Tezaab - 13 - Last Part in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | તેજાબ - 13 - છેલ્લો ભાગ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તેજાબ - 13 - છેલ્લો ભાગ

૧૩. તેજાબી મિશન 

 બ્લેક ટાઈગરના રૂપમાં રેશમાને જોયા પછી પણ દિલીપના ચહેરા પર આશ્ચર્યના કોઈ હાવભાવ ન ઉપસ્યા, તેમ એ સહેજેય ચમક્યો પણ નહીં. બલકે રેશમાને જોઈને એના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ઊઠ્યું.

 એનું અનુમાન સાચું જ પડ્યું હતું.

 બ્લેક ટાઈગર તરીકે એણે રેશમાનું જ અનુમાન કર્યું હતું.

 ‘શું વાત છે મિસ્ટર દિલીપ?’ રેશમાએ પૂછ્યું, ‘મને જોઈને તમને નવાઈ ન લાગી ?’

 ‘ના....!’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાંજવાબ આપ્યો, ‘બિલકુલ નથી લાગી. હા, જો બ્લેક ટાઈગરના રૂપમાં તારે બદલે બીજું કોઈ મારી સામે આવ્યું હોત તો ચોક્કસ હું નવાઈ પામત.’ 

 દિલીપે રિવોલ્વરવાળો હાથ નીચો કરી નાખ્યો.

 ‘આનો અર્થ તો એ થયો કે હું જ બ્લેક ટાઈગર છું એની તમને અગાઉથી જ ખબર હતી, ખરું ને ?’ રેશમાએ આશ્ચર્યથી પૂછ્યું.

 ‘હા....હું આગથી જ જાણતો હતો.’ દિલીપે શાંત અવાજે જવાબ આપ્યો.

 ‘તમને મારા પર કેવી રીતે શંકા ઊપજી ?’

 ‘જ્યારે મેં સૌથી પહેલાં બ્લેક ટાઇગરનો અવાજ ટ્રાન્સમીટર પર સાંભળ્યો ત્યારે જ બ્લેક ટાઇગર કોઈક છોકરી છે એવી શંકા મને ઊપજી હતી. અલબત્ત, બ્લેક ટાઇગરના રૂપમાં વાત કરતી વખતે તેં તારા અવાજને પુરુષ જેવો રાખવાનો ભરચક પ્રયાસ કર્યો હતો અને એમાં તું સફળ પણ થઈ હતી. પરંતુ એક વાતની તને ખબર નથી લગતી. વૈજ્ઞાનિક રીતે સ્ત્રી-પુરુષની સ્વરપેટીમાં ફરક હોય છે. આ ફરક જાણનાર અવાજને ઓળખવામાં બિલકુલ થાપ નથી ખાતો. પુરુષની સ્વરપેટી મોટી હોય છે અને તેમાંથી નીકળતા અવાજની રેન્જ પણ ઘણી હોય છે. જ્યારે સ્ત્રીની સ્વરપેટી નાની હોવાને કારણે તેની રેન્જ પણ ઓછી હોય છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ સ્ત્રી ભલે પુરુષના આવજમાં બોલે, પરંતુ સ્વરપેટીના આધારે સહેલાઈથી તેને ઓળખી શકાય છે.’

 ‘ઓહ.....તો પહેલી વાર મારો અવાજ સાંભળતાં જ બ્લેક ટાઇગર કોઈક છોકરી છે એ વાતની તમને ખબર પડી ગઈ હતી ખરું ને.’

 ‘હા....’

 ‘પરંતુ એ છોકરી હું જ છું એની તમને ક્યારે ને કેવી રીતે ખબર પડી...?’

 ‘અમે લોકોએ બંકર પર હુમલો કર્યો એ દિવસે.’ દિલીપ બોલ્યો, ‘ત્યાં પહેલાં પરવેઝને બચાવવા માટે તેં મારી સામે રાઈફલ તાકી હતી. પરંતુ પછી અચાનક જ તું મને પરવેઝના હવાલે કરીને ચાલી ગઈ હતી. મારી નજરે તારી આ વર્તણૂક અજુગતી હતી. ત્યાર બાદ તેં અચાનક જ રૂમમાં પ્રવેશીને પરવેઝનું ધ્યાન ભંગ કર્યું ને મને તેના પર તૂટી પડવાની આડકતરી રીતે તક આપી. હું ત્યારે જ સમજી ગયો હતો કે બ્લેક ટાઇગર તું જ છે. એ બધું તેં જાણી જોઈને જ કર્યું હતું. મારી વાત ખોટી હોય તો કહે.’

 દિલીપની વાત સાંભળીને રેશમાના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.

 ‘ખરેખર તમારી બુદ્ધિને દાદ આપવી પડશે, મિસ્ટર દિલીપ !’ એ પ્રશંસાભર્યા અવાજે બોલી, ‘તમારે વિશે મે જે કંઈ સાંભળ્યું હતું એવા જ તમે પુરવાર થયા છો.’

 ‘એ તો ઠીક છે....પણ એક વાત મને નથી સમજાતી.’

 ‘શું....?’

 ‘તને ત્રાસવાદીઓ પ્રત્યે આટલી નફરત શા માટે છે ?’ દિલીપે પૂછ્યું.

 ‘એ વાત ખૂબ જ લાંબી છે, મિસ્ટર દિલીપ !’ રેશમા એક ઊંડો શ્વાસ લેતાં બોલી.

 ‘વાંધો નહીં....હું એ સાંભળવા માંગું છું. તારે વિશે બધું જ જાણવાની મને ઈચ્છા છે.’

 ‘તમારી પાસે સમય છે એટલો ?’

 ‘હા..’

 ‘ઓ.કે......તો હું તમને બધું જણાવું છું.’

 દિલીપ ધીમેથી માથું હલાવીને રેશમા સામે તાકી રહ્યો.

 રેશમાના ચહેરા પર લાગણીનું તોફાન એ સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો.

 એની આંખોમાં લાલિમા ઊતરી આવી હતી.

 ‘સાંભળો મિસ્ટર દિલીપ !’ જાણે કોઈક અંધારા કૂવામાંથી આવતો હોય એવો અવાજ રેશમાના મોંમાંથી વહેતો થયો, ‘મારો ભાઈ એક ખતરનાક જેહાદી હતો. હિન્દુસ્તાની ફોજ તથા હિન્દુસ્તાની નાગરિકો પ્રત્યે તેને ઘોર તિરસ્કાર હતો. ભારતે બળજબરીપૂર્વક કાશ્મીર પર કબજો જમાવ્યો છે એમ તે માનતો હતો. તે પાકિસ્તાનને પોતાની કોમ અને કાશ્મીરનો સૌથી મોટો હિમાયતી માનતો હતો. પરંતુ એક દિવસ પાકિસ્તાન પ્રત્યેનો એનો આ ભ્રમ તૂટી ગયો અને ભ્રમ તૂટતાં જ જાણે કે એની દુનિયા ઉજ્જડ બની ગઈ.’

