રાધી હજી પણ હસી રહી હતી. તે પોતાનું હસવાનું માંડ માંડ રોકી શકી. પછી કનાને કહ્યું, "કાઠીયાવાડી તું હાવ બોઘો સો. આવડો હાંઢિયાને મીઠું દે એવડો થ્યો તોય પાછો કે સે આહુડા પીયને ઈંડા દે."
આટલું બોલી રાધી ફરી હસવા લાગી. કનો બાઘો થઈ ગયો. તેણે રાધીને કહ્યું, હાસું હો રાધી અમારા કાઠીયાવાડમાં માણા એવું કે. પણ આજ મેં નજરો નજર ભાળ્યું એટલે હાશી વાતની ખબર પડી."
રાધીએ કનાને સમજાવતા કહ્યું,મોરલો બવ હરમાળ (શરમાળ) પંખીડુ. એટલે ઈ ક્યારેય કોઈને ભાળતા મળે નય. એને મળતા કોયે જોયો નો હોય. એટલે માણહો એ એવી વાત હાંકી કાઢી હોય."
કનાને પોતાની વાત પર શરમ લાગી.
કનાએ કહ્યું, "હે રાધી આવા બધા પરાણી પંખીડાની તને કેમ બધી ખબર હોય?"
રાધીએ કહ્યું, "હું નાનેથી મોટી ગર્યના ખોળે જ થઈ સુ. એટલે આવું બધું ભાળી ભાળીને હિખતી આવી. ન્યાં ઈમાં હૂ મોટી વાત હતી!? અને ઘણી ખરી વાતું તો મારા અમુઆતા પાસેથી હાંભળેલી હોય. મારા અમુ આતાના કોઠામાં તો આવી કેટલુંય વાતુ ધરબાઈને પડી હે."
કનાએ કહ્યું, "રાધી એકાદી હાવજની વાત મને હંભળાવી ને!"
રાધીએ કહ્યું, " આમ હેઠે ઉભા ઉભા નહિ હંભળાવું. પોતે સિંહાસને સડીને બેઠી જ્યો સે, ને મારે ઊભા ઊભા થાકવાનું હેને?"
કનાએ કહ્યું, "લે ટેકો કરું આયા ડાળની ઉપર બેહિ જા."
કનાએ પોતાનો હાથ આપ્યો. રાધીએ કનાનો હાથ પકડી ઉપર ચડવા ઝાટકો માર્યો. અચાનક ખેંચાવાથી કનાથી નીચે ઉતરાય ગયું. પછી કનાને શું સૂઝ્યું!? પોતાના તરફ મોં રાખી ઊભેલી રાધીને કમરની નીચેથી બે હાથની બાથમાં પકડી ઉચકીને ડાળ પર બેસાડી દીધી. અચાનક રાધી કંઈ સમજે તે પહેલા કનાના બે હાથમાં જકડાયને રાધી ડાળ પર બેસી ગઈ હતી. કનાના મજબૂત હાથો વડે પકડાઈને ભિંસાયેલી રાધીના પગમાં ઘડીક દર્દ થયું. પરંતુ એ કશું બોલી નહીં શરમાઈને કનાને ત્રાંસી નજરે તાકતી રહી. હવે કનો પણ રાધીની બાજુમાં બેસી ગયો. પોતાને આવી રીતે ઉચકવાના દંડ રૂપે રાધીએ કનાના ખંભે હળવી ટપલી મારી. જેની નોંધ લીધા વગર,
કનાએ કહ્યું, "લે હવે હાવજની એકાદી વાત માંડય" રાધીએ ઉપર જોઈ ઘડીક યાદ કર્યું, પછી યાદ આવતા વાત ચાલુ કરી, "મારા અમુઆતા કેતા'તા આજથી સિત્તેર વરહ પેલા ગર્યમાં હાવજો મારવાનો સરકારે બંધો લગાડી દીધો. ઈ વખતની આ વાત સે. ઈ વખતે નેહડામાં જીણા નાના માલધારી રેતા'તા. જીણા નાનાને જંગલના પરાણી પંખીડા હારી બવ હેત પરિત હતી. ઇમાય ઈને હાવજ્યું બવ વાલા હતા. જીણો નાના આખો દાડો હાવજયું વાહે ફર્યા કરે. ઈ ક્યાં જાય સે, કોની હંગાથે રે સે, કોની હારે બાધે સે, શીણે(સિંહણે) કેટલા બસ્સા જણ્યા બધી ખબર જીણા નાના રાખે. ગર્યના હાવજયું ઈના હેવાયા ય બવ હતા. ઈ મા ગંગા નામની શીણ (સિંહણ)તો જીણા નાનાની બવ હેવાય હતી. એવું કેવાય સે કે જીણો નાના હૂતા હોય ઈની પડખે આવીને ગંગા હૂય જાતી. ગંગાએ બસોળીયા (બચ્ચા)ને જનમ આલ્યો. ઈમાં એક બસ્સુ જ મોટું થ્યું. ગર્યમાં બસ્સા મોટા કરવા શીણુ (સિંહણુ)માટે બહુ અઘરા. જણે ઈ બધા નો જીવે. એટલે ગંગાનું એક બસોળીયું જ મોટું થયું.