રોજે રોજ તો આ પાળીને મળવા એકલો આ કાગડો બેસી રહે. તેનું ઠામ ઠેકાણું જ આ. જાણે પરભવનો પિતૃ જ જોઈ લ્યો. આમ તો આંહીં કોઈ આવે નહીં તેને દાણા નાખવા. પણ જાત કાગડાની, એને કાંઈપણ ચાલે. નીચે, આજુબાજુથી, લારીઓમાંથી ફેંકાયેલું, સારું કે બગડેલું કાંઈ પણ એને ચાલે. આજે તે પીપળાની ડાળેથી અગાસીની પાળીએ આવવા ગયો, તો જુએ છે કે, વર્ષોની ખાલીખમ અગાસી, દસ-બાર યુવાનોથી ભરાયેલી છે. તેમની મોંકળા લગભગ સમાન છે.
શું આ જુગતરામ પટેલના વારસદારોની ચોથી પેઢી હશે? જુગતરામના દેવ થયા પહેલાં પાંચ વર્ષ સુધી તે પોસ્ટમાં નોકરી કરતાં. અને ત્યારે આ ગામડાંમાં ઊભાં થયેલાં પહેલાં ત્રણ માળના મકાનની, અરે ના, ત્યારે તો એ ઘર હતું. એ ઘરની રોનક જ જુદી હતી. પટેલ પોસ્ટ માસ્ટર હતાં. તેમના આ ઘરથી પાંચ મિનિટના અંતરે ગામનું ભારે જાજરમાન એવું પોસ્ટ આૅફિસનું મકાન. આ ઘરમાં જુગતરામના પત્ની, નાના ભાઈ-ભાભી, ઘરભંગ થયેલા મોટાભાઈ, બે તેમના, બે જુગતરામના, એમ કુલ ચાર દીકરા અને નાનાની ત્રણ દીકરીઓ, એક વિધવા થયેલ બહેન પણ ખરી જ. કુલ તેર જણનો ચૂલો દિવસ - રાત સળગે અને બધાંય હૈયાં હૂંફે રહે. કાંઈ તારું - મારું નહીં કે કાંઈ જુઆરું નહીં. બધાંય વડીલો બધાંય બાળને એકસરીખા ચાહે.
એમ કરતાં બાળકો મોટાં થવાં લાગ્યાં. પાખો ફૂટતાં ભણતરની જુદી જુદી શાખાએ બેસવા મોટે શહેર કે પરદેશ વસતાં થયાં. એક - એક કરતાં સાતેય ઊડ્યાં, નોકરીઓ મેળવી, પરણી, ઠરીઠામ થયાં. જુગતરામ પહેલાં ઘરે આવતાં ત્યારે સાતેય બાળ માટે રેવડી-જલેબી બંધાવી આવતાં. બધાંયને અગાસીએ ભાળી મોં-હાથ પણ ધોયા વિના પરભારા જ ઊપર ચડી જતાં. બધાંયનાં મોંમાં મિઠાઈ મૂકી પોતે તેને ચગળવાનો આનંદ લેતાં. સૂર્યાસ્ત થાયને પત્નીની બૂમ પડે ત્યારે જ બાળકોને લઇ નીચે ઊતરતાં. રવિવારે તો સવારથી અગાસીમાં કોલાહલ રહેતો. તેલ માલીશ, કસરતો, પકડા પકડી ને એવું બધું. બપોર ક્યાં થઈ જતાં ખબરેય ન પડતી. અને ઉત્તરાયણ તો ભારે દમામથી ઊજવાતી. અગાસીની પાળીઓ કાંઈ કેટલાંય માંજે ઘસાતી. શેરડીની કાતળીઓ કાપતા થયેલાં બૂઠાં ચપ્પાની ધાર પણ ત્યાં જ ઘસાતી. પણ એ પાળીયે જાણે પોતાને ધન્ય સમજતી.