 ‘ભ્રમ કેવી રીતે તૂટ્યો ?’ દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

 ‘મને આજે પણ યાદ છે...!’ રેશમા પૂર્વવત અવાજે બોલી, ‘રમજાન મહિનો હતો અને ઇદને ચાર જ દિવસની વાર હતી. પાકિસ્તાનથી થોડા જાસૂસો કાશ્મીર આવ્યા હતા અને જેહાદીઓ સાથે તેમની મિટિંગ ચાલતી હતી. મિટિંગ દરમિયાન પાકિસ્તાની જાસૂસોએ મારા ભાઈને કહ્યું કે, એણે ઇદના દિવસે બારામૂલાની મસ્જિદમાં ઘૂસીને નમાજ પઢી રહેલા મુસ્લિમો પર ગોળી છોડવાની છે.....ત્યાં લાશોના ગંજ ખડવાના છે. તેમનો આ પ્રસ્તાવ સાંભળીને મારો ભાઈ એકદમ હેબતાઈ ગયો. મસ્જિદમાં નમાજ પઢી રહેલા મુસ્લિમોને મારો ભાઈ મોતને ઘાટ ઉતારે અને તેનો આરોપ ભારતીય સૈનિકો પર આવે એમ પાકિસ્તાની જાસૂસો ઈચ્છતા હતા. આખી દુનિયા એમ જ સમજે કે આ અધમ કૃત્ય ભારતીય સૈનિકોનું છે. આ પગલું ભરવાથી પાકિસ્તાનને એ લાભ થાત કે ભલાભોળા કાશ્મીરીઓ ઉશ્કેરાઈ જાત. આખી દુનિયા ભારતીય સૈનિકો પર ફિટકાર વરસાવત. પોતાનો સ્વાર્થ સાધવા માટે....પોતાનું મિશન પાર પાડવા માટે પાકિસ્તાનને કાશ્મીરીઓનું લોહી રેડવામાં પણ કોઈ વાંધો નહોતો. તેઓ ભલાભોળા કાશ્મીરીઓને ઉશ્કેરીને પોતાની સ્વાર્થ પોષવા માગતા હતા. પોતે ખોટા માણસોના હાથનું રમકડું બની ગયો છે એ વાત મારો ભાઈ સમજી ગયો. પાકિસ્તાનને કાશ્મીરની આઝાદીમાં કોઈ રસ નથી પણ તે માત્ર પોતાના લાભ માટે જ જંગ લડીને ભલાભોળા કાશ્મીરીઓને મૂરખ બનાવે છે એ હકીકત તે સમજી ચૂક્યો હતો.’ કહેતાં કહેતાં રેશમા ચૂપ થઈ ગઈ.

 એ વધુ ગમગીન બની ગઈ હતી.

 દિલીપ ખૂબ જ ધ્યાનથી એની વાતનો એક એક શબ્દ સાંભળતો હતો.

 ‘પછી...?’ રેશમાને ચૂપ થયેલી જોઈને એણે પૂછ્યું, ‘પછી શું થયું?’

 ‘પછી...’ રેશમા ગમગીન અવાજે બોલી, ‘પછી માત્ર બરબાદી જ થઈ. મારા ભાઈએ પાકિસ્તાની જાસૂસોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે પોતે અલ્લાહની ઈબાદતગાહ જેવા પવિત્ર સ્થળે જઈને પોતાના જ ભાઈઓનાં લોહીથી હાથ રંગી શકે તેમ નથી. આનું પરિણામ ખૂબ જ ભયંકર આવ્યું.’

 ‘કેમ...? શું થયું ?’

 ‘એ લોકોએ સહેજેય અચકાયા વગર મારા ભાઈને શૂટ કરી નાખ્યો. મારા ભાઈનો વાંક માત્ર એટલો જ હતો કે એણે તેમના ખોટા કામમાં સાથ આપવાની નાં પાડી દીધી હતી.’કહેતાં કહેતાં રેશમા રડી પડી. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં, ‘મિસ્ટર દિલીપ ! એ મારો એકનો એક ભાઈ હતો. મારો ભાઈ લોહીથી તરબતર હાલતમાં મારે ઘરે આવ્યો હતો અને મારા ખોળામાં જ એણે છેલ્લા શ્વાસ ખેંચ્યા હતા. મરતાં પહેલાં એણે મને કહ્યું હતું ---રેશમા, આપણે આઝાદ જ છીએ...! આપણે તો બસ, હવે પાકિસ્તાનના હાથે ગુલામ થતાં બચવાનું છે. જે પાકિસ્તાનને આપણે આપણો મદદગાર અને હિમાયતી માનતા હતા, એ જ વાસ્તવમાં આપનો સૌથી મોટો દુશ્મન છે. એનાથી કાશ્મીરને બચાવી લે રેશમા ! આપણા આ કાશ્મીરને પાકિસ્તાનની ચુંગાલમાં સપડાતું બચાવી લે. નહીં તો તેઓ ભેગા થઈને અજગરની જેમ આપણી આઝાદીને ગલી જશે. આપણું સાચું દુશ્મન હિન્દુસ્તાન નહીં પણ પાકિસ્તાન છે. અને....અને આટલું કહ્યા પછી તે મૃત્યુ પામ્યો.’ રેશમા જોરજોરથી ધ્રુસકાં ભરવા લાગી.

 ‘ધીરજ રાખ...! શાંત થા !’ દિલીપે તેને આશ્વાસન આપતાં કહ્યું, ‘છેવટે તો કુદરતને મંજૂર હોય એ જ થાય છે. એની મરજી સામે આપણું કશુંય નથી ચાલતું.’

 રેશમાએ ધ્રુસકાં ભરતાં ભરતાં પોતાની આંખો લુછી નાખી.

 એનો ચહેરો હવે ભઠ્ઠીમાં તપાવેલા તાંબાની જેમ તમતમતો હતો.

 ‘મિસ્ટર દિલીપ !’ તે આક્રોશભર્યા અવાજે બોલી, ‘એ દિવસે જ મેં દૃઢ પ્રતિજ્ઞા લીધી હતી કે હું પાકિસ્તાનને તેના નીચ ઈરાદામાં સફળ નહીં થવા દઉં...તેમને ભલાભોળા કાશ્મીરીઓની જિંદગી સાથે રમત નહીં કરવા દઉં. પરિણામે પાકિસ્તાનનાં તમામ કાવતરાંની બાતમી ભારતીય ફોજને પહોંચાડવાના હેતુથી હું પણ ત્રાસવાદી બની ગઈ.’

 ‘છોકરીની જાત હોવા છતાંય તેં ખૂબ જ હિંમત દાખવી છે રેશમા...!’ દિલીપે પ્રશંસાભરી નજરે એની સામે તાકી રહેતાં કહ્યું, ‘આવું જોખમી સાહસ ખેડવાની સૌકોઈની હિંમત નથી ચાલતી.’

