૫.શતરંજ
શિવનાં સવાલથી અપર્ણાને શું જવાબ આપવો? એ કંઈ એને સૂઝ્યું નહીં. એ બાઘાની જેમ બેઠી હતી. શિવ પણ શું કરવું? કંઈ સમજી શક્યો નહીં. આખરે એણે ફરી પોતાનો સવાલ દોહરાવ્યો, "તે કંઈ જવાબ નાં આપ્યો. તને ખાતરી છે કે જાગા બાપુએ જ તારાં ભાઈને કિડનેપ કર્યો છે?"
"ખાતરી નથી, પણ પપ્પા કહેતાં હતાં, કે એમણે જ મારાં ભાઈને કિડનેપ કર્યો હોવો જોઈએ." અપર્ણાએ વિચારીને કહ્યું.
"ઓકે, પણ ખરેખર તું એમની પાસે જવાં માંગીશ?" શિવે પૂછ્યું. એનાં મનમાં હજું પણ અમુક શંકાઓ હતી, "મતલબ એ માફિયા છે. માફિયા શબ્દથી તું જાણકાર હોઈશ જ, એમની પાસે હથિયારો હશે, ગુંડાઓ હશે. છતાંય તું ત્યાં જવાં માંગીશ?" એણે અમુક ક્ષણો રોકાઈને ઉમેર્યું, "ઈન શોર્ટ, એ ખતરનાક લોકો છે. તારે હજું એકવાર વિચારી લેવું જોઈએ."
"વિચારી લીધું." એ એક જ ઝાટકે ઉભી થઈ ગઈ, "તું અત્યારે જ મને ત્યાં લઈ જઈ શકે?" એણે પૂછ્યું.
"ઓકે, પાંચ મિનિટમાં રેડી થઈને નીચે આવ." શિવે કહ્યું. એ તરત જ ઉભો થઈને નીચે આવી ગયો. નીચે એની બ્લેક કલરની મહિન્દ્રા એમટૂ ટર્બો ઓપન જીપ ઉભી હતી. એણે તરત જ એની જીપ અંદર પડેલાં ચશ્મા લીધાં, અને તરત જ એને આંખો પર લગાવીને જીપની અંદર ગોઠવાયો. પછી અચાનક જ કંઈક યાદ આવતાં એણે એનો મોબાઈલ કાઢ્યો, અને કોઈકને ફોન જોડીને, કાને લગાવ્યો, "હાં, હું અપર્ણા શાહ સાથે આવું છું. તમે બધાં તૈયાર રહેજો." કહીને એણે તરત જ ફોન ફરી ખિસ્સામાં મૂક્યો. ત્યાં જ અપર્ણા આવી. શિવને આ રીતે સ્ટાઈલમાં બેસેલો જોઈને થોડીવાર તો એને પણ નવાઈ લાગી.
આજે એ શિવનું ત્રીજું રૂપ જોઈ રહી હતી. જે રાતે શિવ એને મળ્યો. એ રાતે એ પીધેલી હાલતમાં હતો. બીજી રાતે એ કોઈ બિઝનેસમેન જેવો સૂટમાં બૂટમાં સજ્જ થઈને અજય મલ્હોત્રાની પાર્ટીમાં આવ્યો હતો. જ્યારે અત્યારે કોઈ બોલીવુડ મુવીના ડેશિંગ હીરો જેવો લાગી રહ્યો હતો. લાઈટ બ્લૂ લોફર જીન્સ, ગોળ ગળાનું વ્હાઈટ પ્લેન ટી-શર્ટ, એની ઉપર લાઈટ બ્લૂ જીન્સનું જેકેટ, આંખો પર ચશ્મા અને સ્ટેરીંગ વ્હીલ પર હાથ રાખીને એ એક અદાથી બેઠો હતો. અત્યારે અપર્ણા એને ખરી રીતે જોઈ રહી હતી. બાકીની બે મુલાકાતમાં એને શિવને સરખી રીતે જોવાનો મોકો જ મળ્યો ન હતો. પરંતુ શિવે તો અપર્ણાને પહેલીવારમાં જ સારી રીતે ઓળખી અને જોઈ લીધી હતી. એ શિવને સરખી રીતે જોયાં પછી એની બાજુની સીટમાં ગોઠવાઈ.
