પીઠી (-૮ )
આજ સમાયરાની પીઠી હતી. આવતી કાલે લગ્ન. ઘણી બધી કઠિનાઈઓ, જાતિવાદ, ઊંચનીચનાં, કેટકેટલાય પડકારો બાદ કાલ બન્નેના જીવનની સોનેરી સવાર થશે એ વિચારે આજ સમાયરાને ઊંઘ નહોતી આવતી એટલે એણે બાલ્કનીમાં થોડીવાર ઊભા રહેવાનો વિચાર કર્યો. પીઠીમાં આવેલા મહેમાનો તરફથી એણે સાંભળ્યુ હતુ કે બોર્ડર પર લડાઈ શરૂ થઈ ગઈ છે. એને મનમા હાશકારો થયો કે એનો પ્રેમ એનો થનારો પતિ કુલદિપ લગ્ન હોવાથી હમણાં ઓફ ડ્યુટી છે. આવતી કાલે કુલદિપ બારાત લઈને એને લેવા આવશે એ વિચારે એના શરીરમાં જણજણાટી ફેલાવી દીધી. પણ મન શંકા અશંકાનાં વમળમાં અટવાતા એણે કુલદિપ જોડે વાત કરવા એને ફોન કર્યો.
પણ.....
સમાયરાની પીઠી ચોડેલી સુંદર પીળી સાંજ, સરહદી જંગની કાળી રાત બની ગયી. સમાયરાની સુની આંખ હજુ કુલદિપને શોધે છે.
સંસ્કાર (-૯ )
કલ્પના બેન એમની વહુ કામિનીને દરેક નાનીમોટી વાતમાં ટોન્ટ મારતા, અમે તો આમ કરતાં, તેમ કરતા. વહુઓને તો સાસુ સસરાને માતા પિતાની જેમ સાચવવા જોઈએ, ને વડીલોના આશીર્વાદથી ઘર સુખી બને છે. આવું તો ઘણું બધું રોજનું થઈ ગયું હતું. કામિની રોજ શાંતિથી બધું સાંભળે જાય.
આજ સવાર સવારમાં જ કામિનીના પતિ પર કોકનો ફોન આવ્યો, કે એની બહેન એટલે કે કલ્પના બેન ની દીકરીને પોલીસ પકડીને જેલ લઈ ગયી છે, કેમકે એમનાં સાસુ સસરાએ એમની વહુ એટલે કે કલ્પના બેન ની દીકરી વિરૂદ્ધ ડોમેસ્ટિક વાયલેન્સનો કેસ દાખલ કર્યો છે.
કોનાં સંસ્કાર નબળા (-૧૦ )
રમેશ અને સીતા આજ એક વૃદ્ધાશ્રમમાં પોતના અંતિમ દિવસો ગણી રહ્યાં હતા. સીતાને ટીબી અને ગર્ભાશયનું કેન્સર જાહેર થતા દિકરા અને વહુએ એમને ઘરમાંથી પાણીચું આપી દિધું. ફકત પેરેલ બે લુગડે ઘરમાંથી કાઢી મુક્યા. બન્ને પોતાની કિસ્મત અને કર્મોને દોષ આપતા રખડતા ઢોરો માફક આશરો નામના વૃદ્ધાશ્રમ આગળ આવ્યા. પટાવાળાએ એમને અંદર મેનેજર પાસે મોકલ્યા. ને મેનેજરે વગર કોઈ સવાલ કરે બન્ને માટે રૂમ ની અને સીતા માટે દવાની વ્યવસ્થા કરી આપી.
રાત્રિ ભોજન દરમ્યાન ભોજનાલયમાં જતા સીતાનો પગ આખડે છે, એ પાડવાની જ હોય છે ત્યાં એક સ્ત્રીએ એને સાચવી લીધી. ધીરેકથી ઊભી થઈને સીતાએ એ સ્ત્રીનો આભાર માનવા નજર ઉપર કરી ત્યા તો મોઢેથી શબ્દો સર્યા વનીતા વેવાણ તમે. ( વનીતા એટલે સીતાની પુત્રવધૂ ની મા).
બન્ને પક્ષે મૌન અને આંખે આંસુડાની ધાર. બન્ને પોતાના ઈશને પુછે છે, કોનાં સંસ્કાર નબળા!!!