 ‘મિસ્ટર દિલીપ..!’ રેશમા એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલી, ‘માણસ જ્યારે કોઈ દૃઢ પ્રતિજ્ઞા લે છે ત્યારે આપોઆપ જ એનામાં હિંમત આવી જાય છે.’

 ‘તું સાચું કહે છે.’

 એ જ વખતે ખંડેરની બહાર એકાએક કોઈક કાર ઊભી રહેવાનો અવાજ ગુંજી ઊઠ્યો.

 બંને એકદમ ચમક્યાં.

 રેશમાના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ ઊપસી આવ્યા.

 ‘અત્યાર કોણ હશે ?’ એણે શંકાભર્યા અવાજે પૂછ્યું.

 ‘ક્યાંક કોઈએ તારો પીછો તો નહોતો કર્યો ને?’ જવાબ આપવાને બદલે દિલીપે સામો સવાલ કર્યો. 

 ‘ના, મારો પીછો કરવાનો સવાલ જ ઊભો નથી થતો.’ રેશમા મક્કમ અવાજે બોલી.

 દિલીપ ફરીથી એક વાર રિવોલ્વર લઈને સજાગ બની ગયો.

 ‘હું જોઉં છું કે કોણ છે.’ કહીને તે ઝડપભેર દરવાજા તરફ આગળ વધ્યો.

 રેશમા પણ એની પાછળ પાછળ દોડી.

 એના હાથમાં પણ હવે રિવોલ્વર ચમકતી હતી.

 બંને એકદમ સાવચેત અને સજાગ હતાં.

 તેમને સતત જોખમની ગંધ આવતી હતી.

 અલબત્ત, કાર ઊભી રહ્યા પછી બહારથી કોઈ જાતનો અવાજ ન ગુંજ્યો.

 બંને બિલ્લીપગે દરવાજા પાસે પહોંચ્યાં અને બહાર નજર કરી.

 બહાર સફેદ કલરની એક વાન ઊભી હતી. વાનનું એન્જિન તથા હેડલાઈટ ચાલુ હતાં, પરંતુ તેની ડ્રાઈવિંગ સીટ પર કોઈ નહોતું દેખાતું.

 ‘અહીં તો કોઈ નથી.’ રેશમા આમતેમ નજર દોડાવતાં બોલી.

 એ જ વખતે ત્યાં જાણે ધરતીકંપ થયો.

 વાનનો સ્લાઈડિંગ દરવાજો એક આંચકા સાથે ઊઘડ્યો અને પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલા પાંચ-સાત દાનવો તેમાં બેઠેલા દેખાયા.

 બધાના હાથમાં કારબાઇનો જકડાયેલી હતી.

 દરવાજો ઉઘડતાં જ તેમણે કારબાઈનોમાંથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો.

 ‘બચો, મિસ્ટર દિલીપ !’ રેશમાએ જોરથી બૂમ પાડી.

 કોઈ ગોળી દિલીપને સ્પર્શી શકે એ પહેલાં જ રેશમા દીવાલની જેમ તેની સામે ઊભી રહી ગઈ.

 એનો દેહ ચાળણીમી માફક વીંધાઈ ગયો.

 એના મોંમાંથી કાળજગરી ચીસ નીકળી પડી.

 એ જ વખતે વાનનો સ્લાઈડિંગ દરવાજો એક આંચકા સાથે બંધ થયો અને વળતી જ પળે તે બંદૂકમાંથી છૂટેલી ગોળીની રફતારથી ત્યાંથી રવાના થઈ ગઈ.

 લોહી નીતરતી હાલતમાં નીચે ઢળી રહેકી રેશમાને દિલીપે પોતાનાં બાવડાં પર સંભાળી લીધી.

 ‘રેશમા......!’ એણે રેશમાને ઢંઢોળતાં તીવ્ર અવાજે કહ્યું, ‘રેશમા..!’ 

 રેશમાના ગળામાંથી વેદનાભર્યા ચિત્કાર નીકળતા હતા.

 ‘મ...મિ....સ્ટર દિ....દિલીપ....!’ એ ત્રૂટક અવાજે બોલી, ‘મ...મેં ત...તમને કહ્યું હતું ને...કે....જે...દિવસે બ...બ્લેક ટાઈગરના ચહેરા પરથી નકાબ ઉતરશે....એ એની જ.....જિંદગીનો છે...છેલ્લો દ....દિવસ હશે...જ..જોઈ...લો....અ...આજે....મારી વાત સ..સાચી પડી છે.’

 ‘પણ એ લોકો તો તારા જ સાથીદારો હતા. તેમણે તને શા માટે શૂટ કરી ?’ દિલીપે તીવ્ર અવાજે પૂછ્યું.

 ‘હું જ બ્લેક ટાઇગર છું એ વાતની ચોક્કસ આજે તેમણે ખબર પડી ગઈ હોવી જોઈએ.’ રેશમા પૂર્વવત અવાજે બોલી.

 એ માંડ માંડ બોલી શકતી હતી. એનાં મોંમાંથી અટકી અટકીને શબ્દો બહાર નીકળતા હતા.

 રહી રહીને એની આંખો સામે અંધકાર છવાઈ જતો હતો.

 એની જિંદગીની ગણતરીની પળો જ બકી રહી હતી એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

 ‘પણ...પણ તારા ભેદની તેઓને કેવી રીતે ખબર પડી ?’

 ‘આ...આ સવાલનો જવાબ તો તમે જ આપી શકો તેમ છો. તમે ચોક્કસ જ અહીં આવતાં પહેલાં કોઈક ફોજી ઓફિસરને આપણી મુલાકાત વિશે જણાવ્યું હશે. એ જ દગાબાઝ છે. એણે જ મારા સાથીદારો પાસે મારો ભેદ ઉજાગર કરી નાખ્યો હશે.’

 રેશમની વાત સાંભળીને દિલીપ જડવત બની ગયો.

 એનાં જ્ઞાનચક્ષુઓ તરત જ ઊઘડી ગયાં.

 એની નજર સામે બ્રિગેડિયર જશપાલસિંઘનો ચહેરો તરવરી ઊઠ્યો.

 જો રેશમની વાત સાચી હોય તો બ્રિગેડિયર જશપાલસિંઘ જ દગાબાઝ હતો. એ જ લશ્કરની હિલચાલ વિશે ત્રાસવાદીઓને બાતમી આપતો હતો.

 જશપાલસિંઘ દગાબાઝ હશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી.

 ‘મિસ્ટર દિલીપ !’ અંતિમ શ્વાસો ખેંચી રહેલી રેશમાએ દિલીપનો હાથ પોતાના હાથમાં લઈને કંપતા અવાજે કહ્યું, ‘તમે....તમે મને એક વચન આપો.’

 ‘ક....કેવું વચન ?’ દિલીપે ધ્યાનથી રેશમામાં ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

 અત્યારે રેશમાના ચહેરા પર દુનિયાભરની માસૂમિયત ઊતરી આવી હતી.

