Jug Jug Jio in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | જુગ જુગ જિયો

Featured Books
Categories
Share

જુગ જુગ જિયો

જુગ જુગ જિયો

-રાકેશ ઠક્કર

ફિલ્મ 'જુગ જુગ જિયો' ને વધારે અપેક્ષા સાથે જોવામાં આવે તો નિરાશા મળે એમ છે. ફિલ્મમાં નવું કંઇ નથી અને રહસ્ય- રોમાંચ પણ નથી છતાં એક પારિવારિક અને સામાજિક ફિલ્મ તરીકે થોડું મનોરંજન આપતી હોવાથી થિયેટરમાં આનંદ આપી શકે છે. સાવ કંટાળો આપે એવી નથી એ પ્લસ પોઇન્ટ છે. સમીક્ષકોએ એક સામાન્ય ફિલ્મ ગણાવી છે. વરુણે 'જુગ જુગ જિયો' માં એક તરફ પત્નીથી પરેશાન અને બીજી તરફ પિતાથી પરેશાન 'કુકુ' ની ભૂમિકાને ભજવી જાણી છે. તેના ચહેરા પર એ પરેશાની દેખાય છે. અલબત્ત 'જુગ જુગ જિયો' ની જાન વરુણ ધવન નહીં પણ અનિલ કપૂર બની રહે છે. અનિલ 'ભીમ' ની ભૂમિકાને જીવી ગયો છે. વરુણ કરતાં અનિલની કોમેડી વધુ દમદાર છે. ફિલ્મ જ્યાં પણ નબળી પડે ત્યાં અનિલ એને સંભાળી લે છે. અનિલ ઘણી વખત પોતાના હાવભાવથી હસાવી જાય છે.

અનિલ કપૂર સાથે નીતુ કપૂરની જોડી જામે છે. બંનેના વર્ષોના અભિનયના અનુભવનો ફિલ્મને લાભ મળે છે. ટ્રેલર પરથી એમ લાગતું હતું કે વરુણ- કિયારાની ફિલ્મ હશે. અસલમાં અનિલ-નીતુની મુખ્ય ભૂમિકા છે. નીતુ પોતાની ભૂમિકાને સરળતાથી ભજવી ગઇ છે. નીતુએ ઉંમરને પોતાના પર હાવી થવા દીધી નથી. મનીષ પૉલ કેટલાક દ્રશ્યોમાં વરુણ પર ભારે પડતો દેખાય છે. તેણે કોમેડીથી રાહત આપવાનો સારો પ્રયત્ન કર્યો છે. તેણે સાબિત કર્યું છે કે માત્ર સારો હૉસ્ટ જ નહીં અભિનેતા પણ છે. કિયારા અડવાણીએ એક અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. તે વરુણ સાથે પોતાની ભૂમિકામાં ફિટ છે. કિયારાને જેટલા દ્રશ્યો મળ્યા એ બધામાં પ્રશંસનીય કામ કર્યું છે. નવોદિત યુટ્યુબર પ્રાજક્તા વરુણની બહેનની ભૂમિકામાં છાપ છોડી જાય છે.

