MOJISTAN - 95 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 95

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 95

મોજીસ્તાન (95)

વહેલી સવારે નીનાની ઊંઘ ઊડી ગઈ હતી. મોબાઈલ ચાલુ કરીને એણે સમય જોયો, મોબાઇલની સ્ક્રીન 4 વાગ્યા હોવાનું બતાવી રહી હતી.ઘેરથી આમ એકાએક નાસી જવું પડશે એવું એણે વિચાર્યું પણ નહોતું.મમ્મી અને પપ્પા એને સાંભરી આવ્યા.એના બે નાના ભાઈઓ પણ એને યાદ આવ્યા.નાસી જઈને ઘરની આબરૂ પણ પાણી તો ફરી જ ગયું હશે ગામમાં પપ્પા હવે ઊંચું મોં કરીને ચાલી નહિ શકે.આજે તો અમદાવાદથી મહેમાનો આવવાના છે એ લોકોને પપ્પા શું જવાબ આપશે એ પણ નીનાએ વિચાર્યું નહોતું. ગઈકાલે સાંજે ફળિયામાં મચેલું દંગલ ઘણા લોકોએ જોયું હતું.

'મારે સાવ આવો ફજેતો નહોતો કરવો જોઈતો. હું વિરલને જ ચોખ્ખી ના પાડી દેત તો આ પ્રશ્નનો ઉકેલ આવી જાત.અરે..રે મેં આ શું કરી નાખ્યું ! ખરેખર કોઈપણ પગલું ભરતા પહેલા મારે એનું પરિણામ શું આવશે એ વિચારવાની જરૂર હતી.મા બાપની આબરૂથી વિશેષ સંતાનો માટે કશું જ ન હોવું જોઈએ.ભલે પપ્પાએ મારી વાત કાને ધરી નહિ પણ હું એમને સમજાવી શકી હોત.'

તરત જ એ ખાટલામાંથી ઉભી થઈ ગઈ. બાજુના ખાટલામાં રમુના મમ્મી નસકોરાં ગજવતા હતા. નીના હળવેથી ઉઠીને મેડા પર જતો દાદર ચડી.નાઈટલેમ્પના અજવાળામાં નિરાંતે સુતેલા ટેમુના પગનો અંગૂઠો પકડીને નીનાએ ખેંચ્યો.

"કોણ છે..કોણ છે...'' કહેતો ટેમુ ગભરાઈને સફાળો જાગીને પથારીમાં બેઠો થઈ ગયો. નીનાને ઉભેલી જોઈને એ ફરી ગભરાયો.

"કોઈ નથી અલ્યા, હું નીના છું કંઈ ભૂત નથી..!" કહી નીના હસી પડી.

ટેમુએ દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોઈને ડોળા કાઢ્યાં,
"તારા ડોહા હજી ચાર વાગ્યા છે.
અત્યારમાં શું છે તારે ? તને કહ્યું તો છે કે તને અમદાવાદ પહોંચાડવાની જવાબદારી મારી છે.જા જઈને સુઈ જા."

"અમદાવાદ નથી જવું મારે.અને જવું હોય તો હું એકલી પણ જઈ શકું છું.હાલ્ય ઉભો થા, ઘેર જવું છે." કહી નીનાએ ફરી ટેમુનો અંગૂઠો ખેંચવા હાથ લાંબો કર્યો.

ટેમુએ તરત પગ ખેંચી લીધો. અને કહ્યું, "નીનાડી તારે મગજ જેવું કંઈ છે કે નહીં ? ઘડીક અમદાવાદ ને ઘડીક ઘર.શું થયું પાછું ? નથી જવું જીગર પાસે ? સપનામાં જીગર કોઈ બીજી સાથે ફરતો જોયો ?"

"ના એવું કંઈ નથી.મેં ખરેખર ખરાબ પગલું ભર્યું છે.હું જે કરવા માગું છું એના માટે ઘેરથી ભાગી જવાની કોઈ જરૂર મને દેખાતી નથી.મારે વિચારવાની જરૂર હતી. તને પણ ખાલી ખોટો જ મેં હેરાન કર્યો ટેમુ, ચાલ ઉભો થા સવાર પડે એ પહેલાં મારે ઘેર જતું રહેવું છે.હું રસ્તામાં તને બધું સમજાવીશ,ચલ ઉઠ."