 ‘તમે...તમે મારા કાશ્મીરને પાકિસ્તાનની ગુલામીમાં સપડાતું બચાવી લેજો.’ રેશમા બોલી, ‘તમે મારા કાશ્મીરી ભાઈઓને સમજાવજો કે તેઓ આઝાદ છે. તેમનું હિન્દુસ્તાન આઝાદ છે તો તેઓ આઝાદ છે. તેમની લાગણી સાથે રમત તો પાકિસ્તાન કરે છે. તેઓ એને ફરીથી ગુલામ બનાવવા માગે છે. તમે...તમે મારા કાશ્મીરી ભાઈઓને સાચા માર્ગે વાળવા માટે સમજાવશો ને...?’

 ‘હા...’ દિલીપે અપાર લાગણીથી એનો હાથ થપથપાવતાં કહ્યું, ‘હું તેમને સમજાવીશ. તારો સંદેશ જરૂરથી તેમના મગજમાં ઉતરવાનો પ્રયાસ કરીશ.’

 ‘મારા....મારા કાશ્મીરી ભાઈઓ ખોટા નથી, મિસ્ટર દિલીપ !’ માત્ર કાન ભંભેરીને તેમણે અવળે માર્ગે દોરવામાં આવ્યા છે.’

 ‘હું જાણું છું. અને...’

 દિલીપની વાત અધૂરી રહી ગઈ.

 રેશમાની આંખોના ડોળા સ્થિર થઈ ગયા હતા અને તેમાંથી જિંદગીની ચમક ઊડી ગઈ હતી.

 એ મૃત્યુ પામી હતી. 

  દિલીપની જીપ પૂરપાટ વેગે ફોજીચોકીના કમ્પાઉન્ડમાં પ્રવેશીને ઊભી રહી.

 પછી જીપનો દરવાજો એક આંચકા સાથે ઉઘાડીને દિલીપ નીચે ઊતર્યો.

 અત્યારે કાળઝાળ રોષથી એનો ચહેરો તમતમતો હતો અને આંખો અંગારાની જેમ ભભૂકતી હતી.

 રહી રહીને એની નજર સામે રેશમાનો ચહેરો તરવરતો હતો. 

 ચારે તરફ ગાઢ અંધારું છવાયેલું હતું.

 દિલીપ જાણે જમીનને કચડતો હોય એવી ચાલથી બ્રિગેડિયર જશપાલસિંઘના રૂમ તરફ આગળ વધ્યો.

 રૂમના બંધ દરવાજા પાસે પહોંચીને એણે જોયું તો અંદર લાઈટ ચાલુ હતી અને કોઈકનો ધીમે ધીમે વાત કરવાનો અવાજ સંભળાતો હતો.

 દિલીપે કી-હોલ પર પોતાની આંખ ગોઠવી.

 એણે જોયું તો સામે એક ખુરશી પર બેસીને જશપાલસિંઘ ટ્રાન્સમીટર પર કોઈકની સાથે વાત કરતો હતો.દિલીપે સરવા કાને તેની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો તો એને એક શબ્દ સમજાયો—‘બાબા....!’

 દિલીપનો ચહેરો વધુ કઠોર થયો.

 એની આંખોમાં લોહી ઊતરી આવ્યું.

 એ નાલાયક ચોક્કસ જ ખુશ થઈને બાબા ઉર્ફે નાસીરખાન સાથે વાત કરતો હતો.

 દિલીપે તરત જ ઓવરકોટના ગજવામાંથી પોતાની રિવોલ્વર ખેંચી કાઢી.

 એણે ધીમેથી દરવાજાનું હેન્ડલ ફેરવ્યું તો તે ફરી ગયું. અર્થાત દરવાજો લોક કરેલો નહોતો.

 દિલીપ જરા પણ અવાજ ન થાય એની સાવચેતી રાખતો દરવાજો ઉઘાડીને અંદર પ્રવેશ્યો.

 ‘આજે આપણે માટે ખૂબ જ આનંદનો દિવસ છે, બાબા...!’ દિલીપ તરફ પીઠ રાખીને ખુરશી પર બેઠેલો જશપાલસિંઘ ખુશખુશાલ અવાજે ટ્રાન્સમીટર પર કહેતો હતો, ‘આજે બ્લેક ટાઈગરનો કાંટો નીકળી ગયો છે. હવે કોઈ જ ત્રાસવાદીઓની હિલચાલ વિશે ભારતીય ફોજને બાતમી નહીં આપી શકે. હવે કોઈ જોખમ નથી રહ્યું.’

 સામે છેડેથી કંઈ કહેવાયું.

 ‘ભલે બાબા...! હું ટ્રાન્સમીટર બંધ કરું છું.’જશપાલસિંહ બોલ્યો, ‘દિલીપ આવતો જ હશે. ઓ.કે. ખુદા હાફીઝ, બાબા.’

 જશપાલસિંઘે ખુરશી પર બેઠાં બેઠાં જ ટ્રાન્સમીટર બહ્ધ કર્યા પછી ગરદન ઉંચી કરી.

 ગરદન ઉંચી કરતાં જ એના માથા પર જાણે કે આભ તૂટી પડ્યું.

 એનાથી એક જ ફૂટ દૂર હાથમાં રિવોલ્વર ચમકાવતો દિલીપ યમદૂતની જેમ ઊભો હતો.

 ‘મ...મિસ્ટર દિલીપ ! ત...તમે..?’

 જશપાલસિંઘ સફાળો ખુરશી પરથી ઊભો થઈ ગયો.

 એના હાથમાંથી ટ્રાન્સમીટર છટકી ગયું.

 ‘એક ફોજી ઓફિસર તરીકેની ફરજ તમે બહુ સારી રીતે બજાવો છો, મિસ્ટર સિંઘ !’ દિલીપ ઝેરીલા અને કટાક્ષથી ભરપૂર અવાજે બોલ્યો, ‘તમારી કર્તવ્યનિષ્ઠા અને દેશદાઝને ખરેખર અભિનંદન આપવાં પડશે.’

 ‘મ..મેં કંઈ નથી કર્યું.’ બ્રિગેડિયર જશપાલસિંઘે ભયથી કંપતા અવાજે કહ્યું.

 સ્પાક....દિલીપના રાઠોડી હાથનો મુક્કો પૂરી તાકાતથી જશપાલસિંઘના જડબા પર ઝીંકાયો.

 પોતાના મોં પર મુક્કો નહીં પણ વજનદાર હથોડાનો પ્રહાર થયો છે એવું જશપાલસિંઘને લાગ્યું. એના ઉઘાડા મોંમાંથી લોહીથી ખરડાયેલા બે-ત્રણ દાંત બહાર ફેંકાયા.

