્સટ વીકમાં એની ફ્લાઇટ છે. એક બે દિવસ પછી એ છોકરાઓની બેગ લઇ જશે સ્નેહા દીદી સાથે વાત થઈ ગઈ છે એ પેકિંગ કરી રાખશે. અને હા 'બ્રિટન ટુડેમાં આપણો  હિસ્સો 27 % છે. અને હવે એ બીજા 14% ઓફર કરે કરેછે. અત્યારની માર્કેટ વેલ્યુ મુજબ એટલા હિસ્સાના 800 કરોડ થાય. પણ મેં ઇનિશિયેટીવ આલબર્ટ અને મિરાન્ડા સાથે વાત કરી એ લોકો 1200 કરોડ પકડી ને બેઠા છે. જોઈએ. 950 કરોડ થી વધુ ન આપવા જોઈએ." નીતા અનોપચંદ ની કેબિનમાં અનોપચંદ ને આ બધું કહી રહી હતી. એક વિચક્ષણ બિઝનેસ વુમન તરીકે એની ગણતરી બરાબર હતી.બધું શાંતિથી સાંભળી અનોપચંદે કહ્યું.  "નીતા સંબંધો હંમેશા રૂપિયાથી ઉપર હોય છે. આપણો એમની સાથે સંબંધ ઘણો જૂનો છે. આપણે એ ધંધામાંથી ઘણું કમાયા છીએ. તારી ગણતરી બરાબર છે પણ આ ઓફર હાથમાંથી જવા ન દેતી. ભલે 50 કરોડ વધારે આપવા પડે. બાકી તારી રીતે જોઈ લેજે. એ લોકો અત્યારે મુસીબત માં છે. એને રૂપિયાની જરૂર છે. નેગોશીયેટ કરીશ તો એ 900 કરોડમાં પણ હા કહી દેશે. તને યોગ્ય લાગે એમ કરજે." દરમિયાનમાં નીતાના ફોનમાં 'બીપ' અવાજ  સાથે એક મેસેજ આવ્યો. "નીકળ હવે તું સાચવીને જજે." કહી અનોપચંદ નીતાની ખુરસી ની નજીક આવ્યો અને એના માથે હાથ ફેરવ્યો. નીતાને લાગ્યું કે એ પોતાના ફેમિલીને પોતાના પિતા સમાન સસરા ને છેતરી રહી છે. ભૂરા સાથે આગળ શું થશે એ મનોમન વિચારતી હતી પણ ભુરાએ જે રીતે ભલે ને બ્લેકમેલ કરી ને એને પોતાની સાથે 36 કલાકની રૉમેન્ટી ડેટ માટે બોલાવી હતી નીતાને થયું અત્યારે જ મારા સસરાને છેતરવા કરતા આપઘાત કરી લઉ. પણ પોતે જેને જીવથી વધુ ચાહતી હતી એ નિનાદ ને એક વખત સહી સલામત જોવા પોતે ગમે તે કરવા તૈયાર થઇ હતી. એ હળવેથી ઉભી થઇ અને અનોપચંદના પગમાં ઝૂકી ને પગે લાગી "હા, હા દીકરી આ શું કરે છે " કહી અનોપચંદે એને ખભેથી પકડી ઉભી કરી. નીતાની આંખમાંથી આંસુઓ ઉભરાઈ રહ્યા હતા. "અરે બેટા તું 6-8 દિવસ માટે કંપની ના કામે જઈ રહી છે. અને એવી રીતે રડે છે જાણે અમે તને ઘરમાંથી કાઢી મૂકી હોય' સહેજ હસતા અનોપચંદ બોલ્યો."જાઉં છું પપ્પાજી" કહી નીતા એની કેબિનમાંથી બહાર  નીકળી. 