નીના અને ટેમુની વાતો સાંભળીને રમુ પણ જાગી ગયો. આંખો ચોળીને એ નીનાને તાકી રહ્યો હતો.એ જોઈ નીના હસી પડી, "રમુભાઈ તમે સુઈ જાવ.સોરી તમને હેરાન કર્યા પણ મારે હવે ઘેર જવું છે."

"ખરી છો હો તું ! અત્યારે જ જવું છે ? સારું ઉપડો ત્યારે,હું ખડકી બંધ કરી જાઉં ચાલો.." કહી રમુ પણ ઉઠ્યો.

ટેમુએ બાથરૂમમાં જઈ મોં ધોયું. ત્રણેય જણ દાદર ઉતર્યા.રમુ નીચેના ઓરડામાંથી નીના માટે શાલ લઈ આવ્યો.

"ફરી ક્યારેક ભાઈનું ઘર સમજીને જીગરકુમાર સાથે આવજે હો. અને મારી ક્યારેય પણ જરૂર પડે તો કહેજે.લે આ શાલ ઓઢી લે, રસ્તામાં ઠંડી લાગશે." રમુએ ખડકીમાં ઉભા રહી એઇટી પાછળ ગોઠવાઈ ગયેલી નીનાને શાલ આપતા કહ્યું.

"વાહ મારો બેટો..અલ્યા આ નીનાડી એ જ લાગની છે.એને શાલ બાલ નો અપાય.હજી કોને ખબર છે અડધે જઈને કહેશે કે ટેમુડા હવે મારે ઘેર નથી જવું. ચાલ તારું આ ઠઠડીયું પાછું વાળ. તું એને નકામી શાલ આપે છે અને મને ટાઢે ઠારવો છે એમને ! હશે ભાઈ."
ટેમુની વાત સાંભળીને નીનાએ હસીને ટેમુની પીઠ પર મુક્કો માર્યો.અને રમુ પાસેથી શાલ લઈને શરીર ફરતે વીંટાળી દીધી.

રમુએ હાથ હલાવીને એ બંનેને વિદાય આપી.

"વળી પાછું શું ભૂત ધુંણાવ્યુ તેં ? ઘડી ઘડીમાં મન કેમ ફરી જાય છે ? જો મારી સાથે પરણવાનું મન બનાવ્યું હોય તો યાર મને માફ કરજે.." કહી ટેમુ હસ્યો.

"ના ટેમુ એવું કંઈ નથી.પણ મને લાગે છે કે કોઈ છોકરીએ ક્યારેય ઘેરથી ભાગી ન જવું જોઈએ. બાપ આખરે બાપ હોય છે, એ દીકરીનું સુખ સમજે તો ખરા જ. મેં ઉતાવળ કરી નાંખી.કાલે વિરલ આવવાનો છે, હું એને ચોખ્ખી ના પાડી દઈશ કે તારી જેવા કેરેકટર સાથે મારે મેરેજ કરવા નથી. હું જીગરને ચાહું છું અને જીગર હવે કોમામાંથી બહાર આવી ગયો છે. એટલે ન રહેગા બાંસ ઓર ન બજેગી બંસી.મને આ વિચાર સવાર સવારમાં આવ્યો,પણ હજી કંઈ મોડું નથી થઈ ગયું."

"તો પહેલા આવો વિચાર કરતાં તારા મગજને શું બળ પડતું હતું. અમથા અમથા બાપાઓને લડાવી માર્યા અને ગામમાં ફજેતો કર્યો..."

"બસ હવે તું મને લેક્ચર આપવાનું બંધ કર.જે થયું તે ભલે થયું પણ જે ન થવું જોઈએ એને નથી જ થવા દેવું સમજ્યો.ચાલ લીવર આપ તારા ઠઠડિયાને..!" કહી નીનાએ ટેમુને વળગીને એના ખભા પર માથું રાખી દીધું.

ટેમુએ પણ વધુ વહીવટ કર્યા વગર એઇટીને હાઈવે પર ચડાવ્યું.

