HAASYA LAHARI - 8 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૮

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૮

 

રસીલા બાથરૂમ સિંગરો

 

                                ભારતના ઘર ઘર શૌચાલય યોજનામાં ફાયદો એ થયો કે, ઘર-ઘર રૂમની સાથે બાથરૂમોમાં અને બાથરૂમ કરતાં ‘બાથરૂમ-સિંગરો’ માં ખાસ્સો જુવાળ આવ્યો. જે લોકો અત્યાર સુધી સરકારી શૌચાલયોનો કે ‘ચોરે-ચૌટે’ ગાવાનું જોખમ ખેડતા હતાં, એમણે ગૃહ-ઉદ્યોગની માફક ઘરના બાથરૂમ/શૌચાલયમાં સાધના કરવા માંડી. સરકારી શૌચાલયમાં તો જોખમ ખેડવા પડતાં. માંડ તાન છેડી હોય એમાં, અંદર બેઠેલો તો ગળું ખંખેરે જ, પણ બહારવાળો તો ઘરથી નીકળે ત્યારથી જ 'ખંખેરતો' આવે કે, ‘ઇતની શક્તિ હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના..!’  બે જણા ગળા ખંખેરે ત્યારે એક સેમ્પલ બહાર નીકળતો..! ઘરના બાથરૂમમાં આવી ધાંધલ જ નહિ, ખબર કે, હુમલા કરે તો ઘરવાળા જ કરવાના છે, રશિયાની માફક બાહ્ય હુમલાઓ થવાના નથી. ગાવાની ચળ પાછી એવી કે, હનીસિંગ, કિશોરકુમાર વગેરેના ગીતો ‘રીયાઝ’  કરતો હોય, તો જલ્દી બાથરૂમ/શૌચાલયની લીઝ છોડે, પણ પંકજ મલિક કે  સાયગલના ગીતના રવાડે ચઢ્યો તો ધીમે-ધીમે સાબુ ઘસતો હોવાથી વાર પણ લાગે..! બાથરૂમમાં કેલેન્ડર ટાંગવું જ પડે..!