આજે શિવે પણ અપર્ણાનુ નવું રૂપ જોયું હતું. પહેલી બંને મુલાકાતમાં એ ટૂંકા કપડા પહેરેલી જોવાં મળી હતી. જ્યારે આજે એ વ્હાઈટ કુર્તી અને બ્લૂ ડેનિમ જીન્સમાં નજરે ચડતી હતી. શિવે એક નજર એની ઉપર કરી, અને જીપ મુંબઈની પાક્કી સડક તરફ દોડાવી મૂકી. જીપની સાથે અપર્ણાના મનમાં પણ કેટલાંય સવાલો દોડી રહ્યાં હતાં. એ જે જગ્યાએ જઈ રહી હતી. ત્યાં જવાનો નિર્ણય તો એણે કરી લીધો હતો. પણ ત્યાં જઈને વાત શું કરશે? એ એણે વિચાર્યું ન હતું. કારણ કે, આવી પરિસ્થિતિ ક્યારેય અપર્ણા સામે ઉદભવી જ ન હતી. એણે તો સપનામાં પણ વિચાર્યું નહીં હોય, કે એ ક્યારેય મુંબઈ માફિયાને મળવાં જશે. એ પણ એનાં ખુદનાં ભાઈનાં કિડનેપ થવાનાં કારણને લીધે.
અપર્ણા કોઈથી ડરી જાય, એવી છોકરી બિલકુલ ન હતી. છતાંય આજે પરિસ્થિતિ થોડી અલગ હતી. એટલે એને થોડું વધારે પડતું વિચારવું પડતું હતું. છતાંય એ મનથી કોઈ કાચી પોચી છોકરી ન હતી. એનાં પપ્પા કમિશનર હતાં, એટલે એણે ઘણાં હથિયારો જોયાં હતાં. મુંબઈ આવ્યાં પછી છ મહિનાની અંદર ઘણાં એવાં લોકો પણ જોયાં હતાં. જે મનથી બહું જ હલકાં વિચારો ધરાવતાં હતાં. અપર્ણાએ એવાં લોકોને પોતાની રીતે હેન્ડલ પણ કર્યા હતાં. હવે આજની પરિસ્થિતિ એ કેવી રીતે હેન્ડલ કરશે? એ જોવાનું બાકી હતું.
જ્યાં અપર્ણા પોતાનાં વિચારોમાં ડૂબેલી હતી. ત્યાં જ શિવ હવે એકદમ સ્વસ્થ હતો. એ એની જ ધુનમાં જીપ ચલાવી રહ્યો હતો. થોડીવારમાં જ જીપ મુંબઈનાં એક વિશાળ બંગલો સામે આવીને ઉભી રહી. ઘરની ફરતે અને ટેરેસની ફરતે કેટલાંય સિક્યોરિટી ગાર્ડઝ હાથમાં મશીનગન સાથે તૈનાત હતાં. શિવની જીપ આવેલી જોઈને ઘરનાં એન્ટ્રેસ ગેટ પર ઉભેલાં એક ગાર્ડે કંઈક હલનચલન કરી, પણ શિવનો ઈશારો મળતાં જ એ એની સ્થિતિમાં જ ઉભો રહી ગયો.
અપર્ણાનું ધ્યાન શિવ પર ન હતું. એ જીપમાંથી નીચે ઉતરીને બંગલો જોઈ રહી હતી. બંગલો જોતાં જોતાં જ એ ધીમાં ડગલે આગળ વધી. એન્ટ્રેસ ગેટ પર ઉભેલાં ગાર્ડે ગેટ ખોલીને એને અંદર જવાં ઈશારો કર્યો. અંદર પ્રવેશતાં જ એક નાનો એવો રસ્તો હતો. એની બંને બાજુ કટિંગ કરેલું લીલું ઘાસ ઉગેલું હતું. જમણી તરફ પાર્કિંગ હતું. ડાબી તરફ ગાર્ડન આવેલું હતું. જ્યાં બેસવા માટે એક ટેબલની ફરતે ચાર ખુરશીઓ ગોઠવેલી હતી. ટેબલ અને ખુરશીઓ ઢંકાઈ જાય એટલી મોટી છત્રી પણ લગાવેલી હતી. ત્યાં પડેલી બે ખુરશીઓ પર બે વ્યક્તિ બેઠાં હતાં. અપર્ણાને ક્યાં જવું? કંઈ સમજમાં નાં આવ્યું.