 ‘નીચ માણસ !’ દિલીપ જોરથી બરાડ્યો, ‘તેં એક એવી દીકરીનો ભોગ લીધો છે કે જેની દેશદાઝ પર ભારતમાતા પોતાના હજાર દીકરાઓ કુરબાન કરી શકે છે અને તેમ છતાંય તું એમ કહે છે કે તે કંઈ નથી કર્યું? શું આવી દગાબાજી કરવા માટે જ તે લશ્કરની આ વર્દી પહેરી હતી....? ત્રાસવાદીઓ સાથે હાથ મિલાવીને તેમને લશ્કરની બાતમી પહોંચાડવા માટે જ શું તને સરહદના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી? કમજાત, એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે. આ કેપ્ટન દિલીપ એક વખત ખૂનીને માફ કરી દે છે પણ દેશના દુશ્મનને ક્યારેય માફ નથી કરતો.’વાત પૂરી કરતાંની સાથે જ એણે જશપાલસિંઘના પેટ પર એક પ્રચંડ મુક્કો ઝીંકી દીધો.

 જશપાલસિંઘનો દેહ ખુરશી પરથી ઉથલીને નીચે જઈ પડ્યો.

 જ્યારે દિલીપ અત્યારે જાણે કે શયતાન બની ગયો હતો.

 એના હાથપગ વીજળીની ઝડપે ચાલીને લાત તથા મુક્કાના રૂપમાં જશપાલસિંઘના દેહ પર પાડવા લાગ્યા.

 એની ચીસો સાંભળીને કર્નલ સુરેન્દ્ર ત્યાગી સહિત અનેક ઓફિસરો તથા સૈનિકો ત્યાં દોડી આવ્યા.

 જશપાલસિંઘ જ દગાબાજ છે એ વાતની ખબર પડતાં જ તેઓ આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા.

 દિલીપે જશપાલસિંઘને મારી મારી અધમુઓ કરી નાખ્યો હતો.

 એનાં વસ્ત્રો ઠેકઠેકાણેથી ફાટી ગયાં હતાં અને શરીરના કેટલાય ભાગોમાંથી લોહી વહેતું હતું.

 પરંતુ તેમ છતાંય હજુ પણ દિલીપનો ક્રોધ ઓછો નહોતો થયો.

 રેશમાનો ચહેરો નજર સામે તરવરતાં જ એનો ઉશ્કેરાટ વધતો જતો હતો.

 ‘જશપાલસિંઘ!’ સ્તબ્ધ વાતાવરણમાં એનો આવેશભર્યો અવાજ ગુંજતો હતો, ‘તારી આ પવિત્ર વર્દી સાથે એક અબજથી વધુ હિન્દુસ્તાનીઓનો વિશ્વાસ જોડાયેલો હોય છે. દેશભરના નાગરિકોએ તારા જેવા ઓફિસરોને માત્ર આ પવિત્ર ધરતીના જ નહીં, બલકે પોતાના જીવના રક્ષણની જવાબદારી પણ સોંપેલી હોય છે. આ દેશનો નાગરિક તારા જેવા ફોજીઓને સરહદ પર ગોઠવીને સલામતીની લાગણી અનુભવે છે.... પોતાના પર હવે દુશ્મનોનું કોઈ જ જોખમ નથી એવું માને છે. કારણ કે તેમણે સરહદ પર પહેરો ભરતા ઓફિસરો તથા સૈનિકો પર પૂરો ભરોસો હોય છે. પરંતુ જ્યારે તેઓને ખબર પડશે કે સરહદ પરના પોતાના ભાઈઓએ જ દુશ્મન સાથે હાથ મિલાવી લીધાં છે ત્યારે તેમના પર કેવો ભીષણ વજ્રપાત થશે? તેમણે કેટલો આઘાત લાગશે ? આ વર્દી પર તેમણે જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે તે હંમેશને માટે તૂટી જશે. કોઈનો વિશ્વાસ જીતવો રમત વાત છે, પણ તેને જાળવી રાખવાનું કામ એટલું જ દુષ્કર છે. અને આ વિશ્વાસ તૂટવાનો આઘાત ભાગ્યે જ કોઈ સહન કરી શકે છે.’ 

 ‘મિસ્ટર દિલીપ....!’ એકાએક જશપાલસિંઘે દોડીને દિલીપના પગ પકડી લીધા, ‘મને...મને માફ કરી દો. મારી ભૂલ હું કબૂલ કરું છું. મેં પાપ કર્યું છે.’

 ‘પાપ નહીં, દુષ્ટ !’ દિલીપ હિંસક અવાજે બોલ્યો, ‘તેં મહાપાપ કર્યું છે. રેશમા જેવી દેશભક્ત છોકરીને મોતના જડબામાં ધકેલીને તેં જે ગુનો કર્યો છે એની ખોટ તો તું આગામી સાત ભવ સુધી સારાં કર્મો કરીશ તોપણ પુરાય તેમ નથી.’

 વાત પૂરી કર્યા બાદ દિલીપે એના લમણા પર રિવોલ્વર તાકી.

 બધા ઓફિસરો તથા સૈનિકો શ્વાસ રોકીને ઊભા હતા.

 ‘હવે તું જે કોઈ ભગવાનને માનતો હો તેને યાદ કરી લે.’ દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં કઠોર અવાજે બોલ્યો, ‘તારો અંતિમ સમય આવી ગયો છે.’

 ‘મારા મોતની મને કોઈ પરવા કે ફિકર નથી, મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘે કહ્યું, ‘તમતમારે ખુશીથી મને ગોળી ઝીંકી દો, કારણ કે હું એ જ અંજામને લાયક છું. પરંતુ મરતાં પહેલાં મને એક સારું કામ કરવાની તક જરૂર આપો. હું મારાં પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગું છું.’

 ‘પ્રાયશ્ચિત...! તારી પાસે હવે પ્રાયશ્ચિત કરવા જેટલો સમય જ ક્યાં રહ્યો છે ? તું તો હવે ઘડી-બે ઘડીનો જ મહેમાન છે. રિવોલ્વરનું ટ્રિગર દબાવતાં જ તું તારા અંજામ સુધી પહોંચી જઈશ.’

 ‘ના, મિસ્ટર દિલીપ ! હું તમારી પાસે મારી જિંદગીની વધુ નહીં, પણ દસ જ મિનિટની ભીખ માંગું છું. દસ મિનિટ પછી તમે બેધડક મને ગોળી ઝીંકી શકો છો. મારે માટે દસ મિનિટ પણ ઘણી છે. તમે કેટલા અંધારામાં છો એની તમને ખબર નથી. આ ઘૂસણખોરીની આડ લઈને પાકિસ્તાન વાસ્તવમાં કેવી ખતરનાક રમત રમવા માગે છે એની તમને કશીય ખબર નહીં હોય.’

 ‘રમત ?’ દિલીપે ચમકીને પૂછ્યું, ‘કેવી રમત ?’

 ‘મિસ્ટર દિલીપ, તમે શરૂઆતથી જે માનો છો તે આ મિશન છે જ નહીં.’