xxx

બહાર નીકળી ને નીતાએ લિફ્ટમાં પ્રવેશ કરતા પહેલા પોતાના ડ્રાઈવરને કર તૈયાર રાખવા કહ્યું. લિફ્ટમાં એણે પોતાના ફોનમાં મેસેજ બોક્સ ખોલ્યું એક અજાણ્યા નંબર પરથી મેસેજ હતો. "ટિકિટ કઢાવી કે નહીં." નીતા ગુસ્સાથી ધમધમી ઉઠી. એણે એ નંબર ડાયલ કર્યો પણ નોટ રિચેબલ હતો. લીફટમાંથી નીચે આવી નીતા પોતાની ગાડીમાં ગોઠવાઈ. ત્યાં ફરીથી મેસેજ આવ્યો. "આ નંબર પર ફોનમાં વાત નહીં થાય હવે ટ્રાય ન કરતી માત્ર હા કે ના માં જવાબ લખી નાખ. મારે નિનાદ ને જમવા દેવું કે નહીં ખબર પડે. ગઈકાલ રાતથી ભૂખ્યો છે અને ત્યાં સાંજ ઢળવા આવી હશે પણ અહીં કલાકમાં લંચ ટાઈમ થશે. જો ટિકિટ કન્ફર્મ હશે તો એને લંચ મળશે નહીં તો .. "અને પછી 3 સ્માઈલી હતા "સા.. હલકટ ભલે મારે તારી ઈચ્છા ને તાબે થવું પડે. પણ એકવાર મને ખાતરી થશે કે નિનાદ સલામત છે. પછી મારું જે થવાનું હોય એ થાય તને હું અહીં જીવતા નર્કની યાદ દેવડાવીશ." પણ નીતાને ખબર ન હતી કે એનો ડ્રાઈવર એની આ મનોદશા ને જોઈ 0 સમજી રહ્યો હતો. એણે હમેશ નીતાને પ્રફુલ્લિત મિજાજમાં જ જોઈ હતી આજે સવાર સુધી. પણ જયારે હોટેલ થી પાછા હેડ ઓફિસમાં આવ્યા ત્યારથી એને નીતા બદલાયેલ લગતી હતી. નેપયન્સી રોડ પરના ઘરે પહોંચ્યા એટલે નીતા એ કહ્યું "શંકર કાકા આજે તમારા ઘર કહી રાખજો મોડું થશે મને એરપોર્ટ છોડવા આવવાનું છે 8 વાગ્યે." 

"ભલે છોટી બહુ હું ફોનથી કહી દઉં છું અને અહીં જ તમારી રાહ જોઉં છું." કહી એ કાર માંથી બહાર આવ્યો અને થોડે દૂર જઈને કોઈ ને ફોન લગાડ્યો. એ જ વખતે નીતાનો મેનેજર મિસ્ટર સિંહ અનોપચંદ સાથે વાત કરી રહ્યો હતો.

xxx

"શેઠજી" કહેતા મોહનલાલે અનોપચંદની કેબિનમાં પ્રવેશ કર્યો એણે જોયું કે મેનેજર સિંહ અનોપચંદ સાથે વાત કરે છે એટલે એણે કહ્યું "હું પછી આવું છું" 

'ના મોહનલાલજી બેસો મારી વાત પુરી થઈ ગઈ છે હું બહાર જ જાઉં છું." કહી સિંહ સાહેબ બહાર નીકળ્યા. 

"બોલો મોહનલાલ શું હતું." અનોપચંદે પૂછ્યું. હવે મોહનલાલ અવઢવમાં પડી ગયો વાત કરવી કે નહીં છેવટે એને પૂછ્યું "પછી શું થયું ઓલી ટી પાર્ટીમાં?"

"મોહનલાલ છેલ્લા 45 વર્ષથી હું તમને રોજ મળું છું તમારા કે મારી પત્ની કરતા વધારે સમય આપણે એકબીજા સાથે વિતાવ્યો છે.જે કહેવા આવ્યા છો એ જ કહી દો તમે મારાથી કોઈ વાત છુપાવવાનો પ્રયાસ કરો છો" ધારદાર અવાજે અનોપચંદે કહ્યું. 

"વાત એવી છે ને કે શંકર, નીતાના ડ્રાયવરને લાગ્યું કે નીતા કઈ ઊંડી ચિંતામાં છે.: મોહનલાલે કહ્યું. અનોપચંદ એને જોઈ જ રહ્યો હમણાં મિસ્ટર સિંહ પણ એને એ જ વાત કરી રહ્યા હતા.

"હમમમ વાત સાચી છે મોહનલાલ મેં પણ અનુભવ્યું સવારે તો માંડ એને નિનાદની ચિંતા માંથી મુક્ત કરી હતી અને સાઉથ આફ્રિકાની ડીલ ફાઈનલ કરવા ગઈ હતી ત્યાં સુધી કઈ ન હતું. "

"શંકર કહેતો હતો કે કોઈ નો મેસેજ આવ્યો અને પછી એની અસ્વસ્થતા વધી ગઈ હતી" મોહનલાલે કહ્યું.

"કોણ હશે એ સિંહે પણ કહ્યું કે ચાલુ મિટિંગમાં અજાણ્યા નંબર પરથી એને લગાતાર ફોન આવી રહ્યા હતા અને એ ફોન રિસીવ કરવા બહાર ગઈ પછી જયારે સિંહે એને જોઈ તો ખૂબ ચિંતામાં લગતી હતી."

"શેઠજી માફ કરજો પણ કંઈક વધુ તકલીફ ન હોય શું કોઈ બ્લેક.." મોહનલાલ અટકી ગયો.