"એ જ અમારાં બાપુ છે. જાવ જઈને મળી લો." એક વ્યક્તિએ પાછળથી આવીને, અપર્ણાની બાજુમાં ઉભાં રહીને કહ્યું. એ દેખાવે નોર્મલ જ હતો. એનાં હાથમાં કોઈ હથિયાર ન હતું. એ આગળ આગળ ચાલતો થયો, અને અપર્ણા એની પાછળ દોરવાઈ, "બાપુ! અપર્ણા શાહ." એણે ખુરશી પર બેસેલા એક વ્યક્તિને કહ્યું. સફેદ ખાદીનો ઝભ્ભો, એની ઉપર ભૂરી કોટી, પગમાં ભૂરાં કલરની મોજડી પહેરેલાં એ વ્યક્તિએ અપર્ણા તરફ જોયું. પણ અપર્ણાની નજર તો ત્યાં પડેલાં ટેબલ પર બિછાવેલી શતરંજની રમત પર હતી.
"તો તમે આ રમતની જેમ અસલ જીવનમાં પણ શતરંજ રમતાં સારી રીતે જાણો છો." અપર્ણાએ અચાનક જ કોઈ તીર કમાનમાંથી છૂટે, એવી નજર જાગા બાપુ તરફ કરી, "આખરે શાં માટે મારાં ભાઈને કિડનેપ કર્યો છે? શું વેર છે, તમારું અમારાં પરિવાર સાથે?" એણે બાપુની આંખમાં આંખ પરોવીને સણસણતો સવાલ પૂછ્યો.
"તારી મને મળવાની ઈચ્છા હતી. તું અહીં આવી ગઈ. તારો સવાલ પણ તે પૂછી લીધો. હવે મારી વાત સાંભળ. પહેલાં નિરાંતે બેસ." બાપુએ પ્રેમથી અપર્ણા તરફ જોઈને, એને બેસવા ઈશારો કર્યો. અપર્ણાનાં પપ્પાની ઉંમરના જાગા બાપુની આંખોમાં અપર્ણાને એક અલગ જ વ્હાલ નજર આવ્યું. જેણે એને શાંત રહેવા અને બેસવા મજબૂર કરી દીધી. એ બેસી પણ ગઈ. છતાંય એની નજર હજું પણ શતરંજની રમત પર જ હતી. એણે કંઈક વિચારીને બાપુની સાથે રમતાં વ્યક્તિ તરફથી એવી ચાલ ચાલી, અને સીધી જ ચેકમેટની પરિસ્થિતિ ઉભી કરી દીધી. એ જોઈને બાપુનાં ચહેરાં પર થોડું હાસ્ય આવી ગયું.
"આ રમતનો એક નિયમ છે. તમે તમારાં જ પ્યાદાને મારી નાં શકો." બાપુએ સહેજ સ્મિત સાથે કહ્યું, "તારો ભાઈ એક પ્યાદો છે, એ હાલ સુરક્ષિત છે. પણ મારી પાસે નથી." એમણે ગાર્ડનમાં બેઠાં બેઠાં સામેની તરફ દેખાતાં એન્ટ્રેસ ગેટ તરફ નજર કરીને ઉમેર્યું, "જેમ મેં કહ્યું, આ રમતનો એક નિયમ છે. એમ જ એ નિયમ માત્ર આ રમત માટે છે. એટલે તારો ભાઈ હાલ સુરક્ષિત છે, પણ ગમે ત્યારે એનો જીવ જોખમમાં આવી શકે છે. જેની જવાબદારી અમદાવાદનાં કમિશનર જગદીશ શાહની રહેશે."
"મતલબ? તમે કહેવા શું માંગો છો?" અપર્ણાએ એક ઝટકા સાથે પૂછ્યું.
"તારાં કાકા સાથે કોઈની જૂની દુશ્મની છે. નિખિલ હાલ એ વ્યક્તિની પાસે જ છે." બાપુએ કહ્યું, "એની અમુક માંગ છે, એ તારાં પપ્પા પૂરી કરી દે. તો તારો ભાઈ સહી સલામત તમને મળી જાશે. નહીંતર.." એમણે વાક્ય અધૂરું જ છોડી દીધું.
"નહીંતર શું? તમને આટલી બધી જાણકારી છે. મતલબ તમે પણ એમની સાથે મળેલાં જ હશો." અપર્ણા અચાનક જ ઉભી થઈને, ઉંચા અવાજે બોલવાં લાગી.