ઈના કપાળે કાળો ડાઘો હતો એટલે ઈનું નામ જીણા નાનાએ ટીલીયો પાડી દીધુ. ગંગા જેટલી હેવાય હતી,વાહે ઈનો બસોળીયો ટીલીયો ય જીણા નાનાનો હેવાયો થયો. એક દાડો જીણો નાના ઊંઘી જ્યો તો ને ટીલીયો ઈની ભેળો પડખે આવી રમવા માંડ્યો. જીણા નાનાએ પડખું ફેરવ્યુંને ટીલીયો દબાઈ જ્યો. ટીલીયો માંડયો કાવકારા કરવા. ઈના કાવકારા હામભળી એની મા ગંગા આવી જય. પોતાના બસ્સા હારું થઈને શીણ ગમે ઇ ને મારી નાખે. ગંગાએ જીણા નાનાની સાતી ઉપર પંજો મૂકી દીધો. જીણા નાનાએ હુતા હુતા જ હાંકલો કર્યો, " હં...હં... ગંગા જોતો ખરી હું જીણોભાઈ સુ. તારા બસ્સાને ઈમ નય મારી લાખુ. જીણા નાનાનો અવાજ સાંભળતા જ ગંગાએ પોતાનો પંજો તેમની છાતી પરથી ખેહવી લીધો."
રાધી જાણે આ પ્રસંગ બન્યો ત્યારે ત્યાં હાજર હોય તેવી રસાળ શૈલીમાં આ પ્રસંગ વર્ણવી રહી હતી. સુરજદાદો ધીમે ધીમે આકાશમાં ઉપર ચઢી રહ્યો હતો. તડકો પોતાનો પ્રભાવ બતાવી રહ્યો હતો. ડેમના કાંઠે લહેરાતી લીલી કુંજારમાંથી આવતો પંખીડાનો કલબલાટ ઓછો થઈ ગયો હતો. પરંતુ તમરાનો ધ્વનિ એકધારો સંભળાઈ રહ્યો હતો. ડેમના પાણી પરથી આવતો ઠંડો પવન અને ઉપર રહેલ વડલાનો છાયડો કના અને રાધીને શીતળતા આપી રહ્યો હતો. કનાનું ધ્યાન વાત કરી રહેલી રાધી તરફ જ હતું. એવામાં એક પવનની આટી આવતા રાધીની ચુંદડી હવામા લહેરાવા લાગી. વાત કહેવામાં મગ્ન બની ગયેલી રાધીને પણ પોતાની ચુંદડી હવામાં ફરફર કરતી ઉડી રહી હતી એનું ભાન ન રહ્યું. મોરની ડોક જેવી પાતળી અને મખમલ જેવી ગોરી રાધીની ડોક પર કનાની નજર સ્થિર થઈ. સ્થિર થયેલી કનાની નજર સરકીને વધારે નીચે આવી. કનો આજે પહેલી વાર રાધીની યુવાની જોઈ રહ્યો હતો. રાધીની યુવાનીમાં કનાની નજર અટવાઈ પડી. વાત કરવામાં મગ્ન બની ગયેલી રાધીના સ્ત્રી સહજ દિમાગમાં તેને કનાની નજર વિંધી રહી હોય તેવો ભાસ થયો. રાધીએ વાત કરતા કરતા જરા નીચે નજર કરી ત્યારે તેને ભાન થયું કે તેની ચુંદડી તો ઉડી રહી છે. તેણે વાત અટકાવી દીધી. હવામાં લહેરાતી ચુંદડી પકડી એને ફરી સરખી કરી પોતાની યુવાનીને ચુંદડીની આડશમાં લપેટી લીધી. બધુ બરાબર ગોઠવીને રાધીએ કના સામે ઠપકાની નજરથી જોયું. કનાથી રાધીની આ નજર સહી ન ગઈ. તે આડુ જોઈ ગયો. રાધીએ કનાને ખંભે ટપલી મારી કહ્યું, "કેમ અલ્યા આ ઘડીએ તો તારે હાવજ્યુંની વાતું હાંભળવી'તી. હવે કાં અવળું ફરી જ્યો? તો પેલા હમજી ને લખણે રેતા હોવ તો!!?"એમ કહી રાધીએ કનાને ફરી પોતાની સામે જોવરાવ્યું ને અધૂરી વાત આગળ ચલાવી.