 ‘શું....?’ દિલીપના મગજમાં વિસ્ફોટ પર વિસ્ફોટ થવા લાગ્યા, ‘આ કાશ્મીરી ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે કમાન્ડોઝની ઘૂસણખોરીનો મામલો નથી ?’

 ‘ના....બિલકુલ નહીં....!’ જશપાલસિંઘ જમીન પરથી ઊભો થઈને નકારાત્મક ઢબે માથું હલાવતાં ગંભીર અવાજે બોલ્યો, ‘મિસ્ટર દિલીપ ! વાસ્તવમાં પાકિસ્તાને આ મિશનના રૂપમાં એક બહુ મોટી જાળ પાથરી છે. અને આ મિશનનું નામ છે – તેજાબ....!’

 ‘તેજાબ....?’

 ‘હા, મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘ રહસ્યની ગાંઠ ખોલતાં બોલ્યો, ‘આ મિશન તેજાબ જેવું જ જલદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈના વી.ટી. સ્ટેશન પર બોમ્બ મૂકતી વખતે સલીમ રઝા નામનો જે પાકિસ્તાની જાસૂસ પકડાયો હતો તે મુંબઈ પોલીસની કાર્યકુશળતાને કારણે નહીં પણ જાણી જોઈને જ પકડાયો હતો. પોલીસ પકડી લે એવા સંજોગો સલીમે પોતે જ ઊભા કર્યા હતા. એ હાથે કરીને જ પોલીસની ચુંગાલમાં સપડાયો હતો. આ તેજાબભર્યા મિશનને સફળ બનાવવા માટે પાકિસ્તાન તરફથી મોતના જડબામાં ધકેલવામાં આવેલો એ પહેલો શખ્સ હતો.’

 જશપાલસિંઘના આ ધડાકાથી સૌ એકદમ ચમકી ગયા.

 બધાની નર્યા અચરજથી વિસ્ફારિત થયેલી આંખો હવે જશપાલસિંઘના ચહેરા પર મંડાઈ ગઈ હતી.

 ‘ઓહ....તો સલીમ રઝા પાકિસ્તાનની યોજના પ્રમાણે મુંબઈ પોલીસના સકંજામાં આવ્યો હતો, ખરું ને ?’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ આશ્ચર્યથી પૂછ્યું.

 ‘હા, કર્નલસાહેબ !’ જશપાલસિંઘે કર્નલ ત્યાગી સામે જોઈને હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો.

 ‘અને એણે કાશ્મીરમાં ત્રાસવાદીઓ માટે તાલીમકેન્દ્રો ખોલવાની તથા પાકિસ્તાનથી કમાન્ડોઝની ઘૂસણખોરીની જે વાત જણાવી હતી એમાં કેટલી સચ્ચાઈ છે?’ દિલીપે પૂછ્યું.

 ‘એમાં કોઈ સચ્ચાઈ નહોતી, મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘ બોલ્યો, ‘એ બધી વાતો પ્રત્યે તમારું ધ્યાન આકર્ષવા માટે જ તો સલીમ રઝા જાણી જોઈને મુંબઈ પોલીસની ચુંગાલમાં સપડાયો હતો.બાકી કાશ્મીરમાં તાલીમકેન્દ્રો ખોલીને ત્રાસવાદીઓને તાલીમ આપવાનું કામ રમત વાત નથી એટલું તો પાકિસ્તાન સરકાર પણ સમજતી હતી પાકિસ્તાન સરકાર કંઈ એટલી મૂરખ નથી. ભારત સરકાર આ કામ કોઈ સંજોગોમાં પાર નહીં પાડવા દે... અર્થાત ત્રાસવાદીઓ માટેનાં તાલીમકેન્દ્રો નહીં ખોલવા દે એ હકીકતથી પાકિસ્તાનની સરકાર બહુ સારી રીતે વાકેફ હતી જ.’

 ‘તો પછી પાકિસ્તાનનું અસલી મિશન શું હતું ?’

 ‘પાકિસ્તાનનું અસલી મિશન હતું—‘તેજાબ થર્ડ’ મિસાઈલનું પરીક્ષણ.’

 ‘તેજાબ થર્ડ મિસાઈલનું પરીક્ષણ?’

 જશપાલસિંઘ તરફથી થયેલો આ એક વધુ ધડાકો હતો.

 ‘હા, મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘ એક પછી એક ધડાકા કરતો બોલ્યો, ‘વાસ્તવમાં ‘તેજાબ થર્ડ’ મિસાઈલ પાકિસ્તાનના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી એક અત્યંત આધુનિક મિસાઈલ છે અને તે એક મહાદ્વીપથી બીજાં મહાદ્વીપમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આખા એશિયામાં આ જાતની ક્ષમતાવાળી મિસાઈલ બીજાં કોઈ દેશ પાસે નથી. ઉપરાંત ‘તેજાબ થર્ડ’ મિસાઈલની એક બીજી ખાસિયત પણ છે.અને આ વિશેષતાને કારણે જ તેને કદાચ ‘તેજાબ થર્ડ’ જેવું જલદ નામ આપવામાં આવ્યું છે.અ મીસ્સીલ શસ્ત્રોના કારખાનામાં બનાવવામાં આવી છેઅને તેમાં પરમાણુ બોમ્બમાં જે વિનાશક તત્વોનો ઉપયોગ થાય છે એ જ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ‘તેજાબ થર્ડ’ મિસાઈલને નાનકડો પરમાણુ બોમ્બ પણ માની શકો છો. પરમાણુ બોમ્બ કોઈ બીજાં દેશ પર ફેંકવા માટે બોમ્બવર્ષક વિમાન લઈ જવામાં આવે છે, જ્યારે મિસાઈલ છોડવામાં આ જાતનું કોઈ જોખમ નથી. મિસાઈલ સેન્ટરમાં બેઠાં બેઠાં જ માત્ર બટન દબાવીને જ દુશ્મનના વિસ્તારને બરબાદ કરી શકાય છે.’

 ‘ઓહ....તો પાકિસ્તાને ‘તેજાબ થર્ડ’ નાં રૂપમાં એક એવો પરમાણુ બોમ્બ બનાવી લીધો છે કે જેને ક્યાંય ફેંકવા માટે બોમ્બવાર્ષક વિમાનની પણ જરૂર નહીં પડે, ખરું ને?’

 ‘હા, મિસ્ટર દિલીપ...! પરંતુ પાકિસ્તાન આ તેજાબ થાળે મિસાઈલનું પરીક્ષણ નહોતું કરી શકતું.’

 ‘કેમ?’