મુખોટુ -૨ (-૧૧ )
કુમાર સાહેબ આજે એક શાળાની વ્યાખ્યાન માળામાં વ્યાખ્યાન આપવા ગયા હતા. વિદ્યાર્થીઓને ખુબ ભણવાનું, ભણી ગણીને આગળ વધવાનાં ખુબ સારા ભાષણો આપતા હતા. કોઇની નીચે દબાવાનું નહિ, કોઈનું ખોટું સંભડવું નહિ, એવા તો કેટકેટલાય વિશ્લેષણો આપીને થાકીને ઘરે ગયા. ઘરે પોચતાં એમના નોકર મન્નુને બુમ પાડીને બોલાવે છે. થોડી વાત વાત જોયા બાદ પણ મન્નુ બહાર ન આવતા એની ઓરડીમાં જઈને જુએ છે. સાહેબને પોતાની ઓરડીમાં આવેલ જોઈને બાર વર્ષનો મન્નુ પોતાના ચોપડાં બાજુ પર મુકી કઈક બોલવા જાય છે, ત્યાંજ કુમાર સાહેબની જોરદાર લાત કુમળા પેટ પર વાગે છે. ને મુન્નુ ઊભો થઈ આંખો લુંછીને ઉપરવાળા ઈશ્વરને ફરિયાદ કરે છે.
બદદુઆ (-૧૨)
આશિષ અને રુક્સત કૉલેજમાં સાથે ભણતા. નોટ્સની આપ લે કરતા બન્ને એકબીજાને દિલ પણ દઈ બેઠા. સંસાર માંડવાના અભરખા અને સપના વચ્ચે બન્ને નાત જાત નો ભેદ પન ભુલી ગયા. બન્ને પરિવારોના સખત વિરોધ અને પાબંદિયોના દરેક બેડલા તોડીને બન્ને ઘરેથી ભાગીને બીજે શહેર જઈને લગ્ન કરશે એ નક્કી કરીને ઘરેથી ભાગ્યા. નિયત કરેલા સ્થળે પહોંચ્યા. એક મિત્રના સંબંધીને મંદિરમાં લગ્ન ની તૈયારીઓ કરવા માટે કહે છે. પણ એ રાજનીતિમાં હોય છે.
હાથ આવેલ સુવર્ણ તક વેડફવાને બદલે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જેથી આવનાર ચુંટણીમાં આસાનીથી વિજય મેળવી શકાય એ હેતુથી એણે યોજના ઘડી. મંદિરમાં લગ્ન ગોઠવ્યા સાથે મીડિયા અને પોલિસને પણ બોલાવી રાખ્યા. જ્યાં આશિષ અને રુકસત આવ્યા એટલે તરતજ પોલીસે આશિષને અરેસ્ટ કરી લીધો. અને પેલા રાજનેતાએ મીડિયા સમક્ષ દાવો કર્યો કે છોકરીને જબરદસ્તી ભગાડીને હિન્દુ ધર્મ અંગીકાર કરાવવામાં આવે છે. આશિષ અને રુક્સ્ત પોતાના પ્રેમની દુહાઈ આપતાં રહ્યા, પણ એમનું કોઇએ સાંભળ્યુ નહિ. બન્ને પ્રેમી અલગ થઈ ગયા, ને એ દાઝેલી આંતરડાની બદદુઆ નીકળી. બીજે દિવસે ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યુઝ હતા, જાણીતા રાજનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ....
માતૃત્વ કે મૃત્યુત્વ??(-૧૩)
વીસ વીસ વર્ષના સુખી દામ્પત્ય જીવનમાં વીણા અને સંજયને બસ એકજ વાતની ખોટ હતી. ને એ હતું એમનું સુનું આંગણ. વીસ વીસ વર્ષે પણ પારણું બંધાયું નહિ. બધા રીપોર્ટસ, નોર્મલ. કોઈ મંદિર કોઈ દરગાહ, કોઈ બાધા કોઈ માનતા મૂકી નહોતી બન્નેએ. પણ ભગવાન ક્યાંક રિસાયો હશે એવું માનીને બન્નેએ પરિસ્થિતિ સહર્ષ સ્વીકારી લીધી હતી.