"ટીલીયો જીણા નાનાની નજર હામે જ મોટો થાવા માંડ્યો. પણ ટીલીયો એટલે ટીલીયો,એની મા ગંગાને વટે એવો લોઠકો અને જોરૂકો થય જ્યો. એવું કેવાય સે કે ટીલીયો એકલો ભેંહનો શિકાર કરી નાખતો. ને ભેંહને મારીને ઊંડી ગર્યમાં ઉપાડીને એવી રીતે ખેહી જાતો કે ભેંહના ટાંગા જ ઢહડાય,સરીર આખું હવામાં ઉસકી લે. ખાલી ટાંગા ઢહડાવાના એંધાણ મળે એટલે હમજી લેવાનું કે ટીલીયો પડ્યો સે. આવો ભયાનક પણ જીણા નાનાને ભાળે એટલે ગૌરી ગાય જેવો થઈ જાતો. ગમે એવા શિકાર ઉપર ખડો હોય પણ જીણા નાનાને ભાળે એટલે એકવાર તો ટીલીયો એની પડખે આયા વગર નો રે! મારા અમુઆતા એવું કેતા'તા કે એક વાર તો એવું બની ગયું કે ટીલીયો જીણા નાનાની એટલો ઓરો આવી જ્યો કે જીણા નાનાએ ટીલીયાના કાનેથી ગિંગોડો (પશુનું લોહી સુચનારૂ એક પરાવલંબી કીટક) પણ તોડેલો.
કનો પ્રયત્ન પૂર્વક રાધીની આંખો સામે જ જોઈ રહ્યો હતો. તેને હમણાં જોયેલું દ્રશ્ય ફરી ફરી યાદ આવી રહ્યું હતું. એટલે તે તેની નજરને સ્થિર રાખવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. પરંતુ કનાને રાધીના ગુસ્સા ની ખબર હતી. તે મનને મક્કમ રાખી રાધીની વાતમાં મન પરોવવા કોશિશ કરી રહ્યો હતો. અને રાધી પણ આ વાત જાણતી હતી, આજે તેને કનાના ચહેરા પર અલગ ભાવ લાગી રહ્યો હતો. જાણે કનો પોતાનાથી કંઇ છુપાવી રહ્યો હોય કે કંઈક ચોરી રહ્યો હોય, એવો અનુભવ રાધીને થઈ રહ્યો હતો. કાયમ જેની હંગાથે રમીને મોટી થયેલી રાધીને એ નહોતું સમજાઈ રહ્યું કે આજે અચાનક તેને કનાની નજર ભારે કેમ લાગી રહી છે? જો કે રાધીને મનથી કનાની આ નજર ગમી રહી હતી.
રાધીને પોતાની માડીએ કહેલી વાત હવે સાચી લાગી રહી હતી, "કે હવે ઈ નાની નથી. તે જુવાન થઈ રહી છે. રાધીને આજે પહેલી વાર યુવાનીને ઉંબરે પગ મૂક્યો હોય તેવો અહેસાસ થયો. તે આજે પહેલીવાર કનાની આટલી નજદીકીથી ડર અને શરમ અનુભવી રહી હતી. અને કનો પોતાનાથી દૂર જાય તેવું પણ તે ઈચ્છી રહી નહોતી. રાધીની છાતીમાં ભરાયેલા મૂંઝવણના આ ડુમાને જ જુવાની કહેવાતી હશે તેવું રાધીને લાગ્યું.
ક્રમશ: ...
(ટીલીયા સાવજની વાત મારા મિત્ર દીપસિંહ પરમાર(દેવગામગીર) મને fb માંથી મોકલાવેલી છે. આ વાત મેં મારી નવલકથામાં વણી લીધી છે. આ માહિતી મેળવનાર સંશોધક અને મારા મિત્રનો હું અત્રે આભાર માનું છું.)
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621