"સાવ મામૂલી વાત નથી મોહનલાલ કોઈ તપાસ કરવી પડશે. ફોન હેકિંગનો પણ હવે સમય નથી એક મિનિટ" કહી અનોપચંદ અટક્યો એને યાદ આવ્યું નીતાએ એને જતી વખતે 'જાઉં છું' કહ્યું હતું. જયારે એના ઘરમાં રિવાજ હતો કે એ શબ્દોથી અપશુકન થાય. એટલે બહાર  જતી વખતે હંમેશા આવું છું જ બોલવાનું અને અને. એક વાર લંડન જવાનું કહ્યું તો નીતા કેવી રીતે તરત તૈયાર થઈ ગઈ. જે છોકરી ગામમાં પોતાના પિયર હતું ત્યારે જવામાં 50 નખરા કરતી અને માં-બાપ 4 વર્ષતી અમેરિકા બોલાવે છે અને જતી નથી એ એક જ વાક્યમાં કેમ  તૈયાર થઈ? અને તરત જ એચ.આર. ડિપાર્ટમેન્ટને ટિકિટ એરેન્જ કરવાનું કહ્યું.પછી કહ્યું. "મોહનલાલ ભૂલી જા એ વાત, અને હા એક કામ કરો, કહીને એને કંઈક સમજાવ્યું  પોતાના મોબાઇલમાંથી જીતુભાને ફોન જોડ્યો.

xxx

"ભલે શેઠજી સમજી ગયો." કહી જીતુભા એ  વાત પૂરી કરી અને સિન્થિયા અને ભુરા ની સામે જોયું અને કહ્યું "ચાલો હવે કંઈક જમવા ભેગા થઈએ કાલે રાત્રે પણ કંઈ ખાધું નથી. સખ્ખત ભૂખ લાગી છે."  

"શું કહેતા હતા શેઠજી." સિન્થિયા એ પૂછ્યું.  

"કઈ નહીં કહેતા હતા કે કાલે હું રાત્રે નવ વાગ્યે પહોંચીશ તો તરતજ શેઠને મળવા ઓફિસમાં પહોંચી જાઉં કેમ કે એમને કંઈક મારી સાથે ડિસ્કસ કરવાનું છે પછી એ ક્યાંક 8-10 દિવસ બહાર જવાના છે." 

"પણ તને થાક લાગ્યો હશે." ભૂરા એ કહ્યું. 

"હા પણ કંઈક અગત્યનું કામ છે. હવે ચાલો નજીકની કોઈ રેસ્ટોરાંમાં જઈએ. પછી ડોક્ટરને મળી ને બધા રિપોર્ટ લઈએ."

"ચાલો મેય છેક કાલે રાત્રે ખાધું હતું. મનેય ભૂખ લાગી છે." ભૂરા એ કહ્યું.  

xxx

"સુમિત ભાઈ, આ ફૂટેજ વિગેરે લઇ જાઉં છું. પણ તમને કોઈ નાનામાં નાની વાત યાદ આવતી હોય તો ચોક્કસ જણાવજો જેથી બાલા મણિના કાતિલ ને જલ્દી ગોતી શકાય."

"ચોક્કસ ગણેશન સર.  શું હવે હું મારી કેબીન યુઝ કરી શકું?"

"ના તમારે હજી એક બે દિવસ રાહ જોવી પડશે તમારે ક્યાં જગ્યાની તાણ છે."

"હા એ વાત સાચી છે. પણ બને એટલું જલ્દી આટોપજો."

"ચોક્કસ તમારા મેનેજર ક્યાં છે.?"

 "એ તો બાલા મણીની અંતિમ યાત્રામાં ગયા છે."

"ઠીક છે. હું રજા લઉં અને કાલે સવારે ફરીથી તમને ડિસ્ટર્બ કરવા આવીશ."

"ભલે સવારે મારે કેટલાક નેતાઓ સાથે મિટિંગ છે અને સાંજ ની ફ્લાઈટમાં હું મુંબઈ જવાનો છું."

"તો બપોરે આપણે લંચ સાથે લઈશું."  ગણેશને સહેજ મુસ્કુરાતા કહ્યું અને સુમિત એની સામે જોતો રહી ગયો.

xxx

"ખાલિદ સાબ, જો સાંજે આપનો કોઈ પ્રોગ્રામ ન હોય તો હું 2 કલાક બહાર  જવા માંગુ છું." અબ્દુલ શેખના મેનેજર ને કહી રહ્યો હતો.

"કેમ? તારા સગા તો બધા અમદાવાદમાં છે ને? અહીં મદ્રાસમાં કોને મળવા જવું છે?"

"સાહેબ મને દરિયો બહુ ગમે અમારે અમદાવાદમાં દરિયો નથી અહીં મરીના બીચ પર બેસવું છે થોડો સમય.જો તમે રજા આપો તો."

"ઠીક છે સાડાપાંચ વાગ્યા છે સાડા સાત સુધીમાં પાછો આવી જજે પછી નવ વાગ્યે આપણે બહાર જવાનું છે."