                               ગળું ખંખેરવાની વાત સાથે, આમ તો સમુદ્ર-મંથનની કેમેસ્ટ્રીને કોઈ જ લેવા-દેવા નથી. છતાં હમણાં જ મહાશિવરાત્રી ગઈ એટલે, રાતોરાત વાઈબ્રેશન થોડાં જાય? બ્રોડગેજ ઉપર નેરોગેજનું એન્જીન કેમ લાગ્યું એવી શંકા પણ જશે. વાત જાણે એમ છે કે, વાત જાણે એમ છે કે, દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું ત્યારે, સૌથી પહેલાં ‘કાલકૂટ’ નામનું કાતિલ ઝેર નીકળેલું. બંને પાસે  ફૂલ-સ્ટોકમાં ‘ઈમ્યુનીટી’ હોવા છતાં, ઝેર પીવા કોઈ તૈયાર થયું નહિ.  ત્યારે આપણા ભોળકાનાથ વચ્ચે પડ્યા, ને એક જ ટાંસે ઝેર ગળામાં ઉતારી ગયેલાં. અને દેવોના દેવ મહાદેવ ‘નીલકંઠ’ કહેવાયા..! બાકી લઠ્ઠો પીઈને કોઈ લાંબો થઇ જાય, એને  ‘નીલકંઠ’ નહિ કહેવાય, એ લઠ્ઠાકાંડ જ કહેવાય..! મને તો એ પણ ‘ડાઉટ’ છે કે, પેલી કહેવત પણ ત્યારથી જ પડેલી હશે કે, “ઝેર પીએ તે મહાદેવ, ને પચાવે તે પતિદેવ..!” આપણા  ભારત રત્ન સ્વ. લતાદીદી પણ મહાદેવ જેવાં જ છે  જેના લોહીમાં સૂરોની સાધના અને સૂરનું રજવાડું હતું. મહાદેવ ઝેર પીઈ ગયેલા, ને દીદી સંગીતની સુરાવલી પી ગયેલા..! સૂર-સિંહાસને બેસીને સૂરાવલીનું એવું આસન ઝમાવેલું કે, મહાદેવને ‘નીલકંઠી’ ને લતાદીદીને ‘સૂરકંઠી’ કહીએ તો ખોટું નહિ. એમના નિધનથી સૂર-શિખરની આખી સૂરીલી ભેખડ તૂટી પડી, ‘ભોઓઓઓ.. ભોંઓઓઓઓ’ વાળું સંગીત સાંભળીને બિચારા આમ પણ ત્રાસી તો ગયેલાં જ..! ખૂબી એ વાતની કે,  એમણે માત્ર જીવનમાં વર્ષો નહિ ઉમેર્યા, પણ વર્ષોમાં જીવન ઉમેર્યું. મારા સુરીલા બાથરૂમ સિંગરોને એટલે તો કહું છું કે, એમના ગળા જો હવે કામ આપતા થઇ ગયા હોય તો, બોલીવુડમાં, ‘સૂર સિહાસન’ ખાલી પડ્યું છે. નેતાઓની માફક ‘સિંહાસન’ હડપ કરવા મંડી પડો..! ઝનૂન તો રાખવું જ પડે ભાઈ..! આ બાથરૂમ સિંગરોની ઉત્પતિ કેવી રીતે થઇ એ વિષે શ્રીશ્રી ભગાનો ‘સિંગર-કાંડ’ પણ વાંચવા જેવો. એ લખે છે કે, અસ્સલના સમયમાં માત્ર ઘરોને જ બારણા લાગતા, બારીને તો મુદ્દલે નહિ. અને શૌચાલય કે બાથરૂમમાં પડદાનો ઉપયોગ થતો. અંદરથી સ્ટોપર લગાવવાની સુવિધા તો હોય નહિ, એટલે સ્નાન-ક્રિયા હોય કે શૌચ-ક્રિયા, ફરજીયાત ગાવું પડતું. નામી-અનામી ‘સ્ટેજ સિંગર’ નાં ઈતિહાસ તપાસો તો, અનેક બાથરૂમ કે શૌચાલયોને એમાં ફાળો હશે. કંઠમાં પડેલો કચરો ખંખેરવાનું સચોટ સ્થાન એટલે, બાથરૂમ અને શૌચાલય..! સંગીતનો ‘ સ્ટાર્ટ ‘ લેવા માટેનું ઉત્તમ સ્થળ..! કહો કે, બાથરૂમ અને  શૌચાલય એ સિંગરોનું બાલમંદિર કહેવાય..!   એના જેવો બીજો કોઈ  ‘હોમ મેઇડ સ્ટુડીઓ’ જ નહિ..! જેમ હસ્યા વગરનો કોઈ માણસ નહિ મળે, એમ ગળા ખંખેરાયા વગરનું કોઈ  બાથરૂમ કે શૌચાલય નહિ મળે..! ગળું ભલે ઘાંટો કે ઘોંઘાટ કાઢે, સીદીના છોકરાને સીદી નહિ વ્હાલ કરે તો બીજું કરે કોણ..?  પોતે ગાયેલું ગીત સર્વ શ્રેષ્ઠ જ હોય, એવું માનવાનો અબાધિત સ્વાધિકાર બાથરૂમ સિંગર પાસે છે..! બાથરૂમ સિંગરોએ  પોતે રચેલી આ માયાજાળ છે. બસ...ગળામાં એકવાર ખંજવાળ આવવી જોઈએ, એટલે  ‘હમ તો તેરે આશિક હૈ’ ગાતા-ગાતા બાથરૂમ કે શૌચાલયને ‘રેકોર્ડીંગ સ્ટુડીઓ’ જ બનાવી દે..!