હવે, જુગતરામ પોસ્ટ ઓફિસથી કોઈ એકનો કાગળ લઈ આવતાં. કાગળ ખોલીને વાંચવાનો પરમાર્થ ઘણાંયે ગામલોક માટે કરેલો પણ. આ ઊડી ગયેલાં પંખીઓના કાગળ વાંચવાની તેમનામાં હામ ન હતી. તે તો પત્ની પાસે જ સાંભળતાં. શરૂ શરૂમાં સંતાનો પોતાનું ભણતર છોડી નહોતાં આવી શકતાં. પછી, નોકરી અને પછી તેમનાં બાળકોનું ભણતર. એક નિયમિત મળતાં, તે તેમનાં પત્રો. સાત જણનાં કાગળ અને છ બૂઢાં મન. ધીરે ધીરે ફોન આવ્યાં. કાગળ ઓછાં થયાં. પછી, ફોન ઘટ્યાં ને રાહ જોનારાં જણ પણ ઘટ્યાં. જુગતરામના પત્ની અને વિધવા બહેન છ મહિનાના અંતરે દેવલોક પામ્યાં. પછી એક વરસે મોટાભાઈ. નાનો ભાઈ અને તેની વહુ વર્ષે એકાદ - બે વાર સંતાનોના સંતાનોને મળી આવે. તેમનાં પાડેલાં ફોટાનાં આલ્બમ ભરી જુગતરામ માટે લેતાં આવે. જુગતરામને હજી નોકરી બાકી હતી. તે પોતાની નોકરીને ફરજ સમજી ક્યારેય રજા પર ન ઊતરતાં, તેથી તેમણે પૌત્ર-પૌત્રીઓને ફોટાઓમાં જ મોટાં થતાં દીઠાં હતાં.
એક યાત્રા વખતે માત્ર ભાઈ પાછો આવ્યો. તેની પત્નીનો સ્વર્ગવાસ નાનાનાં દીકરાને ઘરે જ થઈ ગયો. આમ, બે ભાઈઓ હવે એકલાં પડ્યાં. જુગતરામને અગાસી હવે બેસવા લાયક નહોતી લાગતી. સૂનકાર આખાયે ઘરમાં વ્યાપી જતો. આજે જુગતરામ અને તેમના ભાઈનેય દેવલોક પામ્યે સત્તરેક વર્ષ વહી ગયાં. હવે, તે ઘર ખંડિયેર બની ચૂક્યું હતું. વર્ષોથી ત્યાં કોઈ આવ્યું ન હતુ. એક ગામના મુખીના ઘરનો નોકર હતો જે શહેરથી ફોન આવે એટલે ચાર-છ મહિને મકાન એકવાર ચોખ્ખું કરી નાખતો. પણ ફરી એવું જ ખંડિયેર.
આજે આ જ ખંડિયેરની અગાસીમાં રોનક છવાઈ ગઈ હતી. જુગતરામના નાના દીકરાનો અને નાના ભાઈની બે મોટી દીકરીઓનો વસ્તાર અહીં આવ્યો હતો. સાથે બધાંયે ભાંડુંનાં બાળકોને અને તેમના પરિવારોને તેડી લાવ્યો હતો. હવે કુલ ૩૬ જણની રસોઈ બની રહી હતી. અગાસીમાં દોડાદોડ હતી. દડા, લખોટીઓ અને પકડામપકડીના અવાજો અગાસીની જમીનને ધન્ય કરી રહ્યાં હતાં. એટલામાં બિલકુલ જુગતરામ જેવાં દેખાતાં યુવાને નીચેથી હાક મારી - ચાલો રે, પતંગો આવી ગઈ છે. જેણે ચગાવવી હોય, એણે મને કિન્ના બાંધવામાં મદદ કરવી પડશે. બોલતો બોલતાં તો તે પતંગોનો ઢગલો બે હાથે માથા ઉપર ઝાલતો ઊપર આવી ગયો. તેણે પતંગો એક ઠરેલ, તેનાં જેવી આધેડ સ્ત્રીને આપી. અને પોતે જલેબીના પડીકાંમાંથી જલેબીઓ કાઢી એક પછી એક બાળકોના મોંમાં મૂકવા લાગ્યો. અને પોતાનાં બાળપણના મીઠા સ્મરણોની ચાસણીની મીઠાશ તેનાં મનમાં પ્રસરી રહી. ભાઈને આમ જોઈ બંન્ને બહેનોની આંખમાંથી રેવડીની મીઠાશ ઝરવા લાગી. પાળીએ બેઠેલો કાગડો તેનાં મોંમાં જે હતું એ પડતું મૂકી પેલા આધેડના માથા નજીક આવ્યો. જાણે પરભવની પિછાણ હોય તેમ તેણે કાગડાને જલેબીનો નાનો ટુકડો ધર્યો. કાગડો ચપ કરતોક તે લઈ નજીકના પીપળે ઊડી ગયો. ત્યાં બેસી જલેબી ખાતાં તે અગાસીના ઓચ્છવને માણી રહ્યો. વધુ મીઠાશ આ જલેબીમાં હતી કે પેલી જુગતરામની અગાશીમાં તેને નક્કી કરવાની અવઢવ થઈ પડી.
અલ્પા મ. પુરોહિત
વડોદરા