Sheds of pidia - lagniono dariyo - 19 in Gujarati Short Stories by Herat Virendra Udavat books and stories PDF | શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 19 - શ્રદ્ધા

Featured Books
Categories
Share

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 19 - શ્રદ્ધા

શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ: લાગણીઓનો દરિયો
પ્રકરણ 19 : "શ્રદ્ધા"

"ચોમાસું બરાબર જામ્યું હતું,
સાંબેલાધારે વહ્યા પછી વરસાદ એ થોડો વિરામ લીધો હતો.

રાત ના ૨ વાગ્યા નો સમય,
હોસ્પિટલ થી ફોન આવ્યો,
"સર એક ન્યૂ બોર્ન બાળક છે,
હજી હમણાં જ ડીલીવર થયું છે, પણ સીક્રેશન બહુ જ આવે છે.

હોસ્પિટલ જઈને જોયું તો ૨ મહિલાઓ આ નાનકડા ફૂલ જેવા બાળક ને ખોળા માં લઈને ચેહરા પર તીવ્ર ચિંતાઓ સાથે ઊભી હતી.

તપાસ કરતા માહિતી મળી કે, કોર્ડ ( ગર્ભ નાળ) બાળક ના ગરદન ની ફરતે વીંટળાઈ ગયો હતો અને તેની હાર્ટ બીટ માં ડ્રોપ આવ્યા, અને ફિટલ ડીસ્ટ્રેસ થતાં તાત્કાલિક સિઝેરિયન કરવામાં આવ્યું.
ઓક્સિજનનું લેવલ ચેક કરતા માલુમ પડ્યું કે, કોર્ડ ના પ્રેશર ના લીધે હાયપોકસિયા( જરૂરી માત્રા કરતા ઓક્સિજન ની ટકાવારી માં ઘટાડો) થયું જેના લીધે બાળક ને શ્વાસ લેવામાં તકલીફ વધતી જતી હતી.
તાત્કાલિક બાળક ને કાચ ની પેટી માં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી

જે ૨ મહિલાઓ બાળક ને લઈને ઉભી હતી તેમને મારી કેબિન માં બોલાવી,

"સાહેબ , અમે તો આ બહેન ના પડોશ માં રહીએ છીએ.
આ બહેન બિચારા એકલા છે, તેમનો ખાલી એક ભાઈ છે.
હમણાં હોસ્પિટલ એ પોહચતો જ હશે.
તમે એને બાળક ની બિમારી સમજાવીને આગળ નો નિર્ણય લેજો."
૧ બહેન મને જોઈને આટલું બોલ્યા.

"તો બાળક ના પિતા ક્યાં છે?"
મે સામો સવાલ કર્યો.

"સાહેબ, આ કોરોના.
બિચારી આ બહેન ના ઘરવાળા ને ૩ મહિના પેહલા જ ભરખી ગયો."
નિસાસા સાથે તે બહેન બોલ્યા.

લાચારી ની પરાકાષ્ઠા હતી.

મારા થી આગળ કઈ જ ના પૂછી શકાયું.

થોડાક સમય માં તેનો ભાઈ આવે છે.
મે બાળક ની તમામ પરિસ્થિતિ તેને સમજાવી.

તેણે કહ્યું,
"સાહેબ બચાવવાનો પ્રયત્ન કરજો,
આર્થિક પરિસ્થિતિ મારા જીજાજી ના ગુજરી ગયા પછી વધારે કફોડી બની ગઈ છે.
મારો પણ ધંધો આ કોરોના માં બંધ થઈ ગયો છે.
તમને મોઢે કહું છું પણ સારવાર નો ખર્ચ મારા થી આપી શકાય એમ નથી."

જીવન માં ઈશ્વર ક્યારેય કોઈને આવા દિવસો ના બતાવે.

"પૈસા નું અત્યારે ના વિચારો,
પેહલા આ બાળક ની સારવાર કરીએ."

મે ફક્ત આટલો જ જવાબ આપ્યો.

એક નવજાત બાળક જે ક્યારેય પોતાના પિતા ને આ જનમ માં નથી જોવાનું તેની માટે અમારી આખી હોસ્પિટલ ની લાગણીઓ વિશેષ ભાવે જોડાઈ ગઈ હતી.