લગભગ કલાક પછી ટેમુએ નીનાને એના ઘરની ખડકી આગળ ઉતારી ત્યારે શેરીના થાંભલા પાસે સુતેલી કાબરીએ મોં ઊંચું કરીને એ બેઉને ઓળખ્યા. અને કોઈ ભય ન હોવાનું જણાતાં પાછી સુઈ ગઈ.નીનાએ સાંકળ ખખડાવી અને ટેમુએ લીવર આપ્યું.

*

''ક્ષમા વીરસ્ય ભૂષણમ્..! તારા મનમાં જે વેરભાવના છે એ તને બાળી મુકશે.તારું અને તારા કુટુંબનો સર્વનાશ નોતરશે.નાનામાં નાના જીવને પણ હાનિ ન પહોંચે એવું જીવન જીવવાનો આદેશ જિનશાસનમાં કરવામાં આવ્યો છે.સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ જ મળે છે,ભલે તરત નહિ મળતું હોય પણ મળ્યા વગર રહેતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં જે કહી ગયા છે એ કદાપિ વ્યર્થ નથી થતું.માટે હુકમચંદ, તું જે રસ્તે ચાલ્યો જાય છે એ રસ્તો અત્યંત હીનકક્ષાનો હોવાથી તારી અંદર હિનભાવનાઓ ભરી પડી છે.તું કાવાદાવા કરે છે,બીજાનું હોય તે છીનવી લેવા ચાહે છે,તને નડતા હોય એમને મારી નાંખવા માંગે છે અને કામ, ક્રોધ,લોભ અને મોહની બેડીઓથી તું સખત રીતે બંધાયેલ છો.તારું જીવન એક અંધકાર છે દૂર દૂર સુધી તેં પ્રકાશને આવવાનો માર્ગ રહેવા દીધો નથી. તારું કલ્યાણ કેવી રીતે થશે ? આજ તું મારા શરણમાં આવ્યો છો એટલે હું તારો હાથ પકડીશ પણ અંધકારમાંથી બહાર આવવા તો તારે જ મહેનત કરવી પડશે.એ માટે મારી પહેલી આજ્ઞા છે કે તું રાજકારણ છોડી દે.અને જો ન છોડી શકતો હોય તો પદ મેળવવાની ઈચ્છાઓ છોડી દે.માત્ર અને માત્ર સેવા જ કરવાની નેમ રાખીને પ્રભુ જે તક આપે એ મુજબ લોકોની સેવા કરવા લાગ. તારી જે દશા થઈ છે એ કંઈ એમને એમ નથી થઈ એ તું જાણે છે.આઘાત નો જવાબ પ્રત્યાઘાત જ હોય છે એ કદાચ તું ભૂલી ગયો છો.રબ્બરના દડાને અફાળવાથી એ ઉંચો જાય છે. કોઈ પણ સ્પ્રિંગને દબાવી રાખી શકાતી નથી.જ્યારે પણ તક મળે ત્યારે એ ઉછળ્યા વગર રહેતી નથી. એકવાર પાછું ફરીને તારા જીવનના માર્ગ પર નજર કર.તું એક પણ દિવસ એવી રીતે જીવ્યો છો કે લોકો તને યાદ કરે ? કોઈ બીજા માટે ક્યારેય તેં નિસ્વાર્થભાવે કશું કર્યું છે ? હુકમચંદ, જ્યારે યુવાની હોય ત્યારે ઘોડાની જેમ માણસ સતત દોડતો રહે છે પણ શા માટે દોડે છે એ ક્યારેય વિચારતો નથી.આ દુનિયામાં શું લઈને તું આવ્યો હતો અને જઈશ ત્યારે શું લઈને જવાનો છો ? એવું જીવન જીવી બતાવ કે તું આ દુનિયામાંથી જતો રહે પછી પણ લોકો તને યાદ કરે ત્યારે એમના દિલમાં તારા માટે અહોભાવ છલકાતો હોય ! બસ આટલું જ કહેવા માટે હું આવ્યો હતો.'' કહીને મુનિ આસન પરથી ઉભા થઈ ગયા.