"થેંક્યુ  ખાલિદ સાહેબ" કહી અબ્દુલ નીકળ્યો અને હોટેલના પ્રાંગણમાં આવીને કોઈને ફોન જોડ્યો. વાત પૂરી થયા પછી એણે  પોતાની કાર બહાર કાઢી અને મરીના બીચ તરફ આગળ વધ્યો એની બરાબર 2 મિનિટ પછી એક બાઈક સવાર એનો પીછો કરતો કરતો એની પાછળ જવા લાગ્યો. 

xxx

ડેવિડ, સ્ટેટમેન્ટ આપી રહ્યો હતો. એ પહેલા માર્શ અને માઇકલનું સ્ટેમેન્ટ લેવાઈ ગયું હતું. કાવતરાખોરો ભાગી ગયા હતા અને ઘરનો ઘાતકી ચાર્લી પોલીસ કસ્ટડીમાં હતો. લંડન સ્થિત પ્રતિષ્ઠિત પ્રાઈવેટ  સિક્યુરિટી સર્વિસ 'નાસા'ના આ સમાચાર પુરા બ્રિટનમાં ચર્ચાઈ રહ્યા હતા. 

xxx

"સર એ બહુ ચાલાક છે.યા તો તમે પોલીસ મોકલીને એને એરેસ્ટ કરવો નહીં તો આપણે આમજ તમાશો જોતા રહીશું." ખબરી ગણેશનને કહી રહ્યો હતો.

"તું માત્ર તારું કામ કર અને મને મારું કામ કરવા દે. ચૉવીસ કલાક એ જેને પણ મળે મને ખબર કરતો રહે. બાકીનું હું જોઈ લઈશ."

"ભલે સાહેબ. એ હોટેલ માંથી નીકળીને મરીના બીચ આવ્યો છે. નીકળતા પહેલા એણે કોઈને ફોન કર્યો હતો. ઉપરાંત કારમાંથી પણ એ કોઈ સાથે વાત કરતો હતો. કાર પાર્ક કરીને 10 મિનિટ એ ચોપાટી પર ઉભો રહ્યો પછી એણે ત્યાં ફરતા ફેરિયાઓમાના એક પાસેથી શીંગ લીધી અને હવે રેતીમાં બેસીને સીંગ ખાઈ રહ્યો છે."

"એને શીંગ ખરીદતા કેટલોક સમય થયો.?"

"સર, જનરલી એક દોઢ મિનિટ થાય પણ આ શીંગ વાળા સાથે કંઈક જનરલ વાતો કરતો પાંચ મિનિટ ઉભો હતો. 

"ડેમ ઈટ, એ ફેરિયાને તું ઓળખી શકશે?" 

"કોશિશ કરી જોઈ પણ મુશ્કેલ છે. લગભગ 200 ઉપરાંત ફેરિયા છે."

"આપણે 200નું કામ નથી માત્ર સિંગ વેચતા હોય એનું નિરીક્ષણ કર અને એને ઓળખીને તરત મને કહે હવે એ ફેરિયો તારા હાથમાંથી છટકવો ન જોઈએ."

"પણ તો પછી અબ્દુલ?"

"એની જરૂર પડશે તો આપણે અમદાવાદથી એને લઇ આવશું. એણે હોટલમાં જમા કરાવેલ એડ્રેસ સાચું છે. ત્યાં એની પત્ની ભાઈ એ છોકરો રહે છે હવે આ ફેરીવાળાનો પીછો પકડ એ જ આપણને સુમિત સુધી પહોંચાડશે."

"ભલે.પણ તને ખાતરી છે. ગણેશન?" હવે ખબરી તુંકારા પર આવી ગયો હતો.  

"હા ક્રાઇમ સીન પર પહોંચીને પાંચ મિનિટમાં મને સમજાઈ ગયું હતું કે સુમિતે જ એ ખૂન કરાવ્યું છે." ગણેશને કહ્યું. 

"ઓકે. તો હું એ ફેરીવાળાને શોધીને ફોન કરું છું."

ઓકે તારો મિસ્ડકોલ મળતાજ ચાર પોલીસ તારી પાસે 5 મિનિટમાં પહોંચી જશે." ગણેશને કહ્યું ફોન કટ કરીને ખબરી ફરીથી બીચ તરફ ચાલ્યો અને ફેરીવાળાઓને જોવા લાગ્યો. એનાથી લગભગ 300 ફૂટ દૂર આધુનિક વેશભૂષામાં સજ્જ એક કપલ એક શીંગ વાળાનો આભાર માની અને 500 રૂપિયા આપીને બીચ પરથી બહાર નીકળ્યું અને પોતાની કારમાં સવાર થઈને નીકળી ગયા. એ સુમિત અને સ્નેહા હતા.  

ક્રમશ:        

 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.