હવે તો બન્નેએ આશા પણ મૂકી દીધી હતી કે કઈક થશે. પણ આ વખતે વીણાએ મહિનો ચુક્યો. થોડા દિવસ તબિયત પણ નરમ ગરમ રહેતી. લગભગ પંદરેક દિવસે બન્ને ડૉક્ટરને બતાવવા ગયા. ડોક્ટરે વીણા મા બનવાની છે એવા સમાચાર આપ્યા, પણ સાથે કમ્પ્લીટ બેડ રેસ્ટ સાથે વિશેષ ધ્યાન રાખવા કહ્યું. બન્ને ડોક્ટરનો આભાર માનીને સહર્ષ ઘરે આવ્યા. આજ ફરી બન્નેએ સુવર્ણ સપનાં સજાવ્યા. દિવસો વિતતા ગયા ને વીણાને કોમ્પલેક્શન વધતા ગયા. સાતમા મહિને જ ડિલિવરી કરવી પડશે, એવું ડોક્ટરે કહ્યું. પણ કોમ્પલેક્ષના લીધે બન્ને માંથી કોઈ એકજ બચશે, ને સંજય જે કહેશે એને ડોક્ટર બચાવવાની કોશિશ કરશે, એવું સંજયને કેહવામાં આવ્યું. સંજયે વીણાને બચાવવા કહ્યું. ઓપરેશન પુરું થયું, ને સંજયના કાને આવાજ અથડાયો, છોકરી થઈ છે પણ......!!!😞😞
સ્વછંદી (-૧૪ )
નિતિન અને નીતા જુડવા ભાઈ બહેન. બન્નેનો એકબીજા પર અપાર પ્રેમ. જો કોઈ બન્નેની વચ્ચે આવ્યું તો તો બાપા એની ખેર નહી એવી હાલત કરે. સમય જતાં નીતા નિતિન પર પોતાનો હક અને વર્ચસ્વ જતાવવા લાગી. નિતિન બેનનો પ્રેમ અને અધિકાર સમજી કંઈ બોલતો નહિ. બન્નેના લગ્ન પણ નીતાની જીદ ને લિધે એકજ પરિવારમાં થયા. બન્ને ઠેકાણે લાડલી હોવાના કારણે કોઈ કઈ કહેતું નહિ એટલે નીતા એકદમ બેબાક અને તોછડી બની ગયી હતી. પોતાની ભાભી પોતના કે એના ભાઈ પર અથવા ઘર પર હક થી કઈ કામ કરે એટલે નીતા તરત જ પોતાના તુત બતાવે.
ભાઈબીજનાં દિવસે નીતા પોતે પિયર આવી પણ એની ભાભીને પિયર ન જવાનો ઓર્ડર લઈ આવી. પોતાની પત્નીને આમ તહેવાર નાં દિવસે રડતો જોઈ નિતિનએ નીતાને અલગજ ભેટ આપવાનું નક્કી કર્યું. ભેટમાં એક નાનકડી ચિઠ્ઠી હતી.
( બેની તું ને હું ભાઈ બહેન તો આજીવન બની રહ્યાં, પણ તું નણંદ કે ભાભી ન બની શકી ).
મંદબુદ્ધિ કોણ!!! (-૧૫ )
પાંત્રીસ વર્ષની મંદબુદ્ધિ,( માનસિક રોગી,) મીરાં. શરીરે એકદમ હૃષ્ટ પુષ્ટ, દેખાવડી, પણ મગજથી પાંચ વર્ષના બાળક જેવી. એની નિર્દોષ નિખાલસ વાતો અને મીઠડી કાકલૂદી આપણને એની બાજુમાં બેસવાને મજબુર કરી દે એવી.
આજ મીરાં એની મા કુસુમ સાથે બેસીને ટીવી જોઈ રહી હતી. એમાં વચ્ચે આવતી જાહેરાતોમાં આજ એક બિભત્સ અશ્લિલ જાહેરાત જોતા, મીરાં બોલી, મમ્મી આકેવું ગંદુ હોય છે. મને નથી ગમતું, તું મહેશ અંકલને નાં પાડજે આવું કરવાને. નહિ તો હું એમને ત્યા નહિ જાઉં. ને કુસુમના પગ તળેથી જમીન સરકી ગઈ.