હુકમચંદ બે હાથ જોડીને મુનિના ચરણોમાં નમી પડ્યો.મુનિએ એના માથા પર હાથ મૂકીને વિદાય લીધી.
હુકમચંદ હોસ્પિટલના એ સ્પેશિયલ રૂમની ફરશ પર બેસી રહ્યો. એના હૃદયમાં જાણે કે ધરતીકંપ થયો હતો.વર્ષો પહેલાનો સજ્જન હુકમચંદ આળસ મરડીને જાણે કે બેઠો થયો હતો. એની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી.પસ્તાવાનું વિપુલ ઝરણું જાણે એના કાળમીંઢ કાળજામાંથી વહેવા લાગ્યું હતું. આંખ મીંચીને એ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો.મુનિશ્રીના શબ્દો પથ્થર બનીને એના મનના મધપૂડા પર વાગ્યા હતા.હજારો માખીઓની જેમ એના મનમાંથી અગણિત વિચારો બણબણવા લાગ્યા. એક વાવાઝોડું જાણે કે ફૂંકાયું હોય એમ કરેલા કુકર્મોનો વંટોળીયો એના મનમસ્તિષ્કમાં મંડરાવા લાગ્યો.કયારેય પાછું વળીને જે હુકમચંદે જોયું નહોતું એ હુકમચંદ આજ સજ્જડ થઈ ગયો હતો.એક સાચા સંતની વાણીનો ધોધ એના જીવનની સાવ સાંકડી નદીના વહેણમાં છલકાઈ જવા લાગ્યો.


વીજળી અને એની મમ્મીએ હુકમચંદને એમ જ બેસી રહેવા દીધો અને મુનિશ્રીના ચરણોમાં વંદન કર્યા.એ લોકોને પણ મુનિશ્રીએ આશીર્વાદ આપ્યા.

કેન્ટીનમાં રવિ,સંજય અને વીજળીએ કરેલી ચર્ચામાં હુકમચંદને સમજાવી શકે એવા કોઈ સંત કે મુનિને મળવા જવાનું નક્કી થયું હતું.એ મુજબ હુકમચંદનો પરિવાર જેમને ગુરુ માનતો હતો એવા આચાર્ય કરૂણાસાગર મુનિના ચરણોમાં બેસીને ત્રણેય જણે હુકમચંદની બધી જ વાત કરીને એમને આ રસ્તેથી પાછું વળી જવા સમજાવવા માટે વિનંતી કરી હતી.
સંત તો હંમેશા રસ્તો ભૂલેલાને સાચો રસ્તો બતાવવા તત્પર જ હોય છે.

મુનિશ્રીએ હા પાડી એટલે વીજળીએ હુકમચંદને એમના આવવાના સમાચાર આપ્યા. અચાનક પોતાના ગુરુ ખબર કાઢવા આવવવાના હોવાની વાત સાંભળીને હુકમચંદની ખુશીનો પાર ન રહ્યો.

મુનિ કરુણાસાગર પધાર્યા ત્યારે હુકમચંદ ઉઠીને એમના ચરણોમાં નમી પડ્યો. મુનિશ્રીએ એમના માટે લાવવામાં આવેલા આસન પર બેઠક લીધી. હુકમચંદ મુનિશ્રીના ચરણોમાં બેસીને નમી પડ્યો એટલે મુનિશ્રીએ હુકમચંદને ઉપર મુજબના શબ્દો કહ્યા અને હુકમચંદ હલબલી ગયો.

રવિ અને સંજય મુનિશ્રીને એમના સ્થાનક પર પહોંચાડીને હોસ્પિટલ પરત ફર્યા. હુકમચંદના રૂમમાં હજી પણ હુકમચંદ આંખો બંધ કરીને બેઠો હતો.એની બંને આંખોમાંથી અશ્રુઓની ધાર વહેતી હતી.હુકમચંદ પસ્તાવાની ગંગામા નહાઈ રહ્યો હતો અને એના હ્ર્દયનું પરિવર્તન થઈ રહ્યું હતું.સૂકા ઘાસની ગંજીમાં સળગતી દીવાસળી પડતા જ તે સળગી ઉઠે એમ જ મુનિશ્રીના એક જ સંસર્ગથી હુકમચંદ ધડમૂળથી બદલાઈ રહ્યો હતો.