અપર્ણાનો અવાજ એન્ટ્રેસ ગેટ પર ઉભેલાં શિવનાં કાને પડતાં જ એ અંદરની તરફ દોડી આવ્યો. એ દોડીને તરત જ બધાંની વચ્ચે આવી ગયો. એની અને બાપુની નજર એક થઈ, ઈશારામાં જ અનેક વાત થઈ, અને શિવ જેટલી ઉતાવળ સાથે આવ્યો હતો. એટલો જ અચાનક ટાઢો પડી ગયો. એ પોતાનાં બંને હાથ જોડીને પગને અડાડીને ઉભો રહી ગયો.
"જો આ બધાંમાં હું સામિલ હોત. તો અત્યારે તું અહીં નાં હોત." બાપુએ સ્વસ્થ અવાજે કહ્યું.
"તો તમે મને પણ કિડનેપ કરી લીધી હોત અને મારી સાથે કંઈ ખરાબ...."
"બસસસ...એકદમ ચુપ." અપર્ણા આગળ કંઈ કહે એ પહેલાં જ અચાનક જ શિવે ઉંચા અવાજે કહ્યું, "મેં તને અહીં લાવીને જ ભૂલ કરી દીધી. મને હતું કે તું સમજદાર હશે. પણ નહીં એ મારી ભૂલ હતી. બાપુએ કહ્યું, કે એમણે તારાં ભાઈને કિડનેપ નથી કર્યો, તો બસ નથી કર્યો."
"તો તું પણ આમની સાથે મળેલો છે." અપર્ણાએ આંખોમાં ગુસ્સા સાથે શિવ તરફ જોયું, "અરે હા, તે દિવસે સવારે તારાં મોબાઈલ પર કોઈ બાપુ નામનાં વ્યક્તિનો જ કોલ આવ્યો હતો, અને તે અચાનક જ મારાં હાથમાંથી મોબાઇલ છીનવી લીધો હતો. ક્યાંક એ આ બાપુ જ તો નથી ને?" એણે અચાનક જ પૂછ્યું.
"હાં, એ આ બાપુ જ છે. જગજીતસિંહ જાડેજા ઉર્ફે જાગા બાપુ, અને હું એમનો દીકરો શિવરાજસિંહ જાડેજા." શિવે અચાનક જ એક જાતનો ગર્વ અનુભવતાં કહ્યું, "આજે તું અહીં હાજર છે, તો મારાં અને મારાં બાપુનાં કારણે જ છે. એ રાતે ભલે તું મને રોડ પરથી ઉઠાવીને તારી ઘરે લઈ ગઈ હતી. પણ ખરેખર ત્યારે મારાં લીધે તારો જીવ બચ્યો હતો. જો એ દિવસે તે મારી મદદ નાં કરી હોત, તો આજે તારાં ભાઈની જગ્યાએ તું પોતે હોત." એણે આંખો બંધ કરીને પોતાની જાતને શાંત કરી, અને આંખો ખોલીને આગળ ઉમેર્યું, "એ રાતે મુના બાપુનાં આદમીઓ તને કિડનેપ કરવાં આવ્યાં હતાં. પણ મને તારી સાથે જોઈને, એ લોકો જતાં રહ્યાં. આ બધી બાબતની જાણ મને ગઈ કાલે સવારે મારાં બાપુએ કરી. એ રાતે એ તને કિડનેપ નાં કરી શક્યાં, એટલે ગઈ રાતે એણે તારાં ભાઈને કિડનેપ કરી લીધો." કહીને શિવે પોતાની વાત પૂરી કરી.
શિવની વાત સાંભળીને અપર્ણાનું મન ખરેખરું ચકડોળે ચડ્યું. એની સમજમાં કંઈ આવી રહ્યું ન હતું. આ બધું શું થઈ રહ્યું હતું? શાં માટે થઈ રહ્યું હતું? એને કંઈ જ મગજમાં બેસતું ન હતું. એવું તો એનાં પપ્પા અને કાકાનું શું રહસ્ય હતું? જે પોતે જાણતી ન હતી, અને આજે એમનાં લીધે બંને ભાઈ બહેનનો જીવ જોખમમાં હતો. આ બધી વાતોએ અપર્ણાને અંદર સુધી હચમચાવી નાંખી હતી. જગદીશભાઈ અપર્ણાને મુંબઈ આવવાં દેવાં માંગતા ન હતાં. એની પાછળ ક્યાંક આ કારણ જ જવાબદાર ન હતું ને? અપર્ણાને અત્યારે રહી રહીને એ સવાલ જ સતાવતો હતો. એમાંય હવે આ મુના બાપુનું શું ચક્કર હતું? એ સમજવાની એની ક્ષમતા ન હતી.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"