 ‘એટલા માટે કે ભૂતકાળમાં પાકિસ્તાને જે જે મિસાઈલ પરીક્ષણ કર્યાં હતાં એણે કારણે દુનિયાભરમાં ખળભળાટ અચી ગયો હતો એટલું જ નહીં, પાકિસ્તાનને ઘણું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. જેમકે અમેરિકા અણુશસ્ત્રોના ઉપયોગ માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરવા લાગ્યું. વિશ્વબેન્કે પાકિસ્તાનને અપાતી લોન અટકાવી દીધી. ફ્રાન્સે બોમ્બવર્ધક વિમાનો આપવાનો નનૈયો ભણી દીધો. આ બધી વાતોની સીધી જ અસર પાકિસ્તાનના અર્થતંત્ર પર પડી. આ સંજોગોમાં પોતે આવી વિનાશક મિસાઈલ બનાવી છે તેની દુનિયાને ખબર પડે અને પોતાના પર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવે એમ પાકિસ્તાન નહોતું ઇચ્છતું. પરિણામે તે ચૂપચાપ તેજાબ થર્ડ મિસાઈલનું પરીક્ષણ કરવા માગતું હતું, પરણ્યું ગુપ્ત રીતે પરીક્ષણ કરવામાં પણ પાકિસ્તાન સામે મોં ફાડીને એક મુશ્કેલી ઊભી હતી.’

 ‘કેવી મુશ્કેલી ?’

 ‘ભારતનો આઈ.આર.એસ. ઉપગ્રહ ચોવીસેય કલાક પાકિસ્તાનના ‘મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્ર’ પર નજર રાખે છે. આ પરિસ્થિતિમાં ચૂપચાપ ગુપ્ત રીતે તો કોઈ સંજોગોમાં ‘તેજાબ થર્ડ’નું પરીક્ષણ શક્ય નહોતું. આઈ.આર.એસ. ઉપગ્રહની દિશા બદલાવ્યા વગર કોઈ કાળે પરીક્ષણ થઈ શકે તેમ નહોતું.’

 ‘ઓહ....સમજ્યો...!’ દિલીપ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, ‘પાકિસ્તાને ઘૂસણખોરીનું આ બધું નાટક ભારત આઈ.આર.એસ. ઉપગ્રહને ‘મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્ર’ પરથી ખસેડીને તેની દિશા ભારત-પાકિસ્તાનની અંકુશરેખા તરફ કેન્દ્રિત કરે એટલા માટે જ ભજવ્યું હતું, ખરું ને ?’

 ‘હા, મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘે કહ્યું, ‘અને પાકિસ્તાન પોતાના આ દાવમાં અમુક અંશે સફળ પણ રહ્યું. તેમની યોજના મુજબ તમે આઈ.આર.એસ. ઉપગ્રહને ‘મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્ર’ પરથી ખસેડીને તેની દિશા ભારત-પાકિસ્તાનની અંકુશરેખા તરફ કેન્દ્રિત કરાવી નાખી.’

 ‘અને સરહદની પેલે પર મશ્કોહ ઘાટવાળા વિસ્તારોમાં જે છાવણીઓ દેખાય છે એ બધું શું છે...?’

 ‘ઘૂસણખોરો માટે એ છાવણીઓ ખરેખર જ બનાવવામાં આવી છે.’ જશપાલસિંઘ એકદમ શાંત અને ગંભીર અવાજે બોલ્યો, ‘એટલું જ નહીં, પરમ દિવસે રાત્રે નક્કી થયેલા સમયે ઘૂસણખોરી તથા બંને તરફથી ગોળીબાર પણ થશે. પરંતુ આ ઘૂસણખોરો પાકિસ્તાનના તાલીમબદ્ધ કમાન્ડોઝ નહીં, પણ કાશ્મીરના જ અઢારથી પચીસેક વર્ષની વયના યુવાનો હશે. આ કાશ્મીરી યુવાનોને પણ પરમ દિવસની રાત્રે સલીમ રઝાની માફક જ ‘તેજાબ થર્ડ’ના અસલી મિશનથી અંધારામાં રાખીને જાણી જોઈને મોતના જડબામાં ધકેલવામાં આવશે. કદાચ આ ઘૂસણખોર યુવાનો ભારતીય સૈનિકોના હાથે માર્યા જાય તોપણ પાકિસ્તાનને તેની કોઈ પરવા નહીં હોય, કારણ કે આ ઘૂસણખોરીની આડમાં પરમ દિવસની રાત્રે બરવાર બે વાગ્યે પાકિસ્તાન ‘તેજાબ થર્ડ’ મિસાઈલનું પરીક્ષણ કરી લેશે.. તેમનો હેતુ પાર પડી જશે. તેમનું મિશન સફળ થઈ જશે.’

 ‘પાકિસ્તાનના આ અસલી ષડયંત્રની બાબા ઉર્ફે નાસીરખાનને ખબર છે....?” આ વખતે કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ પૂછ્યું.

 ‘ના...’ જશપાલસિંઘે નકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘નાસીરખાન તો ઠીક કોઈ પણ કાશ્મીરી ત્રાસવાદીને ખબર નથી કે પાકિસ્તાન તેમણે મોતના જડબામાં ધકેલીને પોતાનો કયો ધ્યેય પાર પાડવા માગે છે. કેવી રીતે પાકિસ્તાન આ ભલાભોળા કાશ્મીરીઓનો ભોગ લેવા માગે છે.’

 ‘પાકિસ્તાનના અસલી મિશનની તમને અગાઉથી જ ખબર હતી ?’

 ‘ના...’

 ‘તો...?’

 ‘આ વાતની મને થોડી વાર પહેલાં જ પરવેઝ સિકંદર પાસેથી ખબર પડી છે.’

 જશપાલસિંઘનો જવાબ સાંભળીને દિલીપનાં ભવાં સંકોચાયાં.

 ‘આનો અર્થ એ થયો કે તમે કેદખાનામાં જઈને પરવેઝને પણ મળ્યા હતા, ખરું ને ?’ એણે પૂછ્યું.

 ‘હા, મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘ નીચું જોઈ જતાં બોલ્યો, ‘વાત એમ છે કે આજે રાત્રે થોડી વાર પછી જ મારે પરવેઝને કેદખાનામાંથી ફરાર કરાવવાનો હતો.’

 ‘ઓહ ગોડ !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

 જશપાલસિંઘ ખરેખર જ પોતાના જ દેશના પાયા ડગમગાવવાનું કામ કરતો હતો.

 ‘મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘના અવાજમાંથી પશ્ચાતાપ નીતરતો હતો, ‘મેં બહુ મોટું પાપ કર્યું છે એ હું જાણું છું, પરંતુ મારો આત્મા હવે મને ડંખે છે. પાકિસ્તાન પરમ દિવસની રાત્રે ‘તેજાબ થર્ડ’ મિસાઈલનું પરીક્ષણ કરે એમ હું નથી ઈચ્છતો. તમારે ગમે તેમ કરીને તેને અટકાવવું પડશે. જો પાકિસ્તાન પરીક્ષણમાં સફળ થશે તો ભારતની તુલનામાં તેમની શક્તિ વધી જશે. આપણે કોઈ પણ રીતે તેમની આ વધતી શક્તિને અટકાવવી પડશે.’