વીજળી,હુકમચંદની પત્ની,રવિ અને સંજય ચુપચાપ બેસીને હુકમચંદને તાકી રહ્યા હતા. મુનિશ્રીના શબ્દોની ઘેરી અસર હુકમચંદ પર થઈ એ જોઈ એ દરેક જણ ખુશ થઈ રહ્યાં હતાં.

*

"ડોકટર કેમ કેદુના દેખાતા નહોતા ? આ દવાખાનું કેમ સાવ રેઢું પડ્યું છે ? દાગતર ને નર્સ બેય આમ બાર્ય રખડે ને આંય દર્દી વાટ જોઈને બેહી રે.તમને સરકાર શેનો પગાર દે છે ? બાર્ય રખડવાનો કે આંય દર્દીની સેવા કરવાનો ?" તખુભાએ ડોકટર અને ચંપાને ખખડાવ્યા.

"અરે તખુભા હું તો રજા પર હતો. અબીહાલ આવ્યો છું.તે કવાટર પર થોડું સાફસુફ કરવું પડે એમ હતું એટલે ચંપા ઘડીક આવી હતી. અને એ પણ કોઈ દર્દી નહોતો એટલે.બાકી એમ થોડું અમે બહાર રખડીએ છીએ ભલામાણસ તમેય શું જેમ આવે એમ લેવા મંડ્યા !" ડોકટરે કહ્યું.

"તો ઠીક,હાલો હવે મને દવા આપો.મારો બેટો રાતે અચાનક ગોળો ચડ્યો'તો પેટમાં તે રાત માંડ કાઢી છે.હજી પેટમાં દુઃખે છે.."

"ગોળો ચડ્યો ? તમને ચડ્યો ? સાલા ગોળાની આ હિંમત ? કોઈને નહીને તખુભાને ? અને એ પણ રાતે ?" કહી ડોકટર હસી પડ્યા અને ઉમેર્યું, "રાતે શેનું મારણ કર્યું હતું ?"

ડોકટરની વાત સાંભળી તખુભા પણ હસ્યા.

"અલ્યા દાગતર અમે પણ માણસ છીએ હો ! ગોળો તો ગમે એને ચડે.ઈ કાંય એમ થોડો હમજે છે કે તખુભાને નો ચડાય ? સાંજે બટાકાનું શાક ખાધું'તું ઈ કદાચ વાયડું પડ્યું હશે."

"તો આવો આપણે એ ગોળાને ગોળીએ દઈએ. તખુભા ઉઠીને બટાકા ખાવ છો ?" કહી ડોકટર એમની કેબિન તરફ ચાલ્યા. તખુભા પણ ઢીંચણ પર હાથનું દબાણ આપીને ઉઠ્યાં.

"કેમ અમારે બટાકા નો ખાવા ? તખુભા બટાકા નો ખાય ? તમારે બધાને ખાવા અને મારે નો ખાવા ?"

ડોકટરે હસીને તખુભાને તપસ્યા. ચંપાને બોલાવીને દવા સમજાવી એટલે ચંપા દવાની પડીકીઓ આપી ગઈ.એ ગઈ એટલે તખુભાએ ડોક્ટરને હળવેકથી પૂછ્યું, "દાગતર એક વાત પૂછવી'તી. આ તો તમારી હાર્યે જરાક જીવ મળી ગયો છે એટલે પૂછું છું.નકર મારે શું કામ કોઈની પંચાતમાં પડવું પડે.."

"અરે..તખુભા તમે તો મારા દોસ્ત છો.આ ગામમાં હું ટક્યો હોઉં તો તમારા કારણે જ વળી.એટલે જે પૂછવું હોય એ બેફિકર પૂછો તમતમારે.."

"ગામમાં વાતું થાય છે કે આ ચંપાને ને તમારે કાંક મેળ થઈ ગયો છે.સાચું કેવું નો કેવું તમારી ઈચ્છા, પણ જો આ વાત સાચી જ હોય તો ઈ તમારી જેવા માણસ માટે બવ સારું ન કે'વાય.
મારે ઘણા ટેમથી તમને પૂછવું'તું પણ જીભ ઉપડતી નો'તી.." કહી તખુભા ડોકટરની આંખોમાં આંખો નાખીને તાકી રહ્યા.