૨ દિવસ ની ઓક્સિજન ની સારવાર નો સીધો ફરક હવે દેખાઈ રહ્યો હતો.
શ્વાસ બાળક ના સુધરવા લાગ્યા હતા પણ પ્રશ્ન હતો વોમિટીંગ નો. ( Feed intolerance).

એક માં નો તેના બાળક ને થતો સ્પર્શ કદાચ સંજીવની જેવું કામ કરે છે.
હૂંફ અને લાગણીઓ માં કદાચ દવાઓ અને દુવા કરતા પણ વધારે તાકાત રહેલી છે.

૨ દિવસ બાદ જ્યારે બાળક ને તેની માતા ના હાથ માં આપવામાં આવ્યું તે વખત નું દ્રશ્ય હંમેશા મને યાદ રહેશે.
બાળક ને પોતાની છાતી સરીખું ભેટી ને અખૂટ વહાલ વરસાવતી તે માતા ને મે જોઈ.
આ કળયુગ માં નિસ્વાર્થ ભાવ થી વેહતી લાગણીઓ નું અનુપમ દ્ર્શ્ય મારી આંખો ની સામે હતું.
એ માતા અને તેના બાળક માં મને ઈશ્વર નો સાક્ષાતકાર થયો.

માતા પાસે જવાના ૨૪ જ કલાક માં વોમિટીંગ ની તકલીફ માં સુધારો થયો અને બાળક ની રિકવરી પણ ઝડપી થઈ.

"સાહેબ ,
૩ મહિના પેહલા મારા ધણી અમને ઓચિંતા મૂકીને ચાલ્યા ગયા.
એ આઘાત ઘણો ભારે હતો. કઈ સમજાતું જ ન હતું.
અને એમાં આ ડિલિવરી વખતે નાયડો ફસાયો,
મારા બાળક ની જિંદગી જોખમ માં મુકાઈ ગઈ.
ઓપરેશન માં લઈ ગયા એ પેહલા મે ડૉ. નયન સર ને કીધું હતું કે,
"ઈશ્વરે મારી ઘણી કસોટી કરી, મારું સર્વસ્વ છીનવી લીધુ."
એમણે સિઝેરિયન કરી તરત બાળક ને મને બતાયું અને કહ્યું,
'હિંમત ના હારીશ,
લે ઇશ્વરે તને આ બાળક રૂપે સર્વસ્વ પાછું આપી દીધું.'
અને તમે સાહેબ આટલી મેહનત કરીને મારું આ બાળક બચાવી લીધું.
તમારો આભાર આખી જિંદગી નહિ ભૂલી શકું."

બાળક ને રજા આપવાની હતી તે દિવસે તે બહેન વડે બોલેલા આ શબ્દો મને અક્ષરસઃ યાદ છે.

દર ૧૫ દિવસે બાળક ને બતાવા તે આવતી,
આજે જોત જોતા આ વાત ને ૬ મહિના વીતી ગયા.

"સાહેબ ,
આ ઢીંગલો હવે ૬ મહિનાનો થઈ ગયો.
એને લઈને અમદાવાદ રેહવા જવાની છું.
અહી મારા કોઈ સગા નથી.
ત્યાં એક મોટા બંગલા માં ઘરઘાટી ની નોકરી મળી ગઈ છે."
ખુશ થતા તે બહેન બોલ્યા.

"તો તો હવે આ ઢીંગલો મને મળવા નહિ આવે એમ ને?"
મે હસતા હસતા કહ્યું.

"ના ના સર,
ભલે ભાડું થતું,
એને કઈ તકલીફ થઈ તો બતાવવા સરખેજ થી વિરમગામ ભાડું ખર્ચીને આઈશ.
પણ બતાઈશ તો અહીંયા જ."
તે બહેન બોલ્યા.

બાળક ના માટે સાચા ભાવે કરેલી મેહનત નું વળતર આ બહેન ને આ છેલ્લા વાક્ય માં મને આપી દીધું હતું.
એમનો ડોકટર તરીકેનો મારા પર નો ભરોસો મારા માટે હંમેશા અમૂલ્ય રેહશે.

ડો. હેરત ઉદાવત.