 ‘એ તો બરાબર છે....પણ અટકાવવી કેવી રીતે ?’

 ‘મિસ્ટર દિલીપ ! મારા મગજમાં એક યોજના છે.’ જશપાલસિંઘ બોલ્યો, ‘આજે રાત્રે હું પરવેઝને કેદખાનામાંથી નસાડત તો તે સરહદ પાર કરીને સીધો પાકિસ્તાન પહોંચત અને ત્યાં ‘મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્ર’માં જઈને પોતાનો રિપોર્ટ આપત. એના રિપોર્ટ પછી જ ‘તેજાબ થર્ડ’ મિસાઈલનું પરીક્ષણ થાત. મિસ્ટર દિલીપ, તમે આજે રાત્રે જ પરવેઝ સિકંદરનો વેશ ધારણ કરીને પાકિસ્તાન પહોંચી જાઓ અને ત્યાં ‘મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્ર’માં ઘૂસીને કોઈ પણ રીતે ‘તેજાબ થર્ડ’ના પરીક્ષણને અટકાવો. હું હમણાં જ ટ્રાન્સમીટર પર નાસીરખાનને ખોટેખોટું જણાવી દઉં છું કે મેં પરવેઝ સિકંદરને કેદખાનામાંથી નસાડી મૂક્યો છે.’

 જશપાલસિંઘની યોજના સાંભળીને દિલીપની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

 જશપાલસિંઘ ગમે તેવો દગાબાઝ હતો પરંતુ છેવટની ઘડીએ પોતે એક સાચા અર્થમાં હિન્દુસ્તાની ફોજી ઓફિસર છે એ વાત એણે પુરવાર કરી બતાવી હતી.

* * *

 ત્યાર બાદ બધું જશપાલસિંઘની યોજના મુજબ જ બન્યું.

 દિલીપે સૌથી પહેલાં કેદખાનામાં જઈને પરવેઝ સિકંદરને ગોળી ઝીંકી દીધી. ત્યાર બાદ એ પોતે પરવેઝ સિકંદરના સજ્જડ મેકઅપમાં પાકિસ્તાન પહોંચી ગયો. 

 ત્યાં પાકિસ્તાનના ‘મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્ર’માં ઘૂસવામાં એને જરા પણ મુશ્કેલી ન પડી.

 ગમેતેમ તોય તે પરવેઝ સિકંદર હતો.

 પ્રક્ષેપણ કેન્દ્રમાં ઘૂસીને એણે એક અત્યંત ખોફનાક કામ પાર પાડ્યું. એણે આખા કેન્દ્રમાં ઠેકઠેકાણે ઉપરાંત જે બેઝમાં તેજાબ થર્ડ મિસાઈલ હતી ત્યાં શક્તિશાળી ટાઈમબોમ્બ ફીટ કરી દીધા.

 - અને પછી બોમ્બ ફૂટ્યા.....!

 વિસ્ફીર પર વિસ્ફોટ થવા લાગ્યા.

 આખા મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્રની સાથે સાથે તેજાબ થર્ડ મિસાઈલના પણ ભુક્કા બોલી ગયા.

 જે મિસાઈલ માટે આટલું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું એનું નામોનિશાન પણ નહોતું રહ્યું.

 અલબત્ત, ‘તેજાબ થર્ડ’ મિસાઈલ બેઝમાંથી બહાર નહોતી નીકળી એટલે વધુ બરબાદી ન થઈ. બાકી જો તે બેઝમાંથી બહાર નીકળી જાત તો પાકિસ્તાનનાં કેટલાંય શહેરોનો વિનાશ થઈ જવાનો હતો. એમાં પણ શંકાને કોઈ સ્થાન નહોતું.

 બીજી તરફ નિર્ધારિત સમયે ભારત-પાકિસ્તાનની સરહદ પર મશ્કોહ ઘાટી તરફથી ઘૂસણખોરી પણ થઈ.

 સરહદ પર બંને તરફથી ગોળીબારની રમઝટ થઈ.

 ત્રાસવાદીઓએ ભારતીય સૈનિકો પર ગોળીઓ તથા બોમ્બ વરસાવ્યા.

 પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. પાકિસ્તાને તાલીમબદ્ધ કમાન્ડોઝની ઉપમા આપીને મોતના જડબામાં મોકલેલા તમામ કાશ્મીરી યુવાનો માર્યા ગયા. જે યુવાનો ભારતીય સૈનિકોનાં નિશાન નહોતા બન્યા તેમને પાકિસ્તાની સૈનિકોએ જાણી જોઈને મોતને ઘાટ ઉતારી દીધા.

 દિલીપ જ્યારે અંકુશરેખા પર પહોંચ્યો ત્યારે ત્યાં ચારે તરફ લાશો પડી હતી.

 દિલીપે જોયું તો તેમાંથી એક મૃતદેહ નાસીરખાનનો પણ હતો. એ વૃદ્ધ અને અપંગ પરંતુ દિલેર માનવીનો મૃતદેહ બરાબર અંકુશરેખા પર પડ્યો હતો. એના પગ પાકિસ્તાનવાળા ભાગમાં હતા જ્યારે માથું ભારતવાળા ભાગમાં હતું. મૃતદેહની બાજુમાં જ એની બગલઘોડી તથા એક કારબાઇન પડ્યાં હતાં. તે છેલ્લા શ્વાસ સુધી લડ્યો હતો એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

 કોણ જાણે કેમ દિલીપ જેવા જવાંમર્દ જાસૂસની આંખોમાં પણ આસું ધસી આવ્યાં.

 એણે પોતાના મસ્તક પરથી હેટ ઉતારીને હાથમાં લઈ લીધી.

 નાસીરખાન બાપડો છેલ્લા શ્વાસ સુધી નહોતો જાણી શક્યો કે પાકિસ્તાને એની સાથે કેવી દગાબાજી કરી હતી.

 દિલીપ પોતાની આંખો લૂછીને ગમગીન ચહેરે અંકુશરેખાથી દૂર થતો ગયો.

 હવે રહી વાત બ્રિગેડિયર જશપાલસિંઘની......!

 એનો કોર્ટમાર્શલ થયો પરંતુ તેનું હૃદયપરિવર્તન જોઈને એને માત્ર ત્રણ જ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી.

 આ કેસમાં દિલીપ બે-ત્રણ વ્યક્તિઓને ક્યારેય ભૂલી શકે એમ નહોતો.

 - બ્રિગેડિયર જશપાલસિંઘ

 - રેશમા

 - અને ત્રીજો હતો દુશ્મનદેશનો જાંબાઝ સિપાહી બાબા ઉર્ફે નાસીરખાન. દુશ્મન બિરદાવવાને લાયક હોય તો તેને બિરદાવવો જ જોઈએ એ વાતમાં દિલીપ માનતો હતો. અને પોતાની માન્યતાને એ આજે પણ વળગી રહ્યો હતો. 

 અલવિદા દોસ્તો....! 

[ સમાપ્ત ]