                                  એક વાત છે, દર્દ વગર ગાયકીનો પાક ઉભરતો નથી. ને માણસની ફેકલ્ટીમાં આવ્યા એટલે દર્દના ઉભરા તો આવવાના..! દર્દના હુમલા થાય ત્યારે આપઘાતના રવાડે ચઢવાને બદલે, બાથરૂમના હવાલે જઈને હળવો થાય એમાં ખોટું શું..?  બાથરૂમ અને શૌચાલયનું ‘જાત-કર્મ’ ભલે જુદું  હોય, પણ બાથરૂમ સિંગરો માટે તો એ ‘આશ્રય-સ્થાન’ કહેવાય. હસવાની વાત નથી પણ, ગીત લલકારવાની અફલાતૂન સુવિધા મળે ત્યારે મારો સિંગર સોળે કળાએ ખીલે પણ ખરો..!  સિંગરોની ‘ઈમ્યુનીટી’ વધારવા બાથરૂમ અને શૌચાલય પણ એક રામબાણ ઈલાજ છે. “મરી જાઉં..મરી જાઉં”  જેવાં જીવલેણ હુમલા જેને આવતાં હોય એમણે તો, ઘરમાં ચાર/પાંચ બાથરૂમ વસાવી જ દેવાના..! આપઘાત કરવાનો વિચાર તો ટળે ?  બાથરૂમ સિંગરમાંથી ક્યારે પોપ સિંગર બની જાય, એનું કહેવાય નહિ. આમ પણ, બાથરૂમ સિંગરોનો સ્ટોક આપણે ત્યાં ઓછો નથી..!  સરકારે તો એકાદવાર ‘બાથરૂમ સિંગરો’ નું પણ સર્વે કરાવવા જેવું. અંદાજ તો આવે, કે ગળાના કેટલાં કસબીઓને ‘અપગ્રેડ’ કરવા જેવાં છે? બારાખડીમાં મગજ ટીચીને કેટલાએ કાંદો કાઢ્યો? સૂર અને સંગીત સાથે કુસ્તી કરે તો દુનિયા મુઠ્ઠીમાં આવી જાય. મૃત્યુની તાકાત નહિ કે, આજુબાજુ ફરકે, ને ધારો કે ટપકી ગયો, તો પણ લોક હૃદયમાં તો એ સો ટકા જીવી જાય..! મર્યા પછી સૂર બને પણ અસુર ક્યારેય નહિ.! ભૂત તો થાય જ નહિ. રતનજી ખીજાય..!

                            ૧૦૦ ટકા એક કાળજી તો રાખવી પડે કે, આજુબાજુવાળા સાથે સંબંધો સારા રાખવાના. ઢંગધડા વગરના રાગડા સાંભળીને પાડોશી આપઘાત કરવાનું નહિ વિચારે, એની તકેદારી પણ રાખવાની. તમારી બેઢંગી ગાયકીથી પોત-પોતાના તબલા સારંગી ઊંચકીને, નિર્જન ગુફામાં ચાલતી નહિ પકડે એની કાળજી પણ રાખવાની. કદાચ ગાતાં સાંભળીને પાડોશી ગળું દબાવવા આવે તો ગભરાવાનું નહિ. તમે તો શૌચાલયમાં કે બાથરૂમમાં જ હશો, તમારી સંમતી વગર એ થોડો અંદર ધસી આવવાનો છે..? આવે તો કહેવાનું કે, ગાવું એ કોઈ અગાશીમાં ઘોડા દોડાવવા જેવું, કે બાથરૂમમાં બુલેટ દોડાવવા જેટલું સહેલું નથી..! છતાં પણ ઝનૂન નહિ છોડે તો ગળાફાડ કહી દેવાનું કે,

                          “ સંગીત હૈ શક્તિ ઈશ્‍વર કી, હર સુર મેં બસે હૈં રામ,

                          રાગી તો ગાએ રાગિની, ઔર રોગી કો મિલે આરામ

 

                                             લાસ્ટ ધ બોલ

 

                    જુઓ.! બધાં જ પાડોશી ખરાબ હોતા નથી. કેટલાંક પરદુઃખ ભંજક પણ હોય. શ્રીશ્રી ભગાની વાઈફ જ્યારે ઘાંટો પાડીને ભગા સાથે ઝઘડી, ત્યારે એની પાડોશણ જ પરદુ:ખભંજક બનીને સામે આવેલી. હાર્મોનિયમ ઓટલે લાવીને ગાવા બેસી ગયેલી કે, ‘કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે. તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે, મેરા દર ખુલા હૈ, ખુલા હી રહેગા...!’  એના કપાળમાં કાંદા ફોડું  ત્યાર પછી, એ બે પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી..!

     

------------------------------------------------------------------------------------------------------------------------