ડોકટર ઉપર જાણે કોઈએ ઠંડા પાણીની ડોલ નાખી હોય એમ થોડીવાર એ થીજી ગયા. તખુભા આગળ જૂઠું બોલવાનો કોઈ અર્થ નહોતો.આમેય ડોક્ટરને એમની વાતો થાય છે એ ખબર જ હતી. આગ લાગી હોય ત્યાં ધુમાડો નીકળ્યા વગર રહે નહીં એમ આવા સબંધો ક્યારેય છુપા રહી શકતા નથી, એ વાત ડોકટર બરાબર સમજતા હતા.

"તખુભા તમારી આગળ હું જૂઠું નહિ બોલું.હું તમારી જેવો ન થઈ શકું.તમે જે કંઈ સાંભળ્યું હોય એ મને ખબર નથી.પણ ચંપા નર્સ મારી સેવા કરે છે એ વાત ખરી હવે કેવી સેવા કરે છે એ ન પૂછતા. સમજદારને ઈશારો કાફી હોય છે.અમેં બેઉ એકબીજાની જરૂરિયાત પૂરી કરીએ છીએ."

તખુભાને ડોકટર સાચું બોલ્યા એ ગમ્યું.પણ ડોકટરની વાત ન ગમી. તખુભા ઘણા વર્ષોથી વિધુર હતા પણ ક્યાંય લપસ્યા નહોતા.જ્યારે ડોકટર જરૂરિયાત પૂરી કરવાની વાત કરતા હતા !

"આ ઉંમરે હવે એવી ઈચ્છાઓ ન રાખો તો સારું ભલામાણસ.આવું બધું શે'રમાં હાલે. આંય ગામડામાં તમારી જેવો દાગતર ઉઠીને આવું કરે ઈ બરોબર નથી."

"શું બરાબર છે અને શું નથી એ આપણા પોતાના વિચારો પર આધાર રાખે છે તખુભા. તમને જે ઠીક લાગતું હોય એ મને સાવ નકામું લાગી શકે અને હું જેને જરૂરી ગણતો હોઉં એ તમને લફરું લાગતું હોય એ શક્ય છે. તમને રીંગણા ભાવતા હોય તો મને ભાવે જ એવું તો ન હોય ને ! બે વ્યક્તિ પોતાની ઇચ્છાથી એકબીજા સાથે સબંધ રાખે તો એમાં કશું જ ખોટું નથી.રહી વાત શહેર અને ગામડાની, તો શહેરમાં પણ તમારી જેવું વિચારનારાની તાણ નથી. સારું ન લાગતું હોવા છતાં ગામડામાં આવા સબંધ કંઈ મારા એકલાના તો નહીં જ હોય.આપણા આ ગામમાં ઘણા મારી જેમ એકબીજાની જરૂરિયાતો સંતોષે છે.તમે કેટલે ઠેકાણે સલાહ આપવા જશો ?"
ડોકટરે કહ્યું.

"તમને તો હું નહિ પહોંચું.છતાં એકવાત કય દવ છું કે તમને આ શોભતી વાત નથી. કાલ ઉઠીને તમારા આ સબંધને લીધે તમને કોઈ તકલીફ પડે તો મારી પાસે નો આવતા.આ બાબતમાં તખુભા તમને કોઈ મદદ નહિ કરે. ચાલો તમારા વિચાર મુજબ તમે જીવો, જય માતાજી." કહી તખુભા દવાની પડીકી લઈને ઉભા થઈ ગયા.

"તમારી વાત તો સાચી છે તખુભા, પણ મન તો માંકડા જેવું છે ને. એક ડાળેથી બીજી ડાળે ઠેકતું જ રહે છે.પ્રેમને ઉંમર સાથે ક્યાં કંઈ લેવા દેવા હોય છે ! નથી ગરીબ અમીરનો તફાવત જોવાતો કે નથી જોવાતી નાત અને જાત..! પ્રેમ તો ગમે ત્યારે ગમે તેની સાથે થાય ! ચંપાને રૂપિયાની જરૂર હતી ને મારે એની ! માત્ર ટાઈમપાસ માટે બાંધેલો સબંધ આટલો મજબૂત થઈ જશે એ મને ક્યાં ખબર હતી.હવે તો ચંપા સાથે મરીએ ત્યાં સુધી જીવવાનું છે.''

(ક્રમશ :)