નિર્દેશક રાજ મહેતાએ કલાકારો પાસે સારું કામ કરાવ્યું છે પણ એ સાથે સ્ક્રીપ્ટ પર મહેનત કરી હોત અને લંબાઇ ઓછી રાખી હોત તો દર્શકોના પૈસા વધુ વસૂલ થયા હોત. પહેલા ભાગમાં તે ફિલ્મને પંદર મિનિટ ટૂંકી કરી શક્યા હોત. કોઇ પ્રકારના ટ્વીસ્ટ કે ટર્ન વગરની સ્ક્રીપ્ટમાં ઘણી ખામીઓ છે. વાર્તા એવી છે કે બાળપણમાં પ્રેમ કરતા કુકુ(વરુણ) અને નૈના (કિઆરા) પાંચ વર્ષના લગ્નજીવન પછી એકબીજાથી અલગ થવાનું વિચારે છે. પણ કુકુની બહેન ગિન્નીના (પ્રાજક્તા) લગ્ન હોવાથી વાતને છુપાવવાનો પ્રયાસ કરે છે. અને નાટક કરે છે. ત્યારે કુકુને ખબર પડે છે કે પિતા (અનિલ) અને માતા (નીતુ) અલગ થવાની તૈયારી કરી રહ્યા છે. મામલો કોર્ટ સુધી પહોંચી જાય છે. વરુણ પાંચ વર્ષના લગ્નજીવન પછી કિયારાથી અને અનિલ વર્ષો પછી નીતુથી તલાક લેવા માગે છે એ વાત માત્ર સંવાદોમાં જ કહેવામાં આવી છે. એવા કોઇ દ્રશ્યો નથી કે પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતે ઝઘડા કે વિખવાદ થતા હોય. બે દંપતીના તલાકની વાત હોવા છતાં કોઇને દુ:ખ થાય એવા ગંભીર દ્રશ્ય પણ નથી. અનિલના પાત્ર માટે જે કહેવાય છે એ એના વ્યવહારમાં દેખાતું નથી. કોઇ દ્રશ્યમાં એવું સાબિત થતું નથી કે અનિલ-નીતુના લગ્નજીવનમાં સમસ્યા ચાલી રહી છે. અનિલ જ્યારે તલાક લેવાનો હોય છે ત્યારે પત્ની તરીકે નીતુ એને કોઇ પ્રશ્ન પણ પૂછતી નથી. અનિલનો ટિસ્કા સાથેનો રોમાન્સ વધારે પડતો મજાકીયા લાગે છે. એમાં ગંભીરતા દેખાતી નથી. એક જગ્યાએ વરુણ તેના પિતાના તલાકનો વિરોધ કરતો દેખાય છે અને બીજી વખત ચિલ્લાઇને માને તલાક આપવા માટે કહે છે. ફિલ્મના પાત્રો સ્ક્રીપ્ટથી અલગ વર્તન કરતા દેખાય છે. એ નિર્દેશકની સૌથી મોટી ભૂલ છે.

આ અગાઉ લગ્ન અને તલાકના વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી છે. રાજ પોતાની ફિલ્મને એનાથી કોઇ રીતે અલગ પાડી શકયા નથી. નિર્દેશક રાજ મહેતા અગાઉની 'ગુડ ન્યુઝ' ની જેમ વાર્તાને સરખી રીતે કહી શક્યા નથી. કહેવાતી કોમેડી ફિલ્મમાં હસીને બેવડ વળી જવાય એવા કોઇ દ્રશ્ય નથી. અમુક ભાગમાં હાસ્ય છે. તલાક જેવા ગંભીર મુદ્દામાં ઇમોશનનો અભાવ છે. પોણા ત્રણ કલાકની ફિલ્મમાં માંડ બે દ્રશ્ય એવા હશે જે દર્શકના દિલને સ્પર્શી શકે છે. ફિલ્મની વાર્તાની છેલ્લે સુધી કલ્પના કરી શકાય એવી છે. ક્લાઇમેક્સ અધુરો લાગે છે. કોઇ સ્પષ્ટતા મળતી નથી. નિર્માતાએ મલ્ટીસ્ટારર ફિલ્મમાં ભવ્ય સેટ રાખ્યા છે પણ સંગીતનું પાસું નબળું રહી ગયું છે. નવા ગીતો પર મહેનત કરવાનું ટાળીને ઉધાર લીધેલા ત્રણ રીમિક્સ ગીતો પર આધાર રાખ્યો છે. પાકિસ્તાની ગાયકનું 'નચ પંજાબન' અને શોભા ગુર્ટુનું 'રંગી સારી' સારું લાગે છે. તો જૂનું પંજાબી ગીત 'દુપટ્ટા' ઠીક છે. નિર્માતા કરણ જોહર દરેક ફિલ્મ પાછળ વધારે ખર્ચ કરે છે. પણ નવા ગીત યાદગાર બને એના પર ખાસ ધ્યાન આપતા નથી. એક સાફસૂથરી ફિલ્મ હોવાથી સમય અને પૈસા હોય તો પરિવાર સાથે એક વખત જોઇ શકાય એમ છે.